Tuesday, August 13, 2019

શ્રદ્ધાની આવશ્યકતા

પૂ. ભાઈ: 


                  વ્યવહારમાં પણ શ્રદ્ધાની આવશ્યકતા છે. આપણે હરેક કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ. કોઈ પણ કાર્યની પાછળ આપણને શ્રદ્ધા હોય છે. બાળકોને માતાપિતા ઉપર શ્રદ્ધા હોય છે. આ તમારાં (મુકુંદ-મીરાં મારી સાથે હતાં.) બાળકો છે ને? એમને છે કશી ચિંતા? એ કઈ રીતે મોટાં થાય છે? તમારા પરની શ્રદ્ધાથી. એમને એટલું યાદ છેઃ અમારે માતા-પિતા છે અને તેઓ અમારી સંભાળ લેશે. તેવી જ રીતે માતા-પિતાને બાળકો ઉપર શ્રદ્ધા હોય છે. બાળકો મોટાં થશે, અમુક રીતે ભણશે, અમુક રીતે કમાશે, અમુક રીતે આપણને સંભાળશે એમ મા-બાપ વિચાર કરતાં નથી. તો તેમને વાત્સલ્ય આપી શકે જ નહિ. આમ માતાપિતા પણ બાળકોને શ્રદ્ધાથી મોટાં કરે છે. વ્યવહારમાં દરેક કાર્ય શ્રદ્ધાથી થાય છે.


               ચોરને ખરાબ કૃત્યમાં પણ પોતાના સાથીઓ પ્રત્યે શ્રદ્ધા હોય છે. તેને જોરે જ તે લાંબા ગાળા સુધી ચોરીમાં રચ્યોપચ્યો રહે છે. કોઈ બુદ્ધિ કે તર્કમાં માને તેને પણ તેમાં શ્રદ્ધા હોય છે. આમ કોઈ પણ અવસ્થાએ માણસને શ્રદ્ધા હોય છે. શ્રદ્ધામાં ન માનતો હોય તેને પણ કશાકમાં શ્રદ્ધા હોય છે. “મને શ્રદ્ધા નથી” એમ કહેનારને પણ શ્રદ્ધા ન હોવામાં શ્રદ્ધા હોય છે.


           તો આપણે શા માટે શ્રદ્ધા ન રાખવી? આધ્યાત્મિક જીવનમાં લાખો ભક્તો અને ભાગવતપુરષો થઈ ગયા છે. તેમણે અનુભવને બળે શ્રદ્ધાનો પુરસ્કાર કર્યો છે. તેમને જગત પ્રત્યે કશી અપેક્ષા ન હતી, તેમને કીર્તિ કમાવી નહોતી. તેઓ કેવળ નિઃસ્પૃહ હતા. છતાં તેમણે પોતાના અનુભવને બળે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તેમને ઢોંગ કરવાનું કે ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું. વળી, કંઈ એક નહિ, પરંતુ માનવજાતના ઇતિહાસમાં આવા લાખો સ્ત્રી-પુરુષો થઈ ગયાં છે. બધાં ખોટાં ન હોઈ શકે. તો આપણે તેમના વચનોમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી.


             બુદ્ધિને મર્યાદા છે. તે વસ્તુને એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તે વસ્તુનું પૃથક્કરણ કરે છે. તેના ટુકડા કરે છે ને ટુકડે ટુકડે સમજે છે. સમગ્ર વસ્તુને તે એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તેથી બુદ્ધિનું દર્શન ખંડદર્શન છે, પૂર્ણદર્શન નથી. તેથી બુદ્ધિ જે પરિણામ ઉપર આવે તેના પર આધાર રાખવા જેવું નથી.


               બાહ્ય-જગતને વિજ્ઞાન ઑબ્જેક્ટિવ (objective – વસ્તુલક્ષી) રીતે સમજે છે. તે વસ્તુને પ્રયોગશાળામાં લાવી શકે છે. તે એક પ્રકારની પ્રયોગશાળા છે. બીજી આંતરિક પ્રયોગશાળા પણ છે. તેના પ્રયોગો આંતરિક ચેતનામાં થાય છે. તેનું પણ વિજ્ઞાન છે. તેના પણ વૈજ્ઞાનિકો છે. આધ્યાત્મિક પુરષો પોતાની આંતરિક ચેતનામાં તેના પ્રયોગો કરે છે. અને તેઓ પણ એક પ્રકારનું જ્ઞાન મેળવે છે. બાહ્ય પ્રયોગોથી જગતને જાણી શકાય તે સાચું અને આવા અધ્યાત્મ પુરુષોનું આંતર-દર્શન ખોટું એમ માનવું તે બરાબર નથી.


                 બુદ્ધિ જ પૂર્ણ છે એવું નથી, એ સર્વસ્વ નથી. એ સિવાય પણ સત્યનું દર્શન કરવાની અવસ્થા, શક્યતા અને શક્તિ આપણામાં છે. પશુજગતને instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) છે. વનસ્પતિજગતમાં આ બાબત ઘણી પ્રાથમિક અવસ્થામાં હોય છે. મનુષ્યમાં પણ instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) તો છે. પણ તે ઉપરાંત બુદ્ધિ પણ છે, પણ એ બુદ્ધિ એ છેલ્લું પગથિયું નથી. તે પછી પગથિયાં ન હોય તેમ માનવાને કારણ નથી. નીચે બે પગથિયાં છે તો ઉપર પણ પગથિયાં હોઈ શકે. જે પગથિયે ઊભા હોઈએ તે છેલ્લું જ છે એમ માનવાને કોઈ કારણ નથી. 


            બુદ્ધિથી ઉપર ઇન્ટ્યુઈશન (intuition - અંતઃસ્ફફૂરણા, સહજજ્ઞાન) અને રિવીલેશન (revealation-બધું પ્રગટ, પ્રાગટ્ય; પ્રગટીકરણ) છે. બુદ્ધિ કરતાં એ વધારે પૂર્ણ અને સ્પષ્ટ દર્શન કરાવે છે.


              રિઝન (reason – કારણ)થી વસ્તુને માણી શકાતી નથી. ફેઇથ (faith - શ્રદ્ધા)થી, હૃદયથી માણી શકાય છે. સાંજનો સમય હોય, સમુદ્ર ઊછળી રહ્યો હોય, સૂર્ય આથમતો હોય, અને તેનો સોનેરી પ્રકાશ સમુદ્રમાં રેલાતો હોય, એ મજાનું દૃશ્ય છે. આ દૃશ્યને હૃદય માણી શકે, બુદ્ધિ ન માણી શકે. કોઈ તેના સંગીતમાં મગ્ન થશે, તો કોઈ ચિત્રકાર રંગોમાં મસ્ત થશે. આ માણનાર એક આનંદથી નાચી ઊઠશે. એ પોતાની જાતને ભૂલી જ મસ્તીનો આનંદ લેશે; જ્યારે બુદ્ધિ આ દૃશ્યને જોવા જશે તો તેને પ્રકાશ અને તેના વક્રીભવન કે પાણી અને મોજાં સિવાય કશું હાથમાં નહિ આવે. તે સૌંદર્યનું ચાર્મ (મનોહારિતા) ખોઈ બેસશે. મેઘધનુષ્યના મનોહર રંગો-જોવાથી મસ્તી આવી શકે, પરંતુ વિશ્લેષણ કરવા બેસીએ તો સફેદ રંગમાં સાત રંગો રહેલા છે તેવા શુષ્ક જ્ઞાન સિવાય કશું નહિ મળે.


            દિવ્ય શક્તિમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તેનું ખાસ કારણ છે. Divinity (દિવ્ય શક્તિ)એ આ વિશ્વનું સર્જન કર્યું છે. પોતાના સર્જનમાં ડિવિનિટીને interest (રસ) છે. દરેકને પોતાના સર્જનમાં રસ હોય છે. જો પોતાના સર્જનમાં રસ ન હોત તો ડિવિનિટી આ સર્જન કરત નહિ. તેને આપણમાં રસ છે, તો આપણને તેનામાં રસ હોવો જોઈએ. આપણે પણ શ્રદ્ધાથી તેનામાં રસ ધરાવી શકીએ તો તેને પામી શકીએ. તે આપણે માટે ખૂબ ઉત્સુક છે, પણ આપણે બુદ્ધિ લડાવીને તેનાથી દૂર ભાગીએ છીએ. તેને પામવા હૃદય જોઈએ – શ્રદ્ધા જોઈએ. તર્ક લડાવીશું તો કશું વળશે નહિ. તો દિવ્યતા પણ તમને દૂર મૂકી દેશે. તે કહેશે “હવે તમે તમારા પ્રયત્ન ઉપર મુસ્તાક છો, તો જાતે પામો.” બાળક નાનું હોય અને માતાપિતા પર નિર્ભર હોય, તો માતા-પિતા તેની કાળજી લેશે. પણ બુદ્ધિ આવતાં તે સ્વતંત્ર થઈ જશે, તો માતા-પિતા માનશે કે હવે આપણી તેને જરૂર નથી. તો તેઓ તેની કાળજી લેતાં બંધ થશે. તે રીતે બુદ્ધિથી આપણે ડિવિનિટીથી દૂર થઈશું તો તે પણ આપણી સંભાળ લેવાનું છોડી દેશે. માટે ભગવાન પર સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. અને સાચું તો છે તેનું નામસ્મરણ.


                                    ******

પુસ્તક: રમાનાથનો અમૃતબોધ

સંકલન: વ્રજલાલ વઘાસિયા

No comments:

Post a Comment