સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૪)
ભાવનગરમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સને ૨૦૦૫માં લોકાર્પણ કરવામાં આવેલ સ્વામિનારાયણના આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ નીચેની ઘટના મને એટલે કે આ બ્લોગ-પોસ્ટ લખનારને હાલમાં મંદિરની ગૌશાળામાં સેવા આપતા પ.ભક્ત શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા જાણવા મળેલ.
આ મંદિર માટેની જગાનો પ્લોટ જેની પાસેથી ખરીદવામાં આવેલ, તે વ્યક્તિને દારૂનું વ્યસન હતું. વ્યસની લોકો સ્વાભાવિક જ અવિવેકી હોય છે, અને આવા લોકોની આવક કરતા ખર્ચ વધારે હોવાથી હંમેશા પૈસાની તંગી અનુભવતા હોય છે.
જમીન ખરીદી માટે જેટલી રકમ નક્કી કરેલ, તેટલી રકમ તેના માલિકને સંસ્થા દ્વારા ચુકવણી કરી દેવામાં આવી. પણ જમીન માલિકના દારૂડિયા મિત્રોએ તેની કાન-ભમભેરણી
કરી કે આ જગા તે નાહકની સસ્તામાં વેચી મારી. આ સંસ્થા માટે પરદેશથી દાન-ધર્માદો કરવાવાળા બહુ બધા છે, એટલે સંસ્થા પાસેથી તું હજુ વધારે કિમત મેળવી શક્યો હોતે.
એટલે જમીન માલિકે નિર્ધારિત રકમ લઇ લીધા પછી પણ જમીનના માલિકી હક્ક બદલીની વિધિ કરવામાં ગલ્લા-તલ્લા અને ઢીલ કરવા માંડી. તેની વધારે રકમની ગેર-વ્યાજબી માંગણી ઉપર પણ સંસ્થા દ્વારા વિચાર કરવામાં આવ્યો. પણ લોભને થોભ નહિ, તેમ આ ભાઈએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓફર અવગણી, પોતાની મન ધારી રકમ આપવા જિદ્દ કરી. એટલે છેવટે સંસ્થાએ કંટાળીની જમીન પ્રાપ્તિ માટે કોર્ટ કેશ કરવો પડ્યો.
છેવટે કોર્ટ દ્વારા જમીન માલિકીના હક્ક સંસ્થાને પ્રાપ્ત થયા. છતાં પણ આ જમીનના
મૂળ માલિકે પોતાની જિદ્દ ચાલુ રાખીને ધમકી આપી કે જ્યાં સુધી સંસ્થા મારી વધારાની રકમની માંગણી નહિ સંતોષે, ત્યાં સુધી મૂળ મારી માલિકીની જમીન ઉપર હું મંદિરના પાયા ખોદવાવાળા મજુરોને આવવા નહિ દઉં ! એટલે સંસ્થા માટે ધર્મ-સંકટ ઉભું થયું. એક તરફ સંસ્કારી અને પરોપકારી સાધુ સમાજ અને બીજી તરફથી માથા-ભારે અસામાજિક, વ્યસની, લોભી જમીન માલિક. જોત જોતામાં આ વાત આખા ભાવનગર શહેરમાં ફેલાઈ ગઈ. આ વાત શહેરના લાલજીભાઈ પટેલના કાને પણ આવી.
ભાવનગરમાં હીરા-ઘસવાની ઘંટીઓ બહુ છે. બે હીરા-ઘસુ પાર્ટીઓ વચ્ચે જયારે બે નંબરના હિસાબની લેવડ-દેવડના હિસાબમાં ઝગડો થાય, ત્યારે તે કેશ લાલજીભાઈ પાસે આવે. લાલજીભાઈની ધાક એવી કે બંને પાર્ટીઓની વાત અને વિગત ધ્યાનથી સાંભળ્યા પછી તે જે જજમેન્ટ આપે તે બંને પાર્ટીઓએ માન્ય રાખવું જ પડે. બે પાર્ટીઓના ઝગડાનું સમાધાન કરાવવામાં નિષ્ણાંત લાલજીભાઈ 'ભાઈગીરી' કરીને દલાલી પેટે મહીને ૩૦ હજાર જેવું કમાઈ લેતા હતા.
લાલજીભાઈ પટેલના અંતર-આત્માને સ્વામીશ્રીએ જગાડયો અને તેઓ સંસ્થાની વહારે આવ્યા. તેમણે ભાવનગરના હીરા-ઘસું પટેલોની ફોઝને બોલાવી અને પોતાની હાજરીમાં મંદિરના પાયા ખોદવાની શરૂઆત કરાવી. એટલુંજ નહિ, જમીનના મૂળ માલિકને પણ સંદેશો કહેવડાવ્યો કે હવે તારો પનારો સાધુ-સંતો જોડે નહિ પણ લાલજી પટેલ જોડે પડ્યો છે. તારામાં તાકાત હોય તો મને અને મારી હીરા-ઘસુ ફોઝને મંદિરના પાયા ખોદતા રોકી જો !
અને જોત જોતામાં મંદિર તૈયાર થઇ ગયું. એટલુજ નહિ પણ લાલજીભાઈના નેત્રત્વમાં હીરા-ઘસુ પટેલોએ પાયા ખોદવામાં જે સેવા આપી તેના કારણે ચોરસફૂટ દીઠ કન્સ્ટ્રકશન કોસ્ટમાં ૩૦ ટકા જેવો ઘટાડો થયો. આ હકીકત જયારે પ્રમુખ સ્વામી મહારાજને પૂજ્ય સોમેશ્વર સ્વામીએ કહી ત્યારે સ્વામીબાપા અતિ પ્રસન્ન થયા. અને એ પ્રસન્નતાની કાયમી નિશાની રૂપે સ્વામીશ્રીએ દિલ્હી અક્ષરધામ જેવી ભાવનગરના મંદિરમાં પ્રદીક્ષણા-પાથ કરવા પરવાનગી આપી.
મંદિર નિર્માણમાં કરેલ સેવા દરમ્યાન સ્વામીશ્રીએ લાલજીભાઈ પટેલના હ્રદયમાં પણ એક મંદિર નિર્માણ કરી દીધું. મહીને ૩૦-૩૫ હજાર રૂપિયા હીરા-ઘસુઓ પાસેથી 'ભાઈગીરી' કરી કમાઈ લેતા લાલજીભાઇ પટેલે પોતાનો એ વ્યવસાય સદંતર બંધ કરીને હવે આ જીવન મંદિરની ગૌશાળા માં સેવા આપવાનું શરુ કરી દીધું છે.
ભાવનગરના અક્ષરવાડી મંદિરની મુલાકાત લ્યો ત્યારે મંદિરના પ્રાંગણમાંના પ્રદીક્ષણા-પથમા પ્રદીક્ષણા કર્યા પછી મંદિરની ગૌશાળામાં પરમભક્ત શ્રી લાલજીભાઈની મુલાકાત અવશ્ય લેજો.
No comments:
Post a Comment