Category

Wednesday, August 17, 2016

"ધર્મ નિરપેક્ષતા" અનિવાર્ય કે અભિશાપ ?

૧૭ ઓગસ્ટ ૨૦૧૬ ના ઇન્ટરનેટ ઉપરના એક સમાચાર:-



અમેરિકાના કોલોરોડો સ્પ્રિંગમાં આવેલ પીટરસન એરફોર્સ દળના મેજર સ્ટીવ લુઇસના  ટેબલ ઉપર
'બાઈબલ'નું પુસ્તક ખુલ્લું/ઉધાડું જોઇને મીલીટરી રીલીજીયસ ફ્રીડમ ફાઊંડેશનનો સ્થાપક માઈક વેઇનસ્ટન ભડકી ઉઠ્યો છે. માઈકે મેજર સ્ટીવ લુઇસને આ હરકત સબબ કડક સજાની માંગણી કરી છે.

૩૧૦ નંબરની સ્પેસ વિંગ ના કમાન્ડર કર્નલ ફેલ્ટમેન માને છે કે એરફોર્સના સ્ટાફને પોત પોતાનો ધર્મ જ્યાં સુધી બીજાને તકલીફ ના આપે ત્યાં સુધી પાળવાનો બંધારણીય હક્ક છે. જયારે માઈક વેઇનસ્ટનની દલીલ છે કે લુઇસે જ્યાં ઉઘાડું બાઈબલ મુક્યું છે તે ટેબલ અમેરિકાની મીલીટરીનું એટલેકે તેની પોતાની માલિકીનું નથી પણ અમેરિકન જનતાનું છે. વેઇનસ્ટન અમેરિકન દળોને 'ક્રિશ્ચયાન વિચાર ધારાથી' મુક્ત જોવા ઈચ્છે છે જેથી અમેરિકન દળો દુશ્મનો જોડે વધારે ઝનૂની રીતે લડી શકે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત બ્રિટીશરો ના શાશનથી મુક્ત થયું અને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેત્રત્વમાં બનેલ પહેલી સરકારે પશ્ચિમ જગતની 'ધર્મનિરપેક્ષતા'ની આ વિચારધારા અપનાવી અને તેનું ભૂત હજી પણ ભારતની ધરતી ઉપર ધૂણી રહ્યું છે. શાસ્ત્રો, મંદિરો, અને સંતોની પવિત્ર ભારત ભૂમિ માટે આ વિચાર ધારા અનિવાર્ય છે કે અભિશાપ એ દરેક દેશ પ્રેમી  ભારતીય નાગરિકે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

હમણાજ આપણે ૭૦મો સ્વત્રંતા દિવસ મનાવ્યો. આ દિવસે આપણે દેશના સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરીએ છીએ, ગાંધી બાપુને યાદ કરીએ છીએ પણ એક અજ્ઞાત વ્યક્તિના અમુલ્ય યોગદાનથી ભાગ્યેજ માહિતગાર છીએ, અને તે છે, BAPS સંસ્થાના સંત બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજ.

આફ્રિકાથી આવ્યા પછી બેરીસ્ટર એમ.કે.ગાંધી એ મીઠાના સત્યાગ્રહ કાજે  ૫ માર્ચ ૧૯૩૦ના દિવસે દાંડીયાત્રા કાઢેલ તે તવારીખ ઈતિહાસમાં નોંધાયેલ છે. પણ પછી એક અઠવાડિયા બાદ ૧૩ માર્ચ ૧૯૩૦ના દિવસે BAPS સંસ્થાના બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજને નવાગામમાં મળેલ ત્યારે નીચે મુજબ વાર્તાલાપ થયેલ.

ગાંધીજી :  "સ્વામીજી મારું ધ્યેય (દેશની આઝાદી) સફળ થાય તેવા આપ મને આશીર્વાદ આપો.
શાસ્ત્રીજી મહારાજે ત્યારે પાસે બેઠેલા જોગી મહારાજ તરફ દ્રષ્ટિ કરી કહ્યું કે -
"તમારા પ્રયત્નોથી દેશને આઝાદી મળે તે માટે અમારા આ જોગી હવે થી માળા-જપ કરશે. તમે જો ધર્મ અને નીતિ નિયમનું પાલન કરશો તો ભગવાન તમારું ધ્યેય અચૂક પાર પાડશે"

ત્યારબાદ  લગભગ ૧૭ વરસો સુધી BAPS સંસ્થાના અગ્રગણ્ય સંતવર્ય શ્રી યોગીજી મહારાજે દેશની આઝાદી કાજે માળા ફેરવી. આખરે દેશ આઝાદ પણ થયો પણ પછી શું બન્યું ? નહેરુજી એ દેશને "ધર્મ નિરપેક્ષ" કર્યો અને આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ તેમ "નીતિ નિયમો" નો પણ ધ્વંસ થયો. આજના ભારતમાં પ્રવર્તમાન ઘણા ખરા હિંદુ ધર્મોમાં માંસાહાર અને મદિરાનો નિષેધ છે. જૈન, વૈષ્ણવ અને સ્વામિનારાયણ  જેવા સંપ્રદાયમાં તો ડુંગળી-લસણનો પણ નિષેધ છે. છતાં આજે કેટલા લોકો તેનું પાલન કરે છે ?  ધર્મ-નિરપેક્ષતાની વિચાર-ધારાએ ફરી એક વખત દેશને દંભી, સત્તા લાલચુ અને બે-ઈમાન રાજકારણીઓની ગુલામીમાં ધકેલી દીધો છે.

આ વિકટ પરિસ્થિતિથી દેશના સામાન્ય માનવીને બચાવવાની ફિકર અને ઈલાજ કોની પાસે છે ? તેનો જવાબ મારી માન્યતા મુજબ છે - "આપણા શાસ્ત્રો, મંદિરો અને સંતો."

હમણાંજ આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાતંત્ર્ય દિવસ નીમ્મીતે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવી રાષ્ટ્રજોગ પ્રવર્ચન વિધિ પતાવી, તુરંત સારંગપુર ધામ આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનું  કારણ હતું ભારતના સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવાનું.
ધર્મ-નિરપેક્ષતા નો ઢોલ પીટતા રાજકારણીઓ અને ઈતર ધર્મના લોકોને કદાચ તેમની આ ચેષ્ટા નહિ ગમી હોય. પણ તેમના પ્રાસંગિક પ્રવર્ચનમાં તેમણે જે પોતાની કેટલીક અંગત વાતો કરી તેની ભારતના દરેક નાગરિકે વિશેષ નોંધ લેવા જેવી છે.

સૌ પ્રથમ તો તેમણે આંસુ ભીના વદને શોક વ્યક્ત કર્યો કે BAPS ના અનુયાયીઓએ  તેમના ગુરુ ગુમાવ્યા
છે, પણ મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે. આજ સંદર્ભમાં તેમણે આગળ જણાવ્યુ કે ૨૦૦૦ના વરસમાં જયારે મને કોઈ ઓળખતું પણ નહિ, ત્યારે યમુના તીરે દિલ્હી અક્ષરધામના ખાત-મુહુર્ત સમયે સ્વામીશ્રી એ મને આગ્રહ કરી મહાનુભાવો જોડે પૂજા વિધિમાં બેસાડ્યો. એટલુજ નહિ પણ અંતર્યામી પણે જાણ્યું કે મારી પાસે પૂજાવિધિ પછી ભેટ મુકવાના પૈસા મારા ખિસ્સામાં નથી એટલે તેની પણ વ્યવસ્થા કરી આપી. ત્યાર બાદ
સ્વામીશ્રીએ તેઓને એક પેન ઈલેક્શનના ફોર્મમાં સહી કરવા માટે ભેટ આપેલ તે હકીકતથી આપણે સૌ
વાકેફ છીએ. વળી તેમણે જણાવ્યું કે સ્વામીશ્રી મોદીજીના પ્રવર્ચનોની વિડીયો મંગાવી તેઓ કાંઈક બોલવામાં ભૂલ કરતા તો તે બાબતમાં પણ તેમને  મીઠો ઠપકો આપી સુધારતા.

મિત્રો હવે તમેજ વિચારો કે અત્યાર સુધી આપણામાંના કેટલા લોકો જાણતા હતા કે દેશની આટલી બધી ફીકર અને ખેવના આપણો કોઈ દેશનેતા નહિ પણ ભારતના સાધુ સમાજે જેમને સંત શિરોમણી તરીકે સ્વીકારેલ તે પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા.

દુનિયામાં શાંતિ અને સુખાકારી સ્થાપવા માટે આજે સૌથી વધારેમાં વધારે જરૂર છે, આપણા ભારતના શાસ્ત્રો,
મંદિરો અને પ્રમુખસ્વામી જેવા નિયમ-ધર્મમાં ચુસ્તતાના આગ્રહી સંતોની. માટે ધર્મ-નિરપેક્ષતાની કે મંદિરો ની શી જરૂરિયાત છે, તેવી મેડિયાની ગંદી અને વાહિયાત સંદેશો ફેલાવતા વ્હોટસએપ સંદેશાઓ થી ચેતતા રહેજો.  

 
   
  

   




      

  







   

No comments:

Post a Comment