Follow by Email

Wednesday, August 17, 2016

"ધર્મ નિરપેક્ષતા" અનિવાર્ય કે અભિશાપ ?

૧૭ ઓગસ્ટ ૨૦૧૬ ના ઇન્ટરનેટ ઉપરના એક સમાચાર:-અમેરિકાના કોલોરોડો સ્પ્રિંગમાં આવેલ પીટરસન એરફોર્સ દળના મેજર સ્ટીવ લુઇસના  ટેબલ ઉપર
'બાઈબલ'નું પુસ્તક ખુલ્લું/ઉધાડું જોઇને મીલીટરી રીલીજીયસ ફ્રીડમ ફાઊંડેશનનો સ્થાપક માઈક વેઇનસ્ટન ભડકી ઉઠ્યો છે. માઈકે મેજર સ્ટીવ લુઇસને આ હરકત સબબ કડક સજાની માંગણી કરી છે.

૩૧૦ નંબરની સ્પેસ વિંગ ના કમાન્ડર કર્નલ ફેલ્ટમેન માને છે કે એરફોર્સના સ્ટાફને પોત પોતાનો ધર્મ જ્યાં સુધી બીજાને તકલીફ ના આપે ત્યાં સુધી પાળવાનો બંધારણીય હક્ક છે. જયારે માઈક વેઇનસ્ટનની દલીલ છે કે લુઇસે જ્યાં ઉઘાડું બાઈબલ મુક્યું છે તે ટેબલ અમેરિકાની મીલીટરીનું એટલેકે તેની પોતાની માલિકીનું નથી પણ અમેરિકન જનતાનું છે. વેઇનસ્ટન અમેરિકન દળોને 'ક્રિશ્ચયાન વિચાર ધારાથી' મુક્ત જોવા ઈચ્છે છે જેથી અમેરિકન દળો દુશ્મનો જોડે વધારે ઝનૂની રીતે લડી શકે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત બ્રિટીશરો ના શાશનથી મુક્ત થયું અને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેત્રત્વમાં બનેલ પહેલી સરકારે પશ્ચિમ જગતની 'ધર્મનિરપેક્ષતા'ની આ વિચારધારા અપનાવી અને તેનું ભૂત હજી પણ ભારતની ધરતી ઉપર ધૂણી રહ્યું છે. શાસ્ત્રો, મંદિરો, અને સંતોની પવિત્ર ભારત ભૂમિ માટે આ વિચાર ધારા અનિવાર્ય છે કે અભિશાપ એ દરેક દેશ પ્રેમી  ભારતીય નાગરિકે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

હમણાજ આપણે ૭૦મો સ્વત્રંતા દિવસ મનાવ્યો. આ દિવસે આપણે દેશના સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરીએ છીએ, ગાંધી બાપુને યાદ કરીએ છીએ પણ એક અજ્ઞાત વ્યક્તિના અમુલ્ય યોગદાનથી ભાગ્યેજ માહિતગાર છીએ, અને તે છે, BAPS સંસ્થાના સંત બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજ.

આફ્રિકાથી આવ્યા પછી બેરીસ્ટર એમ.કે.ગાંધી એ મીઠાના સત્યાગ્રહ કાજે  ૫ માર્ચ ૧૯૩૦ના દિવસે દાંડીયાત્રા કાઢેલ તે તવારીખ ઈતિહાસમાં નોંધાયેલ છે. પણ પછી એક અઠવાડિયા બાદ ૧૩ માર્ચ ૧૯૩૦ના દિવસે BAPS સંસ્થાના બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજને નવાગામમાં મળેલ ત્યારે નીચે મુજબ વાર્તાલાપ થયેલ.

ગાંધીજી :  "સ્વામીજી મારું ધ્યેય (દેશની આઝાદી) સફળ થાય તેવા આપ મને આશીર્વાદ આપો.
શાસ્ત્રીજી મહારાજે ત્યારે પાસે બેઠેલા જોગી મહારાજ તરફ દ્રષ્ટિ કરી કહ્યું કે -
"તમારા પ્રયત્નોથી દેશને આઝાદી મળે તે માટે અમારા આ જોગી હવે થી માળા-જપ કરશે. તમે જો ધર્મ અને નીતિ નિયમનું પાલન કરશો તો ભગવાન તમારું ધ્યેય અચૂક પાર પાડશે"

ત્યારબાદ  લગભગ ૧૭ વરસો સુધી BAPS સંસ્થાના અગ્રગણ્ય સંતવર્ય શ્રી યોગીજી મહારાજે દેશની આઝાદી કાજે માળા ફેરવી. આખરે દેશ આઝાદ પણ થયો પણ પછી શું બન્યું ? નહેરુજી એ દેશને "ધર્મ નિરપેક્ષ" કર્યો અને આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ તેમ "નીતિ નિયમો" નો પણ ધ્વંસ થયો. આજના ભારતમાં પ્રવર્તમાન ઘણા ખરા હિંદુ ધર્મોમાં માંસાહાર અને મદિરાનો નિષેધ છે. જૈન, વૈષ્ણવ અને સ્વામિનારાયણ  જેવા સંપ્રદાયમાં તો ડુંગળી-લસણનો પણ નિષેધ છે. છતાં આજે કેટલા લોકો તેનું પાલન કરે છે ?  ધર્મ-નિરપેક્ષતાની વિચાર-ધારાએ ફરી એક વખત દેશને દંભી, સત્તા લાલચુ અને બે-ઈમાન રાજકારણીઓની ગુલામીમાં ધકેલી દીધો છે.

આ વિકટ પરિસ્થિતિથી દેશના સામાન્ય માનવીને બચાવવાની ફિકર અને ઈલાજ કોની પાસે છે ? તેનો જવાબ મારી માન્યતા મુજબ છે - "આપણા શાસ્ત્રો, મંદિરો અને સંતો."

હમણાંજ આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાતંત્ર્ય દિવસ નીમ્મીતે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવી રાષ્ટ્રજોગ પ્રવર્ચન વિધિ પતાવી, તુરંત સારંગપુર ધામ આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનું  કારણ હતું ભારતના સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવાનું.
ધર્મ-નિરપેક્ષતા નો ઢોલ પીટતા રાજકારણીઓ અને ઈતર ધર્મના લોકોને કદાચ તેમની આ ચેષ્ટા નહિ ગમી હોય. પણ તેમના પ્રાસંગિક પ્રવર્ચનમાં તેમણે જે પોતાની કેટલીક અંગત વાતો કરી તેની ભારતના દરેક નાગરિકે વિશેષ નોંધ લેવા જેવી છે.

સૌ પ્રથમ તો તેમણે આંસુ ભીના વદને શોક વ્યક્ત કર્યો કે BAPS ના અનુયાયીઓએ  તેમના ગુરુ ગુમાવ્યા
છે, પણ મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે. આજ સંદર્ભમાં તેમણે આગળ જણાવ્યુ કે ૨૦૦૦ના વરસમાં જયારે મને કોઈ ઓળખતું પણ નહિ, ત્યારે યમુના તીરે દિલ્હી અક્ષરધામના ખાત-મુહુર્ત સમયે સ્વામીશ્રી એ મને આગ્રહ કરી મહાનુભાવો જોડે પૂજા વિધિમાં બેસાડ્યો. એટલુજ નહિ પણ અંતર્યામી પણે જાણ્યું કે મારી પાસે પૂજાવિધિ પછી ભેટ મુકવાના પૈસા મારા ખિસ્સામાં નથી એટલે તેની પણ વ્યવસ્થા કરી આપી. ત્યાર બાદ
સ્વામીશ્રીએ તેઓને એક પેન ઈલેક્શનના ફોર્મમાં સહી કરવા માટે ભેટ આપેલ તે હકીકતથી આપણે સૌ
વાકેફ છીએ. વળી તેમણે જણાવ્યું કે સ્વામીશ્રી મોદીજીના પ્રવર્ચનોની વિડીયો મંગાવી તેઓ કાંઈક બોલવામાં ભૂલ કરતા તો તે બાબતમાં પણ તેમને  મીઠો ઠપકો આપી સુધારતા.

મિત્રો હવે તમેજ વિચારો કે અત્યાર સુધી આપણામાંના કેટલા લોકો જાણતા હતા કે દેશની આટલી બધી ફીકર અને ખેવના આપણો કોઈ દેશનેતા નહિ પણ ભારતના સાધુ સમાજે જેમને સંત શિરોમણી તરીકે સ્વીકારેલ તે પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા.

દુનિયામાં શાંતિ અને સુખાકારી સ્થાપવા માટે આજે સૌથી વધારેમાં વધારે જરૂર છે, આપણા ભારતના શાસ્ત્રો,
મંદિરો અને પ્રમુખસ્વામી જેવા નિયમ-ધર્મમાં ચુસ્તતાના આગ્રહી સંતોની. માટે ધર્મ-નિરપેક્ષતાની કે મંદિરો ની શી જરૂરિયાત છે, તેવી મેડિયાની ગંદી અને વાહિયાત સંદેશો ફેલાવતા વ્હોટસએપ સંદેશાઓ થી ચેતતા રહેજો.  

 
   
  

   
      

     

Monday, August 15, 2016

ભારતના વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ ને શ્રધ્ધાંજલિ

             તારીખ ૧૫/૮/૨૦૧૬ - ભારતના સ્વતંત્ર દિવસના રોજ પોતાના અતિશય વ્યસ્ત કાર્યક્રમો માંથી સમય ફાળવી આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ વંદનીય  સંતવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના દેહ-વિલય બાદ તેમના અંતિમ દર્શન કરવા સારંગપુર આવી પહોંચ્યા હતા. 

              આ પ્રસંગે તેમના હ્રદયમાંથી ઉદભવેલ ભાવનાઓ નું એક અવિસ્મરણીય અને હૃદયંગમ પ્રવર્ચન અત્રે પ્રસ્તુત છે. આ પ્રવર્ચન સાંભળ્યા પછી જે લોકો સ્વામીશ્રીને યથાર્થ ઓળખી શક્યા હતા તે ધન્યતા અનુભવશે અને જે લોકો સ્વામીશ્રીને બરાબર ઓળખી ના શક્યા તેમણે ભારતમાં જન્મ લઇ કેવી સુંદર તક ગુમાવી દીધી તેનો અહેસાસ અનુભવશે.

             

          આ પ્રવર્ચન ગુજરાતી ભાષામાં હોવાથી અન્ય ભાષી લોકોને તો તેનો લાભ નહિ મળે. પણ હ્રદયના તારને ઝણ-ઝણાવતું આ પ્રવર્ચન દરેક ગુજરાતી ભાષા જાણકારે અચૂક સાંભળવું અને અન્ય મિત્રો ને પણ તેમ કરવા જણાવવું. 


              


              
               

 

        

    

Friday, July 29, 2016

'બ્રહ્મસત્ર' - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - (૧)


   
'બ્રહ્મસત્ર' / એપ્રિલ 2016
વક્તા: પુ.બ્રહ્મવિહારી સ્વામી 
સ્થળ : રાજકોટ  * આ પૃથ્વી ઉપર સત્પુરુષ અનિવાર્ય છે, અને એ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એ ગુણાતીત 
  સત્પુરુષ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે, અને એ સત્પુરુષના મન કર્મ અને વચને સમાગમ થકી જ આપણા માટે 
  મોક્ષનું દ્વાર ઉઘડશે, આ વાત દ્રઢ મનાય ત્યારે જ આ માર્ગમાં આગળ વધી શકાય.

*  ઉપનિષદ જણાવે છે કે આ આત્મા કહેતાક ને અક્ષરબ્રહ્મનું તત્વ પ્રવર્ચનો સાંભળવાથી  નથી સમજાતું.    
   જાજુ વાંચવાથી પણ નથી સમજાતું. કોઈના કહેવાથી નથી સમજાતું. બુદ્ધિ થી કે વિચાર કરવાથી પણ            
   નથી સમજાતું. એતો ફક્ત સત્પુરુષ જેને સ્વીકારે, જેની ઉપર કૃપા દ્રષ્ટિ કરે તેને જ સમજાય છે.

*  અક્ષરની અંદર જેવી ભગવાનની શક્તિ વહે છે તેવી બીજા કોઈ તત્વમાં વહેતી નથી. 

*  પ્રસ્તુત છે એક કલાક અને ૧૮ મિનીટનું એક મનનીય પ્રવર્ચન.

             

               

Thursday, June 23, 2016

પ્રમુખસ્વામી ની સાચી ઓળખ                ગુરુ શાસ્ત્રીજી મહારાજનું કહેણ આવતા ૧૮ વર્ષની નાની ઉંમરે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પહેલા બાળક શાંતિલાલે ગૃહત્યાગ કરી વતન ચાણસદ છોડી, ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે સાધુ નારાયણસ્વરુપદાસ થયા. આજે દેશના જ નહિ પણ પરદેશની નામાંકિત હાર્વર્ડ અને ઓક્સફર્ડ વિદ્યાલયો ના સ્નાતકો પોતાના વતન અમેરિકા અને ઈંગલાંડ છોડી તેમની પાસે દોડી આવે છે.  બીજે કશેજ નહિ શીખવા મળતી બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા કાજે દેશ પરદેશના ભણેલા-ગણેલા યુવકો હોંશે હોંશે તેમની ૯૦૦થી અધિક મુંડન કરાવેલ  ભગવા કપડાધારી સાધુ સમાજમાં જોડાઈ રહ્યા છે.
             
            તેઓના નામે કોઈ જ  બેંક એકાઉન્ટ નથી અને સ્વામિનારાયણ ભગવાને તેમની  શીક્ષાપત્રીમાં કરેલ આદેશ મુજબ પોતે કે તેમના કોઈપણ સાધુ પૈસા - કરન્સી નોટ્સ ને અડકતા પણ નથી. છતાં તેમના આદેશને માન્ય રાખી હરિભક્તોએ આપેલ દાનની રકમમાંથી તેમના માર્ગ દર્શન નીચે દુનિયાભર માં કરોડો રૂપિયાની લાગતથી અનેક ભવ્ય મંદિરો ફક્ત ભારત જ નહી, પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બન્યા છે. તેઓના આદેશ અને માર્ગ દર્શન નીચે ગાંધીનગર અને દિલ્હીમાં હિંદુ સંસ્કૃતિની શાન સમાં ભવ્ય અક્ષરધામ સંકુલ બન્યા છે અને હાલમાં અમેરિકામાં રોબીન્સવિલે - ન્યુ જરસી ખાતે એક વધુ અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે.
          

        તેમણે ઘરસંસાર માંડ્યો નથી કે નથી ક્યારે પણ કોઈ વેપાર ઉદ્યોગ વ્યવસાય કર્યો. તેમ છતાં તેમણે હજારો હરીભક્તો, આશ્રીતો અને આસ્તિકોના પત્રોના જવાબ લખીને તેઓના આર્થિક, સામજિક અને વિવિધ પ્રશ્નોના ઉકેલ સુચવી નિરાકરણ કરેલ છે. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની કે ધંધાકીય ભાગીદારો ના આંતરિક ઝગડાનો સૌને સ્વીકાર્ય એવો ઉકેલ શોધી આપેલ છે.
       
          તેઓની આ બધી સફળતાઓનું રહસ્ય શું છે ?  તેનો જવાબ ફક્ત એક અક્ષર છે, જે તેમના નામની આગળ લખાય છે અને તે છે - "બ્રહમસ્વરૂપ" કે જેને શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
       
          'બ્રહ્મસ્વરુપ' એટલે શું ? વેદાંતમાં જણાવ્યું છે કે બ્રહ્મ એટલે કે 'પરબ્રહ્મ' પરમાત્માથી ઉતરતી કોટિનું 'અક્ષરબ્રહ્મ'. અને બ્રહ્મસ્વરૂપ એટલે કે "પરમ તત્વ પરમાત્માનું જે કાંઈ અનિર્વચનીય સ્વરુપ છે તે."
       
          હવે કોઈપણ  સામાન્ય જનને મનમાં બે પ્રશ્નો થાય. એક તો આ 'બ્રહ્મસ્વરૂપ' ને કેવી રીતે ઓળખવું ? અને બીજો પ્રશ્ન થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશ્રીતો કહે છે તેમ ખરેખર બ્રહ્મસ્વરૂપ છે કે ?
         

         જેમ જીવ-પ્રાણી માત્રમાં રહેલ આત્માને જોઈ કે અડકી શકાતું નથી. તેવીજ રીતે  'બ્રહ્મસ્વરૂપ' ને જોઈ કે અડકી શકાતું નથી, પણ તેને ફક્ત અનુભવી શકાય છે.
         

        આ બ્લોગ પરની હવે પછીની પોસ્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અત્યંત નિકટ  અને સાનિધ્યમાં  રહી કાર્ય કરનાર સંતોના સ્વાનુભવ-પ્રસંગો દ્વારા તેઓમાં અદ્રશ્ય રીતે છુપાઈને રહેલ તેમનામાં રહેલ 'બ્રહમસ્વરૂપ' ની સાચી પીછાણ કરીશું.Friday, June 17, 2016

સ્વામિનારાયણ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૧૧)


દુબઈ દેશમાં પ.ભ. શ્રી કાન્તીભાઈ ના એમિરેટ હિલ્સ ખાતેના નિવાસ્થાન માં પધરાવેલ શ્રીજી મહારાજની ભવ્ય મૂર્તિ. 

         

             દોઢ ટન વજનના કમલાસન સહીત ચાર ટન વજન ધરાવતી શ્રીજી મહારાજની આ મનોહર મૂર્તિ ગઢડા (સ્વામીના), ગુજરાત, ઇન્ડિયામાં ચાર વરસની જહેમત બાદ તૈયાર થઇ. પછી સારંગપુર ખાતે બિરાજમાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પ્રસાદીના હાર-પુષ્પોથી સંતો દ્વારા તેની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને સ્પેશીયલ પેકિંગ સાથે એક મોટા સી-કન્ટેઈનરમાં મૂકી ગઢડાથી દુબઈ રવાના કરવામાં આવી.   

            

            આ કન્ટેઈનર લઇ આવનાર જહાજ ૨૯/૦૩/૨૦૧૪ના દિવસે દુબઈ પહોંચ્યું. પણ જહાજને ૩/૦૪/૨૦૧૪ના સવારે બર્થ મળવાથી આ કન્ટેઈનર બપોર પછી સુમારે ત્રણ વાગે કાન્તીભાઈના ઘરે પહોંચ્યું. મૂર્તિ વજનદાર હોવાથી કન્ટેઇનરમાંથી બહાર કાઢવા માટે ફોર્ક લીફ્ટ મંગાવવી પડી. ગુરુવારનો  દિવસ હતો એટલે દુબઈમાં બપોર પછી રજાનો સમય હોવાને કારણે સાંજના છેક ૭ વાગે ફોર્ક લીફ્ટની વ્યવસ્થા થઇ શકી.

           

         દુબઈમાં ક્યારે પણ એપ્રિલ મહિનામાં વરસાદ વરસતો નથી, પણ મૂર્તિને જયારે પેકિંગમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. આ રીતે અનાયાશે જ મૂર્તિનો અભિષેક થઇ ગયો - જેનું વિડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું છે. 

          

            ત્યારબાદ પોણો ટન વજન ધરવતા કમલાસનના એક પીસ ઉપર, બીજા પોણા ટન વજન નો પીસ તો જહેમત કરીને હમાલોએ મૂકી આપ્યો. પણ પછી અઢી ફૂટ ઊંચા કમલાસન ઉપર અઢી ટન વજનની મહારાજની મૂર્તિનું પ્રસ્થાપન કરવું હમાલો માટે બિલકુલ અશક્ય હતું.  એટલે કાન્તીભાઈ અને તેમના ધર્મપત્ની ક્રિશ્નાબેને નિજ મંદિરમાં મહારાજ અને પ્રમુખ સ્વામીબાપા આગળ 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન શરુ કરીને ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીકે 'હે મહારાજ આપ હલકાફૂલ થઈને આજેજ આપના મૂર્તિ ધામમાં બિરાજમાન થાઓ'. અને મહારાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હળવા ફૂલ થઈ, કમલાસન ઉપર  બિરાજમાન થયા ત્યારે સમય હતો રાત્રીના ૧૦ કલાક નો. 

        

         પછી દુબઈમાં આ મૂર્તિ સ્થાપન વિધિનો વિડીયો  જયારે ઇન્ડીયામાં ગઢડા ખાતે જે સંતના માર્ગ દર્શન નીચે મૂર્તિ તૈયાર થઇ હતી તેમને મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે  જ્યોર્જિયન કેલેન્ડર મુજબ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ૩ એપ્રિલ અને સમય રાત્રીના ૧૦ કલાક હતો. અને બરાબર આજ તારીખ અને સમયના શ્રીજી મહારાજની ઉપરની મૂર્તિ દુબઈ ખાતે પ્રસ્થાપીત થઇ.

         

         પ.ભ. શ્રી કાન્તીભાઈ એ પોતાના નિવાસ્થાન ને એક સુંદર મંદિરમાં રૂપાંતર કરવામાં કોઈજ કચાશ રાખી નથી. પહેલા મજલા ઉપર ઘનશ્યામ મહારાજની બીજી એક સુંદર મૂર્તિ પ્રસ્થાપીત કરી છે. આશરે ૫૦ માણસો બેસી શકે તેવો એક સુંદર સભા હોલ તૈયાર કરેલ છે. આ સભાહોલની દીવાલો ને શોભાયમાન કરવા માટે શ્રીજી મહારાજના લીલા-ચરિત્રોના કેનવાસ પેઈન્ટીગ્સ અને બહાર બગીચામાં ફુવારા પાસે પ્રસ્થાપીત કરવા નીલકંઠ વરણીની મૂર્તિ હજુ તૈયાર થઇ રહી છે. 

         

          હું માનું છું કે આવુ ભવ્ય નિજ મંદિર  તમોને જવ્વલેજ બીજે કશે જોવા મળશે ! 

          Saturday, June 4, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ ( ૧૦ )


૧૯૭૦ના વર્ષમાં યોગીજી મહારાજે જયારે પૂર્વ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે લંડનના હરિભક્તોએ તેમને લંડન પધારવા વિનંતી કરી. યોગીજમહારાજ ટોરો - યુગાન્ડામાં હતા, ત્યારે લંડનમાં રહેતા હરિભક્તો જોડે ટેલીફોન ઉપર લાંબી વાતચીત દરમ્યાન યોગી બાપાએ કીધું કે તમે પહેલા મંદિર માટે જગ્યા મેળવો પછી અમે આવીશું. તે અરસામાં લંડનમાં બહુજ ઓછા હરિભક્તો હોવાથી મંદિર નિર્માણ કાર્ય અતિ કઠીન હતું.પણ યોગીજી મહારાજને લંડન બોલાવવાના ઉત્સાહના કારણે હરિભક્તોએ મંદિર માટે યોગ્ય જગાની શોધ શરુ કરી.


તે દરમ્યાન ઇન્ડીયામાં યોગીજી મહારાજે એક વખત  લંડનના નકશા ઉપર નજર કરીને નકશા ઉપર પેન્સિલથી એક ટપકું કરીને કીધું કે આ સ્થળ મંદિર માટે ઠીક રહેશે. અને મે ૧૯૭૦ ના વરસમાં બાપાએ ટપકુ કરેલ બરાબર તેજ સ્થળે - ઇસ્લીંગટનમાં એક સેન્ટ જોહન બાપટીસ્ટનું બંધ પડેલ ચર્ચ વેચાણ માટે મળી આવ્યું. શરૂઆતમાં ચર્ચના માલિકો એ જગાની વેચાણ કિંમત ૧૨૦૦૦ પાઉન્ડ કીધી.  ત્યારે હરિભક્ત શ્રી  જયંતીભાઈ ચાંગાને સ્વપ્નમાં દર્શન આપી યોગીજી મહારાજ આ જગા નવેક હજાર પાઉન્ડ માં મળી જશે તેમ કહી ગયા. અને તેમજ બન્યું. બીજા દિવસે ચર્ચના ટ્રસ્ટીઓ તરફથી સામેથી  સંદેશ આવ્યો કે તમે મંદિર નિર્માણના સારા ઉદ્દેશથી જગા ખરીદતા હોવાથી અમે તમોને ૯,૫૦૦ પાઊંડની કિંમતે આ જગા વેચવા તૈયાર છીએ. 


લંડનની ૭૭ એલ્મોર સ્ટ્રીટ પરનું બંધ પડેલ ચર્ચ પછી ૨૩ મેં ૧૯૭૦ ના યોગીજી મહારાજના વરદ હસ્તે  અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર બન્યું. આ મંદિરના ઉદઘાટન સભારંભ દરમ્યાન આશરે પચાસેક હરિભક્તોના નાના સમુદાયને સંબોધતા યોગીજી મહારાજે કહેલ કે "ભવિષ્યમાં લંડનમાં આરસપાણનું ભવ્ય શિખર બંધ મંદિર બનશે અને તે યુરોપનું મોટામાં મોટું મથક બનશે". અને ૨૦૦૦ના વરસમાં ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નીચે મુજબ નોંધ લેવાઈ ગઈ છે કે :


"લંડનમાં નેસડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ઇન્ડિયાની બહારનું સૌથી મોટું હિંદુ મંદિર છે. ૨૮૨૮ ટન્સ બ્લ્ગેરીયન લાઈમ સ્ટોન અને ૨૦૦૦ ટન્સ ઈટાલીયન માર્બલ્સ ને પહેલા ઇન્ડિયામાં કંડલા ખાતે શીપ કરવામાં આવેલ. ત્યાં ૧૫૨૬ સ્થપતિઓ એ મળીને તે પત્થરોમાં કોતરકામ-નકશી કરીને પછી લંડન લાવી આશરે ૧૨ મીલીયન (૧૨,૦૦૦૦૦૦) પાઉન્ડના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે" 


૧૯૯૧ના વરસમાં લંડનના નેસડન વિસ્તારમાં આર્લીગટન ગેરેજ અને વેરહાઉસની જમીન પ્રાપ્ત કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભૂમિ પૂજન કરી નુતન મંદિર નિર્માણનું કામ આરમ્ભ્યું. ત્યારે યુરોપ અને અમેરિકામાં માં ભયંકર મંદી વ્યાપી રહી હોવાથી મંદિર માટે જરૂરી મોટી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉભો થયો. એટલે સંતો અને કાર્યકરો એ અંદરો અંદર ચર્ચા કરીને એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. આ ભોજન સમારંભમાં ઈંગલાંડના ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ જેવાકે લોર્ડ સ્વરાજ પોલ, ગ્લોબટીક શીપીંગના રવિ ટીકુ જેવા એકાદ ડઝન આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. એવી અપેક્ષાથી  કે ભારતીય મૂળના આ ઉદ્યોગપતિઓ મંદિરમાટે કાઈક ફંડ ફાળો આપશે. કોઈના તરફથી ફંડ ફાળો તો ના મળ્યો પણ સલાહ મળી કે - "ત્રણ ને બદલે એક જ શિખર નું મંદિર બાંધશો તો આ મંદીના સમયમાં ઓછા ખર્ચે આ પ્રકલ્પ જલ્દી પૂરો કરી શકશો.".


મોટા સંત પુરષોની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ કાઈક અલગ જ હોય છે. સ્વામીશ્રી પાસે આ પરિસ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો, ત્યારે ૧૯૯૨ના વરસમાં સ્વામીશ્રી પોતે લંડન પધાર્યા. સ્વામીશ્રીને તેમના હરિભક્તો ઉપર પૂરો વિશ્વાસ હતો અને તેમની ઈચ્છા તેમના હરિભક્તો પાસેથી જ સેવા મેળવી આ મંદિર નિર્માણ કરવાની હતી. એટલે સ્વામીશ્રી એ એક પછી એક એમ પોતાના લાડીલા હરિભક્તોને કહેણ મોકલાવીને  બોલાવ્યા. એટલુજ નહિ બલકે દરેકને અમુક રકમ તાત્કાલિક ૨૪ થી ૩૬ કલાકના સમયમાં જમા કરાવવા આજ્ઞા કરી. અને હરિભક્તો એ મંદીના કપરા કાળમાં પણ પોતાના પ્રાણ પ્યારા ગુરુની આજ્ઞા પાળી. કેટલાકે તો પોતાના રહેવાના મકાન/દુકાન વગેરે વેચી અથવા તો ગીરવે મુકીને પણ સ્વામીશ્રીના કહેવા મુજબ તાત્કાલિક રકમ જમા કરાવી.


આ કઈ રીતે શક્ય બન્યું ? કારણ હરિભક્તોને સ્વામીશ્રી ના વચનમાં પૂરો વિશ્વાસ હતો.  પ્રમુખ સ્વામી જેવા સાચા સનીષ્ટ સંત ક્યારે પણ કારણ વગર આવી માંગણી ના કરે. હરિભક્તોને સ્વામીશ્રી ની એ વાત ઉપર પણ ભરોશો હતો કે "કોઈનો ભાર ના રાખે મુરારી - આ તો દેના બેંક છે - આપો તેથી બમણું થઈને પરત આવે, જેમ જમીનમાં એક દાણો રોપો અને અનેક દાણા ઉગી નીકળે. તેમ સંતની વાત ઉપર વિશ્વાસ રાખી આપેલ રકમ ટૂંક સમયમાં વધીને પરત આવેજ છે તે વાત નો સૌને અનુભવ છે.


અને ભયંકર મંદી વચ્ચે પણ ચારેક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦-૮-૧૯૯૫ના દિવસે લંડનના નેસડન વિસ્તારમાં ૭ શિખરનું આરસપાણના પત્થોરથી બનેલ આ ભવ્ય મંદિર સાકાર થયું.  ૧૯૭૦ના વરસમાં ઇસલિંગટન ખાતે યોગીજી મહારાજે કરેલ ભવિષ્યવાણી આશરે ૨૫ વરસ પછી હકીકત બની.

 

યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન સ્વામિનારાયણના અતિશય કૃપા પાત્ર અને બ્રહ્મસ્વરૂપ સંતોએ કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી સદાય સાકાર થઈને જ રહે છે.         

 

   

       Friday, May 13, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૯)


૧૮૬૭ ના વર્ષમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતિતાનંદ સ્વામી ગોંડલમાં અક્ષરધામ સિધાવ્યા.તેમના અસ્થીને એક ત્રાંબાના ચરુમાં મૂકી તેમની જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવેલ તે જગ્યાએ પધરાવવામાં આવ્યા. તેમની સ્મૃતિમાં ગણોદ ગામના અભયસિંહ દરબારે ત્યાં એક સુંદર દેરી બંધાવી. અને જુનાગઢના બાલમુકુન્દ સ્વામીએ પંચાળામાં જે પત્થર પર બેસી ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સ્નાન કરેલ તે પથ્થરમાંથી ચરણાવિંદ કોતરાવી અક્ષરદેરીમાં પધરાવ્યા. ૧૯૨૭ના વર્ષમાં બાલમુકુન્દ સ્વામીના શિષ્ય અને તત્કાલીન જુનાગઢના મહંત નારાયણદાસ સ્વામીની ઈચ્છા આ દેરી ઉપર એક શિખરનું મંદિર બાંધવાની હતી, પણ વડતાલ મંદિરના કોઠારી અને આચાર્યશ્રી એ તે માટે પરવાનગી આપી નહિ. ત્યારે નારાયણદાસ સ્વામીએ કીધું કે - "ભવિષ્યમાં અહીત્રણ શિખરનું ભવ્ય મંદિર બનશે.

કેટલાક વરસ પછી વિરસદ ગામના નારાયણજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી ગોંડલમાં ત્રણ શિખરનું મંદિર બાંધવા માટે તેમના આશ્રીતોને જણાવવા કીધું. એટલે નારાયણજી મહારાજ વિરસદ ગામના તેમના શિષ્યો શંકરભાઈ અમીન અને હીરાભાઈ અમીન અને જડેશ્વરના ભીખાભાઈ શુક્લાને લઈને ગોંડલ ગયા. અહિયાં તેઓએ ગોંડલના મહારાજા ભગવતસિંહજીને મળીને જે જગા ઉપર અક્ષરદેરી હતી ત્યાં મંદિર નિર્માણ માટે તે ખેતરની જમીનની માંગણી કરી. મહારાજા ફક્ત ૨૫૦૦૦ રૂપિયાની નજીવી કિંમતે પણ ત્રણ શરતોને આધીન તે જમીન આપવા તૈયાર થયા. (૧) અક્ષર દેરી જેમ છે તેમજ રહેવી જોઈએ (૨) ત્રણ શિખરનું ભવ્ય મંદિર ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાના ખર્ચથી બંધાવું જોઈએ (૩) મંદિરનું  નિર્માણ ત્રણ વરસમાં થઇ જવું જોઈએ.

નારાયણજી મહારાજ અને હીરાભાઈ અમીને વિચાર્યું કે આ શરતે ફક્ત શાસ્ત્રીજી મહારાજ જ મંદિર બંધાવી શકશે, એટલે તેઓ સારંગપુર શાસ્ત્રીજ મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ મંદિર નિર્માણ માટે તૈયાર થયા પણ શરત કરીકે તમારે જમીન પ્રાપ્ત કરીને મને ફ્રિ માં સુપ્રત કરવાની રહેશે. પછી તે મુજબ ૧૯૩૨ના વરસમાં મંદિરનો શિલાન્યાસ વિધિ કરી નિર્માણ શરુ થયું. મંદિરના પાયાના ખોદકામ દરમ્યાન ચાંદીનો હાથી અને રથ મળ્યા એટલે શાસ્ત્રીજી મહારાજે ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં અહિયાં શોભાના હાથી મુકાશે, લાખો લોકો દર્શન કરવા આવશે અને જે કોઈ અહિયાં મહાપૂજા કરાવશે તેમની મનોકામના પૂર્ણ થશે, અને મંદિર માટે જરૂરી પૈસાની તંગી ક્યારે પણ નહિ આવે.

મંદિર નિર્માણ દરમ્યાન એક વખત બધા સંતો કોઈ પ્રસંગે સારંગપુર ગયેલ. ગાયો અને મંદિરની દેખભાળ માટે ફક્ત મોહન ભગત અને મૂળજી ભગત બેજ .લોકો રહ્યા હતા. ત્યારે એક રાત્રીના કોઈ ચાર બદમાશ લોકો પપ્પૈયાની ઝાડીમાંથી દાખલ થયા. તેઓ પપૈયાના ઝાડ કાપવાની સાથે અને અંદરો અંદર વાત કરવા લાગ્યા કે - "આજતો તેના એવા ટુકડે ટુકડા કરી દેવા છે કે ભવિષ્યમાં કોઈ અહિયાં આવવાની હિમ્મત જ ના કરે". આ સાંભળી મોહન ભગતને ધ્રાસકો પડ્યો કે આજે તેનું આવી બન્યું છે - આ લોકો જરૂર તેના ઉપર હુમલો કરશે. એટલે તેઓ અક્ષરદેરીમાં જઈને ચરણાવિંદ પર મસ્તક ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા કે "હે મહારાજ - હે સ્વામી મને બચાવો". ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપી તેમના માથે હાથ મૂકીને કીધું કે "ભગત ડરો છો કેમ ? તમે એકલા નથી. હું અને શ્રીજી મહારાજ અહિયાં સદાય હાજર છીએ. પછી સ્વામીએ તેમને નજીકના આંબલીના વ્રક્ષ તરફ જોવાને કીધું." આંબલીના વ્રક્ષના પાંદડાના ઝુંડમાં ભગતને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થવાથી હિમ્મત આવી. એટલે તેઓએ પેલા ઘુસણખોર લોકોને જોરથી પડકાર્યા અને બદમાશો ડરીને ભાગી ગયા.

બહુ બધા પ્રશ્નો અને મુશીબતોનો સામનો કરીને પણ શાસ્ત્રીજી મહારાજે ફક્ત બેજ વરસમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું અને ત્રણ દિવસના ભવ્ય યજ્ઞના આયોજન સાથે ૨૩-૫-૧૯૩૪ના દિવસે મંદિરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ટા કરી.