Sunday, November 29, 2015

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૪)



             ભાવનગરમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સને ૨૦૦૫માં લોકાર્પણ કરવામાં આવેલ સ્વામિનારાયણના આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ નીચેની ઘટના મને એટલે કે આ બ્લોગ-પોસ્ટ લખનારને હાલમાં મંદિરની ગૌશાળામાં સેવા આપતા પ.ભક્ત શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા જાણવા મળેલ.

              

           આ મંદિર માટેની જગાનો પ્લોટ જેની પાસેથી ખરીદવામાં આવેલ, તે વ્યક્તિને દારૂનું વ્યસન હતું. વ્યસની લોકો સ્વાભાવિક જ અવિવેકી હોય છે, અને આવા લોકોની આવક કરતા ખર્ચ વધારે હોવાથી  હંમેશા પૈસાની તંગી  અનુભવતા હોય છે.

            

           જમીન ખરીદી માટે જેટલી રકમ નક્કી કરેલ, તેટલી રકમ તેના માલિકને સંસ્થા દ્વારા ચુકવણી કરી દેવામાં આવી. પણ જમીન માલિકના દારૂડિયા મિત્રોએ તેની કાન-ભમભેરણી

કરી કે આ જગા તે નાહકની સસ્તામાં વેચી મારી. આ સંસ્થા માટે  પરદેશથી દાન-ધર્માદો કરવાવાળા બહુ બધા છે, એટલે સંસ્થા પાસેથી તું હજુ વધારે કિમત મેળવી શક્યો હોતે. 


          એટલે જમીન માલિકે નિર્ધારિત રકમ લઇ લીધા પછી પણ જમીનના માલિકી હક્ક બદલીની વિધિ કરવામાં ગલ્લા-તલ્લા અને ઢીલ કરવા માંડી. તેની વધારે રકમની ગેર-વ્યાજબી માંગણી ઉપર પણ સંસ્થા દ્વારા વિચાર કરવામાં આવ્યો. પણ લોભને થોભ નહિ, તેમ આ ભાઈએ  સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓફર અવગણી, પોતાની મન ધારી રકમ આપવા જિદ્દ કરી. એટલે છેવટે સંસ્થાએ કંટાળીની જમીન પ્રાપ્તિ માટે કોર્ટ કેશ કરવો પડ્યો.   


           છેવટે કોર્ટ દ્વારા જમીન માલિકીના હક્ક સંસ્થાને પ્રાપ્ત થયા. છતાં પણ આ જમીનના 

મૂળ માલિકે પોતાની જિદ્દ ચાલુ રાખીને ધમકી આપી કે જ્યાં સુધી સંસ્થા મારી વધારાની રકમની માંગણી નહિ સંતોષે, ત્યાં સુધી મૂળ મારી માલિકીની જમીન ઉપર હું મંદિરના પાયા ખોદવાવાળા મજુરોને આવવા નહિ દઉં !  એટલે સંસ્થા માટે ધર્મ-સંકટ ઉભું થયું. એક તરફ સંસ્કારી અને પરોપકારી સાધુ સમાજ અને બીજી તરફથી માથા-ભારે અસામાજિક, વ્યસની, લોભી જમીન માલિક. જોત જોતામાં આ વાત આખા ભાવનગર શહેરમાં ફેલાઈ ગઈ. આ વાત શહેરના લાલજીભાઈ પટેલના કાને પણ આવી.


           ભાવનગરમાં હીરા-ઘસવાની ઘંટીઓ બહુ છે. બે હીરા-ઘસુ પાર્ટીઓ વચ્ચે જયારે બે નંબરના હિસાબની લેવડ-દેવડના હિસાબમાં ઝગડો થાય, ત્યારે તે કેશ લાલજીભાઈ પાસે આવે. લાલજીભાઈની ધાક એવી કે બંને પાર્ટીઓની વાત અને વિગત ધ્યાનથી સાંભળ્યા પછી તે જે જજમેન્ટ આપે તે બંને પાર્ટીઓએ માન્ય રાખવું જ પડે. બે પાર્ટીઓના ઝગડાનું સમાધાન કરાવવામાં નિષ્ણાંત લાલજીભાઈ 'ભાઈગીરી' કરીને દલાલી પેટે મહીને ૩૦ હજાર જેવું કમાઈ લેતા હતા. 

            

          લાલજીભાઈ પટેલના અંતર-આત્માને સ્વામીશ્રીએ જગાડયો અને તેઓ સંસ્થાની વહારે આવ્યા. તેમણે ભાવનગરના હીરા-ઘસું પટેલોની ફોઝને બોલાવી અને પોતાની હાજરીમાં મંદિરના પાયા ખોદવાની શરૂઆત કરાવી. એટલુંજ નહિ, જમીનના મૂળ માલિકને પણ સંદેશો કહેવડાવ્યો કે હવે તારો પનારો સાધુ-સંતો જોડે નહિ પણ લાલજી પટેલ જોડે પડ્યો છે. તારામાં તાકાત હોય તો મને અને મારી હીરા-ઘસુ ફોઝને મંદિરના પાયા ખોદતા રોકી જો ! 


           અને જોત જોતામાં મંદિર તૈયાર થઇ ગયું. એટલુજ નહિ પણ લાલજીભાઈના નેત્રત્વમાં હીરા-ઘસુ પટેલોએ પાયા ખોદવામાં જે સેવા આપી તેના કારણે ચોરસફૂટ દીઠ કન્સ્ટ્રકશન કોસ્ટમાં ૩૦ ટકા જેવો ઘટાડો થયો. આ હકીકત જયારે પ્રમુખ સ્વામી મહારાજને પૂજ્ય સોમેશ્વર સ્વામીએ કહી ત્યારે સ્વામીબાપા અતિ પ્રસન્ન થયા. અને એ પ્રસન્નતાની કાયમી નિશાની રૂપે સ્વામીશ્રીએ દિલ્હી અક્ષરધામ જેવી ભાવનગરના મંદિરમાં  પ્રદીક્ષણા-પાથ કરવા પરવાનગી આપી.


              મંદિર નિર્માણમાં કરેલ સેવા દરમ્યાન સ્વામીશ્રીએ લાલજીભાઈ પટેલના હ્રદયમાં પણ એક મંદિર નિર્માણ કરી દીધું. મહીને ૩૦-૩૫ હજાર રૂપિયા હીરા-ઘસુઓ પાસેથી 'ભાઈગીરી' કરી કમાઈ લેતા લાલજીભાઇ પટેલે પોતાનો એ વ્યવસાય સદંતર બંધ કરીને હવે આ જીવન મંદિરની ગૌશાળા માં સેવા આપવાનું શરુ કરી દીધું છે.


                 ભાવનગરના અક્ષરવાડી મંદિરની મુલાકાત લ્યો ત્યારે મંદિરના પ્રાંગણમાંના પ્રદીક્ષણા-પથમા પ્રદીક્ષણા કર્યા પછી મંદિરની ગૌશાળામાં પરમભક્ત શ્રી લાલજીભાઈની મુલાકાત અવશ્ય લેજો. 


             



   

Saturday, November 28, 2015

પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને.......

સાધુ મધુરવદન દાસ


પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,

ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને,


સહ્યા છે કષ્ટ અપરમ પાર જીવન ભર તમે સ્વામી,

છતાં અમ કાળજી લેતા, કશી નવ રાખતા ખામી,


નીજી અરમાન હોમ્યા કૈક, ગુરુની વચન વેદી માં,

છતાંએ શિષ્ય ઈચ્છા પૂર્ણ કરતા, અલ્પ અવધી માં,


થયા છો રામ બાંધી પાજ, જન કલ્યાણ ને કાજે,

વખાણો છો વળી ખિસકોલી તમ અમને અહો આજે,


જુઓના દેહના રોગો, ગણોના આયુ પોતાની,

છતાં અમ દર્દથી દુખી, બની સેવા કરો છાની,


કદીયે સ્વપ્નામાએ ગુરુ વચન લોપ્યું નહિ સ્વામી,

તથાપિ પહાડ તમ અમ ભૂલને માફી દઈ સ્વામી,


હરિ ભગવાન પણ તમ ચરણ રજને ઈચ્છતા માથે,

અહો એ પ્રમુખસ્વામી પ્રેમથી રમતા શું અમ સાથે,


વદી વેદો એ નેતિ નેતિ જેણે વખાણી વિરમે,

નહિ લાયક મને તોયે સ્વીકાર્યો પ્રમુખ સ્વામી તમે,


પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,

ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને,


ઓમ ગુરવે નમહ, ગુરવે નમહ.... 


Tuesday, November 24, 2015

સ્વામિનારાયણના મંદિરોના નિર્માણ દરમ્યાન બનેલ કેટલીક અવિસ્મરણીય ઘટનાઓ (3)

ઇતિહાસની તવારીખ :-


          અંગ્રેજીમાં ઉક્તિ છે કે ' History repeats' = ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. અગાઉ આપણે જોયું કે ઈ.સ. ૧૮૨૮ માં ભાવનગરના વજેસિંહ મહારાજે ગઢડામાં દાદાના દરબારમાં સ્વામિનારાયણના મંદિર નિર્માણ કાર્યને અટકાવેલ. જે પછીથી અંગ્રેજ હાકેમનો પત્ર મળ્યા બાદ વજેસિંહમહારાજે પરવાનગી આપેલ. 

      

          અગાઉ આપણે એ પણ જોયું કે શ્રીજી મહારાજની ઈચ્છા તો ઘેલા કાંઠેની ટેકરી ઉપર મંદિર નિર્માણ કરવાની હતી, પણ તે જમીનના સહિયારા માલિક જીવાખાચરે મંદિર માટે જમીન આપવામાં આનાકાની કરી એટલે શ્રી હરિએ પછીથી દાદાના દરબારમાં મંદિર નિર્માણ કર્યું. ત્યારે શ્રી હરીએ કહેલ કે ભવિષ્યમાં અહી એક ભવ્ય મંદિર સાકાર થશે.

      

          ઈ.સ. ૧૯૨૩માં શાસ્ત્રીશ્રી યજ્ઞપુરુષદાસે શ્રીજી મહારાજના એક કથન મુજબ ઘેલા કાંઠેની ટેકરીની જગા ઉપર અક્ષર-પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ માટે જમીન પ્રાપ્તિ માટે પ્રયત્નો શરુ કર્યા. ત્યારે કેટલાક વિરોધી અને  વિઘ્ન-સંતોષી લોકોએ વજેસિંહ મહારાજના વંશજ અને ભાવનગરના તત્કાલીન મહારાજા શ્રી ક્રષ્ણકુમારસિંહજીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે ગઢડામાં જો બીજું સ્વામિનારાયણ મંદિર બનશે તો આ ગામમાં કાયમિ અશાંતિના બીજ રોપાશે. એટલે તે વખતના ભાવનગર રાજ્યના મહારાજાની ઋએ કૃષ્ણકુમારસિંહજીએ રાજ્ય ફરમાન બહાર પાડ્યું કે ગઢડા ગામની અંદર કોઈએ એક તસુ જમીન પણ  શાસ્ત્રીશ્રી યજ્ઞપુરૂષદાસને મંદિર નિર્માણ માટે આપવી નહિ.

     

          આથી નિરાશ હરિભક્તોએ આ ફરમાનની કોપી જયારે શાસ્ત્રીજી મહારાજને બતાવી ત્યારે તેમણે બિલકુલ ડગ્યા શિવાય ભવિષ્ય કથન કીધું: શ્રીજી મહારાજની ઈચ્છા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જોડે અહિયાં જ બેસવાની છે. એટલે રાજ્ય પલટો થશે પણ મંદિરતો અહિયાંજ બનશે. અને બન્યું પણ એવુજ. ઈ.સ.૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું, રજવાડાઓ ભારત ગણરાજ્યમાં વિલીન થયા. અને ભવનાગર રાજ્યના વહીવટી તરીકે શાસ્ત્રીજી મહારાજના આશ્રિત શ્રી ગોવિંદસિંહ ચુડાસમાની નિમણુક થઇ અને ઘેલા કાંઠે ટેકરા ની જમીન સંપાદન થઇ શકી. ત્યારબાદ શ્રીજી મહારાજના કથન મુજબ આશરે ૧૨૦ વરસો પછી અને બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ મુજબ ઈ.સ. ૧૯૫૧માં ઘેલા કાંઠે અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર તૈયાર થયું. વિધિની વકૃતા જુઓ: મહારાજાની ઋએ જે કૃષ્ણકુમારસિંહજી એ શાસ્ત્રીજી મહારાજને એક તસુ પણ જમીન નહિ આપવાનું ફરમાન બહાર પાડેલ, તે કૃષ્ણકુમાર પછીથી મદ્રાસ રાજ્યના રાજ્યપાલ બન્યા. એટલુજ નહિ પછીથી 

મદ્રાસના રાજ્યપાલ બનેલા કૃષ્ણકુમારસિંહજીના હસ્તે જ ઘેલા નદીના ટેકરા ઉપર અક્ષર પુરષોત્તમ મંદિરનું ખાત-મુહુર્ત થયું.  

       

          કોઈને કદાચ મનમાં પ્રશ્ન ઉદભવે કે સ્વામિનારાયણ ભગવાન જે પોતે પૂર્ણ-પુરષોત્તમ હતા અને સર્વ અવતારના અવતારી હતા, તો પછી તેમની ઈચ્છા મુજબ ઘેલા કાંઠે ટેકરી ઉપર મંદિર કેમ કરી શક્યા નહિ ?  હું માનું છું કે શ્રીજી મહારાજની આ એક લીલા કહોકે દિવ્ય ચરિત્ર હતું. આ ચરિત્ર દ્વારા મહારાજ તેમના આશ્રીતોને એ સંદેશ આપવા માંગતા હતા કે તમો જયારે પણ મંદિર નિર્માણ કાર્ય શરુ કરશો, ત્યારે તેમાં વિઘ્નો તો અચૂક આવશેજ, છતાં તમે હિમ્મત હારશો નહિ. અને આજે પણ ઠેર ઠેર સ્વામિનારાયણના મંદિર નિર્માણ કાર્યમાં અનેક વિઘ્નો આવતા રહ્યા છે, અને સંતો-ભક્તોએ આવા અનેક વિઘ્નોનો હિમ્મતથી સામનો કરીને મંદિર નિર્માણ કાર્ય પુરા કર્યા છે.  



          ઈ.સ. ૧૯૦૮માં આણંદ મુકામે સમૈયા દરમ્યાન ૮૦૦ જેટલા હરિભક્તોએ સ્વામીશ્રીને વરતાલ ગાદીથી જુદું મંદિર કરવા ખુબ આગ્રહ કર્યો અને મંદિર માટે સેવા નોંધવાનું શરુ કર્યું. જોત જોતામાં ૪૦ હાજર રૂપિયાની લખણી થઇ ગઈ એટલે સ્વામીશ્રીએ કહ્યું -'હવે સેવા લખાવવાનું બંધ કરો પછી ખૂટશે તો સેવા લઈશું. 

          

          સેવા તો લખાઈ ગઈ પણ મંદિર ક્યાં કરવું ?  સ્વામીશ્રીએ બોચાસણ ઉપર પસંદગી ઉતારી કારણકે 'શ્રીજી મહારાજે કાશીદાસ મોટાને આ ગામમાં મંદિર કરવા કોલ આપેલ હતો'. અને થોડાજ વખતમાં મંદિર માટે જમીન પણ લઇ લીધી.

          

          વિરોધીઓની ઉપાધી છતાં મંદિરનું ખાત મુહુર્ત નીરવિઘ્ને થયું. મંદિરના પાયા ખોદતા એક દિવસ લક્ષ્મીના ચરુ નીકળ્યા, જે હરિભક્તો સ્વામીશ્રી પાસે લઇ આવ્યા. સ્વામીશ્રી તો અતિ નિસ્પૃહી એટલે કહે - 'આપણે અહી લક્ષ્મીજીની મૂર્તિ પધરાવીશુ એટલે એ આખા બ્રહ્માંડ ની લક્ષ્મી અહી લાવશે, માટે આ લક્ષ્મીને દટાયેલ જ રહેવા દ્યો'. આમ કહી સ્વામીશ્રીએ ચરુ પાછા દટાવી દીધા અને સિદ્ધિઓને પાછી ઠેલી.  

          

          સંવત ૧૯૬૩ના વૈશાખ વદ દશમનો મૂર્તિપ્રતિષ્ઠાનો દિવસ આવી પહોંચ્યો. સૌનો ઉત્સાહ અનેરો હતો. યજ્ઞ વિધિ પછી શ્રીજી મહારાજની મૂર્તિ મધ્ય ખંડમાં પધરાવાઇ.ત્યાર બાદ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઊંચકવા સૌ ગયા, પણ સ્વામીની મુર્તીતો ખસતીજ ન હતી. સ્વામીની મૂર્તિ મહારાજની મૂર્તિ કરતા વજનમાં થોડી હલકી હતી છતાં કેમ જરાય ખસતી નહોતી ?  સૌ થાકીને અંતે સ્વામીશ્રી પાસે આવીને રજૂઆત કરી. શાસ્ત્રીજી મહારાજ તુરંત યજ્ઞશાળામાં આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ આગળ પ્રાર્થના કરતા બોલ્યા: 'હે સ્વામી ! તમારે માટે તો અમે વરતાલથી નીકળ્યા અને અપમાન-તિરસ્કાર સહન કર્યા, તો હવે દયા કરીને મંદિરમાં બિરાજો'. 

        

          આમ કહીને સ્વામીશ્રીએ ટાંકણું મૂર્તિ નીચે ભરાવ્યું કે તુર્તજ મૂર્તિ ઉંચી થઇ અને ઊંચકાઈ ગઈ. સૌએ તે મૂર્તિ મધ્ય મંદિરમાં શ્રીજી મહારજની મૂર્તિની બાજુમાં પધરાવી દીધી. પછી સ્વામીશ્રીના શુભ હસ્તે પ્રાણ પ્રતિષ્ટા થઇ. બધે જય જયકાર થઇ ગયો.



                                         

             

 

  

   






     



  


Wednesday, November 18, 2015

ચિંતન રાણા રચિત એક સુંદર વિડીયો પ્રેજન્ટેશન

આપનું સર્વસ્વ, તે, છે મધુર,


આપ અધર મધુર, મુખડું છે મધુર,

આપ નયનો મધુર, હસવું છે મધુર,

આપ હ્રદય મધુર, હસવું મધુર,

આપનું સર્વસ્વ, તે છે મધુર, (૨)


આપ વચનો મધુર, ચરિત્ર મધુર,

સ્વભાવ મધુર, દ્રષ્ટિ છે મધુર,

ચાલવું છે મધુર, બેસવું એ મધુર,

આપનું સર્વસ્વ, તે છે મધુર, (૨)


આપ કંઠ મધુર, કર્ણ છે મધુર,

હાથોએ મધુર, ચરણો છે મધુર,

સંગાથ મધુર, સખા છે મધુર,

આપનું સર્વસ્વ, તે છે મધુર, (૨)


આપ બાહો મધુર, પીવું છે મધુર,

જમવું તે મધુર, શયન છે મધુર,

આપ રૂપ મધુર, આપ તિલક મધુર,

આપનું સર્વસ્વ, તે છે મધુર, (૨)


                                    શબ્દો + સ્વર + વિડીયોગ્રાફી રચયિતા શ્રી ચિંતન રાણા  

Tuesday, November 17, 2015

સ્વામીનારાયણના મંદિરોના નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક અવિસ્મરીણય ઘટનાઓ (૨)

ઈતિહાસ ની તવારીખ :- 



          ભાવનગર રાજ્યની નીચે આવતા ગઢડામાં ભાવનગરના મહારાજાએ ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના કાર્યને અટકાવ્યું હતું. મંદિરનું કાર્ય અટકે તે ભગવાન સ્વામિનારાયણને મંજૂર નહોતું. અહીં શ્રીહરિ ભાવનગર આવ્યા હતા. અહીં અંગ્રેજ અમલદારોને મળીને તેમણે ગઢડામાં મંદિરની બંધી અંગેની વાત કરી. અંગ્રેજ અમલદારે આ વાત રાજકોટના ઉપરી અંગ્રેજ અધિકારીને પત્ર લખી જણાવી.


          રાજકોટના અધિકારીએ ભાવનગરના મહારાજાને પત્ર લખી જણાવ્યું : 'સ્વામિનારાયણના મંદિરનું કામ બંધ કરાવશો નહીં. તેઓ ગઢ કરે છે તે મારા રાજ્યમાં છે, તે અમે જોઈશું. તમારે તેની ફિકર કરવાની જરૂર નથી.'


          પછી શ્રીહરિ સવારે કારિયાણી થઈ ભાવનગર પધાર્યા. ત્યાં રૂપાભાઈને ઘેર ઊતર્યા. સવારમાં શ્રીજીમહારાજ ભાવનગરના મહારાજા વજેસિંગના દરબારમાં પધાર્યા. વજેસિંગે પોતાની ગાદીએથી ઊભા થઈને શ્રીજીમહારાજનું સ્વાગત કર્યું અને કહ્યું 'મહારાજ, આ ગાદી ઉપર આપ બેસો.'


          પછી શ્રીજીમહારાજે કહ્યું 'જેમ તમારા પટેલિયા વેરો ભરે છે, તેમ અમે પણ વેરો તમને ભરીએ છીએ. બ્રાહ્મણ જમાડીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. સાધુ ભજન-સ્મરણ કરે છે, ધર્મ પાળે છે. માટે તમારી ઇચ્છા હોય તો ગોપીનાથજી ગઢડા રહે, નહીં તો નવાબની ધરતીમાં લઈ જઈએ.'


          શ્રીહરિનો પ્રતાપ જોઈ વજેસંગ બાપુ નમ્ર થઈ ગયા. તેમણે હાથ જોડી સ્તુતિ કરતાં કહ્યું, 'એ તો બીજા કોઈએ કહ્યું હશે, હું એમ ન કહું. અમારે તો તમે આ દેશમાં રહ્યા છો તે ઘણું સુખ છે. તમારા પ્રતાપે અમારું રાજ્ય રહ્યું છે. બીજાનાં રાજ્ય ગયાં માટે ગોપીનાથજી આ દેશમાં રહે તેમાં અમે રાજી છીએ.'


          આમ, ગઢપુર મંદિરનું કાર્ય ચાલુ થઈ ગયું. શ્રીહરિ ગઢપુર મંદિરનું કામ ચાલુ જોઈને મલકાઈ ઊઠ્યા



           શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ભવ્ય શિખરબંધ મંદિરનું સર્જન કરી રહ્યા છે. ગામેગામથી સંતો-ભક્તો મંદિરની સેવા કરવા ઉમટી પડયા છે. શ્રી સ્વામિનારાયણ  ભગવાન દાદા ખાચરના દરબારમાં લીંબડાના ઝાડ તળે ભક્તોની વચ્ચે બિરાજમાન છે. પ્રેમીભક્તો અનેરા અવસરની અમૂલ્ય સેવાનો લાભલેવા પોતાની યથાશક્તિ અનુસાર દાન, ધર્માદો લખાવી રહ્યા છે. સો, બસો, પાંચસો કે હજારના આંકડામાં બોલી બોલાઈ રહી છે. 

          શ્રીજી સહુને અમી દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. ત્યાં છેવાડેથી એક અતિ દરિદ્ર વૃદ્ધ પણ પ્રભુ પ્રતિ અગાધ પ્રેમવાળા  ભક્તજન સભા મધ્યે પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યાં કે, હે પ્રભુ! મને પણ મંદિરની સેવા કરવાનો લાભ આપો. શ્રીજીએ પ્રેમથી હસતાં-હસતાં કહ્યું કે દુબળી ભટ્ટ તમારી ભાવના સારી છે પણ સેવા કરવા માટે તમારી પાસે શું છે? ત્યારે દુબળી ભટ્ટ કહે કે, પ્રભુ મારી પાસે જે કંઈ પણ છે તે તમામ તમોને અર્પણ કરવા માંગું છું એમ કહીને ગાંઠો અને થીગડાંવાળી પાઘડી માથેથી ઉતારીને પાઘડીમાં વાળેલી ગાંઠો એક પછી એક ખોલતાં-ખોલતાં તેમાંથી તેર પૈસા નીકળ્યા. જે દુબળી ભટ્ટે હરખાતાં હૈયે હાથમાં લઈને પ્રભુના ચરણમાં ધર્યા અને કહ્યું કે હે! પ્રભુ મારા જીવનની આ બચાવેલી પૂંજી છે તે સમગ્ર આપના ચરણે અર્પણ કરું છું. 

         

          સભામાં સન્નાટો વ્યાપી ગયો. પ્રભુએ કહ્યું દુબળી ભટ્ટ આ તમારી પાઘડી ફાટી ગઈ છે હવે આયખુંય ઘસાઈ ગયું છે  તેને માથે નવી પાઘડી કે જુની પાઘડી શું ફરક પડવાનો છે? પરંતુ આવી સેવાનો લાભ મને ફરી ક્યારેમળશે? તેથી મારી આ સેવાનો પ્રભુ આપ સ્વીકાર  કરો. પ્રભુ પાતો આ પૈસામાંથી નવી લાવજો. તમારી સેવા અમને આવી ગઈ. ત્યારે દુબળી ભટ્ટ કહે, પ્રભુ ટ ઉપરથી ઉભા થયા અને દુબળી ભટ્ટના તેર પૈસાનો સ્વીકાર કરી તેમને પ્રેમથી બાથમાં લઈને ભેટયા અને કહ્યું કે, ''હવે અમારું મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જશે.'' ત્યારે સભામાં બેઠેલા ધનિક ભક્તોના મનમાં ગણગણાટ થવા લાગ્યો કે, તેર પૈસાદિર માં મંરું થપુઈ જશે ?

          

        અંતર્યામી પ્રભુએ ભક્તજનોના મનની મૂંઝવણ કળી ગયા અને કહ્યું કે, ''ભક્તજનો તેર પૈસા બહુ મોટી ચીજ નથી. પણ તેમની સમર્પણ ભાવના અનેરી છે. જેની પાસે કંઈ જ નથી છતાં પણ સર્વસ્વ સમર્પણ કરી દેવાની જેના દિલમાં તમન્ના છે તેના તેર પૈસા સમગ્ર સૃષ્ટિની સંપત્તિ કરતાં અધિક છે. અમે આવા સર્વસ્વ સમર્પણ કરનારા ભક્તોની ભાવનાને આદરથી સન્માનીએ છીએ.'' એમ કહીને શ્રી હરિ હેતે કરીને બાથમાં લઈને દુબળી ભટ્ટને ભેટ્યા.

                                                           *******

                                      ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ...


ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં રચાઈ રહેલા ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણ માટે ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણની મરજી મુજબ સેવા કરી રહેલા ભક્તરાજ દાદાખાચર આર્થિક રીતે ચારેબાજુ થી મુશ્કેલીઓમાં સપડાયા હતા. આથી તેમના મનમાં મૂંઝવણ ચાલી રહી હતી કે પૈસાની તંગી છે, તો મંદિર કઈ રીતે પૂરું થશે?


શ્રીહરિ દાદાખાચરની આ મૂંઝવણ પારખી ગયા. તેમણે દાદાખાચરને પાસે બોલાવી આકાશ તરફ હાથ ઊંચો કર્યો અને ત્યાં નીરખવા કહ્યું. દાદાએ ત્યાં નજર કરી એ સાથે ત્રણ શિખરના સોનાના દિવ્ય અને ભવ્ય મંદિરનાં દર્શન થયાં. 


દાદાખાચર તો આવું સુંદર મંદિર જોઈ આભા જ બની ગયા! તેમણે ગદ્‌ગદ થતાં કહ્યું: 'મહારાજ! આ જ મંદિર રાખી દ્યો ને !' 

શ્રીજીમહારાજ કહે : 'દાદા ! અમારે સૌનું કલ્યાણ કરવું છે. માટે સૌની સેવા લેવી છે. જો આ જ મંદિર રાખીએ તો કોઈને સેવા ન મળે.'


દાદાખાચર શ્રીજીમહારાજની આ જીવપ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાને વંદી રહ્યા.





            એક દિવસ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં  શ્રીજી મહારાજની પ્રસાદીના મોટા 

કુંડે નહાવા જતા હતા. રસ્તામાં હાલ જ્યાં મંદિર છે, ત્યાં ઉભા રહ્યા અને સાથે આવેલ 

મોતીભાઈને સ્વામીશ્રીએ કહ્યું : 'મોતીભાઈ, શ્રીજી મહારાજે આ જગ્યાએ મંદિર કરવાનો 

સંકલ્પ કર્યો હતો અને મંદિર થશે તેવું વચન આપ્યું હતું. માટે અહી મંદિર જરૂર થશે' એમ 

કહી નાહવા ગયા.   


             નાહીને આવ્યા પછી સ્વામીશ્રીએ મોતીભાઈને કહ્યું : 'આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો તેનું કીર્તન બનાવો'


               મોતીભાઈ તો વિચારમાં પડી ગયા : 'હજુ બોચાસણમાં મંદિર અધૂરું છે, કોઠારમાં 

પૈસા નથી અને વળી સ્વામીશ્રી આવા સંકલ્પ કરે છે? ' તેમની તો મટી મૂંઝાઈ ગઈ.


                સ્વામીશ્રીએ તેમની સામુ જોયું, તેવામાં તો તેમના આશ્ચર્ય વચ્ચે નજર સામે ત્રણ 

શિખરનું ભવ્ય મંદિર સોનાના કળશ સહિત, ધામ, ધામી અને મુક્તની પ્રતિમા અને સિંહાસન 

સહીત દેખાયું. અત્યારે ઉપર ફોટામાં છે તેવુ જ સુંદર અને ભવ્ય મંદિર જોઈ મોતીભાઈ તો 

આશ્ચર્યમાં પડી ગયા અને તેમના મુખમાંથી કીર્તનની કડીઓ નો પ્રવાહ વહેવા લાગ્યો :

                   

                        'શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, 

                         જોઈ અલૌકિક અદભુત ધામ અવિકારી'

            

             તેમના અંતરમાંથી શંકા દુર થઇ ગઈ. આ સ્વામી તો આવા અનેક મંદિરો કરવા 

શક્તિશાળી છે - તે તેમને સમજાઈ ગયું. 


                                                    
       

  



Monday, November 9, 2015

સ્વામિનારાયણના મંદિરોના નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક અવિસ્મરીણય ઘટનાઓ - (૧)

ઈતિહાસની તવારીખ :-



        ગઢડા ખાતે દાદાના દરબારમાં હાલ ગોપીનાથજીનું મંદિર છે, તેનુ નિર્માણ શ્રી હરિએ પોતાની હૈયાતીમાં ઓક્ટોબર ૧૮૨૮ની સાલમાં કરેલ. તે પહેલા શ્રી હરિની ઈચ્છા જીવા 
ખાચરની ઘેલા નદી કાંઠાની જમીન ઉપર કરવાની હતી. જીવાખાચરે ઘેલા કાંઠાની પોતાની જમીન શ્રી હરિને મંદિર નિર્માણ કરવા આપવાની પહેલા હા તો કહી પણ પછીથી ઘરના 
માણસની રોક-ટોકના કારણે જમીન સુપ્રત કરવામાં ગલ્લાતલ્લા કર્યા. એટલે શ્રીજ મહારાજ
રિસાઈને ગઢપુર છોડી સારંગપુર આવ્યા. અહિયાં બીજા જીવાખાચરે પોતાના સારંગપુર ખાતેના દરબાર ગઢની જમીન ઉપર શ્રીજી મહારાજને મંદિર નિર્માણ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રી હરીએ તે પ્રસ્તાવ સ્વીકાર્યો અને પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઇ ગોળ કુંડાળું ફરી જમીનમાં ખુન્ટીઓ લગાવી મંદિર નિર્માણ માટેની જગા પસંદ કરી. તે દરમ્યાન ગઢડાથી દાદાખાચર, જીવુબા, લાડુબા સારંગપુર દોડી આવ્યા અને શ્રી હરિને ગઢડા ખાતે પોતાના દરબારની જગામાં મંદિર નિર્માણ કરવા માટે અરજ કરી. દાદા અને તેમની બહેનો જીવુબા/લાડુબા ના આગ્રહ અને હઠને વશ થઇ પછીથી શ્રી હરીએ ગઢડા ખાતે દાદાના દરબારમાં મંદિર બાંધ્યું.



             એક વખત શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા સારંગપુર ગામે આવ્યા ત્યારે દુષ્કાળ પીડિત દરિદ્ર ગ્રામ્યજનો તેમની વ્યથા સ્વામીને કહી.
એટલે સ્વામીએ ઈ.સ.૧૯૪૮ના વર્ષમાં સારંગપુરમાં એક મંદિર બનાવી તેમાં અતિશય સામર્થ્યવાળી કષ્ટભંજન શ્રી હનુમાનજીની મૂર્તિ પધરાવી.

પછી ગ્રામ્યજનોને કીધું કે આ કષ્ટ ભંજન દેવ સૌના કષ્ટ દુર કરશે અને દેશભરમાંથી લોકો 
તેના દર્શન કરવા સારંગપુર આવશે એટલે તમારા વ્યાપાર-રોજગાર પણ વધશે. આ રીતે 
સ્વામીએ ગ્રામ્યજનોના દુખનું નિવારણ કરી આપ્યું. આ મૂર્તિમાં સ્વામીએ પહેલા એટલું 
બધું તેજ મુકેલ કે મૂર્તિ સાક્ષક્ત જીવંત હોય તેમ ધ્રુજતી. પછી બીજા સંતોએ સ્વામીને કીધું 
કે સ્વામી હનુમાનજીની મૂર્તિનું થોડું તેજ ઓછું કરો, નહીતો બાજુમાં ગઢડા ગામે ગોપીનાથજી ના દર્શન કરવા કોઈ નહિ જાય. એટલે સ્વામીએ થોડું તેજ ઓછું કર્યું. 



          ૮૮ વરસો બાદ શાસ્ત્રીશ્રી યજ્ઞપુરષદાસે સારંગપુર ખાતે જીવા ખાચરના દરબારની જે જમીન ઉપર શ્રી હરીએ ખૂંટા રોપી મંદિર નિર્માણ કાજે જગા પસંદ કરેલ ત્યાં ૧૯૧૬ ની સાલમાં એક ભવ્ય અક્ષર પુરષોત્તમના મંદિરનું નિર્માણ કર્યું. તેવીજ રીતે ઘેલા નદીના કાંઠે મહારાજની જે જગાએ મંદિર કરવાની ઈચ્છા હતી ત્યાં ૧૯૫૧ની સાલમાં અક્ષર પુરષોત્તમ 
નું બીજુ એક ભવ્ય મંદિર તૈયાર કર્યું. 

                                                  ગઢડાના મંદિરોની તસ્વીર  


                                                                 (ક્રમશ:)