Saturday, January 30, 2016

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૬)


મહીપતરામ નો ભત્રીજો વિઠ્ઠલરાવ ઈ.સ.૧૮૦૯ માં અમદાવાદ નો સુબો બન્યો. તેને ભગવાન સ્વામિનારાયણ તથા સંપ્રદાય વિષે ભારે દ્વેષભાવ હતો. તેણે શ્રી સ્વામિનારાયણને મારવા ષડયંત્ર રચેલું પણ તેમાં તે નિષ્ફળ ગયો, અને તેની સત્તાનો પણ અંત આવ્યો. ત્યારબાદ ખેડાના કલેકટર ડનલોપ સાહેબે ઈ.સ.૧૮૧૭ ના નવેમ્બર માસમાં સત્તા સંભાળી. સૂબાના રાજ્ય દરમ્યાન સ્વામિનારાયણે અમદાવાદમાં પગ નહિ મુકવાના ફરમાન નો અંત આવ્યો. એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન ગામ મછીયાવ થી સાણંદ થઈને સરખેજ આવ્યા. શહેરની મધ્યમાંથી પવિત્ર સાબરમતી નદી વહેતી હતી જેના કિનારે શ્રી નર નારાયણ દેવે તપ કરેલ. આ નદીમાં અનેક વખત સંતો સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરેલ.ભગવાન શ્રી સ્વામિનારાયણનું અમદાવાદમાં ભવ્યાતી ભવ્ય સ્વાગત થયું, જેમાં અંગ્રેજ અધિકારી શ્રી એરણ સાહેબ અને ડનલોપ સાહેબ પણ સામેલ હતા.


શ્રી હરિની દિવ્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને અંગ્રેજ અમલદારોએ અમદાવાદમાં મંદિર બાંધવા શ્રી હરિને મનગમતી જગા પસંદ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રીજી મહારાજે અમદાવાદની પાઠકવાડી નામે પ્રચલિત જગા મંદિર માટે પસંદ કરી. બંને અંગ્રેજ અધિકારીઓએ છેક વિલાયતથી પરવાનગી મેળવી આપી શ્રી હરિને શહેરની મધ્યમાં કાળુપુર નવાવાસ પાસેની પાઠકવાડીની જમીન તામ્રપત્ર ઉપર યાવદચન્દ્ર દીવાકરો લેખ કરીને જમીન અર્પણ કરી. આ ઉપરાંત મંદિર પણ સરકારી ખર્ચે બાંધી આપવાનો પ્રસ્તાવ મુક્યો. પણ શ્રીજી મહારાજે રાજ્ય સત્તાના પૈસાથી મંદિર બાંધવાને બદલે નાનામાં નાના સત્સંગીઓના પ્રેમના પૈસાથી મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. શ્રી હરિએ પોતાની ચરણભેટમાંથી રૂપિયા ૧૧/- સ.ગુ.શ્રી આનંદાનંદ સ્વામીને આપીને અમદાવાદમાં શિલ્પ શાસ્ત્રનુસાર ઉત્તમ ત્રણ શિખરો વાળુ મંદિર બાંધવાની આજ્ઞા કરી. શ્રી શુધ્ધજ્ઞાનાનંદ સ્વામી તથા બીજા સંતોને મૂર્તિ તૈયાર કરાવવા ડુંગરપુર મોકલ્યા. મંદિર માટે જરૂરી પથ્થર હિંમતનગર તેમજ ધ્રાગધ્રાથી મંગાવ્યા. 


જીવા વિરમગામા નામના એક હરિભક્ત ગાડામાં એક મોટો લાંબો પથ્થર લાવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક બળદ મ્રત્યુ પામ્યો. છતાં તેઓ હિમ્મત હાર્યા વગર મ્રત્યુ પામેલ બળદની જગાએ પોતે જોતરાઈને પણ પથ્થર અમદાવાદ પહોંચાડ્યો. આ ઘટનાથી પ્રસન્ન થઇને શ્રીજી મહારાજે તે હરિભક્તને ભેટ આપી. અને તેમણે લાવેલ પત્થરને રાધાકૃષ્ણ દેવ સમક્ષ પધરાવ્યો. આજ દિવસ સુધી આ પત્થરનો સ્પર્શ કરવાથી અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.






   


       



No comments:

Post a Comment