Thursday, June 23, 2016

પ્રમુખસ્વામી ની સાચી ઓળખ



                ગુરુ શાસ્ત્રીજી મહારાજનું કહેણ આવતા ૧૮ વર્ષની નાની ઉંમરે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પહેલા બાળક શાંતિલાલે ગૃહત્યાગ કરી વતન ચાણસદ છોડી, ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે સાધુ નારાયણસ્વરુપદાસ થયા. આજે દેશના જ નહિ પણ પરદેશની નામાંકિત હાર્વર્ડ અને ઓક્સફર્ડ વિદ્યાલયો ના સ્નાતકો પોતાના વતન અમેરિકા અને ઈંગલાંડ છોડી તેમની પાસે દોડી આવે છે.  બીજે કશેજ નહિ શીખવા મળતી બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા કાજે દેશ પરદેશના ભણેલા-ગણેલા યુવકો હોંશે હોંશે તેમની ૯૦૦થી અધિક મુંડન કરાવેલ  ભગવા કપડાધારી સાધુ સમાજમાં જોડાઈ રહ્યા છે.
             
            તેઓના નામે કોઈ જ  બેંક એકાઉન્ટ નથી અને સ્વામિનારાયણ ભગવાને તેમની  શીક્ષાપત્રીમાં કરેલ આદેશ મુજબ પોતે કે તેમના કોઈપણ સાધુ પૈસા - કરન્સી નોટ્સ ને અડકતા પણ નથી. છતાં તેમના આદેશને માન્ય રાખી હરિભક્તોએ આપેલ દાનની રકમમાંથી તેમના માર્ગ દર્શન નીચે દુનિયાભર માં કરોડો રૂપિયાની લાગતથી અનેક ભવ્ય મંદિરો ફક્ત ભારત જ નહી, પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બન્યા છે. તેઓના આદેશ અને માર્ગ દર્શન નીચે ગાંધીનગર અને દિલ્હીમાં હિંદુ સંસ્કૃતિની શાન સમાં ભવ્ય અક્ષરધામ સંકુલ બન્યા છે અને હાલમાં અમેરિકામાં રોબીન્સવિલે - ન્યુ જરસી ખાતે એક વધુ અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે.
          

        તેમણે ઘરસંસાર માંડ્યો નથી કે નથી ક્યારે પણ કોઈ વેપાર ઉદ્યોગ વ્યવસાય કર્યો. તેમ છતાં તેમણે હજારો હરીભક્તો, આશ્રીતો અને આસ્તિકોના પત્રોના જવાબ લખીને તેઓના આર્થિક, સામજિક અને વિવિધ પ્રશ્નોના ઉકેલ સુચવી નિરાકરણ કરેલ છે. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની કે ધંધાકીય ભાગીદારો ના આંતરિક ઝગડાનો સૌને સ્વીકાર્ય એવો ઉકેલ શોધી આપેલ છે.
       
          તેઓની આ બધી સફળતાઓનું રહસ્ય શું છે ?  તેનો જવાબ ફક્ત એક અક્ષર છે, જે તેમના નામની આગળ લખાય છે અને તે છે - "બ્રહમસ્વરૂપ" કે જેને શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
       
          'બ્રહ્મસ્વરુપ' એટલે શું ? વેદાંતમાં જણાવ્યું છે કે બ્રહ્મ એટલે કે 'પરબ્રહ્મ' પરમાત્માથી ઉતરતી કોટિનું 'અક્ષરબ્રહ્મ'. અને બ્રહ્મસ્વરૂપ એટલે કે "પરમ તત્વ પરમાત્માનું જે કાંઈ અનિર્વચનીય સ્વરુપ છે તે."
       
          હવે કોઈપણ  સામાન્ય જનને મનમાં બે પ્રશ્નો થાય. એક તો આ 'બ્રહ્મસ્વરૂપ' ને કેવી રીતે ઓળખવું ? અને બીજો પ્રશ્ન થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશ્રીતો કહે છે તેમ ખરેખર બ્રહ્મસ્વરૂપ છે કે ?
         

         જેમ જીવ-પ્રાણી માત્રમાં રહેલ આત્માને જોઈ કે અડકી શકાતું નથી. તેવીજ રીતે  'બ્રહ્મસ્વરૂપ' ને જોઈ કે અડકી શકાતું નથી, પણ તેને ફક્ત અનુભવી શકાય છે.
         

        આ બ્લોગ પરની હવે પછીની પોસ્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અત્યંત નિકટ  અને સાનિધ્યમાં  રહી કાર્ય કરનાર સંતોના સ્વાનુભવ-પ્રસંગો દ્વારા તેઓમાં અદ્રશ્ય રીતે છુપાઈને રહેલ તેમનામાં રહેલ 'બ્રહમસ્વરૂપ' ની સાચી પીછાણ કરીશું.



No comments:

Post a Comment