Saturday, March 4, 2017

ઘટના અને અર્થ ઘટન - ૧ / (શ્રી નિવાસ - અમેરિકા )


    ​           ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ શુક્રવાર સાંજે ૭.૧૫ સમયે અમેરિકાના કેનસાસ માં એક બારની અંદર ભારતીય વંશનો ૩૨ વર્ષની ઉંમરનો એક તેજસ્વી ઈલેક્ટ્રોનિક એન્જીનીયર યુવાન શ્રી નિવાસ કુચભોટલા તેના મિત્ર આલોક મદ્લાની જોડે ટી વી સ્ક્રીન પર સોકર મેચ ની મઝા માણી રહ્યો હતો. તે દરમ્યાન ત્યાં એક ૫૧ વર્ષનો અજાણ્યો અમેરિકન નાગરિક આવી - "અહિયાં અમેરિકામાં તમે ભારતીય લોકો શા માટે આવો છો ?" કહીને જેમ તેમ બોલવા લાગ્યો. શ્રી નિવાસ અને આલોકે તેને કશો ઉત્તર નહિ આપ્યો અને શાંત રહ્યા. પણ થોડાજ સમયમાં પુરીન્તન નામનો અમેરિકાની નેવીમાં ફરજ બજાવી ચુકેલો આ માણસ બહાર જઈને તેની બંદુક લઇને ફરીથી બારમાં દાખલ થયો. અચાનક આવીને તેની બંદુકમાંથી ધડા ધડ ગોળીઓ બારમાં બેઠેલ બંને ભારતીય ઉપર ચલાવી. તેની બંદુક ની ગોળી થી ઘાયલ થયેલ બંને ભારતીયોને તુરંત નજદીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. હોસ્પીટલમાં શ્રીનિવાસનું મ્રત્યુ થયું જયારે આલોક મદલાણી સારવાર દ્વારા બચી ગયો.

          અમેરિકામાં વંશીય ભેદભાવને કારણે બનેલ આ ઘૃણાસ્પદ ઘટનાના સમાચાર દુનિયાભરના બધાજ અખબારો અને ટી .વી. ચેનલો પર રજુ થયા. સૌ એ ઘેરા પ્રત્યાઘાતો પોત પોતાની રીતે આપ્યા. કોઈકે આ ઘટના માટે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભડકાઉ ભાષણોને ઠરાવ્યા. શ્રી નિવાસની પત્નીએ જણાવ્યું કે - "મેં તેમને (શ્રી નિવાસને) પહેલા જ ચેતવ્યા હતા કે હવે ટ્રમ્પના આગમન પછી અહિયાં અમેરિકામાં રહેવા જેવું નથી. ત્યારે તેમણે (શ્રી નિવાસે) મને થોડી ધીરજ રાખવા કહેલ


                                                 સિક્કા ની બીજી બાજુ 

(૧) મૃતક શ્રી નિવાસ અને અપરાધી પુરીન્તન એક બીજાથી બિલકુલ અજાણ હતા અને પહેલા ક્યારે પણ એકબીજાને મળ્યા હતા નહિ, તો શા માટે બીજું કોઈ નહિ અને શ્રીનિવાસ જ તેની ગોળીનો ભોગ બન્યો ?

(૨) શા કારણે ગુરુવાર ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ ની તે ગોજારી સાંજે શ્રી નિવાસ બીજે કશે નહિ અને તે બારમાં જવાનો નિર્ણય લીધો ?

(3) આલોક ને વાગેલ બંદુકની ગોળી ઘાતક નીવડી નહિ અને હોસ્પિટલની સારવારથી તે બચી શક્યો તો પછી શા માટે શ્રી નિવાસને વાગેલ બંદુકની ગોળી ઘાતક બની અને હોસ્પિટલની સારવાર કારગત ના નીવડી ?

          મારા મનમાં ઉદભવેલા ઉપરના સવાલોના જવાબ આજની ઈન્ટરનેટ અને માહિતી સભર ડીજીટલ દુનિયાના ગુગલ જેવા બીજા અનેક સર્ચ એન્જીસ દ્વારા મળી શકે તેમ નથી. તેથી વ્હોટસ-એપ ઉપર મેં મોકલાવેલ ઉપરની પ્રશ્નોત્તરી નો જવાબ કે રિસ્પોન્સ મને મારા કોઈ પણ 60 + ગ્રુપના મિત્ર તરફ થી મળ્યો નહિ. ત્યારબાદ આજ પ્રશ્નોત્તરી ને મેં મારા જે મિત્રો વ્હોટસ -એપ નો ઉપયોગ કરતા નથી તેમને ઈ-મેઈલ દ્વારા મોકલાવેલ.

          વડોદરા સ્થિત મારા વડીલ તુલ્ય મિત્ર દિગમ્બર જોશી તરફથી મારી ઉપરની પ્રશ્નોત્તરી નો નીચે મુજબ નો જવાબ મને મળ્યો :-


    "શ્રીનિવાસ પૂર્વજન્મમાં એક બ્રિટીશ સોલ્જર હતો ત્યારે તેણે
      પુરીન્તન જે પૂર્વ જન્મમાં અમેરિકાનો રેડ ઇન્ડિયન હતો તેની 
      બંદુકની ગોળી મારી હત્યા કરેલ. ઉપરની ઘટના બાદ એક 
      બીજાના કર્મ બંધન નો અંત આવ્યો"

       વર્ષો પૂર્વે વતન મહારાષ્ટ્ર/પુનામાં એન્જીનયરીંગ નો અભ્યાસ પૂર્ણ કરી જોશી સાહેબ રેલ્વેમાં જોડાયા બાદ ભાવનગરમાં પોસ્ટીંગ મળવાથી ગુજરાત આવેલ. ત્યાર બાદ વેસ્ટર્ન રેલ્વેમાં ઉચ્ચ પદે રહી નિવૃત્ત થયા પછી વડોદરામાં સેટલ થયા. હાલમાં  ૮૦ આસપાસની જૈફ ઉંમરે  જોશી સાહેબ તેમના પત્ની જોડે અતિશય સાદગી, સાત્વિક, સ્વનિર્ભર અને એકાંતમય જીવન વડોદરામાં વિતાવી રહ્યા છે જયારે તેમના બંને દીકરાઓ અમેરિકાની  મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાઈ થઇ પરદેશમાં વસ્યા છે. મિતભાષી જોશી સાહેબ નિવૃત્તિનો ઘણો ખરો સમય મૌન અને ધ્યાનમાં પસાર કરે છે.

          શ્રી હરિલીલા કલ્પતરુ પુસ્તકમાં નોંધાયેલ નીચેની સત્ય ઘટના ના સંદર્ભ મા મને શ્રી જોશી સાહેબનો ઉપરનો જવાબ યથાર્થ અને યોગ્ય લાગ્યો છે. પ્રસ્તુત છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેક લીલા ચરિત્રો માનો એક પ્રસંગ :- 

          એક સમયે મુળજી બ્રહ્મચારી અને શ્રીજી મહારાજ એક ગામ થી બીજા ગામ પગપાળા જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગાડાવાળો મળ્યો તે પણ તેજ ગામ જઈ રહ્યો હતો. એટલે ગાડાવાળા એ શ્રીજી મહારાજ અને મુળજી બ્રહમચારીને તેના ગાડામાં બેસાડ્યા અને પ્રવાસ આગળ ચાલ્યો. મધ્યાન સમયે રસ્તામાં એક નદી કિનારે વિશ્રામ કરવા સૌ રોકાયા. ગાડાવાળા એ બળદની જોડ ને નદીમાં પાણી પીવરાવી છુટ્ટા મુક્યા. તેના ભાતાના ડાબરા માંથી સૌ એ ભોજન કર્યું. પછી ગાડાવાળો થોડો  વિશ્રામ કરવા ઝાડ નીચે લંબાવીને સુતો.

         તે દરમ્યાન ત્યાંથી પસાર થતી લગ્નની એક જાન પણ સરસ નદી કિનારો જોઈ વિશ્રામ કરવા રોકાઈ. રોકાણ દરમ્યાન લગ્નસરાના ઘરેણા-દાગીનાનો દાબડો ખોવાયેલો જણાયો. જાનૈયાઓ ને દાગીના ની ચોરી થયાની શંકા થઇ. એટલે શ્રીજી મહારાજ પાસે આવીને પૂછા કરી ત્યારે મહારાજે ઈશારાથી સુતેલા ગાડાવાળા તરફ આંગળી ચીંધી. એટલે શંકાશીલ જાનૈયાઓ એ સુતેલા ગાડાવાળા ને ધોલ ધપાટ કરી દાગીનાનો દાબડો પરત કરવા કહ્યું. સૂતેલો ગાડાવાળો તો હેબતાઈ જ ગયો ! જાનના મુખિયા એ બુમ પાડી કે - " અલ્યા આ રહ્યો ઘરેણા નો દાબડો તો અહીજ છે તમે નાહક ની શોધા શોધ કરો છો". એ સાંભળી જાનૈયાઓ ત્યાથી પરત નાઠા. ગાડાવાળા ને સમજ જ ના પડી કે તે સપનું જોઈ રહ્યો હતો કે સાચે જ કોઈ તેને ધમકાવી ને ધોલ ધપાટ કરતુ હતું.

        બીજે ગામ પહોંચ્યા પછી મુળજી બ્રહમચારીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે "મહારાજ આ શું લીલા કરી તે સમજાવો. પેલા ભોળા ગાડાવાળા એ આપણને તેના ગાડામાં બેસાડ્યા - તેના ભાતાના ડાબરામાંથી ભોજન કરાવ્યું અને છતાં તમે જાનૈયાઓ ને ગાડાવાળા તરફ આંગળી ચીંધી માર ખવરાવ્યો ?"

        ત્યારે મહારાજે કહ્યું કે "ગાડાવાળા અને જાનૈયાના પૂર્વ જન્મના કર્મ બંધનને કારણે ગાડાવાળા ને હજુ બીજા સાત જન્મ ધારણ કરવા પડે તેમ હતું. અમે તેના ઉપર રાજી થઈને તેને આ જન્મે જ અક્ષરધામનું સુખ આપવા ઇચ્છીએ છીએ. એટલે જાનૈયા દ્વારા હમણા માર ખવરાવી અમે તેને તેના પૂર્વ જન્મના કર્મ બંધન થી મુક્તિ અપાવી".


                 " માનવ જાણે હું  કરું, હું કરું, પણ કરતલ દુજો કોઈ,
             આદર્યા અધૂરા રહે, બસ હરિ કરે સો હોય "

                                      

 












 
     
 

Saturday, February 25, 2017

સત્સંગી તો તેને રે કહીએ .....


   સત્સંગી તો તેને રે કહીએ, જે શિક્ષાપત્રી પાળે રે ,  
                                          નિયમ નિશ્ચય પક્ષ ન મુકે, નિર્મળ નજરે નિહાળે રે ..... સત ૦૧ 

                                          સર્વોપરી શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે,
                                          બ્રહ્મરૂપે પરબ્રહ્મને સેવે, ધન્ય ધન્ય ભક્તિ તેની રે, ..... સત ૦૨ 

                                          ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે, વિનયી ને પૂર્ણ વિવેકી રે;
                                          માથું જાતાં ટેક ન મુકે, ભક્તિ કરે એકાંતિકી રે.............. સત ૦૩

                                          મદ્યમાંસ ને ચોરી અવેરી, વ્યસન સર્વે વિસાર્યા રે;
                                          ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપ ત્રિવિધ નિવાર્યા રે .... સત ૦૪ 

                                          નિષ્કામ ભાવે સેવા સજે, હરિ ને હરિના જનની રે;
                                          ષડુરમી  ને તૃષ્ણા ત્યાગી, અહં મમતા તજી મનનની રે ... સત ૦૫ 

                                          વણ ક્રોધી ને નિ:સ્વાદી છે, નીર્લોભી નિષ્કામી કા'વે રે ;
                                          નિર્માની થઇ વર્તે તોયે, ગુણના માન ન આવે રે      ......   સત ૦૬ 

                                          મોહ માયા વ્યાપે ન જેને, તીવ્ર વૈરાગ્ય જેના મનમાં રે,
                                          પંચ વિષયને પર હરિયા, વિકારો નહિ તેના તનમાં રે  .... સત ૦૭

                                          ઈર્ષ્યા અશુયા મત્સર ટાળ્યા, સદભાવ જેના મનમાં રે ;
                                          શ્રીજી સાથે લગની લાગી, સકળ તીરથ તેના તનમાં રે  ....  સત ૦૮ 

                                          કાળ કર્મ ન લોપે જેને, પરધન પથ્થર જાણે રે;
                                          દાસ થઇ રહે સત્સંગે, તે અક્ષર પદ માણે રે ..................... સત ૦૯ 




                                           

Friday, January 27, 2017

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું - મુનિશ્રી ચિત્રભાનુ


                   મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ….

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળ માં, મુજ જીવનનું અર્ધ્ય રહે…..

દિન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દરદ  રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર વહે….

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગ નો તોય સમતા ચિત્ત ધરું …..

ચિત્રભાનુની ખરી ભાવના હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે …..

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ….



Sunday, December 11, 2016

મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે .....

                                              મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ... (૨)                                                                                          પ્રભુ મળ્યાના કેફ માં રહેવું, મોજમાં રહેવું રે ..

                                          

                                         તેજને મધ્યે મૂર્તિ જે છે, સંત સ્વરૂપે આજ એ છે રે...(૨)                                                          હે સર્વોપરીને શરણે છીએ, નચિંત રહેવું રે .....મોજમાં રહેવું રે .....


                                        પારસમણી ચિંતામણી આજ ઓચિંતી હાથ આવી રે ...(૨)                                                                             દુનિયા કેરા દોકડાની શું ખોજ માં રહેવું રે ....                                                                                                 મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...


                                     જે કાઈ થાયે સ્વામી કરે છે, શ્રીજી કરે છે સાચું કરે છે ..(૨)                                                                              હાં ખાટ હિંડોળે બેસીયો સોની, ખાટ હિંડોળે બેસીયો સોની,                                                            એમ માલતા રહેવું રે ....મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

                                     હાં સ્વામીના સ્નેહના સાગરમાંહી ડૂબી ગયા તે તરી ગયા રે ...(૨)
                                     હાં સંસારમાં તો તર્યા તોયે ડૂબ્યા જેવું રે ...
                                     મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

                                       

                                        સંસાર કેરી ફિકર રાખે, અંત વેળાએ લેવા આવે રે ...(૨)                                                                                 હાં મૂકી વિમાને અક્ષરધામે તેડી જાશે રે .....                                                                                                   મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

             



Tuesday, November 22, 2016

વી.એસ. હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પ્રતિકભાઈ નું લોસ એંજલ્સ/અમેરિકા માં એક મનનીય પ્રવર્ચન


         ૨૧ મે ૧૯૫૦ થી ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ એટલે કે ૬૬ વર્ષ અને ત્રણ માસના દીર્ઘકાળ દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના બધાજ સંકલ્પો પૂર્ણ કરી બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાના ધ્વજ  ધરતીના પાંચેય ખંડોમાં લહેરાવ્યા. તેમણે ગાંધીનગર, દિલ્હી અને  રોબીન્સવિલે /ન્યુ જર્સી/અમેરિકામાં ભવ્ય અક્ષરધામ, તેમજ ૧૧૦૦ જેટલા નાના મોટા મંદિરો અને   ૯૦૦ જેટલા ભણેલ ગણેલ યુવાન સાધુઓ ની સમાજ ને ભેટ આપી.

       સમાજ સેવાના તેમના આ દીર્ઘ કાર્યકાળ દરમ્યાન નાના મોટા, દેશ-પરદેશના અગણીત લોકો તેમના સંપર્કમાં આવ્યા પણ તેમના ખરા સ્વરૂપને બહુજ ઓછા લોકો પિછાણી શક્યા હતા. દેખાવ અને વર્તનમાં
તેઓ ભલે બીજા સાધુ - સંતો જેવા લાગે પણ હકીકતમાં તેઓ શાક્ષાત બ્રહ્મસ્વરૂપ હતા.

      શ્રી સ્વામિનારાયણ ભગવાનની  પરમ કૃપાથી તેઓ અતિ સામર્થ્યવાન હતા અને અનેક લોકોને તેમના સામર્થ્યનો અનુભવ થયેલ. પ્રસ્તુત છે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ના ડોક્ટર પ્રતિકભાઈ ને થયેલો અનુભવ તેમના પોતાનાજ મુખે અમેરિકામાં લોસ એન્જલ્સ ખાતે તેમણે કરેલ ૧૫ મીનીટના પ્રવર્ચન દ્વારા :-

      કૃપા કરી આપનું સ્પીકર ઓન કરી નીચેના પ્લ્યેયર ની ટેબ ને ક્લિક કરો :-



       ઉપરનું પ્લેયર ટેકનિકલ ક્ષતિને કારણે જો કાર્ય ના કરે તો કૃપા કરીને નીચેની લીંક આપના બ્રાઉઝર
       માં કોપી/પેસ્ટ કરવાથી પણ આ પ્રવર્ચન સાંભળી શકાશે.

                    http://yourlisten.com/ykshah/dr-pratik-speech-at-los-angeles


                      # આ બ્લોગ ઉપરની પોસ્ટ્સ વિષે આપનો અભિપ્રાય અને સૂચનો આવકાર્ય છે #