સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ ( ૧૦ )
૧૯૭૦ના વર્ષમાં યોગીજી મહારાજે જયારે પૂર્વ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે લંડનના હરિભક્તોએ તેમને લંડન પધારવા વિનંતી કરી. યોગીજમહારાજ ટોરો - યુગાન્ડામાં હતા, ત્યારે લંડનમાં રહેતા હરિભક્તો જોડે ટેલીફોન ઉપર લાંબી વાતચીત દરમ્યાન યોગી બાપાએ કીધું કે તમે પહેલા મંદિર માટે જગ્યા મેળવો પછી અમે આવીશું. તે અરસામાં લંડનમાં બહુજ ઓછા હરિભક્તો હોવાથી મંદિર નિર્માણ કાર્ય અતિ કઠીન હતું.પણ યોગીજી મહારાજને લંડન બોલાવવાના ઉત્સાહના કારણે હરિભક્તોએ મંદિર માટે યોગ્ય જગાની શોધ શરુ કરી.
તે દરમ્યાન ઇન્ડીયામાં યોગીજી મહારાજે એક વખત લંડનના નકશા ઉપર નજર કરીને નકશા ઉપર પેન્સિલથી એક ટપકું કરીને કીધું કે આ સ્થળ મંદિર માટે ઠીક રહેશે. અને મે ૧૯૭૦ ના વરસમાં બાપાએ ટપકુ કરેલ બરાબર તેજ સ્થળે - ઇસ્લીંગટનમાં એક સેન્ટ જોહન બાપટીસ્ટનું બંધ પડેલ ચર્ચ વેચાણ માટે મળી આવ્યું. શરૂઆતમાં ચર્ચના માલિકો એ જગાની વેચાણ કિંમત ૧૨૦૦૦ પાઉન્ડ કીધી. ત્યારે હરિભક્ત શ્રી જયંતીભાઈ ચાંગાને સ્વપ્નમાં દર્શન આપી યોગીજી મહારાજ આ જગા નવેક હજાર પાઉન્ડ માં મળી જશે તેમ કહી ગયા. અને તેમજ બન્યું. બીજા દિવસે ચર્ચના ટ્રસ્ટીઓ તરફથી સામેથી સંદેશ આવ્યો કે તમે મંદિર નિર્માણના સારા ઉદ્દેશથી જગા ખરીદતા હોવાથી અમે તમોને ૯,૫૦૦ પાઊંડની કિંમતે આ જગા વેચવા તૈયાર છીએ.
લંડનની ૭૭ એલ્મોર સ્ટ્રીટ પરનું બંધ પડેલ ચર્ચ પછી ૨૩ મેં ૧૯૭૦ ના યોગીજી મહારાજના વરદ હસ્તે અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર બન્યું. આ મંદિરના ઉદઘાટન સભારંભ દરમ્યાન આશરે પચાસેક હરિભક્તોના નાના સમુદાયને સંબોધતા યોગીજી મહારાજે કહેલ કે "ભવિષ્યમાં લંડનમાં આરસપાણનું ભવ્ય શિખર બંધ મંદિર બનશે અને તે યુરોપનું મોટામાં મોટું મથક બનશે". અને ૨૦૦૦ના વરસમાં ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નીચે મુજબ નોંધ લેવાઈ ગઈ છે કે :
"લંડનમાં નેસડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ઇન્ડિયાની બહારનું સૌથી મોટું હિંદુ મંદિર છે. ૨૮૨૮ ટન્સ બ્લ્ગેરીયન લાઈમ સ્ટોન અને ૨૦૦૦ ટન્સ ઈટાલીયન માર્બલ્સ ને પહેલા ઇન્ડિયામાં કંડલા ખાતે શીપ કરવામાં આવેલ. ત્યાં ૧૫૨૬ સ્થપતિઓ એ મળીને તે પત્થરોમાં કોતરકામ-નકશી કરીને પછી લંડન લાવી આશરે ૧૨ મીલીયન (૧૨,૦૦૦૦૦૦) પાઉન્ડના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે"
૧૯૯૧ના વરસમાં લંડનના નેસડન વિસ્તારમાં આર્લીગટન ગેરેજ અને વેરહાઉસની જમીન પ્રાપ્ત કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભૂમિ પૂજન કરી નુતન મંદિર નિર્માણનું કામ આરમ્ભ્યું. ત્યારે યુરોપ અને અમેરિકામાં માં ભયંકર મંદી વ્યાપી રહી હોવાથી મંદિર માટે જરૂરી મોટી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉભો થયો. એટલે સંતો અને કાર્યકરો એ અંદરો અંદર ચર્ચા કરીને એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. આ ભોજન સમારંભમાં ઈંગલાંડના ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ જેવાકે લોર્ડ સ્વરાજ પોલ, ગ્લોબટીક શીપીંગના રવિ ટીકુ જેવા એકાદ ડઝન આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. એવી અપેક્ષાથી કે ભારતીય મૂળના આ ઉદ્યોગપતિઓ મંદિરમાટે કાઈક ફંડ ફાળો આપશે. કોઈના તરફથી ફંડ ફાળો તો ના મળ્યો પણ સલાહ મળી કે - "ત્રણ ને બદલે એક જ શિખર નું મંદિર બાંધશો તો આ મંદીના સમયમાં ઓછા ખર્ચે આ પ્રકલ્પ જલ્દી પૂરો કરી શકશો.".
મોટા સંત પુરષોની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ કાઈક અલગ જ હોય છે. સ્વામીશ્રી પાસે આ પરિસ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો, ત્યારે ૧૯૯૨ના વરસમાં સ્વામીશ્રી પોતે લંડન પધાર્યા. સ્વામીશ્રીને તેમના હરિભક્તો ઉપર પૂરો વિશ્વાસ હતો અને તેમની ઈચ્છા તેમના હરિભક્તો પાસેથી જ સેવા મેળવી આ મંદિર નિર્માણ કરવાની હતી. એટલે સ્વામીશ્રી એ એક પછી એક એમ પોતાના લાડીલા હરિભક્તોને કહેણ મોકલાવીને બોલાવ્યા. એટલુજ નહિ બલકે દરેકને અમુક રકમ તાત્કાલિક ૨૪ થી ૩૬ કલાકના સમયમાં જમા કરાવવા આજ્ઞા કરી. અને હરિભક્તો એ મંદીના કપરા કાળમાં પણ પોતાના પ્રાણ પ્યારા ગુરુની આજ્ઞા પાળી. કેટલાકે તો પોતાના રહેવાના મકાન/દુકાન વગેરે વેચી અથવા તો ગીરવે મુકીને પણ સ્વામીશ્રીના કહેવા મુજબ તાત્કાલિક રકમ જમા કરાવી.
આ કઈ રીતે શક્ય બન્યું ? કારણ હરિભક્તોને સ્વામીશ્રી ના વચનમાં પૂરો વિશ્વાસ હતો. પ્રમુખ સ્વામી જેવા સાચા સનીષ્ટ સંત ક્યારે પણ કારણ વગર આવી માંગણી ના કરે. હરિભક્તોને સ્વામીશ્રી ની એ વાત ઉપર પણ ભરોશો હતો કે "કોઈનો ભાર ના રાખે મુરારી - આ તો દેના બેંક છે - આપો તેથી બમણું થઈને પરત આવે, જેમ જમીનમાં એક દાણો રોપો અને અનેક દાણા ઉગી નીકળે. તેમ સંતની વાત ઉપર વિશ્વાસ રાખી આપેલ રકમ ટૂંક સમયમાં વધીને પરત આવેજ છે તે વાત નો સૌને અનુભવ છે.
અને ભયંકર મંદી વચ્ચે પણ ચારેક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦-૮-૧૯૯૫ના દિવસે લંડનના નેસડન વિસ્તારમાં ૭ શિખરનું આરસપાણના પત્થોરથી બનેલ આ ભવ્ય મંદિર સાકાર થયું. ૧૯૭૦ના વરસમાં ઇસલિંગટન ખાતે યોગીજી મહારાજે કરેલ ભવિષ્યવાણી આશરે ૨૫ વરસ પછી હકીકત બની.
યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન સ્વામિનારાયણના અતિશય કૃપા પાત્ર અને બ્રહ્મસ્વરૂપ સંતોએ કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી સદાય સાકાર થઈને જ રહે છે.
No comments:
Post a Comment