Wednesday, October 25, 2017

ભગવાન નો ભાગ


કવિ શ્રી રમેશ પારેખ ની એક અદ્ભુત રચના 


૨૦૦૦ ની સાલમાં મારી અમેરિકાની સૌ પ્રથમ મુલાકાત દરમ્યાન હું , મેરીલેન્ડ,કિંગસ્ટન (કેનેડા), સાન ડીએગો, લોસ એન્જલસ, લાસ વેગાસ વગેરે સ્થળો ની મુલકાત લીધા પછી ક્વીન્સ/ન્યુ યોર્ક માં મારી બહેન ને ત્યાં આવ્યો. બે દિવસ પછી મારે જે.એફ.કે એરપોર્ટ થી ઓલમ્પીક એર ની કુવૈત પરત જવાની ફ્લાઈટ પકડવાની હતી. એક મોડી સાંજે હસતા હસતા મારા જીજાજીએ  પહેલા જરા હળવાસ થી પૂછ્યું - "તમારા આ હરવા ફરવા માટે તમે કેટલા પૈસા ખર્ચ્યા?" ત્યારે મેં નિર્દોષ ભાવે તેમને જણાવેલ કે હું જ્યાં જ્યાં ગયો ત્યાં મારા સગા સબંધી અને મિત્રો એ મને બધે ફેરવ્યો એટલે એર ટીકીટ શિવાય વિશેષ કાઇ ખર્ચ થયો નથી. પછી મુદ્દા ની વાત ઉપર આવતા તેમણે મને આવોજ એક માર્મિક પ્રશ્ન કર્યો કે "શિક્ષાપત્રી માં મહારાજે લખ્યા પ્રમાણે આવક નો ૧૦ મો ભાગ ધર્માદો આપો છો કે?" ત્યારે મેં તુરંત કાનબુટ પકડી મારી ચૂક કબુલી, એટલુજ નહિ પણ પરત જતા પહેલા મારી પાસે વધેલ ડોલર્સ ની બધીજ કેશ મેં તેમને ભગવાન ના  ભાગ રૂપે એક કાર્ય માટે આપી. અને તે કાર્યમાં ખૂટતી રકમ અમેરિકા માં જોબ કરતા મારા દીકરા પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરી. ત્યાર થી મારા જીવનમાં  "ભગવાન નો ભાગ" જુદો કાઢવાની  શરૂઆત થઇ. અને ત્યાર બાદ આજ દિવસ સુધી હું  સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો સુખદ અનુભવ કરી રહ્યો છું.


શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના શ્લોક ૧૪૭ દ્વારા તેમના સર્વે આશ્રિતો ને આજ્ઞા કરી છે "ગૃહસ્થાશ્રમી એ પોતાની આવક ના ધન-ધાન્ય આદીમાંથી દશમો ભાગ ભગવાન ને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.". સ્વામિનારાયણ સંપ્રદાય ના લાખો હરિભક્તો આજે આ નિયમ પાળી ને સુખી થયેલા મેં જોયા છે.

         પ્રસ્તુત છે આ વિષયની વધુ જાણકારી  નો એક વીડીયો 






Saturday, October 21, 2017

"નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ" ....







“નિર્વિકલ્પ ઉત્તમ અતિ..”
સ્વામિનારાયણ ના દરેક મંદિરો માં સાયંકાળે આરતી પછી ગવાતી પ્રાર્થના વિષે જાણવા જોગ વાત .... એક ખૂબી લગભગ આ વાત ✅ પડશે... ભગવાન સામે ઊભા ઊભા આ પ્રાર્થના બોલતા હોય. મોઢાને બોલવાની આજ્ઞા આપી મનજી ભાઈ ફરવા નીકળી જાય. સમાપન થાય ત્યારે ખબર પડે લે બોલાય ગયું.... અંદરના ભાવ સાથે બોલાય તો બોલ્યું કહેવાય, નહિતર મોઢાની કસરત કહેવાય.... પ્રાર્થનાની અંદર ૧ : નિશ્ચય : શ્રી સ્વામિનારાયણ ભગવાન એક સનાતન ભગવાન છે એવો પાકો દ્રઢ નિશ્ચય... ૨ : ભક્તિ : ભગવાનનો મહિમા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. મહિમા અને જ્ઞાન સાથેની એકાંતિક ભાવ સાથેની અનન્ય ભક્તિ જેનો એકજ અંત છે આ સિવાય બીજો નહિ. ભક્તિનો આદિ અને અંત એક પુરુષોત્તમ નારાયણ જે સ્વામિનારાયણ છે એવી એક ભક્તિ.

3 : દોષ : ભક્તપણામાં કોઈ જાતનો, કોઈ પ્રકારનો દોષ-ખામી ન રહે એવો હું પાકો ભક્ત બનું...
૪ : દ્રોહ : ભગવત પ્રાપ્તિમાં મોટામાં મોટું વિઘ્ન હોય તો તે છે ભગવાનના ભક્તનો દ્રોહ. હે મહારાજ તમારા કોઈ ભક્તનો મારાથી ક્યારેય દ્રોહ ન થાય... ૫ : સમાગમ : ભગવત આરાધનામાં સફળ થવા માટે મોટામાં મોટું સાધન હોય તો તે છે... એકાંતિક ભક્ત, પરમ એકાંતિક સંત, અનાદિ મુક્તની સ્થિતિએ વર્તતા મોટા મુક્તનો સમાગમ. મોક્ષ માર્ગમાં દરેક સાધન સમાગમથીજ પ્રાપ્ત થાય છે...

૬ : દાસનકો દાસ : સમુદ્રમાં જેમ જળનો સંગ્રહ થાય છે તેમ જે દાસના દાસ થઈને આ સત્સંગમાં રહે છે ત્યાં સદ્ ગુણની સાથે મોટા સંત-હરિભક્તના રાજીપાનો ઢગલો થાય છે...દાસના દાસ થાવું એ ભગવત પ્રાપ્તિનો મોટો સદ્દ ગુણ છે...
૭ : સદા રાખીએ પાસ : : ભક્ત ભગવાન પાસે માગે છે કે હે પ્રભુ ! અમને સદાય તમારી પાસે રાખજો... આપણને ભગવાન પોતાની પાસે રાખે એનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે ? અર્થાત કોઈ નહિ. 👆🏼આ સાત વરદાન જોઈતા હોય તો, એના બદલામાં અગિયાર (નિયમ) પાળવા પડે... આ દુનિયામાં મફત તો કંઇ મળતું નથી... ★★★★★★★★★★★ અગિયાર નિયમની વાત શિક્ષાપત્રી ૧ : કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી... ૨ : પરસ્ત્રીનો સંગ ન કરવો... ૩ : ક્યારેય, કોઈ પણ સંજોગોમાં માસ ન ખાવું..

૪ : દારૂ-ભાંગ ક્યારેય, કોઈ પણ સંજોગોમાં ન પીવો, ન પીવી... ૫ : સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો (આનાથી વિધવા સ્ત્રીની સલામતી જળવાય, શાસ્ત્રનો એવો શુભ આશય રહેલો છે) ૬ : આત્મઘાત ન કરવો, કોઈ પણ દુઃખના પ્રસંગે આત્મઘાતનો વિચાર પણ ન કરાય...

૭ : કોઈ પણ પ્રકારની ચોરી ન કરાય... ૮ : કોઈના ઉપર ખોટું કલંક ન દેવું... ૯ : કોઈ પણ દેવ, દેવી, દેવતા, અવતારની નિંદા ન કરવી... ૧૦ : જેના પાત્રનું રાંધેલ અનાજ ખપતું ન હોય તેના પાત્રનું અનાજ ન ખાવું ને તેના પાત્રનું પાણી ન પીવું...(ચાર વર્ણ અને ચાર આશ્રમની મર્યાદાનું પાલન કરવું)

૧૧ : વિમુખ જીવ, વિમુખ માણસના મોઢેથી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી... આ ૧૧ નિયમનું જે પાલન કરે છે તે નિઃશંક પણે ભગવાનના ધામમાં જાય છે એમાં શંકા કરવા જેવું છેજ નહિ શ્રીજી મહારાજે કહેલી આજ્ઞાઓને સદ્દ. શ્રી પ્રેમાનંદ સ્વામીએ કાવ્યમાં ગૂંથીને સત્સંગીઓને આપી તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ નીચેની કથા પ્રવર્ચન દ્વારા. આ અદ્ભુત કથા સાંભળવા આપનો એકાદ કલાક નો સમય અચૂક ફાળવશો.

Sunday, October 15, 2017

પ્રભાવના ભાગ : ૨

        ગુજરાતી શબ્દકોશ ભગવદ ગો મંડળ માં "પ્રભાવના" શબ્દનો અર્થ નીચે મુજબ આપેલ છે. (૧) પ્રભાવ પ્રસરાવવો (૨) ધર્મ પ્રચાર (૩) પતાસા વગેરેની લહાણી (૪) શાસન(જૈન) ઉન્નતીનું પ્રવર્વન કરવું તે.


        વીડીયો કલીપમાં બીજી માહિતી નથી પણ આપણે કલ્પના કરીએ કે વિરજીભાઈ નામની કોઈ વ્યક્તિએ પ્રભાવના માં તેમને મળેલ સિક્કા ને પૂજા અર્થે તેમણે પ્લાસ્ટિકની ડબ્બી માંથી બહાર કાઢવા કોશીસ કરી ત્યારે તેમને આ છેતરામણ ની જાણ થઇ. એટલે આ વીડીયો દ્વારા તેમણે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો.



         આ ધાર્મિક પ્રસંગમાં હાજર બીજા કેટલાક શ્રાવકો રવજી, મુળજી વગેરે પણ પ્રભાવના માં પ્રાપ્ત થયેલ આવાજ ખોટા ચાંદીના સિક્કા લઈને ઘરે ગયા હશે. શક્ય છે કે રવજીભાઈએ ઘરે આવી તેમના ધર્મ પત્નીને તે ચાંદીનો સિક્કો ઘરમાં બીજી કીમતી ચાંદીની ચીજો જોડે મુકવા આપી દીધો. એટલે તેમને છેતરાયા નો અહેસાસ પણ નહિ આવ્યો.



       વેપારી મુળજીભાઈ તો જાણતા જ હતા કે શ્રેણીકભાઈ જેમના તરફથી આ લાણી કરવામાં આવી હતી તેમનો ધંધોજ બજાર માં બે નંબરી ડુપ્લીકેટ માલ વેચવાનો છે. અને સમાજમાં મોટાઈ દેખાડવા લાણીમાં તેમણે ખોટા સિક્કા જ પધરાવ્યા છે. એટલે તેમણે આ ખોટો સિક્કો નજીક માં આવતા દિવાળી ના તહેવાર દરમ્યાન તેમની ઘરકામ કરવા વાળી બાઈ ને ખુશ કરવા પધરાવી દેવાનો મનોમન વિચાર કરી લીધો.



       મારી આ પરી કલ્પના નું કારણ છે મારો જાત અનુભવ. એકાદ દાયકા પૂર્વે મારે ત્યાં માંગલિક પ્રસંગે ભેટ આપવા મારે ચાંદીના સિક્કા ખરીદવા ની જરૂરીયાત જણાઈ. ત્યારે મુંબઈ ના મારા એક અતિ શ્રીમંત વેપારી મિત્ર જે કિલો ને હિસાબે ચાંદી ખરીદતા તેમનો મેં સંપર્ક કરેલ. તે વેપારી મિત્ર મને તેમના એક વિશ્વાસુ જવેરી બઝારના વેપારી ની દુકાને લઇ ગયા. ત્યારે દુકાનદારે મને પહેલો પ્રશ્ન કર્યો તમારે કેવો માલ જોઈએ છે, એક નંબરી કે બે નંબરી? એક નંબરી એટલે ચાંદીના સિક્કા અને બે નંબરી એટલે લોખંડ ઉપર ચાંદીનો ઢોળ ચઢાવેલ નકલી.



       ત્યારે મારા શ્રીમંત વેપારી મિત્રે ખંધુ હસીને મને કીધેલ કે હું વાર તહેવારે અહીંથી બે નંબરી સિક્કા ખરીદીને મોટી સરકારી ઓફિસો માં વોચમેન અને પ્યુનસ ને છૂટથી લાણી કરૂ છું. વળી જેને પણ આપું તેને તેના ઇષ્ટ દેવી દેવતા ની છબી વાળા સિક્કા આપું. લેનાર હોંશે હોંશે ઘરે જઈને તે સિક્કો તેની પત્નીને આપે અને પછી તે ખોટો સિક્કો ઘર મંદિર કે ઘરના લોખંડ કબાટ ના લોકરમાં કાયમ માટે ગોઠવાઈ જાય. ત્યારબાદ આખું વરસ આ વોચમેનો અને પ્યુનો મને સલામ કરતા થઇ જાય.   

       

        આ સંદર્ભ માં મને મારા શાળાના દિવસો દરમ્યાન ૧૯૫૬ ના વર્ષની ફિલ્મ ભાઈ-ભાઈ નું નીચેનું ગીત યાદ આવી ગયું.      



                                 

       

       ટૂંકમાં વરસો થી માનવી ઈશ્વરે બક્ષેલ બુદ્ધિનો દુર ઉપયોગ એક બીજાને છેતરવા કરતો આવ્યો છે. મઝાની વાત એ છે કે માનવી જયારે બીજાને છેતરવા માં કામયાબ નીવડે છે ત્યારે તેને આનંદ આવે છે. પણ તે જ વ્યક્તિ જયારે બીજાથી છેતરાયા નો અનુભવ કરે છે ત્યારે બળાપો કાઢવા માં કોઈ કસર રાખતો નથી.


            હવે આ હકીકત ને ધ્યાન માં રાખી  આપણે તેમાંથી શો બોધ પાઠ લેવો જોઈએ તે હવે પછીની બ્લોગ પોસ્ટ દ્વારા જણાવીશ.


                                                                                               


 
      

      

Saturday, October 14, 2017

પ્રભાવના (વીડીયો કલીપ) ભાગ ૧

"પ્રભાવના" એટલે જૈન સમાજ મા સાધુ-ભગવંતો ના પ્રવર્ચન દરમ્યાન  શ્રેષ્ઠી લોકો દ્વારા ભેટ તરીકે અપાતી અમુક રકમ જે પછી  શ્રોતાઓ ને સરખે હિસ્સે વહેંચવા મા આવે છે, તેમ મારી સમજ છે. કેટલાક સાધન-સંપન શ્રેષ્ઠી રોકડ કેશ ને બદલે ચાંદીના સિક્કા ની પ્રભાવના કરે છે. અમેરિકામાં જેમ પાર્ટી ના અંતે યજમાન તરફ થી સૌ આમન્ત્રીતો ને "ગુડ્ડી બેગ" અપાય છે, તેવીજ આ એક આ પ્રણાલી છે. 


આવી ઉમદા પ્રણાલીમાં પણ આપણા ભારત દેશના સોના-ચાંદીના વેપારીઓ લોકો ને કેવી રીતે છેતરે છે, તેને ઉજાગર કરતી એક વીડીયો કલીપ મને હમણાં વ્હોટસ ગ્રુપના મારા એક મિત્ર તરફ થી મળી જે અહી પ્રસ્તુત છે. 


આ  વીડીયો કલીપ જોયા પછી મારા મનમાં ઉદભવેલા વિચાર વંટોળ ને ટૂંક સમય માં શબ્દ સ્વરૂપે આપની સમક્ષ મારા આ ગુજરાતી બ્લોગ ઉપર પોસ્ટ કરીશ.