Wednesday, April 29, 2015

"કર્મ નો સિદ્ધાંત" - ની સરળ સમજુતી / હીરાભાઈ ઠક્કર


            અમદવાદના સન્યાસ આશ્રમના શ્રી જયેન્દ્ર્પુરી મહારાજ થી પ્રભાવિત થઈને તેમણે વેદિક ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કર્યો, ૩૮ વર્ષો સુધી ગુજરાત સરકારના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી. સરકારી નોકરીમાંથી  નિવૃત્તિ પહેલા ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના બહુ બધા શહેરો અને ગામડાઓમાં તેમણે ભાગવત, રામાયણ ભગવત ગીતા અને ઉપનિષદ ઉપર પ્રવર્ચનો કર્યા.

            ૧૯૮૫ પછી તેઓએ અમેરિકાના બહુ બધા રાજ્યોનું ભ્રમણ કરી, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પ્રવર્ચનો કર્યા. તેમણે બહુ બધા પુસ્તકો લખ્યા જેવાકે (૧) મ્રત્યુ નું માહત્મ્ય (૨) વેદાંત વિચાર (3) શ્રીમદ ભગવત ગીતા ભાવાર્થ (૪) ગીતા નવનીત અને (૫) કર્મનો સિદ્ધાંત.

            કર્મ નો સિદ્ધાંત : આપણા કર્મોની આપણા દૈનિક જીવન અને ભવિષ્ય ઉપર શું અસર થાય છે, અને કર્મો કેવી રીતે આપણા જન્મ-મરણ-પુનરજન્મ નું કારણ બને છે, અને તેનાથી બચવા આપણે શું કરવું જોઈએ તેની સાદી અને સરળ ભાષામાં સમજ આ પુસ્તિકામાં આપેલ છે. આ પુસ્તિકા નું હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ અને સિંધી ભાષામાં પણ રૂપાંતર થયેલ છે. અત્યાર સુધીમાં ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં ૨૦ લાખથી પણ વધુ આ પુસ્તિકાની પ્રતો વહેંચવામાં આવેલ છે.

          અમેરિકામાં એક અઠવાડિયા સુધી તેમણે કરેલ પ્રવર્ચનનું ઓડિયોવિડીયો રેકોર્ડીંગ ૨૦ કેસેટો દ્વારા ઉપલબ્ધ છે. 




એક બીજાના પુરક અને શ્રીજી મહરાજના પ્રિય એવા બે સુંદર પદો.




મારા હરજી શું હેત ન દીસે રે 
તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ રે   ...... °ટેક

હેત વિના હુંકારો ન દેવો, 
જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે, 
જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે...... તેને° ૧

ભક્તિભાવનો ભેદ ન જાણે ને, 
ભુરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગે ન રાચે, 
પછી ઉલેચી અંધારું ટાળે રે......... તેને° ૨

નામ તણો વિશ્વાસ ન આવે, 
ને ઊંડુ તે ઊંડુ શોધે રે;
જાહ્‍નવી તીરે [કેરા] તરંગ તજીને, 
પછી તટમાં જઈને કૂપ ખોદે રે.... તેને° ૩

પોતાના સરખી કરીને જાણે, 
પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા, 
ઓલ્યા મતિયા કહે છે માયા રે.... તેને° ૪





મારા વા'લાજી શું વા'લપ દીસે રે, 
તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ રે                ... °ટેક

સન્મુખ થાતાં શંકા ન કીજે, 
મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ થઈ હરિજનને મળશે, 
પછી કાચી તે કાયા પડશે રે         ... તેનો° ૧

શૂળી ઉપર શયન કરાવે તોય, 
સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, 
તેનું સુખદુઃખ સર્વે સહીએ રે         ... તેનો° ૨

અમૃતપેં અતિ મીઠાં મુખથી, 
હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, 
જેનાં દર્શન કરવાને આવે રે          .. તેનો° ૩

નરકકુંડથી નરસું લાગે, 
દુરિજનનું મુખ મનમાં રે,
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા, 
વાસ દેજો હરિજનનમાં રે             ... તેનો° ૪









જીવનું કલ્યાણ કેમ થાય ? > સ્લાઈડ શો












          વરતાલ ૧૦: જીવનું કલ્યાણ થાય, તેનું

સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ?”
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ૪૦ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો ત્રીસ૪૧ પ્રકારને લક્ષણે યુક્ત હોય.
અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુરૂપે ભગવાન હોય૪૨ તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં અને કાષ્ઠની તથા ચિતરામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં૪૩. માટે સાધુરૂપ જે ભગવાનની જે મૂર્તિ ને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહીં.

અને શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેનાં ઓગણચાળીશ લક્ષણ કહ્યાં છે અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક ભગવાનના અવતાર તેનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે.
માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે.
અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

ટીપણી
૪૦. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચ. ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫માં નિરૂપ્યાં છે. [ભાગવત : ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.]
૪૧. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે : [૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદ્રષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદ્રશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત : ૧૧/૧૧/૨૯-૩૩).]
૪૨. તેમાં સર્વ યોગકળાઓ હોય તથા ત્યાગ ને અષ્ટાંગયોગ હોય અને રસ તો એક શાંત નામનો જ હોય અને.
૪૩. અને ભગવાનમાં દ્રઢ ભક્તિ હોય.












“મારી પાસે સમય નથી” – પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની રમુજી શૈલીમાં એક સુંદર પ્રવર્ચન.


                                       http://clyp.it/3qmhavch











“Mystic – India” મિસ્ટિક ઇન્ડિયા મુવી

 
 
 
૧૮મી સદીમાં ૧૧ વર્ષની ઉંમરે નીલકંઠવર્ણીએ સતત ૭ વરસ સુધી થીજાવી દેતા હિમાલયના શિખરોથી લઈને ધોમ ધખતા તાપમાં ૮૦૦૦માઈલ્સની પદયાત્રા કરી. નીલકંઠવરણીની આ અભૂતપૂર્વ યાત્રાને જગત સમક્ષ રજુ કરવાના હેતુથી ૨૦૦૧ની સાલમાં બી.એ.પી.એસ સંસ્થાએ પ્રસંગને અનુરૂપ એક ભવ્ય અને શ્રેષ્ટ ફિલ્મ મુવી તૈયાર કરવાનો નિર્ધાર કર્યો. ફિલ્મ નિર્માણ માટે સતત 3 વરસ સુધી સંસ્થાના સંતો અને સેવાભાવી કાર્યકરોએ આયોજન કર્યું.
 
 
 
 
* ૧૭ લાઈબ્રેરીઓ માંથી ૨૭૦ પુસ્તકોનો અભ્યાસ કરી ૨૦૦ વર્ષ પૂર્વેનો ઇતહાસ પ્રાપ્ત કરવામાં આવ્યો.
* સ્ક્રીપ રાઈટર થી લઈને ૭૦ એમ.એમ. ફોરમેટમાં ફિલ્મ તૈયાર કરવા માટે દુનિયાભર ના શ્રેષ્ટ ફિલ્મ, ફોટોગ્રાફી અને મ્યુજિક ડાયરેક્ટરો, સ્ટુડિયો અને ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરીઓની શોધ અને સંપર્ક  કરવામાં આવ્યો.
* ફિલ્મના ૨૫૦ જેટલા લોકેશનની શોધમાં નેપાળ, ઉત્તર ભારત, આસામ, કેરાલા, દક્ષીણ ભારત અને ગુજરાત  મળીને ૨૨૦૦ માઈલ્સનો પ્રવાસ કરવામાં આવ્યો.
* ગાંધીનગર અક્ષરધામમાં આરતીના દ્રશ્ય માટે ૯૦૦૦ લોકો અને બીજા એક દ્રશ્ય માટે ૨૦,૦૦૦ બાળકોની  ઉપસ્થિતિની જરૂરિયાત મુજબ ગોઠવણ કરવામાં આવી. પુરા મુવી માટે ટોટલ ૪૫૦૦૦ કાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી.
* બી.એ.પી.એસ.ના ૫૭૦ સ્વયંસેવકોએ મુવી નિર્માણ માટે ૨ વરસ દરમ્યાન કુલ ૧૦૦૦૦૦૦ (એક મીલીયન)કલાકના સમય નો ભોગ આપ્યો. આ સેવામાં યોગદાન આપવા ISROના એક વિજ્ઞાનિકે ત્રણ મહિના માટે નોકરીમાંથી રજા લીધી.
* ૨૦૦૫ માં બી.એ.પી.એસ. ચેરીટીઝ દ્વારા ફિલ્મનું લોકાર્પણ થયું, અને ૩૧-૧-૨૦૦૫ના પેરીસ/ફ્રાંસમાં આ મુવીને ૧૦માં ઇન્ટરનેશનલ લાર્જ ફોરમેટ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘The Audience’s Choice Prize’ એનાયત થયું. ત્યારબાદ દેશ-વિદેશમાં તેના પ્રીમિયર શો થયા.
* હાલમાં દિલ્હી અક્ષરધામ તેમજ લંડન અને નૈરોબીના અક્ષર-પુરષોત્તમ મંદિરમાં આ મુવી દેખાડવામાં આવે છે.
Headphone
        આ મુવી નિર્માણ દરમ્યાન કેવા કેવા વિઘ્નો આવ્યા અને તેનું નિવારણ કેવી રીતે થયું, તે બારામાં અતિ રસપદ માહિતી ટીમના એક સક્રિય સભ્ય શ્રી કમલેશભાઈના મુખે સાંભળવા માટે નીચેની  લીંક ઉપર ક્લિક કરો  અથવા લીંકને આપના બ્રાઉઝર માં કોપી/પેસ્ટ કરો :-  
 
 
 
 
 
 
 


“ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…” બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ

    “ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…”
બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ
             જીવનના છ દસક પછી દરેક વ્યક્તિમાં એક અસાધારણ બદલાવ અનેક કારણોસર આવે છે. જેવાકે નોકરીમાંથી નિવૃત્તિ, સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ કે બીમારી, જીવનસાથીના અવસાન બાદ અપેક્ષાઓની સંતાનો દ્વારા થતી ઉપેક્ષાથી ઉપજતું દુ:ખ અને  સંતાપ. આવી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે શોધેલ ચાવીને ગઝલની નીચેની પંક્તિઓ દ્વારા કવિશ્રી  બાલાસાહેબ કંથારિયાએ તેમના હ્રદયની ઉર્મીઓને વ્યક્ત કરી છે.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.
Headphone
***** ગઝલ સાંભળવા માટેની લીંક *****


રજસ - તમસ - સત્વ

 
 
ગોવા ખાતેની ” સ્પીરીચ્યુલ સાયન્સ રીસર્ચ ફાઉન્ડેશન” સંસ્થા દ્વારા ‘સત્વ, રજસ અને તમોગુણ’ વિષે કરાયેલ સંશોધન દ્વારા મેળવેલ વિસ્તૃત માહિતી તેમની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે,  જે નીચેની લીંક ક્લિક કરવાથી અથવા આપના બ્રાઉઝર માં કોપી/પેસ્ટ કરવાથી મેળવી શકાશે.
 
 
આજથી બે સૈકા પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપા-પાત્ર સદગુરૂ સંતવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ “ભક્ત-ચિંતામણી” નામનો એક અદભુત ગ્રંથ રચ્યો. આ ગ્રંથમાં પણ ‘સત્વ-રજસ-તમસ’  વિષે વિસ્તૃત માહિતી પ્રકરણ – ૧૬૪ ની નીચે મુજબની ૨૧ થી ૪૨ નંબરની ચોપાઈમાં કરવામાં  આવેલ છે. 
“ભક્તચિંતામણી” ગ્રંથ : પ્રકરણ ૧૬૪ : ચોપાઈ ૨૧ થી ૪૨
કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એહ રે, એકાદશ ભાગવતે જેહ રે……………………. ૨૧
સત્ત્વગુણ માંહિ તજે તન રે, પામે સ્વર્ગલોક તેહ જન રે;
રજોગુણમાં તજે શરીર રે, નરલોક પામે તે અચિર રે…………………. ૨૨
તમોગુણમાં છૂટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તેહ રે;
હું પ્રકટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે……………. ૨૩
મૂર્તિ પૂજ્યે ફળ માગે ત્યારે રે, તે સાત્ત્વિક કર્મ અનુરાગે રે;
તુચ્છ સંકલ્પે પૂજે મૂરતિ રે, એ રજોગુણ કર્મની ગતિ રે………………. ૨૪
હિંસાપ્રાય પ્રતિમા પૂજન રે, તમોગુણી એ કર્મ છે જન રે;
મને મળી કરે કર્મ જેહ રે, ઇછ્યું અણઇછ્યું નિર્ગુણ તેહ રે…………….. ૨૫
કેવળ જ્ઞાન તે સાત્ત્વિક કહીએ રે, શાસ્ત્રજ્ઞાન તે રાજસી લહીએ રે;
પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે……. ૨૬
વાસ સાત્ત્વિક તે વનવાસી રે, વાસ ગામનો તેહ રાજસી રે;
દૂતવિદ્યા દારૂ ચોરી માંસ રે, તિયાં રહેવું એ તામસી વાસ રે………… ૨૭
મારા મંદિરમાં જે નિવાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે;
જે જેમાં સંબંધ મુજ તણો રે, તે તે સર્વે ગુણાતીત ગણો રે……………. ૨૮
ફળ ન ઇચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે;
કરે જજ્ઞ ઇચ્છે ફળ જેહ રે, કર્મ રાજસિ જાણજ્યો તેહ રે……………….. ૨૯
પૂર્વાપર સ્મૃતિ વિભ્રમ રે, કરે જજ્ઞ એ તામસિ કર્મ રે;
મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરુષ એ પાવન રે…………………. ૩૦
અધ્યાત્મ શાસ્ત્રે શ્રદ્ધા જેને રે, સાત્ત્વિક શ્રદ્ધા જાણજ્યો તેને રે;
કર્મકાંડે શ્રદ્ધા જેને થાય રે, તે તો રાજસી શ્રદ્ધા કહેવાય રે……………. ૩૧
શાસ્ત્રવિરોધ જેમાં અધર્મ રે, તેમાં શ્રદ્ધા એ તામસી કર્મ રે;
હું પ્રત્યક્ષ મૂર્તિમાં પ્રીત રે, જેને શ્રદ્ધા તે ત્રિગુણાતીત રે………………. ૩૨
ઉદ્યમ વિના જે ઉત્તમ અન્ન રે, તેહ આહાર સાત્ત્વિક ભોજન રે;
મનવાંછિત જિહ્‍વાને પ્રિય રે, આહાર રાજસી જાણવો તેય રે…………૩૩
અશુદ્ધ દેહને દુઃખદાઈ રે, એવો આહાર તામસી ભાઈ રે;
મારી પ્રસાદીનું અન્ન જેહ રે, અતિ ઉત્તમ નિર્ગુણ તેહ રે………………. ૩૪
આત્મલાભ એ સાત્ત્વિક સુખ રે, વિષયસુખ રાજસિ રહે ભુખ રે;
મોહા દીનપણે સુખ આવે રે, તે તો તામસિ સુખ જ કાવે રે…………. ૩૫
હું પ્રત્યક્ષનો આશ્રય જેને રે, નિર્ગુણ સુખ કહિયે તેને રે;
એમ કહ્યું એકાદશ માંહિ રે, પ્રભુ પ્રત્યક્ષની અધિકાઈ રે………………. ૩૬
કહ્યું શ્રીકૃષ્ણે ઉદ્ધવ આગે રે, અધ્યે પચીશે ગુણવિભાગે રે;
કહી કથા અનુપમ ઘણું રે, પ્રત્યક્ષમાં નિર્ગુણપણું રે…………………… ૩૭
માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તે જ નિર્ગુણ પરમ પવિત્ર રે;
જે જે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તેજ નિર્વિઘન નિરોગ રે…………….. ૩૮
માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે;
છે આ ભક્તચિંતામણિ નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે………. ૩૯
હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે;
સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે……………. ૪૦
શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે;
આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે…………… ૪૧
કથા સુણી આપે દાન જેહ રે, અતિ ઉત્તમ ફળ લહે તેહ રે;
અન્ન વસ્ત્ર વિપ્રને જે ધન રે, એહાદિ સુણી દેશે જે જન રે……………. ૪૨
 Headphone  
સુંદર કંઠે ગવાયેલ ઉપરની ચોપાઈઓ સાંભળવા નીચેની લીંક ઉપર ક્લિક કરો.