Wednesday, December 2, 2015

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નિત્ય પૂજાની મૂર્તિઓ તથા પ્રસાદીની વસ્તુઓની જાણકારી



પ્રાત:પૂજા કરતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ


                                                          હરિક્રષ્ણ મહારાજ

       સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રારંભમાં પૂજતી લાડુવાળી બાલમુકુન્દની ચલમૂર્તિને સ્થાને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણની પંચધાતુની ચલમૂર્તિને પૂજવાનો સૌ પ્રથમ પ્રારમ્ભ આ મૂર્તિથી કર્યો હતો. ‘શ્રી હરિકૃષ્ણ મહારાજ’ના નામે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણની આ ચલમૂર્તિને, ગુણાતીતાનંદ સ્વામી સમૈયા-ઉત્સવોમાં  વિશષ્ટ રૂપે પૂજતા. સંપ્રદાયમા મહાપૂજાનો પ્રારંભ પણ તેમણે સંવત ૧૯૦૧ જેઠ સુદી એકાદશીના દિવસે જુનાગઢમાં ગોપાળાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં, આ મૂર્તિનું શોડશોપચારે પૂજન કરાવીને કરાવ્યો હતો. આ પ્રાસાદિક મૂર્તિ જુનગઢ મંદિરમાં સિંહાસનમાં ઠાકોરજી પાસે રહેતી. સં.૧૯૬૭, અષાઢ સુદ ૧૩ (તા. ૯-૭-૧૯૧૧)ના દિવસે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પાસે આવવા જૂનાગઢથી મહા-પ્રસ્થાન કર્યું તે વખતે આ મૂર્તિ સાથે લાવ્યા.   ત્યારથી સં.૨૦૨૭, પોષ વદ ૧૧ (તા. ૨૩-૧-૧૮૭૧) સુધી તેમણે આ મૂર્તિની સેવા કરી. ત્યારબાદ તેની સેવા પ્રમુખસ્વામી મહારાજ કરે છે.

                                                                                  
                               આ મૂર્તિનું વજન : ૨૧૮.૩૫૦ (હરિકૃષ્ણ મહારાજ)
                                                   ૨૧૮.૫૭૦ (નીકલ સાથે)
                                                   ૨૧૮.૯૦૦ (સોના સાથે)
                                                   ૨૧૯.૦૧૦ (નેત્ર સાથે)  

            પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાલની પૂજામાં ઘણીખરી મૂર્તિઓ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.

 બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની જૂની અને નવી પૂજા વિષે:-

          બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજ જે મૂર્તિઓની પૂજા કરતા હતા તે ઈ.સ.૧૯૬૨-૬૩માં પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી તથા પૂજ્ય રામચરણ સ્વામીએ બદલીને નવી કરી આપી. આ નવી મૂર્તિઓની પૂજા યોગીજી મહારાજ ઈ.સ.૧૯૭૧ સુધી કરી. બાદમાં તે મૂર્તિઓ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ મહારાજ પાસે આવી. જે અત્યારે તેઓની પૂજામાં છે.

            યોગીજી મહારાજની જૂની પૂજા અત્યારે દાદર/મુંબઈના શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે  કબાટમાં મુકેલ છે.



            સૌથી ઉપર રાખવામાં આવતી અક્ષરપુરષોત્તમની આ રેખાંકિત મૂર્તિ પ્રગટ ભગતે પોતાના માટે કરાવેલ. શ્રીજી મહારાજના પ્રસાદીભૂત કાપડ ઉપર કાનજી ભગતના શિષ્ય કનુ ભગતે તે છાપીને આપેલી. તેઓએ આ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજને પૂજામાં પ્રસાદીની કરવા આપી. સ્વામીશ્રીને આ મૂર્તિ ગમી ગઈ અને પોતાની પૂજામાં જ રાખી લીધી. ઈ.સ.૧૯૭૮ના શ્રાવણ માસમા આ પ્રસંગ બનેલ છે. યોગીબાપાએ વલસાડમાં શ્રીજી મહારાજનું પ્રસાદીભૂત વસ્ત્ર પ્રગટ ભગતને આપેલુ તે પણ આ મૂર્તિમાં મઢેલું છે.


 પ્રથમ પંક્તિમાં પ્રથમ ગોઠવાતી પૂજ્ય જાગા ભક્તની આ મૂર્તિ બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે

                                                


         પ્રથમ પંક્તિમાં બીજા સ્થાને ગોઠવતી બ્રહ્મસ્વરૂપશ્રી ભગતજી મહારાજની મૂર્તિ.દીક્ષા લીધા બાદ ટૂંક સમય પછી સારંગપુરમાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની બાજુમાં બેસીને પ્રાત:પૂજા કરતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાની નિત્ય પૂજામાંથી ભગતજી મહારાજની આ મૂર્તિ તેમને પૂજવા આપી હતી. સને ૧૯૬૬માં પ્રમુખ સ્વામી મહારાજની પૂજા ચોરાઈ ગઈ. આથી યોગીજી મહારાજે તેમને નવી પૂજા આપી. થોડાજ વખતમાં ચોરાયેલ પૂજા મળી ગઈ. જો કે તેમાં ફક્ત શ્રીજી મહારાજની એક ચક્ષુની મૂર્તિ તથા ભગતજી મહારાજની આ મુર્તીજ સલામત રહી હતી. આમ પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં ભગતજી મહારાજની બે મૂર્તિઓ થઇ.

        સને ૧૯૬૬માં ભાદરામાં ઊંડ નદીના તટે પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેસીને પ્રાત:પૂજા કરતા વિવેકસાગરસ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે આ મૂર્તિ પૂજવા આપી હતી. જે તેમણે તારીખ ૧૪-૧૨-૨૦૦૨ના રોજ તેમણે પ્રમુખસ્વામી મહારાજની નિત્ય પુજા માટે પુન: અર્પણ કરી.


       પ્રથમ પંક્તિની મધ્યમાં ગોઠવાતી આ મૂર્તિ બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે.




        પ્રથમ પંક્તિમાં ચોથા સ્થાને ગોઠવાતી શ્રીજી મહારાજની એક ચક્ષુ (સોનેરી) મૂર્તિ. સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાની નિત્યપૂજામાંથી પ્રમુખસ્વામીને પૂજવા આપેલ. આ મૂર્તિ સને ૧૯૭૨ સુધી સ્વામીશ્રીની પૂજામાં હતી. સને૧૯૭૨માં ભક્તીજીવન સ્વામીના (મુખી સ્વામીના) અક્ષરવાસ બાદ તેમની પૂજાની આવીજ મૂર્તિ લઇને રામચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદીભૂત કરાવવા લાવ્યા. સ્વામીશ્રીની પૂજામાં શ્રીજી મહારાજની આ મૂર્તિ જોઇને તેમણેબંને મૂર્તિ અદલબદલ કરવા સ્વામીશ્રીને વિનંતી કરી. સ્વામીશ્રીએ પોતાની પૂજામાં રહેલી આ મૂર્તિ તેઓને આપી દીધી. અને તેમણે લાવેલ નવી મૂર્તિ પોતાની પૂજામાં રાખી લીધી. ત્યારબાદ પુન: તારીખ ૧૫-૧૨-૨૦૦૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે આપેલી આ પ્રાસાદિક મૂર્તિ રામચરણસ્વામીએ સ્વામીશ્રીને નિત્યપૂજા માટે પુન: અર્પણ કરી છે.



      પ્રથમ પંક્તિમાં પાંચમાં સ્થાને ગોઠવાતી સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની આ મૂર્તિ બ્રહમસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે. 

   

        દ્વિતીય પંક્તિમાં પહેલા સ્થાને મુકાતી શિક્ષાપત્રીના લેખક શ્રીજી મહારાજ (દ્વિ-ચક્ષુ) ની 
                  આ મૂર્તિ બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.
                                                    



યોગીજી મહારાજની આ તસ્વીર દહેગામમાં પાડવામાં આવેલી અને ઈ.સ.૧૯૬૬માં 
સિદ્ધેશ્વર સ્વામીએ આ મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપેલી, જે દ્વિતીય 
પંક્તિમાં બીજા સ્થાને મુકાય છે/



દ્વિતીય પંક્તિમાં મધ્ય સ્થાને મુકાતી બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજની આ મૂર્તિ 
બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.

શ્રી નીલકંઠવર્ણીની આ મૂર્તિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પૂજામાં હતી. તેઓની પાસેથી 
જાગાભક્ત, ત્યારબાદ રણછોડ ભગત પાસે, ત્યારબાદ મોહનલાલ રામજીભાઈ અજાગીયા પાસે આવેલ. 
તા. ૭-૧૦-૧૯૮૨ના રોજ કોલકત્તામાં અમૃતલાલ વાઢેરના ઘરે મોહનભાઈએ 
આ મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપેલ.
આ મૂર્તિ દ્વિતિય હરોળમાં ચોથા સ્થાને મુકાય છે.


સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજે પોતાના અક્ષરધામ ગમન પૂર્વે, નિત્ય પૂજામાં 
પોતાને બેસવાનું આ આસન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સ્વહસ્તે સ્મૃતિરૂપે 
આપ્યું હતું. આ આસન દ્વિતીય હરોળમાં પાંચમાં સ્થાને મુકાય છે.


તૃતીય પંક્તિમાં પહેલા સ્થાને મુકાતી ચરણાવિંદની આ છાપ, બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની 
પુજામાંથી આવેલ છે.


ત્રીજી હરોળમાં બીજા સ્થાને મુકાતી શ્રી સહજાનંદ સ્વામી અને રાધા કૃષ્ણદેવની છાપની 
આ મૂર્તિ બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજની પુજમાંથી આવેલ છે.

  
ત્રીજી હરોળમાં ત્રીજા સ્થાને મુકાતી શ્રી કૃષ્ણજી અદાની મૂર્તિ.
ઈ.સ.૧૯૬૯માં બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજનો ઉતારો રાજકોટમાં નારાયણભાઈ શેઠને ઘરે હતો.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો  'વિષ્ણુ ભુવન' બંગલામાં હતો.
કોઈએ યોગીજી મહારાજને કહ્યું 'પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં અદાની મૂર્તિ નથી.'
તેથી યોગીજી મહારાજે પોતાની પુજામાંથી કૃષ્ણજી અદાની આ મૂર્તિ 
રાત્રીના દશેક વાગે પ્રમુખ સ્વામી માટે મોકલાવી.


ત્રીજી હરોળમાં ચોથા સ્થાને મુકાતી શ્રી ધર્મ-ભક્તિ-ઘનશ્યામ મહારાજની મૂર્તિ.
શ્રીજી મહારાજે નારાયણજી સુથાર પાસે આ છાપની મૂર્તિ કરાવીને જાતેજ મુળજી બ્રહ્મચારીના 
ભાણેજ આનંદાનંદ બ્રહ્મચારીને આપી હતી. તેઓએ ગીરધરલાલ જીણાભાઈ (ભાવનગર)ને આપી. 
તેમણે હરિભાઈને અને તેમણે ગોપીનાથભાઈને આપી. 
ત્યારબાદ તેમણે ઈ.સ. ૧૯૮૪માં આ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજને આપી. 


પૂજામાં રાખવામાં આવેલ પ્રાસાદિક વસ્તુઓ 


(૧)  શ્રીજી મહારાજનું અસ્થી અને તેમની પ્રસાદીની માળાનો મણકો:

  

આ બે વસ્તુ મુંબઈવાળા છગનભાઈ નારણભાઈ પટેલ સને ૧૯૬૩માં જેતપુરથી તેમના હેતવાળા સાધુ પાસેથી   લઇ આવેલ. અને તે બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજે માંગી લીધેલી અને તેમની પૂજામાં રાખેલ.


(૨)  મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું અસ્થી:

પૂજ્ય કૃષ્ણજી અદાએ ત્રણ અસ્થી મેળવેલ. તેમણે વઢવાણવાળા શ્રી હરગોવિંદભાઈ પ્રભાશંકર મહેતાને   આપેલ. તેમણે પોતાના પુત્ર શ્રી ચંદુભાઈને અને તેમણે તેમના પુત્ર શ્રી અરુણભાઈને આપેલા. તેમણે પૂજ્ય   પ્રમુખસ્વામી મહારાજને તારીખ ૧૮-૦૧-૨૦૦૧ના રોજ સુરેન્દ્રનગરમાં આપેલા. તેમાનું આ એક અસ્થી છે,   બીજા બે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આપેલ છે.


(3) અસ્થી અને મણકાની ડબ્બી:

આ ડબ્બીમાં પ્રસાદીના નાના નાના અસ્થી બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજ તેમજ બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી     મહારાજના છે, તથા એક માળાનો મણકો છે.

  

(૪) ગુટકાની ડબ્બી:

આ ડબ્બીમાં હસ્તલિખિત ફક્ત સંસ્કૃત શ્લોકવાળી નાનકડી શિક્ષાપત્રી છે. જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી     મહારાજને એક હરિભક્ત આપી ગયેલા.

   

(૫) માળા:  

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા બાદ શરૂઆતના વરસોમાં બ્રહમસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજે આ માળા પ્રસાદીની કરીને આપેલ. ત્યારથી પૂજામાં આ માળા જ ફેરવે છે.


ત્યારબાદ છેલ્લા વરસોમાં બ્રહમસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજ પોતે ફેરવતા તે શ્રીજી મહારાજની પ્રસાદીની   માળા પ્રમુખ સ્વામી મહારાજને આપેલી. સ્વામીશ્રી આ માળાની કેવળ પૂજા જ કરતા પણ ફેરવતા નહિ. હાલ આ માળા ગાંધીનગર અક્ષરધામના 'પ્રસાદી મંડપમ' માં છે.

                                                 

                                                   
   

બ્રહ્મ સ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજની પુજાના પ્રાસાદિક આસનો 

          

          પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નીત્યપૂજામાં ઠાકોરજીને પધરાવવા માટે વપરાતા આ આસનો બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજની નિત્ય પુજાના પ્રાસાદિક આસનો છે.


            ઉનની શાલને ચાર ગડી વાળી સંકેલીને ચારે કોરથી શીવીને બનાવવામાં આવેલા આ આસનો પૈકી, ચંદનના છાટણાવાળું આસન શાસ્ત્રીજી મહારાજ ઠાકોરજીને પધરાવવા માટે પાથરતા હતા. બીજું આસન પોતે બેસવા માટે પાથરતા હતા. 


            સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજે પોતાના અક્ષરધામ ગમન પૂર્વે, નિત્ય પૂજામાં પોતાને બેસવાનું આસન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સ્વહસ્તે સ્મૃતિ રૂપે આપ્યુ  હતું.  

             

             બીજું ઠાકોરજીને પધરાવવાનું આસન શાસ્ત્રીજી મહારાજે કોઠારી હરજીવનદાસ સ્વામીને આપ્યું હતું. કોઠારી હરજીવનદાસ સ્વામીના અક્ષરવાસ બાદ સને ૧૯૬૮માં આ આસન પાર્ષદ પ્રગટ ભગત પાસે આવ્યું. તેમણે તારીખ ૧૩-૧૨-૨૦૦૨ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કર્યું. 

             

             આમ બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજના આ બંને પ્રાસાદિક આસનો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારજની નિત્ય પૂજામાં સ્મૃતિ રૂપે રાખવામાં આવ્યા છે.


                                                     નિત્ય પૂજામાં પ્રાસાદિક વસ્ત્રો


             પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નિત્ય પ્રાતઃપૂજા દરમ્યાન, શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્નાનથી પ્રસાદીભૂત થયેલ જળમાં, નીચેના પ્રાસાદિક વસ્ત્રોના સંપુટનો સ્પર્શ કરાવી સૌની સુખાકારી માટે મંગલ પ્રાર્થના કરે છે.


૧) શ્રીજી મહારજની પ્રસાદીનું વસ્ત્ર:  વરતાલના શાસ્ત્રી સ્વેતવૈકુંઠસ્વામીએ આ વસ્ત્ર પ્રમુખસ્વામી મહારાજને સ્મૃતિ રૂપે આપ્યુ હતું. પ્રાપ્ત થયેલ આ વસ્ત્રને ગડીવાળીને પોતાની પૂજામા મુક્યું ત્યારે તેની ગડીની બહાર રહેતા વધારાના ભાગના ત્રણ ટુકડા કરી તેમણે દેવચરણ સ્વામી, રામ ચરણ સ્વામી તથા પ્રગટ ભગતને એક એક ટુકડો આપેલ.


૨) શ્રીજી મહારજની પ્રસાદીનું બીજુ એક વસ્ત્ર બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજની પુજામાંથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસે આવેલ છે.


3) અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું પ્રાસાદિક વસ્ત્ર: સંવત ૧૮૮૦ના માગશર માસમા ગઢપુરમાં એક હરિભક્તે ખુબ પ્રેમથી શ્રીજી મહારાજને જાડો બરછટ ધાબળો ઓઢાડ્યો. ધાબળો એટલો બધો બરછટ હતો કે ચામડી છોલાઈ જાય. પરંતુ મહારાજ આ ધાબળો પ્રેમથી ઓઢતા. કોઈ માંગે તો આપતા પણ નહિ. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ ધાબળો માંગ્યો અને કહ્યુ - 'મને આપો મારી પાસે ઓઢવાનું કાંઈ નથી'. એટલે મહારાજે રાજી થઈને ઉભા થઈને આ ધાબળો તેમણે ઓઢાડ્યો અને બોલ્યા, ' લ્યો આ અમારો જડ-ભરત!'. ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ આ ધાબળો જીવનપર્યંત ઓઢ્યો. એ ધાબળાનો પ્રાસાદિક ટુકડો બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાં હતો. આજે પ્રમુખસ્વામી મહારાજની નિત્યપૂજામાં સ્મૃતિ રૂપે રાખેલ છે. 


૪) બ્રહ્મસ્વરૂપશ્રી ભગતજી મહારાજે સીવેલ ડગલીનું પ્રાસાદિક વસ્ત્ર: એક હરિભક્તે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આ પ્રાસાદિક વસ્ત્ર આપેલ.


૫) બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજના પ્રાસાદિક વસ્ત્રો: બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજના ગરમ ધાબળાનો ટુકડો તથા તેમના ગાતરિયાનો ટુકડો પ્રમુખસ્વામી મહારાજે પોતાની નિત્ય પૂજામાં સ્મૃતિ રૂપે રાખેલ છે.



      



  

  

No comments:

Post a Comment