ઇતિહાસની તવારીખ :-
અંગ્રેજીમાં ઉક્તિ છે કે ' History repeats' = ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. અગાઉ આપણે જોયું કે ઈ.સ. ૧૮૨૮ માં ભાવનગરના વજેસિંહ મહારાજે ગઢડામાં દાદાના દરબારમાં સ્વામિનારાયણના મંદિર નિર્માણ કાર્યને અટકાવેલ. જે પછીથી અંગ્રેજ હાકેમનો પત્ર મળ્યા બાદ વજેસિંહમહારાજે પરવાનગી આપેલ.
અગાઉ આપણે એ પણ જોયું કે શ્રીજી મહારાજની ઈચ્છા તો ઘેલા કાંઠેની ટેકરી ઉપર મંદિર નિર્માણ કરવાની હતી, પણ તે જમીનના સહિયારા માલિક જીવાખાચરે મંદિર માટે જમીન આપવામાં આનાકાની કરી એટલે શ્રી હરિએ પછીથી દાદાના દરબારમાં મંદિર નિર્માણ કર્યું. ત્યારે શ્રી હરીએ કહેલ કે ભવિષ્યમાં અહી એક ભવ્ય મંદિર સાકાર થશે.
ઈ.સ. ૧૯૨૩માં શાસ્ત્રીશ્રી યજ્ઞપુરુષદાસે શ્રીજી મહારાજના એક કથન મુજબ ઘેલા કાંઠેની ટેકરીની જગા ઉપર અક્ષર-પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ માટે જમીન પ્રાપ્તિ માટે પ્રયત્નો શરુ કર્યા. ત્યારે કેટલાક વિરોધી અને વિઘ્ન-સંતોષી લોકોએ વજેસિંહ મહારાજના વંશજ અને ભાવનગરના તત્કાલીન મહારાજા શ્રી ક્રષ્ણકુમારસિંહજીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે ગઢડામાં જો બીજું સ્વામિનારાયણ મંદિર બનશે તો આ ગામમાં કાયમિ અશાંતિના બીજ રોપાશે. એટલે તે વખતના ભાવનગર રાજ્યના મહારાજાની ઋએ કૃષ્ણકુમારસિંહજીએ રાજ્ય ફરમાન બહાર પાડ્યું કે ગઢડા ગામની અંદર કોઈએ એક તસુ જમીન પણ શાસ્ત્રીશ્રી યજ્ઞપુરૂષદાસને મંદિર નિર્માણ માટે આપવી નહિ.
આથી નિરાશ હરિભક્તોએ આ ફરમાનની કોપી જયારે શાસ્ત્રીજી મહારાજને બતાવી ત્યારે તેમણે બિલકુલ ડગ્યા શિવાય ભવિષ્ય કથન કીધું: શ્રીજી મહારાજની ઈચ્છા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જોડે અહિયાં જ બેસવાની છે. એટલે રાજ્ય પલટો થશે પણ મંદિરતો અહિયાંજ બનશે. અને બન્યું પણ એવુજ. ઈ.સ.૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું, રજવાડાઓ ભારત ગણરાજ્યમાં વિલીન થયા. અને ભવનાગર રાજ્યના વહીવટી તરીકે શાસ્ત્રીજી મહારાજના આશ્રિત શ્રી ગોવિંદસિંહ ચુડાસમાની નિમણુક થઇ અને ઘેલા કાંઠે ટેકરા ની જમીન સંપાદન થઇ શકી. ત્યારબાદ શ્રીજી મહારાજના કથન મુજબ આશરે ૧૨૦ વરસો પછી અને બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ મુજબ ઈ.સ. ૧૯૫૧માં ઘેલા કાંઠે અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર તૈયાર થયું. વિધિની વકૃતા જુઓ: મહારાજાની ઋએ જે કૃષ્ણકુમારસિંહજી એ શાસ્ત્રીજી મહારાજને એક તસુ પણ જમીન નહિ આપવાનું ફરમાન બહાર પાડેલ, તે કૃષ્ણકુમાર પછીથી મદ્રાસ રાજ્યના રાજ્યપાલ બન્યા. એટલુજ નહિ પછીથી
મદ્રાસના રાજ્યપાલ બનેલા કૃષ્ણકુમારસિંહજીના હસ્તે જ ઘેલા નદીના ટેકરા ઉપર અક્ષર પુરષોત્તમ મંદિરનું ખાત-મુહુર્ત થયું.
કોઈને કદાચ મનમાં પ્રશ્ન ઉદભવે કે સ્વામિનારાયણ ભગવાન જે પોતે પૂર્ણ-પુરષોત્તમ હતા અને સર્વ અવતારના અવતારી હતા, તો પછી તેમની ઈચ્છા મુજબ ઘેલા કાંઠે ટેકરી ઉપર મંદિર કેમ કરી શક્યા નહિ ? હું માનું છું કે શ્રીજી મહારાજની આ એક લીલા કહોકે દિવ્ય ચરિત્ર હતું. આ ચરિત્ર દ્વારા મહારાજ તેમના આશ્રીતોને એ સંદેશ આપવા માંગતા હતા કે તમો જયારે પણ મંદિર નિર્માણ કાર્ય શરુ કરશો, ત્યારે તેમાં વિઘ્નો તો અચૂક આવશેજ, છતાં તમે હિમ્મત હારશો નહિ. અને આજે પણ ઠેર ઠેર સ્વામિનારાયણના મંદિર નિર્માણ કાર્યમાં અનેક વિઘ્નો આવતા રહ્યા છે, અને સંતો-ભક્તોએ આવા અનેક વિઘ્નોનો હિમ્મતથી સામનો કરીને મંદિર નિર્માણ કાર્ય પુરા કર્યા છે.
ઈ.સ. ૧૯૦૮માં આણંદ મુકામે સમૈયા દરમ્યાન ૮૦૦ જેટલા હરિભક્તોએ સ્વામીશ્રીને વરતાલ ગાદીથી જુદું મંદિર કરવા ખુબ આગ્રહ કર્યો અને મંદિર માટે સેવા નોંધવાનું શરુ કર્યું. જોત જોતામાં ૪૦ હાજર રૂપિયાની લખણી થઇ ગઈ એટલે સ્વામીશ્રીએ કહ્યું -'હવે સેવા લખાવવાનું બંધ કરો પછી ખૂટશે તો સેવા લઈશું.
સેવા તો લખાઈ ગઈ પણ મંદિર ક્યાં કરવું ? સ્વામીશ્રીએ બોચાસણ ઉપર પસંદગી ઉતારી કારણકે 'શ્રીજી મહારાજે કાશીદાસ મોટાને આ ગામમાં મંદિર કરવા કોલ આપેલ હતો'. અને થોડાજ વખતમાં મંદિર માટે જમીન પણ લઇ લીધી.
વિરોધીઓની ઉપાધી છતાં મંદિરનું ખાત મુહુર્ત નીરવિઘ્ને થયું. મંદિરના પાયા ખોદતા એક દિવસ લક્ષ્મીના ચરુ નીકળ્યા, જે હરિભક્તો સ્વામીશ્રી પાસે લઇ આવ્યા. સ્વામીશ્રી તો અતિ નિસ્પૃહી એટલે કહે - 'આપણે અહી લક્ષ્મીજીની મૂર્તિ પધરાવીશુ એટલે એ આખા બ્રહ્માંડ ની લક્ષ્મી અહી લાવશે, માટે આ લક્ષ્મીને દટાયેલ જ રહેવા દ્યો'. આમ કહી સ્વામીશ્રીએ ચરુ પાછા દટાવી દીધા અને સિદ્ધિઓને પાછી ઠેલી.
સંવત ૧૯૬૩ના વૈશાખ વદ દશમનો મૂર્તિપ્રતિષ્ઠાનો દિવસ આવી પહોંચ્યો. સૌનો ઉત્સાહ અનેરો હતો. યજ્ઞ વિધિ પછી શ્રીજી મહારાજની મૂર્તિ મધ્ય ખંડમાં પધરાવાઇ.ત્યાર બાદ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઊંચકવા સૌ ગયા, પણ સ્વામીની મુર્તીતો ખસતીજ ન હતી. સ્વામીની મૂર્તિ મહારાજની મૂર્તિ કરતા વજનમાં થોડી હલકી હતી છતાં કેમ જરાય ખસતી નહોતી ? સૌ થાકીને અંતે સ્વામીશ્રી પાસે આવીને રજૂઆત કરી. શાસ્ત્રીજી મહારાજ તુરંત યજ્ઞશાળામાં આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ આગળ પ્રાર્થના કરતા બોલ્યા: 'હે સ્વામી ! તમારે માટે તો અમે વરતાલથી નીકળ્યા અને અપમાન-તિરસ્કાર સહન કર્યા, તો હવે દયા કરીને મંદિરમાં બિરાજો'.
આમ કહીને સ્વામીશ્રીએ ટાંકણું મૂર્તિ નીચે ભરાવ્યું કે તુર્તજ મૂર્તિ ઉંચી થઇ અને ઊંચકાઈ ગઈ. સૌએ તે મૂર્તિ મધ્ય મંદિરમાં શ્રીજી મહારજની મૂર્તિની બાજુમાં પધરાવી દીધી. પછી સ્વામીશ્રીના શુભ હસ્તે પ્રાણ પ્રતિષ્ટા થઇ. બધે જય જયકાર થઇ ગયો.
No comments:
Post a Comment