જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
Category
▼
Wednesday, November 22, 2017
અમેરિકા માં આજે ઉજવાઈ રહેલ "થેન્ક્સ ગીવીંગ ડે" ની ઉજવણી મારી રીતે
આજે ગુરુવાર અને ૨૩ નવેમ્બર ૨૦૧૭ ના દિને અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે ની ઉજવણી થઇ રહી છે. ત્યારે મારા માટે આજનો દિવસ એટલે મારી આ જીવન યાત્રા ને સફળ અને સુખદાયી બનાવવામાં જે જે લોકો એ મહત્વ ની ભૂમિકા ભજવી છે, તેમને યાદ કરવાનો દિવસ-ઋણ સ્વીકાર નો દિવસ -મનોમન વંદન કરવાનો દિવસ અને મારા હ્રદય ના ભાવો આ બ્લોગ પોસ્ટ ઉપર શબ્દ સ્વરૂપે વ્યક્ત કરવાનો દિવસ.
સુરેન્દ્રનગર ના સ્વામિનારાયણ મંદિર ની માલિકી ની જગામાં બીજા ભાડુતોની સાથે બે રૂમ નું રહેણાંક ભાડે રાખી પત્ની તેજબાઈ જોડે સંસાર માંડ્યો. મારું તે સારું મૂકી જગત માં જે સારું તે મારું સમજી સ્થાનકવાસી જૈન ધર્મ ત્યજી મુળી સ્વામિનારાયણ મંદિર ના અતિ ત્યાગી અને તપસ્વી સાધુ ગોપીવલ્લભદાસ ના હસ્તે વર્તમાન ધારણ કરી, તિલક ચાંદલો, પૂજા પાઠ, વ્રત જપ પરાયણ જીવન જીવીને અમોને વારસા માં સ્વામિનારાયણ સંપ્રદાય અને અમોને એક આદર્શ જીવન શૈલીની રીત શીખવી જવા બદલ આપને કોટી કોટી વંદન.
આજે આપની ચીર વિદાય ના ત્રણ દશક પછી પણ હું મારી આંખો બંધ કરું છું અને સ્પષ્ટ નિહાળું છું; નિત્ય સવારે પિતાશ્રીના દુકાન પ્રયાણ પછી તુરંત કબાટ માંથી સુંદર ફૂલો ની છાપ વાળો નવો સાડલો પરિધાન કરી કપાળે કંકુ નો મોટો ચાંદલો કરી તમારું મંદિર તરફ પ્રયાણ. હા આજે પણ હું સ્પષ્ટ જોઉં છું મંદિરમાં લાકડાની ઘોડી ઉપર વચનામૃત નું પુસ્તક મૂકી કેટલીક સાંખ્યયોગી અને બીજી બહેનો સમક્ષ તમે વાંચન કરતા તે દ્રશ્ય. સંધ્યા સમયે ઠાકોરજી ની આરતી ઉતારી, દૂધ ધરી અને પછી ભક્તચિંતામણી અને હરિ લીલામૃત નું ગાન કરતો તમારો અવાજ હજી પણ મારા કાનો માં ગુંજે છે.
યાદ છે મને ફાનસના અજવાળે માટીના ચુલા ઉપર તાવડી મૂકી અમારા માટે બાજરી ના ગરમ ગરમ રોટલા શેકતાનું અને રાત્રીના પાટલા ઉપર બેસી ગરમ ગરમ ખીચડી દૂધ જમતા મારા પિતાશ્રી ને તમો હાથ પંખો વીંઝતા નું દ્રશ્ય. બહેન પાસે પાટલા ઉપર ફાફડા ગાંઠિયા ઘસાવી પ્રાયમસ ઉપર તેલ ના તવા માં તમો તળી અમારા માટે મોટો ડબો ભરતા નું દ્રશ્ય. ઘરના સૌ સભ્યો ને સ્નાન અને ૫ માળા કર્યા પછી જ ચા-નાસ્તો અને અગિયારસ ને દિવસે ઉપવાસ નો અમારો ઉત્સાહ વધારવા ફરાળ માં બટાકા નું શાક, રાજગરા ની પૂરી ઉપરાંત શીંગ ની સુખડી, તલ ની ચીકી, ઘી માં સાંતળેલ ખજુર અને બટાકા ની કાતરી માં ભેળવેલ તળેલી શીંગ અચૂક રહેતી.
બે ઓરડા અને ઓસરી ના ભાડાના નાનકડા એ ઘરમાં કેટ કેટલા મહેમાનો ને તમો એ સાચવી લીધેલા? અમે ૬ ભાઈ બહેનો, દાદી તેજમા ઉપરાંત પેટીયું રળવા ભાવનગર આવેલ રાજસીતાપુરના દુરના પિત્રાઈલાડકચંદ અને ભદ્રેશી થી આવેલ લક્ષ્મીચંદ નો મહિના ઓ સુધી એ નાનકડી જગા માં સમાવેશ થઈ શક્યો હતો.
અને હા મારા સ્કુલ અને કોલેજ ના ૧૨ વર્ષના ગાળામાં ક્યારે પણ કોઈ માંદગી કે બીમારીએ તમારા માં રહેલ સાત્વિકતા, પવિત્રતા અને સેવાભાવના કારણે જ તમારા શરીર માં ક્યારે પણ પ્રવેશ કરવાની હિમ્મત કરી નહોતી.
એ જમાનામાં ફક્ત ૪ ચોપડી સુધી અભ્યાસ કરેલ ગ્રહીણીમાં આટલી બધી સૂઝ, સમઝણ, આવડત ક્યાંથી આવી? એ પ્રશ્ન નો એક ફક્ત જવાબ છે, આપના માતુશ્રી અને મારા નાની સમજુ-બા. નામ એવાજ ગુણ એ સમજુ-બા એ સ્વસુરગ્રહે વળાવતા પહેલા તમારા માં સિંચેલ ગૃહ સંસ્કાર.
તમે અને નાની સમજુ-બા મારા હર્દય પટ પર મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સદાય છવાયેલ રહેશો.
ધન સંપતી ને બદલે તમોએ શૂન્ય માંથી સર્જન કરવાની આવડત મને વારસા માં આપી. મારા જીવ માં ધર્મ નિયમ વૃત જપ ના બીજ જન્મ સાથે જ રોપી ખંત પૂર્વક તેનું પોષણ કર્યું. સફળતા ના શિખરે પહોંચ્યા પછી ધન-સંપત્તિ વધારવા તરફ દુર્લક્ષ કરી તમોએ ધીમે ધીમે દિન દુખિયા ને મદદગાર બની પ્રભુ પરાયણ જીવન શૈલી અપનાવી.
મને યાદ આવે છે, ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૬ ના વહેલી પરોઢ ના પાંચ વાગ્યાની એ ઘટના. હોસ્પિટલ ની પથારી માં જીવનના અંત નો સૂચક આપના એક દંડિયા શ્વાસ ની શરૂઆત થઇ ચુકી હતી. ત્યારે સમાજમાં ઊંચા મોભા ના પ્રમાણ માં આપની ધન સંપત્તિ ના અભાવની પરીસ્થિતી થી વાકેફ એવા હાજર એક હિતેચ્છુ મિત્રે આપને પુછેલ -"અંત સમયે આપની કાઈ ઈચ્છા કે મારા તરફ થી અપેક્ષા કે કોઈ ભલામણ કરવી હોય તો વિના સંકોચે મને કહો". ત્યારે તમોએ કેટલી સ્વસ્થતા પૂર્વક કહેલ કે -"મને મારા નાના દીકરા ની આવડત માં સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તમે હવે મારા આત્મા ની સદગતી માટે સ્વામિનારાયણ નામની ધૂન કરો". આટલું કહી આપે હમેશ માટે આંખો બંધ કરી દીધેલ.
આ ઘટના સમયે મારો એન્જીનયરીંગ નો અભ્યાસ પણ હજુ પૂર્ણ થયો ન હતો. હકીકત માં ૨૦ દિવસ પછી મારી છેલા વરસની ફાઈનલ પરીક્ષા ઓ શરુ થનાર હતી. દેહ ત્યાગ વેળાએ ઇષ્ટદેવ સ્વામિનારાયણ માં તમારી શ્રદ્ધા કેટલી દ્રઢ હતી તે વાત વરસો પછી આજે મને સમજાઈ છે. હકીકત માં તો ધન સંપતી ને ગૌણ ગણી, ઇષ્ટદેવ ને યાદ કરી આશીર્વાદ રૂપી મહામૂલી મૂડી મને આપી ને આપે દેહત્યાગ કરવાનું ઉચિત માન્યું.
ધન સંપત્તિ ને બદલે મને ધર્મ પરાયણ જીવન શૈલી નો વારસો આપવા બદલ આપને કોટી કોટી પ્રણામ.
ડીસેમ્બર ૧૯૭૧ મા આગમન સાથે જ સ્વેચ્છા એ જવાબદારી સ્વીકારી મને મારી બે સામાજિક ફરજો માંથી નિવૃત્તિ અપાવી - (૧) સંધિવાના કારણે હલન ચલન કરી શકવાને અસમર્થ મારી માતા ની કાળજી પૂર્વક ની સંભાળ [ ટોઇલેટ માં ફસડાઈ પડેલ મારી માતા ને નાના બાળક ની જેમ શાવરમાં લઇ જઈને નહવારવી સ્વચ્છ કર્યા નો પ્રસંગ હું ક્યારે પણ ભૂલી શકુ તેમ નથી](૨) મારી નાની બહેન માટે યોગ્ય જીવન સાથી ની શોધ કરીને લગ્ન વિધિ પતાવી સ્વસુર ગ્રહે વિદાય અપાવી.
પિયરગ્રહ ની રસોઈ, કરકસર પૂર્વક ની ઘર રખાવટ અને પહેલા 'સ્વામિનારાયણ' નું ક્યારેય નામ પણ નહિ સાંભળ્યું હોવા છતાં સાસુમા પાસે થી જાણી સ્વામિનારાયણ સંપ્રદાય ના ચુસ્ત નિયમધર્મનું પાલન સ્વીકારી - ગંગા જમુના ના અનેરી સંગમ જેવી જીવન શૈલી અપનાવી શ્વસુરગ્રહે સૌના હૈયા જીતી લીધા. આ વાત નો શ્રેય હું ઈલા ના માતુશ્રી અને મારા સાસુમા સ્વ. કમળાબેનને તેમણે દીકરીને આપેલી કેળવણી અને સંસ્કાર બદલ આપું છું.
ગ્રહસ્થીની જવાબદારી ની રુએ હું નવ વરસ દુબઈ/કુવૈત નોકરી અર્થે કમાણી કરવા ગયો. તે દરમ્યાન મુંબઈ માં સિંગલ મોમ ઈલા એ અમારા દીકરા-દીકરી ના અભ્યાસ અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયી કૌટુંબિક પરમ પરા ને અનુરૂપ સંસ્કાર ની જવાબદારી નિભાવી.
આજે એ વાત નીર્વિવાદિત છે કે મિડલ ઇસ્ટ જઈને મેં કરેલી કમાઈ કરતા મુંબઈ માં રહીને ઈલા એ અમારા બંને સંતાનો ને આપેલ સંસ્કાર જેના કારણે આજે પણ અમેરિકા આવી વસેલા અમારા બને સંતાનો એ નિત્ય સવારે પ્રથમ સ્નાન-પૂજા-માળા ની કૌટુંબિક પરમપરા જાળવી રાખ્યા નું મહત્વ વધારે છે.
એપ્રિલ ૧૯૯૭ માં કૃપા કરી કુવૈત પધારીને આપે મારો હાથ જાલ્યો અને જાણેકે મને નવી જિંદગી મળી. મારા યોગક્ષેમ ની સઘળી જવાબદારી આપે લઇ લીધી. પૂર્વ જન્મો ના કર્મ બંધનો માંથી મને મુક્તિ અપાવવા અવાર નવાર આપના ચરણ સ્પર્શ નો મને લાભ આપ્યો. હે સ્વામી બાપા બહુ બધા સંતો હરિભક્તો ઉપરના ક્યારે પણ નહી ચૂકવી શકાય તેવા આપના અનેક ઉપકારો થી કૃતાર્થ થનારાઓ માં હું પણ એક છું. આપે મારા સર્વ શુભ સંકલ્પો પૂર્ણ કર્યા. સાંસારિક સહજ આવતી અનેક આધી-વ્યાધી-ઉપાધિઓ દરમ્યાન આપે મારી રક્ષા કરી. સત્સંગ, નિયમ ધર્મ માં ક્યારેય ચૂક ના થાય તેવી શક્તિ અને બળ આપતા રહેજો અને અંતકાળે વહેલા વહેલા તેડવા આવજો એજ માત્ર મારી એક અરજ સ્વીકારજો.
જુન ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી ભાવનગર ની સનાતન ધર્મ સ્કુલ માં અને પછી બે વરસ ભાવનગર ની સાયંન્સ કોલેજ માં સાથે અભ્યાસ કરતા કરતા કૃષ્ણ સુદામા જેવી દોસ્તી જામી. ખિસ્સા ખાલી છતાં મજબુત મનોબળ અને પ્રબળ પુરૂસાર્થ કરી સ્વપ્નો ને સાકાર કરવા અમે મુંબઈ આવ્યા. મુંબઈ પહોંચી TRIPLE F - ફ્લેટ, ફિયાટ અને ફોન પ્રાપ્તિ નો ટાર્ગેટ પૂર્ણ કર્યો.
ત્યારબાદ એક વધુ F ફોરેન ટુર નો નિર્ધાર કર્યો. મારી પહેલા કિશોરે વર્ડ ટુર કરી મને પ્રોત્સાહિત કર્યો એટલુજ નહિ પણ જરૂરી માર્ગ દર્શન ઉપરાંત દુનિયા ના કોઈપણ ખૂણા માં મને એક અઠવાડિયા માં ૫૦૦ ડોલર્સ જેટલું ફંડ પહોચાડવા ની હૈયે હામ આપી. અને મેં ખિસ્સા માં એક પણ ડોલર વગર કાર્ગો શીપ દ્વારા વિઝાગપટનમ થી જાપાન વાયા સિંગાપોર જવા પ્રયાણ કરી અમારો એ ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો.
પછી તો પહેલા એ દુબઈ જઈ શારજાહ માં સ્થાઈ થયો અને પાછળ પાછળ હું પણ દુબઈ જઈ પહોંચ્યો. શારજાહ થી પછી તે મસ્કત (ઓમન) શિફ્ટ થયો અને હું કુવૈત શિફ્ટ થયો. અમારી જુગલબંધી ચાલુ રહી. મસ્કત છોડી પછી પહેલા તે અમેરિકા આવી ને વસ્યો અને ત્યારબાદ વરસો પછી નસીબે મને પણ અમેરિકા આવી વસવાનો મોકો મળ્યો. અમારી દોસ્તી આજે પણ એટલીજ નિર્ભેળ -નિસ્વાર્થ અને સુખ દુખ માં એક બીજા ને સહીયારે આગળ ધપતા રહેવામાં મદદગાર થઇ છે.
અંતમાં નિખાલસતા પૂર્વક હું એ કબુલ કરું છું કે અમારા બંને માં એ હમેંશા મારા માટે પ્રેરણા દાયી અને મદદગાર રહ્યો છે. માટેજ મારા બીજા બધાજ મિત્રો કરતા તેની છબી આજ દિવસ સુધી મારા દિલો દિમાગ માં હમેશ માટે છવાયેલ રહી છે.
No comments:
Post a Comment