સર્વે સખી જીવન જોવાને ચાલો રે
સર્વે સખી જીવન જોવાને ચાલો રે
**********
જોગાનુજોગ ભક્ત કવિ રૂપજીભાઈ કડિયાને વઢવાણ પાસેના ખારવા ગામે ધનારાબા નામના એક સત્સંગી હરિભક્ત ભેટી ગયા. ધનારાબાએ રૂપજીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનન્ય મહિમા સમજાવ્યો. રૂપજીભાઈ તો પૂર્વના મુક્ત હતા, એમને સત્ય સમજાતાં વાર ન લાગી. ધનારાબાની વાતો સાંભળીને એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શનની અદમ્ય ઇચ્છા જાગી.
એ વખતે શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજમાન હતા. રૂપજીભાઈ ધનારાબા સાથે ગઢડા જવા ઊપડ્યા. બે દિવસે તેઓ ગઢડા પહોંચ્યા. એ વેળા મહારાજ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોઝે ઘોડે બેસીને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઈને શેરીમાં જ મહારાજનાં દૂરથી દર્શન થયાં. એમનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ તેમણે 'સર્વે સખી જીવન જોવાને ચાલો રે...' એ કીર્તન બનાવી ગાયું.
ભરચક જનસમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દૃષ્ટિ ફેરવી જોયું તો ધનારાબાની સાથે રૂપજીભાઈને દીઠા. ભારે ભીડ વચ્ચેથી જ મહારાજે રૂપજીભાઈને હાકલ કરી પાસે બોલાવ્યા. રૂપજીભાઈએ મહારાજ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને નયનમાંથી ઝરતા પ્રેમાશ્રુથી શ્રીહરિનાં ચરણોને પખાળ્યાં. મહારાજે રૂપજીભાઈને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પછી પ્રેમથી પ્રગાઢ આલિંગન આપ્યું.
મહારાજ લક્ષ્મીવાડી પહોંચ્યા, ત્યાં આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીભાઈને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે સર્વ સભાને સંબોધતાં કહ્યું: "આ રૂપજીભાઈ પરમ ભક્તરાજ છે ને નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા છે."
પછી રૂપજીભાઈ તરફ જોઈને બોલ્યા: "કેમ રૂપજી! હવે ક્યાં સુધી સંસારાબ્ધિના ખૂણામાં છુપાઈ રહેવું છે?"
રૂપજીભાઈએ તત્કાળ ઉત્તર આપ્યો: "મહારાજ, આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઇચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો જ ઇરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું."
મહારાજ રૂપજીભાઈનો ઉત્તર સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને ત્યાં એ વખતે જ રૂપજીભાઈને દીક્ષા આપી પરમહંસ બનાવ્યા ને ભૂધરાનંદ નામ આપ્યું, જે કાળાન્તરે ભૂમાનંદ થયું.
કાવ્યકૃતિ :
સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. ૧
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે. ૨
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. ૩
મળ્યાં આવે મહામુનિનાં વૃંદ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે. ૪
ભક્તો ને મુક્તો ઉત્તમ યશ ગાવે રે,
નૃત્ય કરી સંતો વાજિંત્રો વજાવે રે. ૫
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે. ૬
No comments:
Post a Comment