શું આપ આગ્રા ગયા છો? જો આગ્રા ગયા હશો તો યમુના નદીને કિનારે પ્રેમના પ્રતીક સમા સંગેમરમરથી બનેલા તાજમહેલની મુલાકાત તો અવશ્ય લીધી જ હશે. મુગલ બાદશાહ શાહજહાંની લોકપ્રિયતા તાજમહેલને કારણે તો પ્રખ્યાત છે. વળી તેમની બીજી ઓળખ એટલે આગ્રાના પેઠા.
બાદશાહની પ્રિય વાનગી પેઠા હતી. બાદશાહે તેમના રસોઈયાને ક્હ્યું હતું કે મને એક વિશિષ્ટ મીઠાઈ ખાવાનું મન છે જે શુદ્ધ હોય તથા સંગેમરમરથી બનેલા તાજમહેલ જેવી સફેદ હોય. રસોઈ બનાવતા મહારાજે ખાસી મહેનત કરીને સફેદ કોળાનો ઉપયોગ કરીને દૂધ જેવા સફેદ પેઠા બનાવીને બાદશાહને પીરસ્યા. બાદશાહ વાનગી ખાઈને આફરીન થયા. આમ સફેદ કોળાની વાનગી પેઠાએ દેશ-વિદેશમાં નામ બનાવ્યું. ૩૫૦ વર્ષ પહેલાં પણ પેઠા બનતાં હતાં. ભારતમાં આગ્રાની ઓળખ તાજમહેલ તથા પેઠાને કારણે વિખ્યાત બની છે.
દિવાળીમાં તેનો ઉપયોગ ઉત્તર ભારતમાં તો ઘેર ઘેર થતો હોય છે. ગરીબ કહો કે ધનિક પ્રત્યેક વ્યક્તિને નવા વર્ષમાં તેની લહેજત માણવા મન લલચાતું હોય છે. ગુજરાતમાં પણ હવે તો દિવાળીમાં ખાસ પેઠાની ખરીદી થતી હોય છે. આગ્રાના નુરી ગેટ પાસે લગભગ ૭૦૦થી વધુ કુટિર ઉદ્યોગ ફક્ત પેઠા બનાવવાના કાર્યરત છે.
કોઈપણ જાતની ભેળસેળ વગર બનતાં પેઠાને ઈશ્ર્વરની મનગમતી મીઠાઈ પણ ગણવામાં આવે છે. ખાંડ, પાણી તથા સફેદ કોળાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે તો આગ્રાના પેઠા બનાવતી ખ્યાતનામ દુકાનોમાં પણ મધુમેહના દર્દી પણ ખાઈ શકે તેવા પેઠા બનવા લાગ્યા છે.
સામાન્ય રીતે તો શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઈને તાજે-તાજી ખાવામાં આવતી હોય છે. જેમ કે દૂધીનો કે ગાજરનો હલવો, વટાણાની બરફી, બટાકાનો શીરો સફેદ કોળામાંથી બનતી મીઠાઈ એટલે જ ‘પેઠા’. પેઠા બે પ્રકારના બનાવવામાં આવે છે. એક સૂકા પેઠા તથા બીજા થોડા નરમ રસાદાર પેઠા. સૂકા પેઠાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. આપણે આઈસક્રીમ, કૅક, પાનમાં કે મુખવાસમાં ટૂટી-ફ્રૂટીનો સ્વાદ માણીએ છીએ તે પણ સફેદ કોળામાંથી જ બનાવવામાં આવે છે.
સફેદ કોળાને અંગ્રેજીમાં વૅક્સ ગોર્ડ કે એસ્ ગોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને કોળું તો હિન્દીમાં તે કદ્દુ તરીકે ઓળખાય છે. એશિયામાં તેનો પાક મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉપરની છાલ લીલી તથા પાતળી હોય છે, મીઠાશથી ભરપૂર જોવા મળે છે. ધીમે ધીમે તેમાંથી ચીકણો પદાર્થ પણ બનવા લાગે છે, આથી જ તેને ‘વૅક્સ ગોર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. સાઉથઈસ્ટ એશિયામાં તેનું ઉત્પાદન મોટા પાયે થતું જોવા મળે છે. એવું કહેવાય છે કે તે જાપાન તથા જાવાથી એશિયાના વિવિધ દેશોમાં ખ્યાતિ પામ્યું. એક વર્ષ સુધી પણ તેને રાખી શકાય છે. સફેદ કોળામાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે અત્યંત લોકપ્રિય બન્યું છે.
વિશ્ર્વના વિવિધ દેશોમાં પણ તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. વિયેટનામમાં પ્રસૂતિ બાદ માતાને ખાસ સફેદ કોળાનો સૂપ બનાવીને આપવામાં આવે છે.
ચીનમાં તેનો ઉપયોગ વિવિધ શાકભાજીની સાથે પણ કરવામાં આવે છે. ખાસ પ્રકારની કેન્ડી તથા નવા વર્ષે બનાવવામાં આવતી કૅકમાં પણ સફેદ કોળાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઈનીઝ તથા તાઈવાનીઝ મૂન ફેસ્ટિવલમાં પણ ‘મૂનકૅક’માં તેનો ખાસ ઉપયોગ કરે છે. ફિલિપાઈન્સમાં પણ પેસ્ટ્રી અને સૂપ બનાવવામાં સફેદ કોળાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં પણ સફેદ કોળાનો ઉપયોગ નવા વર્ષે ઉત્તર ભારતમાં ખાસ કરવામાં આવે છે. સફેદ કોળામાંથી બનતાં સ્વાદિષ્ટ પેઠાની મોજ ઉત્તર ભારતીયો મન ભરીને માણે છે. દક્ષિણ ભારતમાં કરી, શાક કે સંભારમાં તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. હિમાલયના પહાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા તો ‘બરી’ નામક એક ખાસ વાનગી બનાવવામાં આવે છે. જે ઠંડીના દિવસોમાં ઉપયોગી બને છે. સફેદ કોળાની સાથે મગને ભેળવીને બરી બનાવવામાં આવે છે.
સૂર્યપ્રકાશમાં તેની સુકવણી કરે છે. ઠંડીમાં બરફવર્ષા બાદ તેનો ઉપયોગ ભાત કે રોટલી સાથે રસાવાળા શાક તરીકે કરવામાં આવે છે. પહાડી પ્રદેશમાં રહેતાં લોકો દ્વારા ઘણા લાંબા સમયથી મોસમમાં આવતા બદલાવ સામે શરીરને ટકાવી રાખવા ઉપયોગ કરવામાં આવે છે. કોળામાં આયર્ન તથા વિટામિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે.
નેપાળમાં તો ‘વૅક્સ ગૉર્ડ પંચ’ નામક ખાસ પીણું મળે છે. પેઠા તથા મુરબ્બો પણ નેપાળી લોકોની મનભાવતી વાનગી ગણાય છે. કુમ્હાડા, કોળુ કે પેઠા કોળાનો રંગ આછો લીલો હોય છે. તેનો આકાર ગોળાકાર પણ થોડો લાંબો હોય છે. તેની ઉપર થોડો સફેદ પાઉડર લાગ્યો હોય તેવું લાગે છે. વાસ્તવમાં તેની ઉપર કોળામાંથી જ નીકળેલું એક પ્રકારનું વૅક્સ લાગ્યું હોય છે. પેઠાનું કદ પીળા કોળાની સરખામણીમાં થોડું નાનું હોય છે. ૯૬ ટકા પાણીનું પ્રમાણ કોળામાં જોવા મળે છે. આથી જેને વજન ઘટાડવું હોય તેને માટે સફેદ કોળું ઉપયોગી છે. તેનું શાક, હલવો મુરબ્બો પણ બનાવવામાં આવે છે.
ભારતમાં આગ્રાના પેઠા અત્યંત પ્રખ્યાત છે. આગ્રામાં તાજમહેલ જોવા ગયા હોય તેને બીજો સવાલ ત્યાંના પેઠા ચાખ્યા કે નહીં તેવો જ કરવામાં આવે છે. પેઠામાં પણ હવે વિવિધ વેરાયટી મળતી થઈ છે. જેમ કે કેસર પેઠા, ચોકલેટ પેઠા, પાન પેઠા, અંગૂરી પેઠા, નાળિયેરી પેઠા, સૂકા પેઠા, કાજુ પેઠા. વાસ્તવમાં જો ઓરિજિનલ સ્વાદ માણવો હોય તો સફેદ કોળામાંથી બનતાં પેઠા ખાવ તેની સાથે તેમાંથી એક મીઠો-મધૂરો રસ છૂટે તે મન-મસ્તિષ્કને તરબોળ કરી દે તેવો હોય છે.
એસિડિટીમાં ગુણકારી: સફેદ કોળાનો ઉપયોગ કે તેમાંથી બનાવેલા પેઠાનો ઉપયોગ કરવાથી છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં મદદરૂપ છે.
એસિડિટીમાં ગુણકારી: સફેદ કોળાનો ઉપયોગ કે તેમાંથી બનાવેલા પેઠાનો ઉપયોગ કરવાથી છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં મદદરૂપ છે.
સવાર-સાંજ કોળાનો રસ પીવાથી કે નાનો ટુકડો પેઠાનો ટુકડો ખાવાથી લાંબા સમયથી શરીરને પરેશાન કરતી બળતરાની તકલીફમાં ફાયદો થાય છે.
ચયાપચયની ક્રિયામાં લાભકારી: સફેદ કોળામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર છે. ફાઈબરનો ઉપયોગ આહારમાં કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. પાચન સુચારુરૂપે થવાને કારણે પાચન સંબંધિત વિવિધ રોગ જેવા કે કૉલોન કેન્સર, ડાઈવર્ટિક્યુલાઈટિસ કે આંતરડામાં થતાં સોજાને રોકે છે.
શરદીમાં ગુણકારી: સફેદ કોળામાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. શરદી, ખાંસી કે તાવની તકલીફમાં પેઠાનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હૃદયની બીમારીથી બચી શકાય છે: અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન દ્વારા કરવામાં આવેલા અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વિટામિન સીનું પર્યાપ્ત માત્રામાં સેવન કરે છે તેમની હૃદયરોગની સંભાવના ૪૨ ટકા ઘટી જાય છે. પેઠામાં વિટામિન સીની માત્રા લગભગ ૧૯.૧૧ ટકા જોવા મળે છે. આમ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદરૂપ ગણાય છે.
માઈગ્રેનમાં લાભકારક: વિટામિન બી -૨ માઈગ્રેનની તકલીફમાં ગુણકારી ગણાય છે. અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે વિટામિન બી -૨નું સેવન કરવાથી માઈગ્રેનના દર્દમાં ઘટાડો જોવા મળે છે. વળી લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય તો સફેદ કોળાનો ઉપયોગ આહારમાં કરવાથી દુખાવો ઝડપથી ઓછો થવા લાગે છે. સફેદ કોળામાં રિબોફ્લેવિન નામક ઘટક સમાયેલું છે. જે આંખોનું તેજ વધારવામાં, પાચનક્રિયાને સુધારવામાં, શરીરમાં હોર્મોન, તેમનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તે માટે પણ વિટામિન બી-૨ જરૂરી છે. શરીરના પ્રત્યેક અંગોનો યોગ્ય વિકાસ થાય તે માટે અતિઆવશ્યક ગણાય છે. શરીરને મળતાં પોષકતત્ત્વોનું ઊર્જામાં પરિવર્તન કરી શરીરની ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે. સ્વાદમાં ગળ્યા હોવા છતાં પેઠામાં ફાઈબર તથા પાણીનું પ્રમાણ ભરપૂર હોવાથી તે વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય ગણાય છે.
સફેદ કોળાનું શાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ખનિજ તથા પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોવાને કારણે માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ઉપયોગી ગણાય છે. કૅલ્શિયમ, સોડિયમ, સેલેનિયમ, આયર્ન જેવા અનેક ગુણોનો ભંડાર ધરાવતા સફેદ કોળાનો તથા તેમાંથી લાંબો સમય ખાઈ શકાતા સ્વાદિષ્ટ પેઠાનો ઉપયોગ આરોગ્યને માટે ઉત્તમ છે.
No comments:
Post a Comment