Monday, June 29, 2015

સાચા સંતનો મહિમા, લક્ષણો અને આવશ્યકતા.



          'ચાયે કોઈ મારી ઉપર ધૂડ નાંખો, ચાયે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાયે કોઈ હાથીએ બેસાડો, ચાયે કોઈ નાક, કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે;’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે; તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. 
          
          પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. 
          
          અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા  ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે.
         
          ।। વચનામૃત ગઢડા પ્રથમ: ૨૭ ~ ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ।। 

         પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે.
       
          એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”
                
             ।। વચનામૃત ગઢડા અંત્ય: ૨૬ ~  મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ।। 

શ્રીજીના સ્વમુખે સંતનો આવો અપાર મહિમા સાંભળીને, સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ નીચેના પદો રચ્યો :

                                                                       પદ - ૧


                                  સંત સમાગમ કીજે, હો નિશદિન                                       ... °ટેક
                                  માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે.                  ...  હો°૧
                                  અંતર કપટ મેટકે અપના [અપનો], લે ઉનકું મન દીજે      ... હો° ૨
                                  ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે        ... હો° ૩
                                  બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે હો          ... હો° ૪


                                                                      પદ - ૨

                                   સંત પરમ હિતકારી, જગત માંહી                                         ... °ટેક
                                   પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી              ... જગત° ૧
                                   પરમકૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી           ... જગત° ૨
                                   ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી             ... જગત° ૩
                                   બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી               ... જગત° ૪






...

No comments:

Post a Comment