Thursday, June 23, 2016

પ્રમુખસ્વામી ની સાચી ઓળખ



                ગુરુ શાસ્ત્રીજી મહારાજનું કહેણ આવતા ૧૮ વર્ષની નાની ઉંમરે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પહેલા બાળક શાંતિલાલે ગૃહત્યાગ કરી વતન ચાણસદ છોડી, ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે સાધુ નારાયણસ્વરુપદાસ થયા. આજે દેશના જ નહિ પણ પરદેશની નામાંકિત હાર્વર્ડ અને ઓક્સફર્ડ વિદ્યાલયો ના સ્નાતકો પોતાના વતન અમેરિકા અને ઈંગલાંડ છોડી તેમની પાસે દોડી આવે છે.  બીજે કશેજ નહિ શીખવા મળતી બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા કાજે દેશ પરદેશના ભણેલા-ગણેલા યુવકો હોંશે હોંશે તેમની ૯૦૦થી અધિક મુંડન કરાવેલ  ભગવા કપડાધારી સાધુ સમાજમાં જોડાઈ રહ્યા છે.
             
            તેઓના નામે કોઈ જ  બેંક એકાઉન્ટ નથી અને સ્વામિનારાયણ ભગવાને તેમની  શીક્ષાપત્રીમાં કરેલ આદેશ મુજબ પોતે કે તેમના કોઈપણ સાધુ પૈસા - કરન્સી નોટ્સ ને અડકતા પણ નથી. છતાં તેમના આદેશને માન્ય રાખી હરિભક્તોએ આપેલ દાનની રકમમાંથી તેમના માર્ગ દર્શન નીચે દુનિયાભર માં કરોડો રૂપિયાની લાગતથી અનેક ભવ્ય મંદિરો ફક્ત ભારત જ નહી, પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બન્યા છે. તેઓના આદેશ અને માર્ગ દર્શન નીચે ગાંધીનગર અને દિલ્હીમાં હિંદુ સંસ્કૃતિની શાન સમાં ભવ્ય અક્ષરધામ સંકુલ બન્યા છે અને હાલમાં અમેરિકામાં રોબીન્સવિલે - ન્યુ જરસી ખાતે એક વધુ અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે.
          

        તેમણે ઘરસંસાર માંડ્યો નથી કે નથી ક્યારે પણ કોઈ વેપાર ઉદ્યોગ વ્યવસાય કર્યો. તેમ છતાં તેમણે હજારો હરીભક્તો, આશ્રીતો અને આસ્તિકોના પત્રોના જવાબ લખીને તેઓના આર્થિક, સામજિક અને વિવિધ પ્રશ્નોના ઉકેલ સુચવી નિરાકરણ કરેલ છે. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની કે ધંધાકીય ભાગીદારો ના આંતરિક ઝગડાનો સૌને સ્વીકાર્ય એવો ઉકેલ શોધી આપેલ છે.
       
          તેઓની આ બધી સફળતાઓનું રહસ્ય શું છે ?  તેનો જવાબ ફક્ત એક અક્ષર છે, જે તેમના નામની આગળ લખાય છે અને તે છે - "બ્રહમસ્વરૂપ" કે જેને શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
       
          'બ્રહ્મસ્વરુપ' એટલે શું ? વેદાંતમાં જણાવ્યું છે કે બ્રહ્મ એટલે કે 'પરબ્રહ્મ' પરમાત્માથી ઉતરતી કોટિનું 'અક્ષરબ્રહ્મ'. અને બ્રહ્મસ્વરૂપ એટલે કે "પરમ તત્વ પરમાત્માનું જે કાંઈ અનિર્વચનીય સ્વરુપ છે તે."
       
          હવે કોઈપણ  સામાન્ય જનને મનમાં બે પ્રશ્નો થાય. એક તો આ 'બ્રહ્મસ્વરૂપ' ને કેવી રીતે ઓળખવું ? અને બીજો પ્રશ્ન થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશ્રીતો કહે છે તેમ ખરેખર બ્રહ્મસ્વરૂપ છે કે ?
         

         જેમ જીવ-પ્રાણી માત્રમાં રહેલ આત્માને જોઈ કે અડકી શકાતું નથી. તેવીજ રીતે  'બ્રહ્મસ્વરૂપ' ને જોઈ કે અડકી શકાતું નથી, પણ તેને ફક્ત અનુભવી શકાય છે.
         

        આ બ્લોગ પરની હવે પછીની પોસ્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અત્યંત નિકટ  અને સાનિધ્યમાં  રહી કાર્ય કરનાર સંતોના સ્વાનુભવ-પ્રસંગો દ્વારા તેઓમાં અદ્રશ્ય રીતે છુપાઈને રહેલ તેમનામાં રહેલ 'બ્રહમસ્વરૂપ' ની સાચી પીછાણ કરીશું.



Friday, June 17, 2016

સ્વામિનારાયણ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૧૧)


દુબઈ દેશમાં પ.ભ. શ્રી કાન્તીભાઈ ના એમિરેટ હિલ્સ ખાતેના નિવાસ્થાન માં પધરાવેલ શ્રીજી મહારાજની ભવ્ય મૂર્તિ. 

         

             દોઢ ટન વજનના કમલાસન સહીત ચાર ટન વજન ધરાવતી શ્રીજી મહારાજની આ મનોહર મૂર્તિ ગઢડા (સ્વામીના), ગુજરાત, ઇન્ડિયામાં ચાર વરસની જહેમત બાદ તૈયાર થઇ. પછી સારંગપુર ખાતે બિરાજમાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પ્રસાદીના હાર-પુષ્પોથી સંતો દ્વારા તેની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને સ્પેશીયલ પેકિંગ સાથે એક મોટા સી-કન્ટેઈનરમાં મૂકી ગઢડાથી દુબઈ રવાના કરવામાં આવી.   

            

            આ કન્ટેઈનર લઇ આવનાર જહાજ ૨૯/૦૩/૨૦૧૪ના દિવસે દુબઈ પહોંચ્યું. પણ જહાજને ૩/૦૪/૨૦૧૪ના સવારે બર્થ મળવાથી આ કન્ટેઈનર બપોર પછી સુમારે ત્રણ વાગે કાન્તીભાઈના ઘરે પહોંચ્યું. મૂર્તિ વજનદાર હોવાથી કન્ટેઇનરમાંથી બહાર કાઢવા માટે ફોર્ક લીફ્ટ મંગાવવી પડી. ગુરુવારનો  દિવસ હતો એટલે દુબઈમાં બપોર પછી રજાનો સમય હોવાને કારણે સાંજના છેક ૭ વાગે ફોર્ક લીફ્ટની વ્યવસ્થા થઇ શકી.

           

         દુબઈમાં ક્યારે પણ એપ્રિલ મહિનામાં વરસાદ વરસતો નથી, પણ મૂર્તિને જયારે પેકિંગમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. આ રીતે અનાયાશે જ મૂર્તિનો અભિષેક થઇ ગયો - જેનું વિડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું છે. 

          

            ત્યારબાદ પોણો ટન વજન ધરવતા કમલાસનના એક પીસ ઉપર, બીજા પોણા ટન વજન નો પીસ તો જહેમત કરીને હમાલોએ મૂકી આપ્યો. પણ પછી અઢી ફૂટ ઊંચા કમલાસન ઉપર અઢી ટન વજનની મહારાજની મૂર્તિનું પ્રસ્થાપન કરવું હમાલો માટે બિલકુલ અશક્ય હતું.  એટલે કાન્તીભાઈ અને તેમના ધર્મપત્ની ક્રિશ્નાબેને નિજ મંદિરમાં મહારાજ અને પ્રમુખ સ્વામીબાપા આગળ 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન શરુ કરીને ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીકે 'હે મહારાજ આપ હલકાફૂલ થઈને આજેજ આપના મૂર્તિ ધામમાં બિરાજમાન થાઓ'. અને મહારાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હળવા ફૂલ થઈ, કમલાસન ઉપર  બિરાજમાન થયા ત્યારે સમય હતો રાત્રીના ૧૦ કલાક નો. 

        

         પછી દુબઈમાં આ મૂર્તિ સ્થાપન વિધિનો વિડીયો  જયારે ઇન્ડીયામાં ગઢડા ખાતે જે સંતના માર્ગ દર્શન નીચે મૂર્તિ તૈયાર થઇ હતી તેમને મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે  જ્યોર્જિયન કેલેન્ડર મુજબ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ૩ એપ્રિલ અને સમય રાત્રીના ૧૦ કલાક હતો. અને બરાબર આજ તારીખ અને સમયના શ્રીજી મહારાજની ઉપરની મૂર્તિ દુબઈ ખાતે પ્રસ્થાપીત થઇ.

         

         પ.ભ. શ્રી કાન્તીભાઈ એ પોતાના નિવાસ્થાન ને એક સુંદર મંદિરમાં રૂપાંતર કરવામાં કોઈજ કચાશ રાખી નથી. પહેલા મજલા ઉપર ઘનશ્યામ મહારાજની બીજી એક સુંદર મૂર્તિ પ્રસ્થાપીત કરી છે. આશરે ૫૦ માણસો બેસી શકે તેવો એક સુંદર સભા હોલ તૈયાર કરેલ છે. આ સભાહોલની દીવાલો ને શોભાયમાન કરવા માટે શ્રીજી મહારાજના લીલા-ચરિત્રોના કેનવાસ પેઈન્ટીગ્સ અને બહાર બગીચામાં ફુવારા પાસે પ્રસ્થાપીત કરવા નીલકંઠ વરણીની મૂર્તિ હજુ તૈયાર થઇ રહી છે. 

         

          હું માનું છું કે આવુ ભવ્ય નિજ મંદિર  તમોને જવ્વલેજ બીજે કશે જોવા મળશે ! 

          



Saturday, June 4, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ ( ૧૦ )


૧૯૭૦ના વર્ષમાં યોગીજી મહારાજે જયારે પૂર્વ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે લંડનના હરિભક્તોએ તેમને લંડન પધારવા વિનંતી કરી. યોગીજમહારાજ ટોરો - યુગાન્ડામાં હતા, ત્યારે લંડનમાં રહેતા હરિભક્તો જોડે ટેલીફોન ઉપર લાંબી વાતચીત દરમ્યાન યોગી બાપાએ કીધું કે તમે પહેલા મંદિર માટે જગ્યા મેળવો પછી અમે આવીશું. તે અરસામાં લંડનમાં બહુજ ઓછા હરિભક્તો હોવાથી મંદિર નિર્માણ કાર્ય અતિ કઠીન હતું.પણ યોગીજી મહારાજને લંડન બોલાવવાના ઉત્સાહના કારણે હરિભક્તોએ મંદિર માટે યોગ્ય જગાની શોધ શરુ કરી.


તે દરમ્યાન ઇન્ડીયામાં યોગીજી મહારાજે એક વખત  લંડનના નકશા ઉપર નજર કરીને નકશા ઉપર પેન્સિલથી એક ટપકું કરીને કીધું કે આ સ્થળ મંદિર માટે ઠીક રહેશે. અને મે ૧૯૭૦ ના વરસમાં બાપાએ ટપકુ કરેલ બરાબર તેજ સ્થળે - ઇસ્લીંગટનમાં એક સેન્ટ જોહન બાપટીસ્ટનું બંધ પડેલ ચર્ચ વેચાણ માટે મળી આવ્યું. શરૂઆતમાં ચર્ચના માલિકો એ જગાની વેચાણ કિંમત ૧૨૦૦૦ પાઉન્ડ કીધી.  ત્યારે હરિભક્ત શ્રી  જયંતીભાઈ ચાંગાને સ્વપ્નમાં દર્શન આપી યોગીજી મહારાજ આ જગા નવેક હજાર પાઉન્ડ માં મળી જશે તેમ કહી ગયા. અને તેમજ બન્યું. બીજા દિવસે ચર્ચના ટ્રસ્ટીઓ તરફથી સામેથી  સંદેશ આવ્યો કે તમે મંદિર નિર્માણના સારા ઉદ્દેશથી જગા ખરીદતા હોવાથી અમે તમોને ૯,૫૦૦ પાઊંડની કિંમતે આ જગા વેચવા તૈયાર છીએ. 


લંડનની ૭૭ એલ્મોર સ્ટ્રીટ પરનું બંધ પડેલ ચર્ચ પછી ૨૩ મેં ૧૯૭૦ ના યોગીજી મહારાજના વરદ હસ્તે  અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર બન્યું. આ મંદિરના ઉદઘાટન સભારંભ દરમ્યાન આશરે પચાસેક હરિભક્તોના નાના સમુદાયને સંબોધતા યોગીજી મહારાજે કહેલ કે "ભવિષ્યમાં લંડનમાં આરસપાણનું ભવ્ય શિખર બંધ મંદિર બનશે અને તે યુરોપનું મોટામાં મોટું મથક બનશે". અને ૨૦૦૦ના વરસમાં ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નીચે મુજબ નોંધ લેવાઈ ગઈ છે કે :


"લંડનમાં નેસડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ઇન્ડિયાની બહારનું સૌથી મોટું હિંદુ મંદિર છે. ૨૮૨૮ ટન્સ બ્લ્ગેરીયન લાઈમ સ્ટોન અને ૨૦૦૦ ટન્સ ઈટાલીયન માર્બલ્સ ને પહેલા ઇન્ડિયામાં કંડલા ખાતે શીપ કરવામાં આવેલ. ત્યાં ૧૫૨૬ સ્થપતિઓ એ મળીને તે પત્થરોમાં કોતરકામ-નકશી કરીને પછી લંડન લાવી આશરે ૧૨ મીલીયન (૧૨,૦૦૦૦૦૦) પાઉન્ડના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે" 


૧૯૯૧ના વરસમાં લંડનના નેસડન વિસ્તારમાં આર્લીગટન ગેરેજ અને વેરહાઉસની જમીન પ્રાપ્ત કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભૂમિ પૂજન કરી નુતન મંદિર નિર્માણનું કામ આરમ્ભ્યું. ત્યારે યુરોપ અને અમેરિકામાં માં ભયંકર મંદી વ્યાપી રહી હોવાથી મંદિર માટે જરૂરી મોટી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉભો થયો. એટલે સંતો અને કાર્યકરો એ અંદરો અંદર ચર્ચા કરીને એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. આ ભોજન સમારંભમાં ઈંગલાંડના ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ જેવાકે લોર્ડ સ્વરાજ પોલ, ગ્લોબટીક શીપીંગના રવિ ટીકુ જેવા એકાદ ડઝન આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. એવી અપેક્ષાથી  કે ભારતીય મૂળના આ ઉદ્યોગપતિઓ મંદિરમાટે કાઈક ફંડ ફાળો આપશે. કોઈના તરફથી ફંડ ફાળો તો ના મળ્યો પણ સલાહ મળી કે - "ત્રણ ને બદલે એક જ શિખર નું મંદિર બાંધશો તો આ મંદીના સમયમાં ઓછા ખર્ચે આ પ્રકલ્પ જલ્દી પૂરો કરી શકશો.".


મોટા સંત પુરષોની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ કાઈક અલગ જ હોય છે. સ્વામીશ્રી પાસે આ પરિસ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો, ત્યારે ૧૯૯૨ના વરસમાં સ્વામીશ્રી પોતે લંડન પધાર્યા. સ્વામીશ્રીને તેમના હરિભક્તો ઉપર પૂરો વિશ્વાસ હતો અને તેમની ઈચ્છા તેમના હરિભક્તો પાસેથી જ સેવા મેળવી આ મંદિર નિર્માણ કરવાની હતી. એટલે સ્વામીશ્રી એ એક પછી એક એમ પોતાના લાડીલા હરિભક્તોને કહેણ મોકલાવીને  બોલાવ્યા. એટલુજ નહિ બલકે દરેકને અમુક રકમ તાત્કાલિક ૨૪ થી ૩૬ કલાકના સમયમાં જમા કરાવવા આજ્ઞા કરી. અને હરિભક્તો એ મંદીના કપરા કાળમાં પણ પોતાના પ્રાણ પ્યારા ગુરુની આજ્ઞા પાળી. કેટલાકે તો પોતાના રહેવાના મકાન/દુકાન વગેરે વેચી અથવા તો ગીરવે મુકીને પણ સ્વામીશ્રીના કહેવા મુજબ તાત્કાલિક રકમ જમા કરાવી.


આ કઈ રીતે શક્ય બન્યું ? કારણ હરિભક્તોને સ્વામીશ્રી ના વચનમાં પૂરો વિશ્વાસ હતો.  પ્રમુખ સ્વામી જેવા સાચા સનીષ્ટ સંત ક્યારે પણ કારણ વગર આવી માંગણી ના કરે. હરિભક્તોને સ્વામીશ્રી ની એ વાત ઉપર પણ ભરોશો હતો કે "કોઈનો ભાર ના રાખે મુરારી - આ તો દેના બેંક છે - આપો તેથી બમણું થઈને પરત આવે, જેમ જમીનમાં એક દાણો રોપો અને અનેક દાણા ઉગી નીકળે. તેમ સંતની વાત ઉપર વિશ્વાસ રાખી આપેલ રકમ ટૂંક સમયમાં વધીને પરત આવેજ છે તે વાત નો સૌને અનુભવ છે.


અને ભયંકર મંદી વચ્ચે પણ ચારેક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦-૮-૧૯૯૫ના દિવસે લંડનના નેસડન વિસ્તારમાં ૭ શિખરનું આરસપાણના પત્થોરથી બનેલ આ ભવ્ય મંદિર સાકાર થયું.  ૧૯૭૦ના વરસમાં ઇસલિંગટન ખાતે યોગીજી મહારાજે કરેલ ભવિષ્યવાણી આશરે ૨૫ વરસ પછી હકીકત બની.

 

યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન સ્વામિનારાયણના અતિશય કૃપા પાત્ર અને બ્રહ્મસ્વરૂપ સંતોએ કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી સદાય સાકાર થઈને જ રહે છે.