Wednesday, December 16, 2015

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૫)






શ્રી સ્વામીનારાયણ મંદિર - પીજ 


           મંદિરના નિર્માણમાં જાણે-અજાણે સહયોગ આપનારને અંતકાળે તેડવા આવવા માટે ભગવાન સ્વામિનારાયણે વચન ઉચ્ચાર્યું હતું. તેમના આ વચનની પ્રતીતિ અનેક ભક્તોએ અનુભવી હતી.


          ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ચરોતરના પીજ ગામે પણ આવી જ એક અનુભૂતિ થઈ હતી.પીજમાં સત્સંગીઓ મંદિર માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અહીં વસતા જેસાભાઈ પટેલ સ્વામિનારાયણીય સત્સંગના દ્વેષી હતા. આથી ગામમાં મંદિર ન થવા દેવાની તેમની નેમ હતી.ગામના અગ્રણી સત્સંગી જીજીભાઈ બારોટે જેસા પટેલને કહ્યું : 'આ મંદિર કરવા દો તો બહુ સારું.' જેસા પટેલે કટાક્ષમાં કહ્યું: 'મંદિર તો આભમાં થાશે.'


          નિષ્ઠાની ખુમારીથી બારોટે પ્રત્યુત્તર વાળ્યોઃ 'પટેલ! તો પછી જોજો, મંદિર તો આંહી બે માળનું થાશે ને ઉપલી બારીએ બેસીને હું તમને રામરામ કરીશ.' આમ કહી જીજીભાઈએ ઘરે જઈ વડોદરા ગોપાળાનંદ સ્વામીને પત્ર લખી વિગત જણાવી. ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત ગોપાળરાવભાઈને કહ્યું : 'પીજમાં પટેલ મંદિર થાવા દેતા નથી ને ત્યાં તમારું ઉપરીપણું છે. તે માટે તમે પત્ર લખી જેસા પટેલને સમજાવો.'


          ગોપાળરાવે જેસા પટેલને પત્ર લખી જણાવ્યું : 'શા સારુ મંદિર થવા દેતા નથી? સ્વામિનારાયણનું મંદિર થાવા દેજો ને અટકાવશો મા.' ગોપાળરાવનો પત્ર વાંચી જેસા પટેલ મંદિરનિર્માણના કાર્યમાં અડચણરૂપ થતા બંધ થયા. 

          

          જોતજોતામાં જ પીજમાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું. પછી જ્યારે જેસા પટેલ મંદિર પાસેથી પસાર થાય ત્યારે માથે ઓઢી લે. આખું મંદિર ન જુએ. પટેલને મંદિરનાં દર્શન તો કરવા હતાં પરંતુ તેમને કોઈ જોઈ જાય તેનો ડર હતો. 


          એક દિવસ જ્યારે તેઓ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે આજુ બાજુ જોયું તો કોઈ નહોતું. એટલે તેમણે મંદિર સામું જોયું. તે વખતે જ જીજીભાઈ મંદિરના ઉપલા માળે બારીએ બેઠા હતા. તેમણે કહ્યું: 'બાપા, રામ રામ.'

          

          પટેલ કહે : 'સ્વામિનારાયણ તો ખરા ભાઈ!' પટેલને હૈયે સ્વામિનારાયણનો ગુણ વસી ગયો. તેમનાં પત્ની કરાળી ગામના સત્સંગી હતાં. તેઓ મંદિરે સંતોને સીધું મોકલે. પત્નીની સેવાઓમાં પટેલે વિરોધ કરવાનું બંધ કર્યું. પટેલનો અંતસમય નજીક આવ્યો. જમદૂત જેસાભાઈને તેડવા આવ્યા. જેસાભાઈ તો ધ્રુજે અને બૂમો પાડે. તેમના પત્ની કોડબાઈએ કહ્યું:  'તમે સ્વામિનારાયણનાં વર્તમાન ધરાવો, તો જમ અહીંથી ખસી જશે.' કોડબાઈએે તેમને વર્તમાન ધરાવ્યાં અને કંઠી બાંધી. જમ તરત જ ત્યાંથી જતા રહ્યા. બે દિવસ સુધી જેસા પટેલે શ્રીજીમહારાજનું ભજન કર્યું. શ્રીજીમહારાજ પ્રગટ થયા અને કહે : 'ચાલો, પટેલ ધામમાં' એમ કહી શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા.

                           શ્રી સ્વામીનારાયણ મંદિર - જુનાગઢ 



          જૂનાગઢમાં મંદિરનિર્માણનું કામ ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું : ''આપની કૃપાથી નવાબ સરકારે પથ્થર ઉપર અને મંદિર માટે જોઈતી બીજી વસ્તુઓ ઘી, તેલ, ગોળ, સાગનાં લાકડાં વગેરે ઉપર દાણ માફ કર્યું છે. નવાબ સાહેબ બહુ જ રાજી છે, પરંતુ નાગર અમલદારોનો દ્વેષ વધતો જાય છે. આપણું ત્રણ શિખરનું આભને આંબે એવું મંદિર થતું જોઈ તેઓ મનમાં બહુ અકળાયા છે. પોતાનું ચાલે તો મંદિર તોડી પણ નાંખે.''

          

          મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે કહ્યું : ''ધાર્યું તો એક ભગવાનનું જ થાય છે. મનુષ્ય મનસૂબા કરે તે મુજબ જો થતું હોય તો જગતનું સંચાલન બરાબર ન થાય. માટે તમો ચિંતા કરશો નહીં.''

          

          બીજે દિવસે નવાબ સરકારે મહારાજને પોતાના દરબારમાં પધારવા આમંત્રણ મોકલ્યું. સાંજે સંતો-હરિભક્તો સાથે શ્રીહરિ નવાબના રાજમહેલમાં પધાર્યા. નવાબે મહારાજનો સત્કાર કર્યો. બ્રાહ્મણ પાસે મહારાજની પૂજા કરાવી. પછી મહારાજનાં ચરણ પાસે કુર્નિશ કરી નવાબ બેઠા અને મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું : ''આપ તો સાક્ષાત્‌ ખુદા છો, તો અમારા ઉપર રહેમ નજર રાખજો. આપનાં દીદાર આજે થયાં એટલે મને બહુ જ શાંતિ થઈ છે.''

          

          તે વખતે નવાબના ખાનગી કારભારીએ મહારાજને કહ્યું : ''મહારાજ! નવાબસાહેબને કુંવર નથી એ ખોટ છે.'' મહારાજે તરત જ આશીર્વાદ આપતાં કહ્યું: ''નવાબસાહેબને ત્રણ કુંવર થશે. તેમાંથી બે કુંવર રાજગાદી ભોગવશે અને મંદિરની સેવા પણ કરશે.''…ત્યાર બાદ મંદિર માટે જ્યારે જમીનનો લેખ કર્યો, ત્યારે તે ઉપર રાજ્યની મહોરછાપ મરાવવા માટે શ્રીહરિ સ્વયં નવાબસાહેબની કચેરીમાં ગયા હતા. ત્યારે નવાબસાહેબે મહારાજને કહ્યું હતું : ''આપ જો અહીં જૂનાગઢ કાયમ રહો તો મહોરછાપ મારી આપું.'' શ્રીહરિએ તેમ વચન આપ્યું હતું.

          

          એ જમીન પર મંદિરની પ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીહરિ નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નવાબ શ્રીહરિનાં દર્શન કરવા આવી ગયા. તેમણે પૂછ્યું: ''મહારાજ! આપે તો મને વચન આપ્યું હતું કે આપ અહીં કાયમ રહેશો અને આપ તો નીકળવાની તૈયારી કરી રહ્યા છો!''

          

          મહારાજ આ સાંભળી હસ્યા. જવાબ આપતાં તેમણે નવાબસાહેબને પૂછ્યું: ''અમે રહીએ કે અમારા જેવા ફકીરને રાખીએ?'' એટલે નવાબસાહેબે કહ્યું : ''મહારાજ! આપ જૈસા તો આપ હી હૈ, લેકિન આપ જૈસા દૂસરા કોઈ ફકીર હો તો ઉનકો જરૂર રખીએ.'' મહારાજે કહ્યું: ''આ ગુણાતીતાનંદ સ્વામી અમારા જેવા જ છે. એટલે એમને અમે અહીં રાખીને જઈએ છીએ.'' નવાબ શ્રીહરિ અને ગુણાતીતાનંદ સ્વામીનાં ચરણોમાં નમી પડ્યા.

         

           … મહારાજના આશીર્વાદથી નવાબસાહેબને ત્રણ કુંવર થયા. તેમાં પ્રથમ નવાબ હામદખાન બીજાએ સને ૧૮૪૦થી ૧૮૫૧ સુધી રાજ્ય કર્યું. ત્યાર બાદ નવાબ સર મહોબ્બતખાને સને ૧૮૫૧થી ૧૮૬૨ સુધી રાજ્ય કર્યું. ત્રીજા શેરખાન ફટાયા કુંવર તરીકે હતા. પહેલા કુંવરને તથા શેરખાનને પ્રજા થઈ ન હતી. મહોબ્બતખાનને ત્રણ કુંવર થયા હતા. સર બહાદુરખાન,  સર રસૂલખાન અને એદલખાન.





1 comment:

  1. ભગવાન સહજાનંદ સ્વામી ના મંદિર વિષે માહિતિ જાણીને ઘણો આનંદ થયો. કેનેડામાં પણ સ્વામીનારાયણ ભગવાનનું બહુ સુંદર મંદિર છે. ત્યાં જમવાનું પણ સરસ મળે છે. કેનેડાના મંદિરમાં ભારતની સંસ્કૃતિ વિષે માહિતિ આપેલી છે.

    ReplyDelete