Thursday, April 21, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૮ )

       

ઓગસ્ટ ૨૦૦૪ની અમેરિકાની મુલાકાત દરમ્યાન સિયાતલની બોઇંગમાં કંપનીમાં એન્જીનીયરનો જોબ કરતા પ.ભ.શ્રી રમેશભાઈ પટેલને મારે સૌ પ્રથમ વખત મળવાનું  થયું. વાર્ષિક દિવસની ઉજવણી દરમ્યાન બોઇંગ ની મુલાકાતનો અમે લાભ લઇ શકીએ તે માટે તેમણે અમારા વિજીટ પાસની વ્યવસ્થા કરેલ. આ મુલાકાત બાદ સત્સંગીના નાતે તેઓ અમોને હેતપૂર્વક નજીકના રેન્ટન વિસ્તારના તેમના ઘરે ચા -પાણી માટે લઇ ગયા. ત્યાં મારી મુલાકાત તેમના માતુશ્રી જોડે થઇ. ત્યારે તકલીફ ના સમયમાં  ગુણાતીત સંતો દ્વારા અમોને મળેલ મદદ અને રાહત વિશેના અમારા સ્વાનુભવના કેટલાક પ્રસંગોની આપ-લે થઇ ત્યારે તેમના માતુશ્રી બોલ્યા - "બોઇંગ કંપનીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા લોકો છે. પણ અક્ષર-પુરષોત્તમ શાખાના અત્યાર સુધી અમે એકલા હતા અને હવે તમે ભળ્યા તેનો મને આનંદ થયો". ત્યારે મેં કીધું "ચાલો આપણે સંકલ્પ ધૂન કરી અહી સત્સંગ વધે એટલુજ નહિ ભવિષ્યમાં અક્ષર-પુરષોત્તમનું મંદિર પણ બને તેવી સ્વામી બાપાને પ્રાર્થના કરીએ". ત્યારબાદ થોડાજ વરસોમાં ડલ્લાસથી શ્રી નીલેશભાઈ પટેલ અને આટલાંટાથી ડોક્ટર જીગેશભાઇ પટેલ આવ્યા અને બોથેલ હિંદુ મંદિર ખાતે અક્ષર-પુરષોત્તમની અઠવાડિક સત્સંગ સભાની શરુઆત થઇ. પછી પ..ભ. શ્રી મુકુંદભાઈએ સીયાતલમાં સત્સંગ પ્રવૃત્તિ સારી રીતે થઇ શકે તે હેતુથી ખાસ ઈશવાકુ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદી આપ્યું અને સત્સંગ વિસ્તરતો ગયો. બરાબર ૧૦ વરસ પછી ૨૪ ઓગસ્ટ 20૧૪ના રોજ પૂજ્ય મહંત સ્વામી દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા બાદ રેડમોન્ડ ખાતે ઉપર ના ફોટા મુજબનું મંદિર અસ્તિત્વ માં આવ્યું. મઝાની વાત એ બની કે આ મંદિર અહીની ૯૫ નોર્થ-ઇસ્ટ સ્ટ્રીટ પર બન્યું એટલકે અહી રેડમોન્ડમાં જે સ્ટ્રીટ ઉપર અમારું મકાન આવેલ છે, તે જ સ્ટ્રીટ ઉપર. પણ અમારા ઘર અને મંદિર વચ્ચે એક નાની ટેકરી  અને નદીનું વહેણ છે. શ્રીજી મહારાજ કહે "હું તારા ઘર પાસે તો આવ્યો પણ હવે તું ટેકરી અને નદી  રૂપી સંસારના અવરોધો પાર કરી મારી પાસે આવવા પ્રયત્નો કરજે." ચાલો હવે આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક ઘટનાઓને વાગોળીને માણીયે :-  

 

       
     



સંસ્થા દ્વારા અહિયાં  મંદિર કરવાની મંજુરી તો મળી ગઈ, પણ મંડળ નાનું, વળી મોટા ભાગના સભ્યો નોકરિયાત, એટલે મંદિર માટે જગા ખરીદવા જરૂરી ફંડ ભેગું કરવાની મોટી જવાબદારી આવી પડી. હજુ તો મંદિર માટે યોગ્ય પરવડી શકે તેવી કિંમતે જગાની શોધ ચાલી રહી હતી, તે દરમ્યાન  ૨૯-૧૦-૨૦૧૨ ના દિવસે ચીનો હિલ્સ મંદિરના કળશ પૂજન તેમજ સેક્રેમેંનટો અને ફોનીક્ષ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સીયાતલ મંદિર ની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સ્વામીશ્રીએ અમદાવાદમાં શાહીબાગ ખાતે કરીને મૂર્તિઓને અમેરિકા રવાના પણ કરી દીધી. બીએપીએસ ના ઈતિહાસમાં કદાચ પહેલી વખત મંદિર માટે જગા લેવાઈ ના હોય છતાં પૂજન વિધિ કરી મૂર્તિઓ  અમેરિકા રવાના કરી દીધાનો કિસ્સો બન્યો. સ્વામીશ્રીને દ્રઢ વિશ્વાસ હતો, કે સીયાતલના હરિભક્તો મંદિર માટે યોગ્ય જગ્યા ખરીદ્શેજ અને તેમના પ્રયત્નો માં શ્રીજી મહારાજ જરૂર ભળશે જ અને ઘીના ઠામમાં ઘી સચવાશે.   


નાનકડા મંડળના હરિભક્તો મંદિર નિર્માણ માટે તન-મન-ધન બધુજ અર્પણ કરવા થનગની ઉઠ્યા. બહેનોએ કેટરિંગના ઓર્ડરો દ્વારા ૮૦,૦૦૦ ડોલર્સનું ફંડ ભેગું કર્યું. તો યુવકોએ કરેલ જોળી દાન ઉપરાંત સિનિયર્સ - વડીલોએ પણ તેમની અંગત બચતમાંથી દરેકે ૫૦૦૦ હજાર ડોલર્સ સ્વેચ્છાએ આપવાનો નીર્ણય લીધો.અને રેડમોન્ડ અથવા કર્કલેન્ડમાં બજેટમાં બેસે તેવી જગ્યાનીશોધ શરુ કરી. એક દિવસ લોસ એન્જલસ થી આવેલ પુ. સર્વદર્શન સ્વામીને નીલેશભાઈએ મંદિર માટે જોયેલ કેટલીક જગાઓ બતાવી. એક બિલ્ડીંગ આગળથી કારમાં પસાર થતા નીલેશ ભાઈએ કહ્યું - "સ્વામી આ બિલ્ડીંગ મંદિર માટે બધીજ રીતે અનુકુળ છે, પણ તેની કિંમત સાડા છ મીલીયન છે, જયારે અમારી પહોંચ ૩ મીલીયન આસપાસની જ છે". ત્યારે સર્વદર્શન સ્વામીએ હસતા હસતા પ્રસ્તાવ મુક્યો - "આપણે સ્વામીબાપાને પ્રાર્થના કરીએ કે વેચાણ માટેના આ બિલ્ડીંગના માલિકને તેની કિંમત ઘટાડવા માટે સ્વામી પ્રેરણા કરે". 

તે દરમ્યાન સંસ્થામાંથી ફરમાન આવ્યું કે સિયાતલ મંદિરની જગા ખરીદવાનું હમણાં મુલતવી રાખો. તમારી પાસેનું ભંડોળ તાત્કાલિક ચીનો હિલ્સને લોન રૂપે મોકલી ધ્યો. પછી ચીનો હિલ્સ મંદિરના ઉદઘાટન વિધીના સમૈયામાં ભાગ લઇને નીલેશભાઈ તથા જીગેશભાઈ પરત આવ્યાના એક અઠવાડિયા બાદ પેલી છ મીલીયન વાળી જગાના બ્રોકરનો ફોન આવ્યો.આ જગાના માલિકે લોન ભરપાઈ કરવામાં નાદારી દાખવી હોવાથી બેન્કે તે મકાન નો કબજો લઇ લીધેલ. અપેક્ષિત કિંમત નહિ મળવાથી બેન્કે વહેલી તકે મકાન વેચી દેવા બ્રોકરને જણાવેલ. અને પુ.સર્વદર્શન સ્વામીએ કહ્યા પ્રમાણે તે મકાનની  મંદિર માટે અમોને ૩.૪ મીલીયનની નજીવી કિંમતે  ઓફર મળી. ૩૦ દિવસની મુદતમાં પ્રોપર્ટીની પૂરી કિંમત ચૂકવીને હસ્તગત કરવાની હતી એટલે ખરી કસોટી હવે શરુ થઇ, જેની ટૂંકી માહિતી નીચે મુજબ :-

 

વિઘ્નો અને નિવારણ :-

(૧)  તાત્કાલિક મોટી રકમની જરૂરિયાત

સૌ પ્રથમ તો બેંકની અપેક્ષિત કિંમતની ઓફર સ્વીકાર્યા પછી ૩૦ દિવસની અંદર ડીલ ક્લોઝ કરવાનું હતું. એટલેકે ચુકવણી કરવા તાત્કાલિક મોટી રકમની વ્યવસ્થા કરવાની.હરિભક્તોએ પોતાના રહેણાંક ના મકાન બેન્કને ગીરવી મૂકી જરૂરી રકમ એકઠી કરી લેવાની તૈયારીઓ શરુ કરી દીધી.

(૨)  ઓફીસ માટેના મકાન નું - જાહેર વપરાશ/મંદિર માટે કાઉન્સિલની મંજુરી :-

નવા કાનુન પ્રમાણે આ જુના મકાનને "ભૂકંપ વિરોધી" કરવું જરૂરી હતું, જે માટે સ્ટીલના

કેટલાક નવા ગર્ડરસ બેસાડવા જરૂરી હતું. આ કાર્ય પાર પાડવા આ જુના મકાનના પ્લાન્સ

નકશા ક્યાંથી લાવવા ? નવા નકશા બનવવા અતિશય ખર્ચાળ અને સમય માંગી લે તેમ હતું . આ પ્રશ્નનો હલ પણ કેવળ શ્રીજી-સ્વામીની કૃપાથી આવ્યો. બન્યું એવું કે મૂળ ભારતીય એવા એક કોન્ટ્રાકટરને આ મકાનના મૂળ માલિકે કશાક કામ અર્થે મકાનના પ્લાન્સ આપેલ. કોન્ટ્રાકટરે સોંપેલ કામનો કોસ્ટ એસ્ટીમેટ મકાન માલિકને આપેલ પણ વાત આગળ વધી નહિ. આ મકાનના  માલિક બદલાયાના તેને સમાચાર મળતા તે આવ્યો. અને તેની પેન ડ્રાઈવમાં સચવાયેલ આ મકાનના  નકશા તેણે અમોને આપ્યા અને અમારી ગાડી આગળ વધી.

મંદિર માટે પસંદ કરાયેલ આ મકાન પાસેથી "સમ્મામીશ" નદીનું એક નાનું વહેણ પસાર થાય છે. જાહેર વપરાશ માટે લેવાતું મકાન નદીના વહેણ થી અમુક ફૂટ દુર હોવાની અહીની સ્થાનિક કાઉન્સીલે એક મર્યાદા બાંધી છે. આ નિયમનું પાલન કરવા મકાનની એક બાજુની દીવાલમાં ફેરફાર કરી  આશરે ૬ ઇંચ જેટલી  અંદર લઇ જવી પડે તેમ હતું. અમારા માટે આ એક તર્દન બિન જરૂરી ખર્ચ હતો. તે બચાવવા અમોએ અહીના મેયરનો સંપર્ક કર્યો. અમારા સદનશીબે મેયરની દીકરી અને એક હરિભક્તની દીકરી સ્કુલમાં એકજ ક્લાસમાં ભણતા હોવાથી આ કામ વધારે આશાન થયું. મેયરે અમારી તકલીફ સમજીને આ નિયમમાં છૂટ આપવાની ભલામણ કરી આપી.

ત્યારબાદ સ્થાનિક કાઉન્સિલ ના નિયમોનું પાલન થાય તે રીતે મકાનમાં કેટલાક જરૂરી ફેરફારો - કેટલીક દીવાલો નષ્ટ કરી અને કેટલીક નવી બનાવી - મૂર્તિઓના સ્થાપન - સિંહાસન, પુજારી માટે રહેણાંક, સભાહોલ,  રસોઈઘર, ભોજનાલય, સંતો માટે નિવાસ, ક્લાસ રૂમ્સ , બાથરૂમ્સ -ટોઇલેટમાં જરૂરી ફેરફાર ક્યા અને કેવી રીતે કરવા તે બધુજ સંતો અને હરિભક્તોની ટીમે  સવિસ્તાર ચર્ચા કરીને નિર્ણય લીધા બાદ તે મુજબના પ્લાન્સ - નકશા તાબડ-તોબ તૈયાર કરવામાં આવ્યા. અને સ્થાનિક કાઉન્સિલમાં મંજુરી માટે રજુ કરી દેવામાં આવ્યા. ડીલ-કલોઝિંગ કરવા માટે હવે ફક્ત એકજ અઠવાડિયાનો સમય બચ્યો હતો. નિર્ધારિત તારીખે અમારા પ્રતિનિધિ એવા બે હરિભક્તો કાઉન્સિલમાં "મંજુરી પત્ર" લેવા ગયા. ત્યારે ત્યાં હાજર અને જવાબદાર બહેને ઠાવકાઈથી કહી દીધું "તમે કેટલાક અમાન્ય ફેરફારો કર્યા હોવાથી હું તમોને "મંજુરી પત્ર" આપી શકું નહિ. આ સાંભળી અમારા પ્રતિનિધિઓ હેબતાઈ ગયા, જાણેકે કિનારે પહોચેલા બાર વહાણ એકાએક ડૂબવા લાગ્યા.

હવે શું કરવું ? મતિ મૂંઝાઈ ગઈ અને પગ જમીન સાથે ચોંટી ગયા ! તે દરમ્યાન કેબીન માંથી બહાર નીકળી વોશરૂમ તરફ જઈ રહેલા એક ઓફિસરની નજર અમારા પ્રતિનિધિઓ ઉપર પડી. તેનામાં જાણે શ્રીજી મહારાજ આવીને વસ્યા હોય તેમ નજદીક આવી તેણે પૂછ્યું -"સજ્જનો તમે કાંઈક ચિન્તામાં લાગો છો ! હું તમોને કાંઈક મદદ રૂપ થઇ શકું તેમ હોય તો મને ખુશીથી જણાવો ! ". અમારા પ્રતિનીધીઓની વાત સાંભળ્યા પછી તેણે કીધું - "જે ભાઈ તમોને "મંજુરી પત્ર" આપનારા હતા, તે આજે રજા ઉપર છે, પણ હું તમારો કેશ બરાબર જાણું છું. જે બહેને તમોને અજાણતા "ના" કહી તે મારા હાથ નીચે કાર્ય કરે છે. હું તમોને "મંજુરી પત્ર" આપવા માટે  તે બહેન ને હમણા જ ફરમાન કરું છું.

પછી તો મંજુરી પત્ર મળી ગયો અને પૈસા ચૂકવીને બેંક પાસેથી મકાન ની ચાવી પણ હાથમાં આવી ગઈ.  એટલે નાના-મોટા-બાઈ-ભાઈ-અબાલ-વૃદ્ધ સૌ પોત પોતાના ઘરેથી સફાઈનો સામાન લાવી ત્રણ વરસથી ખંડીયાર હાલતમાં પડેલ ૫૦૦૦ ચોરસ ફીટમાં પથરાયેલ એ મોટા મકાનની સફાઈ કરવાના સેવા યજ્ઞમાં જોડાઈ ગયા. અંકુરભાઇ પટેલે પોતાના ધંધાને થોડો  સમય વિરામ આપી - કડિયા-સુથાર-પ્લમ્બર-કારીગરોને શોધી ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું કાર્ય થાય તેની જવાબદારી લીધી. મકાનનું ઈલેક્ટ્રીફીકેશન સંતો એ બનાવી આપેલ નકશા મુજબ હરિભક્તોએ જાતે કર્યું. મકાનની બધીજ દીવાલો - દરવાજાના  રંગ કામની જવાબદારી બહેનો એ સંભાળી તો કિચન અને ડાઈનીંગ હોલમાં વજનદાર લાદી ઓ બેસાડવાની જવાબદારી યુવાનો એ લીધી. વડીલોએ પાર્કિંગ એરિયાની સફાઈ તેમજ સુકાઈ ગયેલ લોન અને ફૂલઝાડને ફરીથી નવ -પલ્લવિત કર્યા. અત્રે ના જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વેપારીએ તેમની ફેક્ટરીમાંથી મંદિર  માટે જરૂરી વાયર-કેબલ્સ વિના મુલ્યે આપ્યા તો બીજા એક શીખ વેપારીએ મંદિર માટે જરૂરી "ગ્રેનાઈટસ" વિના મુલ્યે આપ્યા. આમ જોત જોતામાં એક સુંદર મંદિર સાકાર થયું.