Sunday, August 11, 2019

ભગવદ ગીતા - અધ્યાય ૧૨ ભક્તિયોગ શ્લોક ૧૮ નો ભાવાર્થ

📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖


અધ્યાય: ૧૨ ભક્તિયોગ

શ્લોક:- ૧૮ ભાવાર્થ-૧


समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः।

शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः।।૧૨.૧૮।। 


શબ્દાર્થ:-

જે શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખે છે, માન-અપમાનમાં સમ છે, ટાઢ-તડકો, સુખ-દુઃખમાં સમ છે, તથા સંગથી રહિત (આસક્તિ વગરનો) છે ।।૧૨.૧૮।।


ભાવાર્થ:-

            શુભાશુભપરિત્યાગી થયા પછી પ્રભુ કહે છે કે જેમ તેં શુભ-અશુભ સૌનો પરિત્યાગ કર્યો છે, તેમજ તારે समः शत्रौ च मित्रे च થવાનું છે. શત્રુ કે મિત્ર પ્રતિ સમભાવે રહેવાનું છે. શત્રુનો તિરસ્કાર નથી કરવાનો કે મિત્રમાં જ ઓળઘોળ થઈને નથી અટવાવાનું!!!


            આપણને એમ સહજ વિચાર આવે કે યોગમાર્ગે ચાલનારા સાધકને, જેણે अद्वेष्टा: सर्वभूतानाम् થી ગુણ સંપાદન, ગુણ સંવર્ધનની શરૂઆત કરી છે અને શુભાશુભપરિત્યાગી સુધીની સફર સર કરી છે, તેને શત્રુઓ હોય??? મિત્રો હોય?? તે તો આ જગતમાં ફરે ત્યારે "वासुदेव सर्वम्" ની ભૂમિકાથી ફરતો હોય. સઘળે પ્રભુ નીરખતો હોય. તેને શત્રુ કે મિત્રો કેવી રીતે હોય??


            ખરેખર તો એક વાત સત્ય છે કે આ સાધકે, પોતે ગમે એટલો જીવનવિકાસ કરે, પરંતુ રહેવાનું તો આ જગતમાં જ છે. એ પોતે યોગમાર્ગે ઉર્ધ્વગતિ પામ્યો છે, પરંતુ દુનિયા તો હજી ત્યાંની ત્યાં જ છે. લોકોની વિચારશૈલી, વિચારશક્તિ તો હજી પ્રાથમિક અવસ્થાની, તર્કશૂન્ય, છીછરી, સ્વાર્થી, ફાયદાવાદી જ છે. લોકો જ્યારે આવા વિકસિત પુરૂષને જુએ છે, ત્યારે તેમનાથી એ દેખ્યે ખમાતું નથી અને તેથી તેઓ એ સાધકના ટાંટિયાખેંચ કરવાના પ્રયાસો કરે છે.


            કોઈપણ નવું કામ, જૂદુ કામ, ચીલાચાલુ કરતાં વિશિષ્ટ કામ, શરૂ થાય એટલે લોકો તેમાં ઘોંચપરોણા કરવા લાગે. જે તે વ્યક્તિ / કાર્ય / પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય…..


૧. ઉપહાસ - પ્રથમ તબક્કામાં લોકો તે કાર્યની / કાર્ય કરનારની મશ્કરી-ટીખળ કરે. બિલકુલ નિ:સ્વાર્થ ભાવે!!! એમને એમાંથી કશું મળવાનું ન હોય!!! છતાં આટલા બધા બગલાની વચ્ચે એક હંસ, જે આમ દેખાવે સરખો છતાં ગુણોથી બહુ જુદો છે. તેથી બધા બગલાઓ કલરવ મચાવી દે છે કે તું અમારી જેમ માછલા / જીવડા / ઈયળો કેમ નથી ખાતો??? પથરા (મોતી) શું શોધે છે?? એમાંથી શું મળે?? સાવ અક્કલ વિનાનો છે!!!


૨. ઉપેક્ષા - જે કાર્ય / સાધક ઉપહાસની પગથી સહીને ઓળંગી જાય, તો ત્યારબાદ લોકો તેમની ઉપેક્ષા કરે. તેમની સામે ન જુએ, નોંધ પણ ન લે, તેમને ક્ષુલ્લક ગણે. આ એક-એક પગથી નાની લાગે, પરંતુ પાર કરવી બહુ અઘરી છે. વિશ્વના કોઈપણ ખૂણે, કોઈપણ કાર્યે, આ ચક્કીમાં પીસાવું જ પડે છે


૩. વિરોધ - ઉપેક્ષાની પગથી પાર કરી જાય ત્યારે લોકોથી તે ખમાતું નથી. જનમાનસનો ego hurt થાય છે. એમને એમ થાય છે કે આપણે ઉપેક્ષા કરીએ છીએ પણ આ તો આગળ જ વધતાં જાય છે. તેથી તેઓ ષડયંત્રો કરે છે, દોષારોપણ કરે છે, યેનકેન issue ઉભા કરી વિરોધ કરે છે. તેના માટે વ્યક્તિગત તેમજ સંસ્થાગત એલફેલ આરોપો કરે છે. તોયે દાળ ન ગળે તો ચરિત્રહનનનો અંતિમ પ્રયાસ કરે છે.


૪. પ્રશંસા - જો કે આ વિરોધનો કોઠો પણ પસાર થઈ જાય તો અતિ લપસણી પગથી એટલે પ્રશંસા. વિરોધ કરનારા જેમ એલફેલ વિરોધ કરે તે જ રીતે પ્રશંસા કરતી વખતે પણ ઢંગધડા વગરની, અમર્યાદિત, કપોળ કલ્પિત વાર્તાઓ ઘડીને પ્રશંસા કરે છે. ૩ પગથી પસાર કરેલા ઘણા કાર્યો / સાધકો આ પગથી પર આવીને આ પ્રશંસાના ધોધમાર પૂરમાં તણાઈ જાય છે.


૫. અનુસરણ - આ ૪ કોઠા જે પસાર કરી જાય તે કાર્યને / કાર્યકરને / સાધકને જનસમૂહ અનુસરે છે. પડ્યો બોલ ઝીલે છે.


            પરંતુ ઉપરની ચાર પગથી પાર કરવાના સમયગાળા દરમ્યાન સાધકની દ્રષ્ટિ તો સૌ પ્રત્યે સમ જ હોય. પરંતુ સામાન્યજન તેના તરફ મિત્રતા કે શત્રુતા રાખે અને છડેચોક વ્યક્ત પણ કરે. આવા પ્રસંગોએ સૌ તરફ સાધકે સમદ્રષ્ટિ રાખવાની છે. મિત્રભાવ રાખનારની ખોટી favour કરવાની નથી કે શત્રુભાવ રાખનાર પ્રત્યે દ્વેષ કે ક્રોધ કરવાનો નથી. સાધકે તો એમ જ સમજવાનું છે કે આ મિત્રભાવ કે શત્રુભાવ મોકલનાર પ્રભુ છે. પ્રભુ પરણવા પહેલા મારી કસોટી કરે છે.


            यथा चतुर्भि कनकं परिक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः। પરીક્ષણ સોનાનું જ થાય. તેમ પ્રભુ પણ સાધકની જ પરીક્ષા કરે છે. પ્રભુના ગુણો જીવનમાં કેળવી જે પ્રભુપદ પામવાનો છે, તેની પરીક્ષા ભગવાન સ્વયં લે છે, લોકોને નિમિત્ત બનાવીને.


           સાધક જો કનખલમાં જઈને બેસી રહેવાનો હોય તો તેને કંઈ ના થાય. પરંતુ પ્રભુ એવા જોગટાની વાત નથી કરતા. પ્રભુ તો "સંસારમાં સરસો રહે ને મન મારી પાસ" એવા યોગીની /  ભક્તની વાત કરે છે. તેના ગુણો સમજાવે છે. જે પ્રભુની નજીક પહોંચ્યો છે, તે કોઈને મિત્ર કે શત્રુ ન સમજે. તે તો સૌને એક જ પ્રભુના દીકરા હોવાના નાતે ભાઈ સમજે. પરંતુ લોકોનું માનસ એવું વિકસિત ના હોય, તેથી કેટલાંક લોકો સાધકની કનડગત કરે, અને કેટલાક લોકો માત્ર પોતાના માનસિક સહારા માટે તેમને પૂજે.


            પ્રભુ સ્વયં જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવ્યા ત્યારે તેમને અસંખ્ય લોકો એવા મળ્યા છે કે જે તેમના પર સર્વસ્વ ન્યોછાવર કરે. અને અસંખ્ય લોકો એવા પણ મળ્યા છે કે જે તક મળતા જ કૃષ્ણની ગરદન ઉડાડવા તત્પર હતા. તો પછી સામાન્ય સાધકનું તો પૂછવું જ શું?? પ્રભુ કહે છે કે જીવનમાં મળતા પ્રત્યેક મિત્ર કે શત્રુ પ્રત્યે સમભાવ રાખવાનો છે.


             સમભાવનો અર્થ એવો નથી કે બેઉને સરખા જ ગણવાના. એક જ લાઠીએ હાંકવાના. સમભાવ રાખવાનો અર્થ એ છે કે નિષ્પક્ષપાતી રહેવું. મિત્ર આપણો પોતીકો છે અને શત્રુ પરાયો છે, એવું નહીં. એ બંને પ્રભુના છે. તેમણે પણ અંતે પ્રભુ પાસે જ જવાનું છે. પ્રભુ જ તેમનું પણ જીવન ચલાવે છે. જેનું જીવન પ્રભુ ચલાવે છે, તેના તરફ મારાથી દ્વેષભાવે કેમ જોવાય?? તેથી તે દરેક પ્રત્યે પ્રભુભાવે જુએ, આ જ છે સાચો સમભાવ.


પ્રભુના જ દીકરા, મળ્યાં જે  મિત્ર-શત્રુ ભાવે

ચકાસણી તપાસણી કાજ ખુદ ખુદા મોકલાવે

_______


સંદર્ભ: શ્રીમદ્ ભગવદ્ ગીતા

ઑડિયો : પરવાનગીની અપેક્ષા સહ

---------------------------------------------------------------------------------

                                     * ઋણ સ્વીકાર *



ટીમ

✍🏼

Limited 10પોસ્ટ


(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો)


[34 ગ્રુપ, 8000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારું Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]


જોડાઓ, અમારી સાથે

વોટ્સએપ: 07041143511

ટેલિગ્રામ:

https://t.me/limited10post


Jai shreekrushna  🌺

No comments:

Post a Comment