Thursday, April 21, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૮ )

       

ઓગસ્ટ ૨૦૦૪ની અમેરિકાની મુલાકાત દરમ્યાન સિયાતલની બોઇંગમાં કંપનીમાં એન્જીનીયરનો જોબ કરતા પ.ભ.શ્રી રમેશભાઈ પટેલને મારે સૌ પ્રથમ વખત મળવાનું  થયું. વાર્ષિક દિવસની ઉજવણી દરમ્યાન બોઇંગ ની મુલાકાતનો અમે લાભ લઇ શકીએ તે માટે તેમણે અમારા વિજીટ પાસની વ્યવસ્થા કરેલ. આ મુલાકાત બાદ સત્સંગીના નાતે તેઓ અમોને હેતપૂર્વક નજીકના રેન્ટન વિસ્તારના તેમના ઘરે ચા -પાણી માટે લઇ ગયા. ત્યાં મારી મુલાકાત તેમના માતુશ્રી જોડે થઇ. ત્યારે તકલીફ ના સમયમાં  ગુણાતીત સંતો દ્વારા અમોને મળેલ મદદ અને રાહત વિશેના અમારા સ્વાનુભવના કેટલાક પ્રસંગોની આપ-લે થઇ ત્યારે તેમના માતુશ્રી બોલ્યા - "બોઇંગ કંપનીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા લોકો છે. પણ અક્ષર-પુરષોત્તમ શાખાના અત્યાર સુધી અમે એકલા હતા અને હવે તમે ભળ્યા તેનો મને આનંદ થયો". ત્યારે મેં કીધું "ચાલો આપણે સંકલ્પ ધૂન કરી અહી સત્સંગ વધે એટલુજ નહિ ભવિષ્યમાં અક્ષર-પુરષોત્તમનું મંદિર પણ બને તેવી સ્વામી બાપાને પ્રાર્થના કરીએ". ત્યારબાદ થોડાજ વરસોમાં ડલ્લાસથી શ્રી નીલેશભાઈ પટેલ અને આટલાંટાથી ડોક્ટર જીગેશભાઇ પટેલ આવ્યા અને બોથેલ હિંદુ મંદિર ખાતે અક્ષર-પુરષોત્તમની અઠવાડિક સત્સંગ સભાની શરુઆત થઇ. પછી પ..ભ. શ્રી મુકુંદભાઈએ સીયાતલમાં સત્સંગ પ્રવૃત્તિ સારી રીતે થઇ શકે તે હેતુથી ખાસ ઈશવાકુ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદી આપ્યું અને સત્સંગ વિસ્તરતો ગયો. બરાબર ૧૦ વરસ પછી ૨૪ ઓગસ્ટ 20૧૪ના રોજ પૂજ્ય મહંત સ્વામી દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા બાદ રેડમોન્ડ ખાતે ઉપર ના ફોટા મુજબનું મંદિર અસ્તિત્વ માં આવ્યું. મઝાની વાત એ બની કે આ મંદિર અહીની ૯૫ નોર્થ-ઇસ્ટ સ્ટ્રીટ પર બન્યું એટલકે અહી રેડમોન્ડમાં જે સ્ટ્રીટ ઉપર અમારું મકાન આવેલ છે, તે જ સ્ટ્રીટ ઉપર. પણ અમારા ઘર અને મંદિર વચ્ચે એક નાની ટેકરી  અને નદીનું વહેણ છે. શ્રીજી મહારાજ કહે "હું તારા ઘર પાસે તો આવ્યો પણ હવે તું ટેકરી અને નદી  રૂપી સંસારના અવરોધો પાર કરી મારી પાસે આવવા પ્રયત્નો કરજે." ચાલો હવે આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક ઘટનાઓને વાગોળીને માણીયે :-  

 

       
     



સંસ્થા દ્વારા અહિયાં  મંદિર કરવાની મંજુરી તો મળી ગઈ, પણ મંડળ નાનું, વળી મોટા ભાગના સભ્યો નોકરિયાત, એટલે મંદિર માટે જગા ખરીદવા જરૂરી ફંડ ભેગું કરવાની મોટી જવાબદારી આવી પડી. હજુ તો મંદિર માટે યોગ્ય પરવડી શકે તેવી કિંમતે જગાની શોધ ચાલી રહી હતી, તે દરમ્યાન  ૨૯-૧૦-૨૦૧૨ ના દિવસે ચીનો હિલ્સ મંદિરના કળશ પૂજન તેમજ સેક્રેમેંનટો અને ફોનીક્ષ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સીયાતલ મંદિર ની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સ્વામીશ્રીએ અમદાવાદમાં શાહીબાગ ખાતે કરીને મૂર્તિઓને અમેરિકા રવાના પણ કરી દીધી. બીએપીએસ ના ઈતિહાસમાં કદાચ પહેલી વખત મંદિર માટે જગા લેવાઈ ના હોય છતાં પૂજન વિધિ કરી મૂર્તિઓ  અમેરિકા રવાના કરી દીધાનો કિસ્સો બન્યો. સ્વામીશ્રીને દ્રઢ વિશ્વાસ હતો, કે સીયાતલના હરિભક્તો મંદિર માટે યોગ્ય જગ્યા ખરીદ્શેજ અને તેમના પ્રયત્નો માં શ્રીજી મહારાજ જરૂર ભળશે જ અને ઘીના ઠામમાં ઘી સચવાશે.   


નાનકડા મંડળના હરિભક્તો મંદિર નિર્માણ માટે તન-મન-ધન બધુજ અર્પણ કરવા થનગની ઉઠ્યા. બહેનોએ કેટરિંગના ઓર્ડરો દ્વારા ૮૦,૦૦૦ ડોલર્સનું ફંડ ભેગું કર્યું. તો યુવકોએ કરેલ જોળી દાન ઉપરાંત સિનિયર્સ - વડીલોએ પણ તેમની અંગત બચતમાંથી દરેકે ૫૦૦૦ હજાર ડોલર્સ સ્વેચ્છાએ આપવાનો નીર્ણય લીધો.અને રેડમોન્ડ અથવા કર્કલેન્ડમાં બજેટમાં બેસે તેવી જગ્યાનીશોધ શરુ કરી. એક દિવસ લોસ એન્જલસ થી આવેલ પુ. સર્વદર્શન સ્વામીને નીલેશભાઈએ મંદિર માટે જોયેલ કેટલીક જગાઓ બતાવી. એક બિલ્ડીંગ આગળથી કારમાં પસાર થતા નીલેશ ભાઈએ કહ્યું - "સ્વામી આ બિલ્ડીંગ મંદિર માટે બધીજ રીતે અનુકુળ છે, પણ તેની કિંમત સાડા છ મીલીયન છે, જયારે અમારી પહોંચ ૩ મીલીયન આસપાસની જ છે". ત્યારે સર્વદર્શન સ્વામીએ હસતા હસતા પ્રસ્તાવ મુક્યો - "આપણે સ્વામીબાપાને પ્રાર્થના કરીએ કે વેચાણ માટેના આ બિલ્ડીંગના માલિકને તેની કિંમત ઘટાડવા માટે સ્વામી પ્રેરણા કરે". 

તે દરમ્યાન સંસ્થામાંથી ફરમાન આવ્યું કે સિયાતલ મંદિરની જગા ખરીદવાનું હમણાં મુલતવી રાખો. તમારી પાસેનું ભંડોળ તાત્કાલિક ચીનો હિલ્સને લોન રૂપે મોકલી ધ્યો. પછી ચીનો હિલ્સ મંદિરના ઉદઘાટન વિધીના સમૈયામાં ભાગ લઇને નીલેશભાઈ તથા જીગેશભાઈ પરત આવ્યાના એક અઠવાડિયા બાદ પેલી છ મીલીયન વાળી જગાના બ્રોકરનો ફોન આવ્યો.આ જગાના માલિકે લોન ભરપાઈ કરવામાં નાદારી દાખવી હોવાથી બેન્કે તે મકાન નો કબજો લઇ લીધેલ. અપેક્ષિત કિંમત નહિ મળવાથી બેન્કે વહેલી તકે મકાન વેચી દેવા બ્રોકરને જણાવેલ. અને પુ.સર્વદર્શન સ્વામીએ કહ્યા પ્રમાણે તે મકાનની  મંદિર માટે અમોને ૩.૪ મીલીયનની નજીવી કિંમતે  ઓફર મળી. ૩૦ દિવસની મુદતમાં પ્રોપર્ટીની પૂરી કિંમત ચૂકવીને હસ્તગત કરવાની હતી એટલે ખરી કસોટી હવે શરુ થઇ, જેની ટૂંકી માહિતી નીચે મુજબ :-

 

વિઘ્નો અને નિવારણ :-

(૧)  તાત્કાલિક મોટી રકમની જરૂરિયાત

સૌ પ્રથમ તો બેંકની અપેક્ષિત કિંમતની ઓફર સ્વીકાર્યા પછી ૩૦ દિવસની અંદર ડીલ ક્લોઝ કરવાનું હતું. એટલેકે ચુકવણી કરવા તાત્કાલિક મોટી રકમની વ્યવસ્થા કરવાની.હરિભક્તોએ પોતાના રહેણાંક ના મકાન બેન્કને ગીરવી મૂકી જરૂરી રકમ એકઠી કરી લેવાની તૈયારીઓ શરુ કરી દીધી.

(૨)  ઓફીસ માટેના મકાન નું - જાહેર વપરાશ/મંદિર માટે કાઉન્સિલની મંજુરી :-

નવા કાનુન પ્રમાણે આ જુના મકાનને "ભૂકંપ વિરોધી" કરવું જરૂરી હતું, જે માટે સ્ટીલના

કેટલાક નવા ગર્ડરસ બેસાડવા જરૂરી હતું. આ કાર્ય પાર પાડવા આ જુના મકાનના પ્લાન્સ

નકશા ક્યાંથી લાવવા ? નવા નકશા બનવવા અતિશય ખર્ચાળ અને સમય માંગી લે તેમ હતું . આ પ્રશ્નનો હલ પણ કેવળ શ્રીજી-સ્વામીની કૃપાથી આવ્યો. બન્યું એવું કે મૂળ ભારતીય એવા એક કોન્ટ્રાકટરને આ મકાનના મૂળ માલિકે કશાક કામ અર્થે મકાનના પ્લાન્સ આપેલ. કોન્ટ્રાકટરે સોંપેલ કામનો કોસ્ટ એસ્ટીમેટ મકાન માલિકને આપેલ પણ વાત આગળ વધી નહિ. આ મકાનના  માલિક બદલાયાના તેને સમાચાર મળતા તે આવ્યો. અને તેની પેન ડ્રાઈવમાં સચવાયેલ આ મકાનના  નકશા તેણે અમોને આપ્યા અને અમારી ગાડી આગળ વધી.

મંદિર માટે પસંદ કરાયેલ આ મકાન પાસેથી "સમ્મામીશ" નદીનું એક નાનું વહેણ પસાર થાય છે. જાહેર વપરાશ માટે લેવાતું મકાન નદીના વહેણ થી અમુક ફૂટ દુર હોવાની અહીની સ્થાનિક કાઉન્સીલે એક મર્યાદા બાંધી છે. આ નિયમનું પાલન કરવા મકાનની એક બાજુની દીવાલમાં ફેરફાર કરી  આશરે ૬ ઇંચ જેટલી  અંદર લઇ જવી પડે તેમ હતું. અમારા માટે આ એક તર્દન બિન જરૂરી ખર્ચ હતો. તે બચાવવા અમોએ અહીના મેયરનો સંપર્ક કર્યો. અમારા સદનશીબે મેયરની દીકરી અને એક હરિભક્તની દીકરી સ્કુલમાં એકજ ક્લાસમાં ભણતા હોવાથી આ કામ વધારે આશાન થયું. મેયરે અમારી તકલીફ સમજીને આ નિયમમાં છૂટ આપવાની ભલામણ કરી આપી.

ત્યારબાદ સ્થાનિક કાઉન્સિલ ના નિયમોનું પાલન થાય તે રીતે મકાનમાં કેટલાક જરૂરી ફેરફારો - કેટલીક દીવાલો નષ્ટ કરી અને કેટલીક નવી બનાવી - મૂર્તિઓના સ્થાપન - સિંહાસન, પુજારી માટે રહેણાંક, સભાહોલ,  રસોઈઘર, ભોજનાલય, સંતો માટે નિવાસ, ક્લાસ રૂમ્સ , બાથરૂમ્સ -ટોઇલેટમાં જરૂરી ફેરફાર ક્યા અને કેવી રીતે કરવા તે બધુજ સંતો અને હરિભક્તોની ટીમે  સવિસ્તાર ચર્ચા કરીને નિર્ણય લીધા બાદ તે મુજબના પ્લાન્સ - નકશા તાબડ-તોબ તૈયાર કરવામાં આવ્યા. અને સ્થાનિક કાઉન્સિલમાં મંજુરી માટે રજુ કરી દેવામાં આવ્યા. ડીલ-કલોઝિંગ કરવા માટે હવે ફક્ત એકજ અઠવાડિયાનો સમય બચ્યો હતો. નિર્ધારિત તારીખે અમારા પ્રતિનિધિ એવા બે હરિભક્તો કાઉન્સિલમાં "મંજુરી પત્ર" લેવા ગયા. ત્યારે ત્યાં હાજર અને જવાબદાર બહેને ઠાવકાઈથી કહી દીધું "તમે કેટલાક અમાન્ય ફેરફારો કર્યા હોવાથી હું તમોને "મંજુરી પત્ર" આપી શકું નહિ. આ સાંભળી અમારા પ્રતિનિધિઓ હેબતાઈ ગયા, જાણેકે કિનારે પહોચેલા બાર વહાણ એકાએક ડૂબવા લાગ્યા.

હવે શું કરવું ? મતિ મૂંઝાઈ ગઈ અને પગ જમીન સાથે ચોંટી ગયા ! તે દરમ્યાન કેબીન માંથી બહાર નીકળી વોશરૂમ તરફ જઈ રહેલા એક ઓફિસરની નજર અમારા પ્રતિનિધિઓ ઉપર પડી. તેનામાં જાણે શ્રીજી મહારાજ આવીને વસ્યા હોય તેમ નજદીક આવી તેણે પૂછ્યું -"સજ્જનો તમે કાંઈક ચિન્તામાં લાગો છો ! હું તમોને કાંઈક મદદ રૂપ થઇ શકું તેમ હોય તો મને ખુશીથી જણાવો ! ". અમારા પ્રતિનીધીઓની વાત સાંભળ્યા પછી તેણે કીધું - "જે ભાઈ તમોને "મંજુરી પત્ર" આપનારા હતા, તે આજે રજા ઉપર છે, પણ હું તમારો કેશ બરાબર જાણું છું. જે બહેને તમોને અજાણતા "ના" કહી તે મારા હાથ નીચે કાર્ય કરે છે. હું તમોને "મંજુરી પત્ર" આપવા માટે  તે બહેન ને હમણા જ ફરમાન કરું છું.

પછી તો મંજુરી પત્ર મળી ગયો અને પૈસા ચૂકવીને બેંક પાસેથી મકાન ની ચાવી પણ હાથમાં આવી ગઈ.  એટલે નાના-મોટા-બાઈ-ભાઈ-અબાલ-વૃદ્ધ સૌ પોત પોતાના ઘરેથી સફાઈનો સામાન લાવી ત્રણ વરસથી ખંડીયાર હાલતમાં પડેલ ૫૦૦૦ ચોરસ ફીટમાં પથરાયેલ એ મોટા મકાનની સફાઈ કરવાના સેવા યજ્ઞમાં જોડાઈ ગયા. અંકુરભાઇ પટેલે પોતાના ધંધાને થોડો  સમય વિરામ આપી - કડિયા-સુથાર-પ્લમ્બર-કારીગરોને શોધી ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું કાર્ય થાય તેની જવાબદારી લીધી. મકાનનું ઈલેક્ટ્રીફીકેશન સંતો એ બનાવી આપેલ નકશા મુજબ હરિભક્તોએ જાતે કર્યું. મકાનની બધીજ દીવાલો - દરવાજાના  રંગ કામની જવાબદારી બહેનો એ સંભાળી તો કિચન અને ડાઈનીંગ હોલમાં વજનદાર લાદી ઓ બેસાડવાની જવાબદારી યુવાનો એ લીધી. વડીલોએ પાર્કિંગ એરિયાની સફાઈ તેમજ સુકાઈ ગયેલ લોન અને ફૂલઝાડને ફરીથી નવ -પલ્લવિત કર્યા. અત્રે ના જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વેપારીએ તેમની ફેક્ટરીમાંથી મંદિર  માટે જરૂરી વાયર-કેબલ્સ વિના મુલ્યે આપ્યા તો બીજા એક શીખ વેપારીએ મંદિર માટે જરૂરી "ગ્રેનાઈટસ" વિના મુલ્યે આપ્યા. આમ જોત જોતામાં એક સુંદર મંદિર સાકાર થયું.

   

 

 

  




   
      




Friday, March 18, 2016

"૧૯૯૫ની સ્વામી વિવેકાનંદ ફિલ્મનું હીટ-સોંગ" એક નવીન અંદાઝમાં ચિંતન રાણાના વિડીયો દ્વારા .....

                                   ચલો મન જાયે ઘર અપને,

                                   ઇસ પરદેશમેં, વો પરભેશ મેં,

                                   કયું પરદેશી રહે,


                                   આંખ જો ભાયે, વો કોરા સપના,

                                   સારે પરાયે હૈ, કોઈના અપના,

                                   એસે જૂઠે પ્રેમમેં પડના,

                                   ભુલમેં કાહે જીયે .......


                                   સાચે પ્રેમકી જ્યોત જલાયે,

                                   મન સુન મેરી કાન લગાયે...

                                   પાપ ઔર પુન્ય કી ગઠરી ઉઠાયે,

                                   અપની રાહ ચલે....








                                        

                                                    

Friday, February 26, 2016

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - ( ૭ )

લોકલ સીટી કાઉન્સીલના અધિનિયમ કરતા આ મંદિરના સ્ટ્રક્ચરની ઉંચાઈ વધુ હોવાના વિવાદના કારણે આ મંદિરનું નિર્માણ અટકી પડેલ. તદ ઉપરાંત કેટલાક સ્થાનિક લોકોએ પણ અવાજ પ્રદુષણ અને ટ્રાફિક જામ થવાની દહેશત જણાવી વિરોધ કરેલ. ૭ વરસ સુધી ચાલેલ કોર્ટ કેસના અંતે આખરે સીટી કાઉન્સીલે તેના ઉંચાઈ અધિનિયમન ધારામાં  આ મંદિર માટે ખાસ છૂટ-છાટ આપી અને ડીસેમ્બર ૨૦૧૨માં આ મંદિર ભવ્ય ધામધૂમ પૂર્વક લોકાર્પણ કરાયું.


૭  વરસ સુધી આ મંદિરના  નિર્માણ માટે અથાગ પરિશ્રમ અને સંઘર્ષ કરનાર પૂજ્ય સર્વદર્શન સ્વામીએ 
સીયાતલ સત્સંગ મંડળને જણાવેલ બે રસમય વાતો :- 

(૧)   દિલ્હી અક્ષરધામ જેમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ તે સંતને સ્વામીબાપાએ ન્યુજર્સીમાં બની 
રહેલ અક્ષરધામના માર્ગદર્શન માટે અમેરિકા મોકલ્યા. તે સંત જયારે લોસ એન્જલસના આ મંદિર ની
મુલાકાતે આવ્યા ત્યારે તેમણે અહીના સર્વદર્શન સ્વામીને અહીની સ્થાનિક એક અમેરિકન કંપનીની 
મુલાકાતનું આયોજન કરવા કહ્યું. આ કંપની દુનિયાભરમાં વિશિષ્ટ પ્રકારના ફુવારા (Fountain) બનાવે છે,
અને વરસમાં ફક્ત એક કે બેજ પ્રોજેક્ટ અબજો ડોલર્સની કિંમતના હાથમાં લે છે. દિલ્હીથી આવેલ સંતને  
આ માહિતી ઈન્ટરનેટ ઉપરથી મળેલ. બંને સંતોને આ વિષયમાં રસ એટલે નિર્ધારિત દિવસે તેઓ ફુવારા 
બનાવતી આ સ્થાનીક ફેકટરીમાં પહોંચી ગયા.

નસીબ જોગે તે ફેક્ટરીનો માલિક  ત્યાં હાજર હતો અને તેણે ઔપચારીક રીતે તેનું ધંધાદારી કાર્ડ (Visiting
Card) આપ્યું. સંતો પાસે તો આવા કાર્ડ હોય નહિ એટલે તેમણે સ્વમુખે તેમનો પરિચય અને મંદિર નો ટેલીફોન નંબર આપી ક્યારેક મંદિરે આવવાનું આમંત્રણ આપ્યું અને મુલાકાત પૂરી થઇ. બે એક અઠવાડિયા પછી આ અમેરકન નો ફોન આવ્યો કે હું તમારા એરીયામાંથી પસાર થઇ રહ્મો છં અને મારી પાસે સમય નથી, પણ ૧૫ મીનીટની ઉડતી મુલાકાતે આવું તો ચાલશે ?  જવાબમાં સર્વદર્શન સ્વામીએ કહ્યું ભલે ખુશીથી અમારે મંદિરે પધારો.

ત્યાં આવ્યા પછી મંદિર ની હવેલી અને ભવ્યતા જોઈ તે એટલો બધો પ્રભાવિત થયો કે તેણે તેની ધંધાકીય મુલાકાત કે જે કાર્ય માટે તે  ઘરે થી નીકળ્યો હતો તે ફોન કરીને કેન્સલ કરી. લગભગ 3 કલાક સુધી બારીક નીરીક્ષણ કર્યું અને સંતો જોડે મિત્ર ભાવે અમુક ચર્ચા કરી અને મંદિરની ઓફીસમાં ચા-પાણી-નાસ્તો પણ
કર્યો. વિદાય થતી વેળાએ કહે તમારા આ ભવ્ય મંદિર માટે હું એક ભવ્ય ફુવારાનું નિર્માણ મારા પોતાને
ખર્ચે બનાવી આપવાનો નિર્ધાર મેં કરી લીધો છે.

(૨)  એક વખત એક અજણ્યા સ્થાનિક ધોળીયાની કાર અચાનક જ મંદિરમાં આવી ઉભી રહી. કારમાંથી
નીચે ઉતારી આશ્ચર્ય અને વિસ્મય નજરે તે મુખ્ય મંદિરને જોવા લાગ્યો. તે દરમ્યાન સર્વ દર્શન સ્વામી
ત્યાંથી પસાર થયા એટલે તેમની પાસે આવી સીધો સવાલ કર્યો -  "નવી બનેલી તમારી આ ઈમારતમાં તમે શું કોઈ લોહીચુંબક (MAGNET) નો કોઈ પણ હેતુ માટે વપરાશ કર્યો છે કે ?  સ્વામી કહે અમારું આ મંદિર
પણ પત્થર અને સિમેન્ટ-ચુનાથી બનેલું છે. અને અમારા બીજા બધાજ મંદિરોની માફક લોખંડનો બિલકુલ
વપરાશ કરેલ નથી.

ધોળીયાએ તેની વાત આગળ ચલાવી. "હું એક અગત્યની ધંધાકીય મીટીંગ માટે હાઈ-વે ઉપરથી મારી આ કારમાં પસાર થઇ રહ્યો હતો. અચાનક મારી નજર તમારી  આ નવી ઈમારતના શિખર ઉપર પડી અને
મનમાં કુતુહલતા જાગી કે આ નવી ઈમારત શું અને કોની છે ? એટલે આ જ રસ્તે પાછા ફરતી વખતે આ
ઈમારતની મુલાકાત લેવાનું મેં વિચાર્યું. બરાબર તેજ ઘડીએ કોઈ પાવરફુલ મેગ્નેટ મારી કારને ખેંચતી
હોય તેવી મને અનુભૂતિ થઇ. એટલુજ નહિ મારી કારની ગતિ અવરોધાવા લાગી. એટલે મેં અકળાઈને
હાઈ-વે છોડી જે પહેલી એકજીટ મળી તે તરફ મારી કારને ઘુમાવી અને હું અહિયાં પહોંચી ગયો"

પછી તો મારી મીટીંગનો સમય હું ચુકી ગયો એટલે માફી માંગી ધંધાકીય મીટીંગ મેં કેન્સલ કરી. ત્યારબાદ
તેણે મંદિરનું બારીક અવલોકન કર્યું એટલુજ નહિ પણ સર્વ દર્શન સ્વામી સાથે મંદિરની અંદર પ્રવેશી
મૂર્તિના દર્શન પણ કર્યા. અને અદભૂત -અદભૂત ના ઉદ્ગારો સાથે ભાવ વિભોર થઇ વિદાય લીધી.






 

 


 

Saturday, January 30, 2016

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૬)


મહીપતરામ નો ભત્રીજો વિઠ્ઠલરાવ ઈ.સ.૧૮૦૯ માં અમદાવાદ નો સુબો બન્યો. તેને ભગવાન સ્વામિનારાયણ તથા સંપ્રદાય વિષે ભારે દ્વેષભાવ હતો. તેણે શ્રી સ્વામિનારાયણને મારવા ષડયંત્ર રચેલું પણ તેમાં તે નિષ્ફળ ગયો, અને તેની સત્તાનો પણ અંત આવ્યો. ત્યારબાદ ખેડાના કલેકટર ડનલોપ સાહેબે ઈ.સ.૧૮૧૭ ના નવેમ્બર માસમાં સત્તા સંભાળી. સૂબાના રાજ્ય દરમ્યાન સ્વામિનારાયણે અમદાવાદમાં પગ નહિ મુકવાના ફરમાન નો અંત આવ્યો. એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન ગામ મછીયાવ થી સાણંદ થઈને સરખેજ આવ્યા. શહેરની મધ્યમાંથી પવિત્ર સાબરમતી નદી વહેતી હતી જેના કિનારે શ્રી નર નારાયણ દેવે તપ કરેલ. આ નદીમાં અનેક વખત સંતો સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરેલ.ભગવાન શ્રી સ્વામિનારાયણનું અમદાવાદમાં ભવ્યાતી ભવ્ય સ્વાગત થયું, જેમાં અંગ્રેજ અધિકારી શ્રી એરણ સાહેબ અને ડનલોપ સાહેબ પણ સામેલ હતા.


શ્રી હરિની દિવ્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને અંગ્રેજ અમલદારોએ અમદાવાદમાં મંદિર બાંધવા શ્રી હરિને મનગમતી જગા પસંદ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રીજી મહારાજે અમદાવાદની પાઠકવાડી નામે પ્રચલિત જગા મંદિર માટે પસંદ કરી. બંને અંગ્રેજ અધિકારીઓએ છેક વિલાયતથી પરવાનગી મેળવી આપી શ્રી હરિને શહેરની મધ્યમાં કાળુપુર નવાવાસ પાસેની પાઠકવાડીની જમીન તામ્રપત્ર ઉપર યાવદચન્દ્ર દીવાકરો લેખ કરીને જમીન અર્પણ કરી. આ ઉપરાંત મંદિર પણ સરકારી ખર્ચે બાંધી આપવાનો પ્રસ્તાવ મુક્યો. પણ શ્રીજી મહારાજે રાજ્ય સત્તાના પૈસાથી મંદિર બાંધવાને બદલે નાનામાં નાના સત્સંગીઓના પ્રેમના પૈસાથી મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. શ્રી હરિએ પોતાની ચરણભેટમાંથી રૂપિયા ૧૧/- સ.ગુ.શ્રી આનંદાનંદ સ્વામીને આપીને અમદાવાદમાં શિલ્પ શાસ્ત્રનુસાર ઉત્તમ ત્રણ શિખરો વાળુ મંદિર બાંધવાની આજ્ઞા કરી. શ્રી શુધ્ધજ્ઞાનાનંદ સ્વામી તથા બીજા સંતોને મૂર્તિ તૈયાર કરાવવા ડુંગરપુર મોકલ્યા. મંદિર માટે જરૂરી પથ્થર હિંમતનગર તેમજ ધ્રાગધ્રાથી મંગાવ્યા. 


જીવા વિરમગામા નામના એક હરિભક્ત ગાડામાં એક મોટો લાંબો પથ્થર લાવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક બળદ મ્રત્યુ પામ્યો. છતાં તેઓ હિમ્મત હાર્યા વગર મ્રત્યુ પામેલ બળદની જગાએ પોતે જોતરાઈને પણ પથ્થર અમદાવાદ પહોંચાડ્યો. આ ઘટનાથી પ્રસન્ન થઇને શ્રીજી મહારાજે તે હરિભક્તને ભેટ આપી. અને તેમણે લાવેલ પત્થરને રાધાકૃષ્ણ દેવ સમક્ષ પધરાવ્યો. આજ દિવસ સુધી આ પત્થરનો સ્પર્શ કરવાથી અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.






   


       



Wednesday, December 16, 2015

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૫)






શ્રી સ્વામીનારાયણ મંદિર - પીજ 


           મંદિરના નિર્માણમાં જાણે-અજાણે સહયોગ આપનારને અંતકાળે તેડવા આવવા માટે ભગવાન સ્વામિનારાયણે વચન ઉચ્ચાર્યું હતું. તેમના આ વચનની પ્રતીતિ અનેક ભક્તોએ અનુભવી હતી.


          ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ચરોતરના પીજ ગામે પણ આવી જ એક અનુભૂતિ થઈ હતી.પીજમાં સત્સંગીઓ મંદિર માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અહીં વસતા જેસાભાઈ પટેલ સ્વામિનારાયણીય સત્સંગના દ્વેષી હતા. આથી ગામમાં મંદિર ન થવા દેવાની તેમની નેમ હતી.ગામના અગ્રણી સત્સંગી જીજીભાઈ બારોટે જેસા પટેલને કહ્યું : 'આ મંદિર કરવા દો તો બહુ સારું.' જેસા પટેલે કટાક્ષમાં કહ્યું: 'મંદિર તો આભમાં થાશે.'


          નિષ્ઠાની ખુમારીથી બારોટે પ્રત્યુત્તર વાળ્યોઃ 'પટેલ! તો પછી જોજો, મંદિર તો આંહી બે માળનું થાશે ને ઉપલી બારીએ બેસીને હું તમને રામરામ કરીશ.' આમ કહી જીજીભાઈએ ઘરે જઈ વડોદરા ગોપાળાનંદ સ્વામીને પત્ર લખી વિગત જણાવી. ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત ગોપાળરાવભાઈને કહ્યું : 'પીજમાં પટેલ મંદિર થાવા દેતા નથી ને ત્યાં તમારું ઉપરીપણું છે. તે માટે તમે પત્ર લખી જેસા પટેલને સમજાવો.'


          ગોપાળરાવે જેસા પટેલને પત્ર લખી જણાવ્યું : 'શા સારુ મંદિર થવા દેતા નથી? સ્વામિનારાયણનું મંદિર થાવા દેજો ને અટકાવશો મા.' ગોપાળરાવનો પત્ર વાંચી જેસા પટેલ મંદિરનિર્માણના કાર્યમાં અડચણરૂપ થતા બંધ થયા. 

          

          જોતજોતામાં જ પીજમાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું. પછી જ્યારે જેસા પટેલ મંદિર પાસેથી પસાર થાય ત્યારે માથે ઓઢી લે. આખું મંદિર ન જુએ. પટેલને મંદિરનાં દર્શન તો કરવા હતાં પરંતુ તેમને કોઈ જોઈ જાય તેનો ડર હતો. 


          એક દિવસ જ્યારે તેઓ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે આજુ બાજુ જોયું તો કોઈ નહોતું. એટલે તેમણે મંદિર સામું જોયું. તે વખતે જ જીજીભાઈ મંદિરના ઉપલા માળે બારીએ બેઠા હતા. તેમણે કહ્યું: 'બાપા, રામ રામ.'

          

          પટેલ કહે : 'સ્વામિનારાયણ તો ખરા ભાઈ!' પટેલને હૈયે સ્વામિનારાયણનો ગુણ વસી ગયો. તેમનાં પત્ની કરાળી ગામના સત્સંગી હતાં. તેઓ મંદિરે સંતોને સીધું મોકલે. પત્નીની સેવાઓમાં પટેલે વિરોધ કરવાનું બંધ કર્યું. પટેલનો અંતસમય નજીક આવ્યો. જમદૂત જેસાભાઈને તેડવા આવ્યા. જેસાભાઈ તો ધ્રુજે અને બૂમો પાડે. તેમના પત્ની કોડબાઈએ કહ્યું:  'તમે સ્વામિનારાયણનાં વર્તમાન ધરાવો, તો જમ અહીંથી ખસી જશે.' કોડબાઈએે તેમને વર્તમાન ધરાવ્યાં અને કંઠી બાંધી. જમ તરત જ ત્યાંથી જતા રહ્યા. બે દિવસ સુધી જેસા પટેલે શ્રીજીમહારાજનું ભજન કર્યું. શ્રીજીમહારાજ પ્રગટ થયા અને કહે : 'ચાલો, પટેલ ધામમાં' એમ કહી શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા.

                           શ્રી સ્વામીનારાયણ મંદિર - જુનાગઢ 



          જૂનાગઢમાં મંદિરનિર્માણનું કામ ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું : ''આપની કૃપાથી નવાબ સરકારે પથ્થર ઉપર અને મંદિર માટે જોઈતી બીજી વસ્તુઓ ઘી, તેલ, ગોળ, સાગનાં લાકડાં વગેરે ઉપર દાણ માફ કર્યું છે. નવાબ સાહેબ બહુ જ રાજી છે, પરંતુ નાગર અમલદારોનો દ્વેષ વધતો જાય છે. આપણું ત્રણ શિખરનું આભને આંબે એવું મંદિર થતું જોઈ તેઓ મનમાં બહુ અકળાયા છે. પોતાનું ચાલે તો મંદિર તોડી પણ નાંખે.''

          

          મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે કહ્યું : ''ધાર્યું તો એક ભગવાનનું જ થાય છે. મનુષ્ય મનસૂબા કરે તે મુજબ જો થતું હોય તો જગતનું સંચાલન બરાબર ન થાય. માટે તમો ચિંતા કરશો નહીં.''

          

          બીજે દિવસે નવાબ સરકારે મહારાજને પોતાના દરબારમાં પધારવા આમંત્રણ મોકલ્યું. સાંજે સંતો-હરિભક્તો સાથે શ્રીહરિ નવાબના રાજમહેલમાં પધાર્યા. નવાબે મહારાજનો સત્કાર કર્યો. બ્રાહ્મણ પાસે મહારાજની પૂજા કરાવી. પછી મહારાજનાં ચરણ પાસે કુર્નિશ કરી નવાબ બેઠા અને મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું : ''આપ તો સાક્ષાત્‌ ખુદા છો, તો અમારા ઉપર રહેમ નજર રાખજો. આપનાં દીદાર આજે થયાં એટલે મને બહુ જ શાંતિ થઈ છે.''

          

          તે વખતે નવાબના ખાનગી કારભારીએ મહારાજને કહ્યું : ''મહારાજ! નવાબસાહેબને કુંવર નથી એ ખોટ છે.'' મહારાજે તરત જ આશીર્વાદ આપતાં કહ્યું: ''નવાબસાહેબને ત્રણ કુંવર થશે. તેમાંથી બે કુંવર રાજગાદી ભોગવશે અને મંદિરની સેવા પણ કરશે.''…ત્યાર બાદ મંદિર માટે જ્યારે જમીનનો લેખ કર્યો, ત્યારે તે ઉપર રાજ્યની મહોરછાપ મરાવવા માટે શ્રીહરિ સ્વયં નવાબસાહેબની કચેરીમાં ગયા હતા. ત્યારે નવાબસાહેબે મહારાજને કહ્યું હતું : ''આપ જો અહીં જૂનાગઢ કાયમ રહો તો મહોરછાપ મારી આપું.'' શ્રીહરિએ તેમ વચન આપ્યું હતું.

          

          એ જમીન પર મંદિરની પ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીહરિ નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નવાબ શ્રીહરિનાં દર્શન કરવા આવી ગયા. તેમણે પૂછ્યું: ''મહારાજ! આપે તો મને વચન આપ્યું હતું કે આપ અહીં કાયમ રહેશો અને આપ તો નીકળવાની તૈયારી કરી રહ્યા છો!''

          

          મહારાજ આ સાંભળી હસ્યા. જવાબ આપતાં તેમણે નવાબસાહેબને પૂછ્યું: ''અમે રહીએ કે અમારા જેવા ફકીરને રાખીએ?'' એટલે નવાબસાહેબે કહ્યું : ''મહારાજ! આપ જૈસા તો આપ હી હૈ, લેકિન આપ જૈસા દૂસરા કોઈ ફકીર હો તો ઉનકો જરૂર રખીએ.'' મહારાજે કહ્યું: ''આ ગુણાતીતાનંદ સ્વામી અમારા જેવા જ છે. એટલે એમને અમે અહીં રાખીને જઈએ છીએ.'' નવાબ શ્રીહરિ અને ગુણાતીતાનંદ સ્વામીનાં ચરણોમાં નમી પડ્યા.

         

           … મહારાજના આશીર્વાદથી નવાબસાહેબને ત્રણ કુંવર થયા. તેમાં પ્રથમ નવાબ હામદખાન બીજાએ સને ૧૮૪૦થી ૧૮૫૧ સુધી રાજ્ય કર્યું. ત્યાર બાદ નવાબ સર મહોબ્બતખાને સને ૧૮૫૧થી ૧૮૬૨ સુધી રાજ્ય કર્યું. ત્રીજા શેરખાન ફટાયા કુંવર તરીકે હતા. પહેલા કુંવરને તથા શેરખાનને પ્રજા થઈ ન હતી. મહોબ્બતખાનને ત્રણ કુંવર થયા હતા. સર બહાદુરખાન,  સર રસૂલખાન અને એદલખાન.





Wednesday, December 2, 2015

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નિત્ય પૂજાની મૂર્તિઓ તથા પ્રસાદીની વસ્તુઓની જાણકારી



પ્રાત:પૂજા કરતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ


                                                          હરિક્રષ્ણ મહારાજ

       સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રારંભમાં પૂજતી લાડુવાળી બાલમુકુન્દની ચલમૂર્તિને સ્થાને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણની પંચધાતુની ચલમૂર્તિને પૂજવાનો સૌ પ્રથમ પ્રારમ્ભ આ મૂર્તિથી કર્યો હતો. ‘શ્રી હરિકૃષ્ણ મહારાજ’ના નામે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણની આ ચલમૂર્તિને, ગુણાતીતાનંદ સ્વામી સમૈયા-ઉત્સવોમાં  વિશષ્ટ રૂપે પૂજતા. સંપ્રદાયમા મહાપૂજાનો પ્રારંભ પણ તેમણે સંવત ૧૯૦૧ જેઠ સુદી એકાદશીના દિવસે જુનાગઢમાં ગોપાળાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં, આ મૂર્તિનું શોડશોપચારે પૂજન કરાવીને કરાવ્યો હતો. આ પ્રાસાદિક મૂર્તિ જુનગઢ મંદિરમાં સિંહાસનમાં ઠાકોરજી પાસે રહેતી. સં.૧૯૬૭, અષાઢ સુદ ૧૩ (તા. ૯-૭-૧૯૧૧)ના દિવસે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પાસે આવવા જૂનાગઢથી મહા-પ્રસ્થાન કર્યું તે વખતે આ મૂર્તિ સાથે લાવ્યા.   ત્યારથી સં.૨૦૨૭, પોષ વદ ૧૧ (તા. ૨૩-૧-૧૮૭૧) સુધી તેમણે આ મૂર્તિની સેવા કરી. ત્યારબાદ તેની સેવા પ્રમુખસ્વામી મહારાજ કરે છે.

                                                                                  
                               આ મૂર્તિનું વજન : ૨૧૮.૩૫૦ (હરિકૃષ્ણ મહારાજ)
                                                   ૨૧૮.૫૭૦ (નીકલ સાથે)
                                                   ૨૧૮.૯૦૦ (સોના સાથે)
                                                   ૨૧૯.૦૧૦ (નેત્ર સાથે)  

            પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાલની પૂજામાં ઘણીખરી મૂર્તિઓ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.

 બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની જૂની અને નવી પૂજા વિષે:-

          બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજ જે મૂર્તિઓની પૂજા કરતા હતા તે ઈ.સ.૧૯૬૨-૬૩માં પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી તથા પૂજ્ય રામચરણ સ્વામીએ બદલીને નવી કરી આપી. આ નવી મૂર્તિઓની પૂજા યોગીજી મહારાજ ઈ.સ.૧૯૭૧ સુધી કરી. બાદમાં તે મૂર્તિઓ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ મહારાજ પાસે આવી. જે અત્યારે તેઓની પૂજામાં છે.

            યોગીજી મહારાજની જૂની પૂજા અત્યારે દાદર/મુંબઈના શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે  કબાટમાં મુકેલ છે.



            સૌથી ઉપર રાખવામાં આવતી અક્ષરપુરષોત્તમની આ રેખાંકિત મૂર્તિ પ્રગટ ભગતે પોતાના માટે કરાવેલ. શ્રીજી મહારાજના પ્રસાદીભૂત કાપડ ઉપર કાનજી ભગતના શિષ્ય કનુ ભગતે તે છાપીને આપેલી. તેઓએ આ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજને પૂજામાં પ્રસાદીની કરવા આપી. સ્વામીશ્રીને આ મૂર્તિ ગમી ગઈ અને પોતાની પૂજામાં જ રાખી લીધી. ઈ.સ.૧૯૭૮ના શ્રાવણ માસમા આ પ્રસંગ બનેલ છે. યોગીબાપાએ વલસાડમાં શ્રીજી મહારાજનું પ્રસાદીભૂત વસ્ત્ર પ્રગટ ભગતને આપેલુ તે પણ આ મૂર્તિમાં મઢેલું છે.


 પ્રથમ પંક્તિમાં પ્રથમ ગોઠવાતી પૂજ્ય જાગા ભક્તની આ મૂર્તિ બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે

                                                


         પ્રથમ પંક્તિમાં બીજા સ્થાને ગોઠવતી બ્રહ્મસ્વરૂપશ્રી ભગતજી મહારાજની મૂર્તિ.દીક્ષા લીધા બાદ ટૂંક સમય પછી સારંગપુરમાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની બાજુમાં બેસીને પ્રાત:પૂજા કરતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાની નિત્ય પૂજામાંથી ભગતજી મહારાજની આ મૂર્તિ તેમને પૂજવા આપી હતી. સને ૧૯૬૬માં પ્રમુખ સ્વામી મહારાજની પૂજા ચોરાઈ ગઈ. આથી યોગીજી મહારાજે તેમને નવી પૂજા આપી. થોડાજ વખતમાં ચોરાયેલ પૂજા મળી ગઈ. જો કે તેમાં ફક્ત શ્રીજી મહારાજની એક ચક્ષુની મૂર્તિ તથા ભગતજી મહારાજની આ મુર્તીજ સલામત રહી હતી. આમ પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં ભગતજી મહારાજની બે મૂર્તિઓ થઇ.

        સને ૧૯૬૬માં ભાદરામાં ઊંડ નદીના તટે પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેસીને પ્રાત:પૂજા કરતા વિવેકસાગરસ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે આ મૂર્તિ પૂજવા આપી હતી. જે તેમણે તારીખ ૧૪-૧૨-૨૦૦૨ના રોજ તેમણે પ્રમુખસ્વામી મહારાજની નિત્ય પુજા માટે પુન: અર્પણ કરી.


       પ્રથમ પંક્તિની મધ્યમાં ગોઠવાતી આ મૂર્તિ બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે.




        પ્રથમ પંક્તિમાં ચોથા સ્થાને ગોઠવાતી શ્રીજી મહારાજની એક ચક્ષુ (સોનેરી) મૂર્તિ. સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાની નિત્યપૂજામાંથી પ્રમુખસ્વામીને પૂજવા આપેલ. આ મૂર્તિ સને ૧૯૭૨ સુધી સ્વામીશ્રીની પૂજામાં હતી. સને૧૯૭૨માં ભક્તીજીવન સ્વામીના (મુખી સ્વામીના) અક્ષરવાસ બાદ તેમની પૂજાની આવીજ મૂર્તિ લઇને રામચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદીભૂત કરાવવા લાવ્યા. સ્વામીશ્રીની પૂજામાં શ્રીજી મહારાજની આ મૂર્તિ જોઇને તેમણેબંને મૂર્તિ અદલબદલ કરવા સ્વામીશ્રીને વિનંતી કરી. સ્વામીશ્રીએ પોતાની પૂજામાં રહેલી આ મૂર્તિ તેઓને આપી દીધી. અને તેમણે લાવેલ નવી મૂર્તિ પોતાની પૂજામાં રાખી લીધી. ત્યારબાદ પુન: તારીખ ૧૫-૧૨-૨૦૦૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે આપેલી આ પ્રાસાદિક મૂર્તિ રામચરણસ્વામીએ સ્વામીશ્રીને નિત્યપૂજા માટે પુન: અર્પણ કરી છે.



      પ્રથમ પંક્તિમાં પાંચમાં સ્થાને ગોઠવાતી સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની આ મૂર્તિ બ્રહમસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાંથી આવેલ છે. 

   

        દ્વિતીય પંક્તિમાં પહેલા સ્થાને મુકાતી શિક્ષાપત્રીના લેખક શ્રીજી મહારાજ (દ્વિ-ચક્ષુ) ની 
                  આ મૂર્તિ બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.
                                                    



યોગીજી મહારાજની આ તસ્વીર દહેગામમાં પાડવામાં આવેલી અને ઈ.સ.૧૯૬૬માં 
સિદ્ધેશ્વર સ્વામીએ આ મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપેલી, જે દ્વિતીય 
પંક્તિમાં બીજા સ્થાને મુકાય છે/



દ્વિતીય પંક્તિમાં મધ્ય સ્થાને મુકાતી બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજની આ મૂર્તિ 
બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પુજામાંથી આવેલ છે.

શ્રી નીલકંઠવર્ણીની આ મૂર્તિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પૂજામાં હતી. તેઓની પાસેથી 
જાગાભક્ત, ત્યારબાદ રણછોડ ભગત પાસે, ત્યારબાદ મોહનલાલ રામજીભાઈ અજાગીયા પાસે આવેલ. 
તા. ૭-૧૦-૧૯૮૨ના રોજ કોલકત્તામાં અમૃતલાલ વાઢેરના ઘરે મોહનભાઈએ 
આ મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપેલ.
આ મૂર્તિ દ્વિતિય હરોળમાં ચોથા સ્થાને મુકાય છે.


સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજે પોતાના અક્ષરધામ ગમન પૂર્વે, નિત્ય પૂજામાં 
પોતાને બેસવાનું આ આસન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સ્વહસ્તે સ્મૃતિરૂપે 
આપ્યું હતું. આ આસન દ્વિતીય હરોળમાં પાંચમાં સ્થાને મુકાય છે.


તૃતીય પંક્તિમાં પહેલા સ્થાને મુકાતી ચરણાવિંદની આ છાપ, બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની 
પુજામાંથી આવેલ છે.


ત્રીજી હરોળમાં બીજા સ્થાને મુકાતી શ્રી સહજાનંદ સ્વામી અને રાધા કૃષ્ણદેવની છાપની 
આ મૂર્તિ બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજની પુજમાંથી આવેલ છે.

  
ત્રીજી હરોળમાં ત્રીજા સ્થાને મુકાતી શ્રી કૃષ્ણજી અદાની મૂર્તિ.
ઈ.સ.૧૯૬૯માં બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજનો ઉતારો રાજકોટમાં નારાયણભાઈ શેઠને ઘરે હતો.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો  'વિષ્ણુ ભુવન' બંગલામાં હતો.
કોઈએ યોગીજી મહારાજને કહ્યું 'પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં અદાની મૂર્તિ નથી.'
તેથી યોગીજી મહારાજે પોતાની પુજામાંથી કૃષ્ણજી અદાની આ મૂર્તિ 
રાત્રીના દશેક વાગે પ્રમુખ સ્વામી માટે મોકલાવી.


ત્રીજી હરોળમાં ચોથા સ્થાને મુકાતી શ્રી ધર્મ-ભક્તિ-ઘનશ્યામ મહારાજની મૂર્તિ.
શ્રીજી મહારાજે નારાયણજી સુથાર પાસે આ છાપની મૂર્તિ કરાવીને જાતેજ મુળજી બ્રહ્મચારીના 
ભાણેજ આનંદાનંદ બ્રહ્મચારીને આપી હતી. તેઓએ ગીરધરલાલ જીણાભાઈ (ભાવનગર)ને આપી. 
તેમણે હરિભાઈને અને તેમણે ગોપીનાથભાઈને આપી. 
ત્યારબાદ તેમણે ઈ.સ. ૧૯૮૪માં આ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજને આપી. 


પૂજામાં રાખવામાં આવેલ પ્રાસાદિક વસ્તુઓ 


(૧)  શ્રીજી મહારાજનું અસ્થી અને તેમની પ્રસાદીની માળાનો મણકો:

  

આ બે વસ્તુ મુંબઈવાળા છગનભાઈ નારણભાઈ પટેલ સને ૧૯૬૩માં જેતપુરથી તેમના હેતવાળા સાધુ પાસેથી   લઇ આવેલ. અને તે બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજે માંગી લીધેલી અને તેમની પૂજામાં રાખેલ.


(૨)  મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું અસ્થી:

પૂજ્ય કૃષ્ણજી અદાએ ત્રણ અસ્થી મેળવેલ. તેમણે વઢવાણવાળા શ્રી હરગોવિંદભાઈ પ્રભાશંકર મહેતાને   આપેલ. તેમણે પોતાના પુત્ર શ્રી ચંદુભાઈને અને તેમણે તેમના પુત્ર શ્રી અરુણભાઈને આપેલા. તેમણે પૂજ્ય   પ્રમુખસ્વામી મહારાજને તારીખ ૧૮-૦૧-૨૦૦૧ના રોજ સુરેન્દ્રનગરમાં આપેલા. તેમાનું આ એક અસ્થી છે,   બીજા બે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આપેલ છે.


(3) અસ્થી અને મણકાની ડબ્બી:

આ ડબ્બીમાં પ્રસાદીના નાના નાના અસ્થી બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજ તેમજ બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી     મહારાજના છે, તથા એક માળાનો મણકો છે.

  

(૪) ગુટકાની ડબ્બી:

આ ડબ્બીમાં હસ્તલિખિત ફક્ત સંસ્કૃત શ્લોકવાળી નાનકડી શિક્ષાપત્રી છે. જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી     મહારાજને એક હરિભક્ત આપી ગયેલા.

   

(૫) માળા:  

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા બાદ શરૂઆતના વરસોમાં બ્રહમસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજે આ માળા પ્રસાદીની કરીને આપેલ. ત્યારથી પૂજામાં આ માળા જ ફેરવે છે.


ત્યારબાદ છેલ્લા વરસોમાં બ્રહમસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજ પોતે ફેરવતા તે શ્રીજી મહારાજની પ્રસાદીની   માળા પ્રમુખ સ્વામી મહારાજને આપેલી. સ્વામીશ્રી આ માળાની કેવળ પૂજા જ કરતા પણ ફેરવતા નહિ. હાલ આ માળા ગાંધીનગર અક્ષરધામના 'પ્રસાદી મંડપમ' માં છે.

                                                 

                                                   
   

બ્રહ્મ સ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજની પુજાના પ્રાસાદિક આસનો 

          

          પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નીત્યપૂજામાં ઠાકોરજીને પધરાવવા માટે વપરાતા આ આસનો બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજની નિત્ય પુજાના પ્રાસાદિક આસનો છે.


            ઉનની શાલને ચાર ગડી વાળી સંકેલીને ચારે કોરથી શીવીને બનાવવામાં આવેલા આ આસનો પૈકી, ચંદનના છાટણાવાળું આસન શાસ્ત્રીજી મહારાજ ઠાકોરજીને પધરાવવા માટે પાથરતા હતા. બીજું આસન પોતે બેસવા માટે પાથરતા હતા. 


            સને ૧૯૫૧માં બ્રહ્મસ્વરુપશ્રી શાસ્ત્રીજી મહારાજે પોતાના અક્ષરધામ ગમન પૂર્વે, નિત્ય પૂજામાં પોતાને બેસવાનું આસન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સ્વહસ્તે સ્મૃતિ રૂપે આપ્યુ  હતું.  

             

             બીજું ઠાકોરજીને પધરાવવાનું આસન શાસ્ત્રીજી મહારાજે કોઠારી હરજીવનદાસ સ્વામીને આપ્યું હતું. કોઠારી હરજીવનદાસ સ્વામીના અક્ષરવાસ બાદ સને ૧૯૬૮માં આ આસન પાર્ષદ પ્રગટ ભગત પાસે આવ્યું. તેમણે તારીખ ૧૩-૧૨-૨૦૦૨ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કર્યું. 

             

             આમ બ્રહ્મસ્વરૂપશ્રી શાસ્ત્રીજી મહારાજના આ બંને પ્રાસાદિક આસનો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારજની નિત્ય પૂજામાં સ્મૃતિ રૂપે રાખવામાં આવ્યા છે.


                                                     નિત્ય પૂજામાં પ્રાસાદિક વસ્ત્રો


             પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નિત્ય પ્રાતઃપૂજા દરમ્યાન, શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્નાનથી પ્રસાદીભૂત થયેલ જળમાં, નીચેના પ્રાસાદિક વસ્ત્રોના સંપુટનો સ્પર્શ કરાવી સૌની સુખાકારી માટે મંગલ પ્રાર્થના કરે છે.


૧) શ્રીજી મહારજની પ્રસાદીનું વસ્ત્ર:  વરતાલના શાસ્ત્રી સ્વેતવૈકુંઠસ્વામીએ આ વસ્ત્ર પ્રમુખસ્વામી મહારાજને સ્મૃતિ રૂપે આપ્યુ હતું. પ્રાપ્ત થયેલ આ વસ્ત્રને ગડીવાળીને પોતાની પૂજામા મુક્યું ત્યારે તેની ગડીની બહાર રહેતા વધારાના ભાગના ત્રણ ટુકડા કરી તેમણે દેવચરણ સ્વામી, રામ ચરણ સ્વામી તથા પ્રગટ ભગતને એક એક ટુકડો આપેલ.


૨) શ્રીજી મહારજની પ્રસાદીનું બીજુ એક વસ્ત્ર બ્રહ્મસ્વરુપશ્રી યોગીજી મહારાજની પુજામાંથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસે આવેલ છે.


3) અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું પ્રાસાદિક વસ્ત્ર: સંવત ૧૮૮૦ના માગશર માસમા ગઢપુરમાં એક હરિભક્તે ખુબ પ્રેમથી શ્રીજી મહારાજને જાડો બરછટ ધાબળો ઓઢાડ્યો. ધાબળો એટલો બધો બરછટ હતો કે ચામડી છોલાઈ જાય. પરંતુ મહારાજ આ ધાબળો પ્રેમથી ઓઢતા. કોઈ માંગે તો આપતા પણ નહિ. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ ધાબળો માંગ્યો અને કહ્યુ - 'મને આપો મારી પાસે ઓઢવાનું કાંઈ નથી'. એટલે મહારાજે રાજી થઈને ઉભા થઈને આ ધાબળો તેમણે ઓઢાડ્યો અને બોલ્યા, ' લ્યો આ અમારો જડ-ભરત!'. ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ આ ધાબળો જીવનપર્યંત ઓઢ્યો. એ ધાબળાનો પ્રાસાદિક ટુકડો બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પૂજામાં હતો. આજે પ્રમુખસ્વામી મહારાજની નિત્યપૂજામાં સ્મૃતિ રૂપે રાખેલ છે. 


૪) બ્રહ્મસ્વરૂપશ્રી ભગતજી મહારાજે સીવેલ ડગલીનું પ્રાસાદિક વસ્ત્ર: એક હરિભક્તે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આ પ્રાસાદિક વસ્ત્ર આપેલ.


૫) બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજના પ્રાસાદિક વસ્ત્રો: બ્રહ્મસ્વરૂપશ્રી યોગીજી મહારાજના ગરમ ધાબળાનો ટુકડો તથા તેમના ગાતરિયાનો ટુકડો પ્રમુખસ્વામી મહારાજે પોતાની નિત્ય પૂજામાં સ્મૃતિ રૂપે રાખેલ છે.