મારા હરજી શું હેત ન દીસે રે
તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ રે ...... °ટેક
હેત વિના હુંકારો ન દેવો,
જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે,
જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે...... તેને° ૧
ભક્તિભાવનો ભેદ ન જાણે ને,
ભુરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગે ન રાચે,
પછી ઉલેચી અંધારું ટાળે રે......... તેને° ૨
નામ તણો વિશ્વાસ ન આવે,
ને ઊંડુ તે ઊંડુ શોધે રે;
જાહ્નવી તીરે [કેરા] તરંગ તજીને,
પછી તટમાં જઈને કૂપ ખોદે રે.... તેને° ૩
પોતાના સરખી કરીને જાણે,
પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા,
ઓલ્યા મતિયા કહે છે માયા રે.... તેને° ૪
મારા વા'લાજી શું વા'લપ દીસે રે,
તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ રે ... °ટેક
સન્મુખ થાતાં શંકા ન કીજે,
મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ થઈ હરિજનને મળશે,
પછી કાચી તે કાયા પડશે રે ... તેનો° ૧
શૂળી ઉપર શયન કરાવે તોય,
સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે,
તેનું સુખદુઃખ સર્વે સહીએ રે ... તેનો° ૨
અમૃતપેં અતિ મીઠાં મુખથી,
હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા,
જેનાં દર્શન કરવાને આવે રે .. તેનો° ૩
નરકકુંડથી નરસું લાગે,
દુરિજનનું મુખ મનમાં રે,
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા,
વાસ દેજો હરિજનનમાં રે ... તેનો° ૪
No comments:
Post a Comment