Saturday, March 20, 2021

ભગવાન અને ગુણાતીત સંત જે કરે તે સદાય સારા માટે...

ભગવાન અને ગુણાતીત સંત માં દ્રઢ  નિષ્ઠા અને નિર્દોષ ભાવ 


મારો સ્વાનુભવ 

યુનાઈટેડ આરબ શિપિંગ કંપની ની જોબ ઓફર સ્વીકારી વર્ષ ૧૯૯૨ ના ડિસેમ્બર મહિના માં હું એસ. સી. આઈ ની મુંબઈ ની નોકરી છોડી ને દુબઈ ગયો. પચીસેક વરસો સુધી મુંબઈ માં ફેમિલી સાથે સુખ સુવિધા થી રહેવાની આદત ના કારણે દુબઈ માં ફેમિલી રહિત એક્લવાયા  જીવનશૈલી નો બદલાવ થોડો કષ્ટદાયક હતો. ખાસ તો બહાર હોટેલ-રેસ્ટોરાં ની ખાણીપીણી બાબત ની નવી આદત ને થોડી સ્વસ્થતા અને મક્કમતા થી સ્વીકારવા પ્રયત્ન કરી રહ્યો હતો. 

તે દરમિયાન છએક મહિના પછી કંપની એ અમારા દુબઈ સ્થિત ડીપાર્ટમેન્ટ ને હેડ ઓફિસ  કુવૈત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કુવૈત શિફ્ટ નો નિર્ણય તો લેવાઈ ગયો અને બીજા બધા ડીપાર્ટમેન્ટ ખાસ કરીને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ નો સ્ટાફ તો શિફ્ટ પણ થઈ ગયો. પણ કુવૈતમાં જ્યાં સુધી  'કન્ટેઇનર  ટ્રેકિંગ સીસ્ટમ' ઓપરેટીવ ના થાય ત્યાં સુધી અમારા સી એમ ડી ડીપાર્ટમેન્ટ નું શિફટિંગ મુલતવી રાખવામાં આવેલ.

કુવૈત શિફ્ટ થવા બાબત હું થોડી હીચકિચાટ એ કારણે અનુભવી રહ્યો હતો કે કુવૈત માં દુબઈ જેવી શાકાહારી હોટેલ/રેસ્ટોરાં હોવા બાબત મને શંકા હતી. 

મારી મુંબઈ ની મુલાકાત દરમિયાન આ વાત મે મારા વડીલ જેવા પરિચિત આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ ના માલિક કેપ્ટન સતીશ સુદ ને જણાવી.  તો તેમણે દુબઈમાં એક મિસ્ટર પીટર મેલિયા જોડે ફોન ઉપર વાત કરી ને વીશીપ મેનેજમેન્ટ ની દુબઈ ઓફિસ માં મારે યોગ્ય એક ખાલી જગા હતી તેનો ઇંટરવ્યૂ કોલ ગોઠવી આપ્યો. તે મુજબ હું જ્યારે દુબઈ માં વીશીપ મેનેજમેન્ટ ઓફિસ માં પીટર મિલિયા ને મળવા એન્ટર થયો ત્યારે મારી સૌ પ્રથમ મુલાકાત થઈ એક તામિલિયન મિસ્ટર વીએસ જોડે. આ વીએસ મુંબઈ માં જયંતી શિપિંગ માં મારા સહ કાર્યકર હતા. પછીથી કેપ્ટન સતીશ સુદ ની આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ જોઇન કરેલ. અને ત્યાંથી પછી મોકો મળતા વીશીપ ની મોન્ટેકાર્લો હેડ ઓફિસ માં પહોંચી ગયેલ. મારા ઇન્ટરવ્યૂ ના દિવસે તેઓ કોઈ કંપની કારણસર વીશીપ ની દુબઈ ઓફિસ માં આવેલ. 

આ તામિલિયન મિસ્ટર વીએસ જોડે ના મારા "હાઇ હેલ્લો" એ મારા યુએએસસી ની નોકરી છોડી ને વીશીપ ની દુબઈ ઓફીસ જોઇન કરવાના ઈરાદા ઉપર પાણી ફરવી દીધું. એ હકીકત મને પછી થી કેપ્ટન સુદ દ્વારા જાણવા મળી. પીટર મિલિયા ને દુબઈ ઓફિસ મા જે કામ માટે માણસ ની જરૂરિયાત હતી તેનો મને દશ વર્ષથી પણ વધારે અનુભવ હતો. પણ પીટર મિલિયા એ જ્યારે મોન્ટેકાર્લો થી આવેલ તામિલિયન મિસ્ટર વીએસ ને મારી બાબત પૂછાકરી ત્યારે તામિલિયન મિસ્ટર વીએસે મારુ પત્તું કાપી નાખ્યું. એમ કહીને કે અમે જયંતી શિપિંગ માં સાથે કામ કરતાં - માણસ હોશિયાર અને ચાલક છે પણ ઓનેસ્ટ નથી.

કેપ્ટન સુદ પાસે થી મને જ્યારે મારા એક વખત ના સહકાર્યકર તામિલિયન મિસ્ટર વીએસ ના આવા બેહુદા વર્તનની જાણ થઈ ત્યારે મને અત્યંત ખેદ અને  દુખ થયેલ. પછી તો હું કુવૈત ગયો. ધીમે ધીમે કુવૈત ની લાઈફ સ્ટાઈલ માં પણ એડજસ્ટ થઈ ગયો. જાતે રસોઈ કરવા માં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. 

પણ કુવૈત જવામાં સૌથી મોટા મને ચાર  ફાયદા થયા. 

(૧) પ્રમુખસ્વામી બાપા બે વખત કુવૈત પધાર્યા ત્યારે બંને વખતે અત્યંત નજદીક થી મને તેમના સાનિધ્ય નો લાભ મળ્યો (૨) બહેરીન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને કુવૈત સત્સંગ મંડળ પ્રારંભ માં સહભાગી થવાનો અમૂલ્ય લાભ મળ્યો (૩) કુવૈત વસવાટ દરમિયાન મને અને મારા પત્ની ને તો ઠીક પણ કોલેજ માં અભ્યાસ કરતી મારી દીકરી નિશા ને પણ મળવા મુશ્કેલ એવા અમેરિકા ના વીજીટ વિઝા મળી ગયા. અને પછી તો દર વર્ષે સમર માં અમેરિકા સ્થાયી અમારા દીકરા જોડે અમે સહ કુટુંબ અમેરિકા ની મુલાકાતો માણતા રહ્યા (૪) કુવૈત માં યુરોપીયન સાહેબો જોડે ૭ વરસો સુધી કામ કરીને ઘણું શીખવા મળ્યું, ઓફિસર તરીકે પ્રમોશન પણ મળ્યું અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થઈ. 

ભલું થજો પેલા તામીલીયન મિસ્ટર વીએસ નું જેણે પીટર મિલિયા ને કાન ભંભેરણી કરી ને મારી હોનેસ્ટી અંગે શંકા પેદા કરી ને વીએસ શિપિંગ - દુબઈ ઓફિસ માં મારી એન્ટ્રી અટકાવી.

   



Tuesday, February 16, 2021

તિલક - ચાંદલો શા માટે?

 

તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાઇ કરશે નહીં 


મારો સ્વાનુભવ 

એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી પહેલી વખત કુવૈત આવ્યા ત્યારે મને તેમના આશીર્વાદ મળ્યા. સ્વામી બાપા ની આગન્યા પ્રમાણે અમોએ કુવૈત સત્સંગ મંડળ શરૂ કર્યું. ત્યારે અમોને કહેવા માં આવેલું કે આ મુસ્લિમ દેશ હોવાથી અને કોઈ સંઘર્ષ ના થાય એટલે માટે "તિલક ચાંદલો" નહીં કરો તો ચાલશે. પછી ફરીથી સ્વામી બાપા જાન્યુઆરી ૨૦૦૧ માં કુવૈત પધાર્યા ત્યારે અમારું સત્સંગ મંડળ સરસ સેટ થઈ ગયેલ. ત્યારે પ. ભ. લલિતભાઈ એ મને કીધું આપણે બાપા ના રોકાણ દરમ્યાન સભા માં બધાએ "બિન્ધાસ્ત" તિલક ચાંદલો કરવો અને જો કોઈ પ્રશ્ન થશે તો હું સંભાળી લઇશ. લલીત ભાઈ ઘણા વરસો પહેલા કુવૈત આવેલ અને અરબી ભાષા પણ શીખી લીધી અને કેટલાક કુવૈતી શેખ લોકો સાથે ઘનિષ્ટ પરિચય કેળવેલ. 

એટલે હું કુવૈત માં હતો ત્યાર થી એટલકે વીશએક વરસો થી નિત્ય સવારે પૂજા પહેલા તિલક ચાંદલો કરું છું. મજાની વાત એ બની કે જ્યારે હું કુવૈત છોડી ની મુંબઈ પાછો આવ્યો ત્યારે મારા લગેજ માં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મિક્ષર અને માઇક્રોવેવ ઓવન હતા. એટલે રેડ ચેનલ માંથી પસાર થવા ગયો. ત્યારે કસ્ટમ્સ ઓફિસરે પૂછ્યું - વ્હિસ્કી કે ગોલ્ડ છે? મે કીધું 'ના' . પછી તિલક ચાંદલો બતાવી કીધું હું 'બીએપીએસ નો સત્સંગી હોવાને કારણે વ્હિસ્કી અથવા વાઇનને હાથ પણ અડકાવતો નથી. કસ્ટમ્સ ઓફિસરે મને બે હાથ જોડી સ્મિત સાથે મારો લગેજ સ્ક્રીન મશીન માં મૂક્યા વગર એકજીટ ગેઈટ તરફ પ્રયાણ કરવા ઈશારો કર્યો.

મારા માટે આ તિલક ચાંદલો - GPS અને AUTO PILOT સમાન પુરવાર થયો છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો આપો આપ ઉકેલ મળી જાય છે. મારે કોઈની સલાહ લેવા જવું પડતું નથી. કોઈ ટેન્શન લેવું પડતું નથી. નિરધારીત સ્થળે નિર્ધારિત સમયે આપો આપ હું પહોંચી જાઉ છું કોઈ પણ મુશ્કેલી વગર. હમણાં જ નવેમ્બર ૨૦૨૦ માં "કોવિદ મહામારી" છતાં અને કોઈ પણ વ્યક્તિ સાથે નહીં હોવા છતાં મુંબઈ થી નોવાર્ક - ન્યુ જર્સી અમેરિકા ની મારી લાંબી સફર અત્યંત આરામદાયક (one of the most comfortable flight journey I ever had in my life) રીતે પૂરી થઈ.



તિલક ચાંદલો શા માટે?



Thursday, February 11, 2021

જયંતીભાઈ શાસ્ત્રી શું કહે છે ? સાંભળો ......


 

મંત્ર મહિમા + પંચાળા ના જીણાભાઈ દરબાર

                                                              મંત્ર મહિમા 



પંચાળા ના જીણાભાઈ દરબાર 





યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા - ( જયદીપ સ્વાદિયા )

યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા 
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નો ખજાનો લઈ ગયા 











.

 

Tuesday, October 29, 2019

આગ્રાના પેઠા

શું આપ આગ્રા ગયા છો? જો આગ્રા ગયા હશો તો યમુના નદીને કિનારે પ્રેમના પ્રતીક સમા સંગેમરમરથી બનેલા તાજમહેલની મુલાકાત તો અવશ્ય લીધી જ હશે. મુગલ બાદશાહ શાહજહાંની લોકપ્રિયતા તાજમહેલને કારણે તો પ્રખ્યાત છે. વળી તેમની બીજી ઓળખ એટલે આગ્રાના પેઠા. 



બાદશાહની પ્રિય વાનગી પેઠા હતી. બાદશાહે તેમના રસોઈયાને ક્હ્યું હતું કે મને એક વિશિષ્ટ મીઠાઈ ખાવાનું મન છે જે શુદ્ધ હોય તથા સંગેમરમરથી બનેલા તાજમહેલ જેવી સફેદ હોય. રસોઈ બનાવતા મહારાજે ખાસી મહેનત કરીને સફેદ કોળાનો ઉપયોગ કરીને દૂધ જેવા સફેદ પેઠા બનાવીને બાદશાહને પીરસ્યા. બાદશાહ વાનગી ખાઈને આફરીન થયા. આમ સફેદ કોળાની વાનગી પેઠાએ દેશ-વિદેશમાં નામ બનાવ્યું. ૩૫૦ વર્ષ પહેલાં પણ પેઠા બનતાં હતાં. ભારતમાં આગ્રાની ઓળખ તાજમહેલ તથા પેઠાને કારણે વિખ્યાત બની છે. 


દિવાળીમાં તેનો ઉપયોગ ઉત્તર ભારતમાં તો ઘેર ઘેર થતો હોય છે. ગરીબ કહો કે ધનિક પ્રત્યેક વ્યક્તિને નવા વર્ષમાં તેની લહેજત માણવા મન લલચાતું હોય છે. ગુજરાતમાં પણ હવે તો દિવાળીમાં ખાસ પેઠાની ખરીદી થતી હોય છે. આગ્રાના નુરી ગેટ પાસે લગભગ ૭૦૦થી વધુ કુટિર ઉદ્યોગ ફક્ત પેઠા બનાવવાના કાર્યરત છે. 

કોઈપણ જાતની ભેળસેળ વગર બનતાં પેઠાને ઈશ્ર્વરની મનગમતી મીઠાઈ પણ ગણવામાં આવે છે. ખાંડ, પાણી તથા સફેદ કોળાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે તો આગ્રાના પેઠા બનાવતી ખ્યાતનામ દુકાનોમાં પણ મધુમેહના દર્દી પણ ખાઈ શકે તેવા પેઠા બનવા લાગ્યા છે.

સામાન્ય રીતે તો શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઈને તાજે-તાજી ખાવામાં આવતી હોય છે. જેમ કે દૂધીનો કે ગાજરનો હલવો, વટાણાની બરફી, બટાકાનો શીરો સફેદ કોળામાંથી બનતી મીઠાઈ એટલે જ ‘પેઠા’. પેઠા બે પ્રકારના બનાવવામાં આવે છે. એક સૂકા પેઠા તથા બીજા થોડા નરમ રસાદાર પેઠા. સૂકા પેઠાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. આપણે આઈસક્રીમ, કૅક, પાનમાં કે મુખવાસમાં ટૂટી-ફ્રૂટીનો સ્વાદ માણીએ છીએ તે પણ સફેદ કોળામાંથી જ બનાવવામાં આવે છે.

સફેદ કોળાને અંગ્રેજીમાં વૅક્સ ગોર્ડ કે એસ્ ગોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને કોળું તો હિન્દીમાં તે કદ્દુ તરીકે ઓળખાય છે. એશિયામાં તેનો પાક મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉપરની છાલ લીલી તથા પાતળી હોય છે, મીઠાશથી ભરપૂર જોવા મળે છે. ધીમે ધીમે તેમાંથી ચીકણો પદાર્થ પણ બનવા લાગે છે, આથી જ તેને ‘વૅક્સ ગોર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. સાઉથઈસ્ટ એશિયામાં તેનું ઉત્પાદન મોટા પાયે થતું જોવા મળે છે. એવું કહેવાય છે કે તે જાપાન તથા જાવાથી એશિયાના વિવિધ દેશોમાં ખ્યાતિ પામ્યું. એક વર્ષ સુધી પણ તેને રાખી શકાય છે. સફેદ કોળામાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે અત્યંત લોકપ્રિય બન્યું છે. 

વિશ્ર્વના વિવિધ દેશોમાં પણ તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. વિયેટનામમાં પ્રસૂતિ બાદ માતાને ખાસ સફેદ કોળાનો સૂપ બનાવીને આપવામાં આવે છે.

ચીનમાં તેનો ઉપયોગ વિવિધ શાકભાજીની સાથે પણ કરવામાં આવે છે. ખાસ પ્રકારની કેન્ડી તથા નવા વર્ષે બનાવવામાં આવતી કૅકમાં પણ સફેદ કોળાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઈનીઝ તથા તાઈવાનીઝ મૂન ફેસ્ટિવલમાં પણ ‘મૂનકૅક’માં તેનો ખાસ ઉપયોગ કરે છે. ફિલિપાઈન્સમાં પણ પેસ્ટ્રી અને સૂપ બનાવવામાં સફેદ કોળાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં પણ સફેદ કોળાનો ઉપયોગ નવા વર્ષે ઉત્તર ભારતમાં ખાસ કરવામાં આવે છે. સફેદ કોળામાંથી બનતાં સ્વાદિષ્ટ પેઠાની મોજ ઉત્તર ભારતીયો મન ભરીને માણે છે. દક્ષિણ ભારતમાં કરી, શાક કે સંભારમાં તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. હિમાલયના પહાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા તો ‘બરી’ નામક એક ખાસ વાનગી બનાવવામાં આવે છે. જે ઠંડીના દિવસોમાં ઉપયોગી બને છે. સફેદ કોળાની સાથે મગને ભેળવીને બરી બનાવવામાં આવે છે. 

સૂર્યપ્રકાશમાં તેની સુકવણી કરે છે. ઠંડીમાં બરફવર્ષા બાદ તેનો ઉપયોગ ભાત કે રોટલી સાથે રસાવાળા શાક તરીકે કરવામાં આવે છે. પહાડી પ્રદેશમાં રહેતાં લોકો દ્વારા ઘણા લાંબા સમયથી મોસમમાં આવતા બદલાવ સામે શરીરને ટકાવી રાખવા ઉપયોગ કરવામાં આવે છે. કોળામાં આયર્ન તથા વિટામિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. 

નેપાળમાં તો ‘વૅક્સ ગૉર્ડ પંચ’ નામક ખાસ પીણું મળે છે. પેઠા તથા મુરબ્બો પણ નેપાળી લોકોની મનભાવતી વાનગી ગણાય છે. કુમ્હાડા, કોળુ કે પેઠા કોળાનો રંગ આછો લીલો હોય છે. તેનો આકાર ગોળાકાર પણ થોડો લાંબો હોય છે. તેની ઉપર થોડો સફેદ પાઉડર લાગ્યો હોય તેવું લાગે છે. વાસ્તવમાં તેની ઉપર કોળામાંથી જ નીકળેલું એક પ્રકારનું વૅક્સ લાગ્યું હોય છે. પેઠાનું કદ પીળા કોળાની સરખામણીમાં થોડું નાનું હોય છે. ૯૬ ટકા પાણીનું પ્રમાણ કોળામાં જોવા મળે છે. આથી જેને વજન ઘટાડવું હોય તેને માટે સફેદ કોળું ઉપયોગી છે. તેનું શાક, હલવો મુરબ્બો પણ બનાવવામાં આવે છે.

ભારતમાં આગ્રાના પેઠા અત્યંત પ્રખ્યાત છે. આગ્રામાં તાજમહેલ જોવા ગયા હોય તેને બીજો સવાલ ત્યાંના પેઠા ચાખ્યા કે નહીં તેવો જ કરવામાં આવે છે. પેઠામાં પણ હવે વિવિધ વેરાયટી મળતી થઈ છે. જેમ કે કેસર પેઠા, ચોકલેટ પેઠા, પાન પેઠા, અંગૂરી પેઠા, નાળિયેરી પેઠા, સૂકા પેઠા, કાજુ પેઠા. વાસ્તવમાં જો ઓરિજિનલ સ્વાદ માણવો હોય તો સફેદ કોળામાંથી બનતાં પેઠા ખાવ તેની સાથે તેમાંથી એક મીઠો-મધૂરો રસ છૂટે તે મન-મસ્તિષ્કને તરબોળ કરી દે તેવો હોય છે.
એસિડિટીમાં ગુણકારી: સફેદ કોળાનો ઉપયોગ કે તેમાંથી બનાવેલા પેઠાનો ઉપયોગ કરવાથી છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં મદદરૂપ છે.

સવાર-સાંજ કોળાનો રસ પીવાથી કે નાનો ટુકડો પેઠાનો ટુકડો ખાવાથી લાંબા સમયથી શરીરને પરેશાન કરતી બળતરાની તકલીફમાં ફાયદો થાય છે.

ચયાપચયની ક્રિયામાં લાભકારી: સફેદ કોળામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર છે. ફાઈબરનો ઉપયોગ આહારમાં કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. પાચન સુચારુરૂપે થવાને કારણે પાચન સંબંધિત વિવિધ રોગ જેવા કે કૉલોન કેન્સર, ડાઈવર્ટિક્યુલાઈટિસ કે આંતરડામાં થતાં સોજાને રોકે છે.

શરદીમાં ગુણકારી: સફેદ કોળામાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. શરદી, ખાંસી કે તાવની તકલીફમાં પેઠાનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

હૃદયની બીમારીથી બચી શકાય છે: અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન દ્વારા કરવામાં આવેલા અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વિટામિન સીનું પર્યાપ્ત માત્રામાં સેવન કરે છે તેમની હૃદયરોગની સંભાવના ૪૨ ટકા ઘટી જાય છે. પેઠામાં વિટામિન સીની માત્રા લગભગ ૧૯.૧૧ ટકા જોવા મળે છે. આમ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદરૂપ ગણાય છે.

માઈગ્રેનમાં લાભકારક: વિટામિન બી -૨ માઈગ્રેનની તકલીફમાં ગુણકારી ગણાય છે. અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે વિટામિન બી -૨નું સેવન કરવાથી માઈગ્રેનના દર્દમાં ઘટાડો જોવા મળે છે. વળી લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય તો સફેદ કોળાનો ઉપયોગ આહારમાં કરવાથી દુખાવો ઝડપથી ઓછો થવા લાગે છે. સફેદ કોળામાં રિબોફ્લેવિન નામક ઘટક સમાયેલું છે. જે આંખોનું તેજ વધારવામાં, પાચનક્રિયાને સુધારવામાં, શરીરમાં હોર્મોન, તેમનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તે માટે પણ વિટામિન બી-૨ જરૂરી છે. શરીરના પ્રત્યેક અંગોનો યોગ્ય વિકાસ થાય તે માટે અતિઆવશ્યક ગણાય છે. શરીરને મળતાં પોષકતત્ત્વોનું ઊર્જામાં પરિવર્તન કરી શરીરની ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે. સ્વાદમાં ગળ્યા હોવા છતાં પેઠામાં ફાઈબર તથા પાણીનું પ્રમાણ ભરપૂર હોવાથી તે વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય ગણાય છે. 

સફેદ કોળાનું શાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ખનિજ તથા પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોવાને કારણે માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ઉપયોગી ગણાય છે. કૅલ્શિયમ, સોડિયમ, સેલેનિયમ, આયર્ન જેવા અનેક ગુણોનો ભંડાર ધરાવતા સફેદ કોળાનો તથા તેમાંથી લાંબો સમય ખાઈ શકાતા સ્વાદિષ્ટ પેઠાનો ઉપયોગ આરોગ્યને માટે ઉત્તમ છે.

(ઋણ સ્વીકાર: મૂળ લેખક: શ્રીલેખા યાજ્ઞિક - સ્વાસ્થ્ય સુધા- મુંબઈ સમાચાર  )