Monday, May 22, 2017

શ્રી કૃષ્ણ શરણં મમઃ,

                                                                           

   




Check this out on Chirbit

શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સત્ય ધર્મનાં સંરક્ષક, પાપીજનોનાં વિનાશક
યુગ યુગનાં એ અવતારક, શ્રી કૃષ્ણ શરણં મમઃ
 ધર્મ મર્મનાં પ્રવર્તક, જ્ઞાન યુગનાં ઉપદેશક
ભક્તિ માર્ગ તણા દર્શક, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર
હે વિશ્વાત્મા વિશ્વમંભર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અનુપમ સર્વોત્તમ પરમ બ્રહ્મ હૈ પુરુષોત્તમ
હે અવિનાશી અચ્યુતમ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મન મોહક હે સુંદર શ્યામ, દિવ્ય સુખોનાં અક્ષયધામ
ભક્ત જનોનાં પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે લીલાધર યોગેશ્વર, પ્રેમ નિઘી છો પરમેશ્વર
ગોપીજનોનાં હૃદયેશ્વર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

અંતરયામી પ્રાણ જીવન, દયા સિંધુ દેવકી નંદન
મુકુંદ મોહન મધુસુદન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સત્ય સનાતન જ્ઞાન સ્વરૂપ, આપ અલૌકિક દિવ્ય સ્વરૂપ
અદભૂત એવા એક અનુપ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સ્વયં પ્રકાશી રહયાં તમે છો, સચ્ચીદાનંદ નાદ તમે છો
વિશ્વેશ્વર વિરાટ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માઓનાં આત્મા છો, એવી ભૂ પર વેદાત્મા છો
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

દેવોનું દેવત્વ તમે છો, સાત્ત્વિકોનું સત્વ તમે છો
ચંદ્ર સુર્યનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
તેજસ્વીની રિદ્ધિ તમે છો, તપસ્વીઓની સિદ્ધિ તમે છો
બુદ્ધિમાનની બુદ્ધિ તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ


સ્નાન સરિતા ગંગાજી છો, પાન પવિત્રા યમુનાજી છો
મોક્ષદા માતા સરસ્વતી છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ઘટ ઘટમાં વ્યાપક છો શ્યામ, શાશ્વત શાંતિ તણા સુખ ધામ
જ્ઞાન જ્યોત પ્રગટાવી નામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વેણુનાદનાં સૂર તમે છો, પ્રેમાશ્રુનાં પૂર તમે છો
શુરવીરોનું શૂર તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામનોના મન તમે છો, શ્રીધર આતમ ધન તમે છો
અણું અણું નું ચેતન છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કોટીયુગોનાં સાક્ષી છો, શાશ્વત છો અવિનાશી છો
આદિ અને અનાદિ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે મંગલમય જગન્નિવાસ, શબ્દાતિત ને દિવ્યાકાશ
વસી રહયા જલ સ્થલ આકાશ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્યામ સુંદરની ઝાંખી થાય, મન વૈષ્ણવનું બહુ હરખાય
દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
અગણિત આંખો ચરણો છે, અગણિત મસ્તક બાહું છે
અગણિત રૂપ તમારા છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ

અનેક રૂપે ધરી અવતાર, ધર્મ તણી રક્ષા કરનાર
આર્યોને નિર્ભય કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રથમ વરાહનો લઈ અવતાર, હિરણ્યાક્ષનો વધ કરનાર
પૃથ્વીના બંધન હરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

બીજો મત્સ્યનો લઈ અવતાર, વેદબિજોનો કર્યો ઉદ્ધાર
સંસ્કૃતિનાં હે રક્ષણહાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ત્રીજો કુર્વનો લઈ અવતાર, દેવ દૈત્યનો લઇ સહકાર
સમુદ્રમંથન પાડયું પાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ચોથો શુભ નૃસિંહ અવતાર, સર્જ્યો અદભૂત ચમત્કાર
હિરણ્યકશીપું નો વધ કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પંચમ પ્રભુ વામન અવતાર, બલિરાજાને યશ દેનાર
દ્વારપાળ થઈ ઉભા દ્વાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

છઠો છે આવેશ અવત્તાર, અદભૂત કથાનો છે વિસ્તાર
પરશુરામની લીલા આપાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સપ્તમ લીધો રામાવતાર, રાવણનો કીધો સંહાર
મર્યાદાનો કીધો સાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

આઠમો અદ્દભૂત કૃષ્ણાવતાર, ધર્મનો મર્મ પ્રગટ કરનાર
ભગવાત ગીતાનાં ગાનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
નવમો બુદ્ધનો છે અવતાર, સત્ય શોધવા તપ કરનાર
અહિંસાનું ગૌરવ કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ


દસમો છે કલ્કી અવતાર , દુષ્ટજનોનો વધ કરનાર
ધર્મની પરિ સુસ્થિર કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રલયથી ઉત્પત્તિ સુધીનું, આ છે અદભૂત સરવૈયું
પાર્થને આપે સ્વયં કહ્યું, શ્રી કૃષ્ણ શરણં મમઃ

જન્મ, જીવન ને મૃત્યુની આ ઘટમાળ છે રહેવાની
અનુકંપા કરો ભક્તિની, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ભક્તો માટે ભયનાશક છો, દુષ્ટો માટે ભયકારક છો
ચૌદભૂવનનાં નિયામક છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તના વત્સલ એ ભગવાન કુંજવિહારી કરુણાનિદાન
ભક્તિભાવનું દો વરદાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
નિરાધારનાં આશ્રયસ્થાન, શરણાગતનાં નિર્ભયસ્થાન
ભાવિકજનનાં હૃદયવિરામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિઠ્ઠલ વિઠ્ઠલ મુખથી જપાય, મનમાં સ્થિરતા આવી જાય
તો જ કલેશથી મુક્ત થવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
બાલકૃષ્ણ એ માખણ ચોર નટવર નાગર નંદકિશોર
જીવ માત્રની જીવાદોર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મહીં ધર છો મુક્તિદાયક, ત્રિવિધ તાપનાં નિવારક
નામ સ્મરણ છે ભવ તારક, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કલ્પવૃક્ષ સમ મુક્તિમાન, મનવાંછિત ફળ કરો પ્રદાન
આશ પૂરો હે પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પુણ્યાત્માનાં પોષક છો ને દુરાત્માનાં શોષક છો
સંતજનોનાં રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ પ્રભુ છો દિન દયાળ દુષ્ટજનોનાં છો મહાકાળ
સૌમ્ય થી સૌમ્ય છતાં વિકરાળ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તોને જે આપે ત્રાસ, એ દૈત્યોનો કરો વિનાશ
અમને છે પૂરણ વિશ્વાસ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
માર્યા વૃષભ ને નરકાસુર, માર્યા અઘા ને બકાસુર
માર્યા પેસી શકટાસુર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

માર્યા તૃણાવૃત ચાણુર, યમલા જૂન ને શંખાસુર
માર્યો મુર કઠોર અસુર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
મામા કંસનો વધ કરી પૂતના કેરા પ્રાણ હરી
બંને જીવોની મુક્તિ કરી, શ્રી કૃષ્ણ શરણં મમઃ

દ્રૌપદીનાં રક્ષણ ને કાજ દોડયા તેજ ધરી મહારાજ
ભરી સભામાં રાખી લાજ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દોષ દેખી દુર્યોધનનાં, બન્યા સારથી અર્જુનનાં
પક્ષકાર થયા સત્યનાં, શ્રી કૃષ્ણ શરણં મમઃ


શાસ્ત્ર ધર્મનું કરી સન્માન, ધર્મનું સહુને કરાવ્યું ભાન
યુદ્ધમાં દીધું આત્મજ્ઞાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
રચી રુડી ભગવદ ગીતા, દિવ્ય જ્ઞાનની રસ સરિતા
જનજીવન મંગલ કરતા, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પાંડવને દઈ ધર્માશ્રય, સત્ય ધર્મનો કર્યો વિજય
કૌરવ કૂળ નો થયો વિલય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જીવો છે તમને સમાન, છતાં કરો ભક્તોનું માન
ભક્તના વાત્સલ હે ઘનશ્યામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગિરિરાજ ધારણ કરનાર, ગોપગોપીનાં રક્ષણહાર
ઈન્દ્રનું મદ મર્દન કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાંત્યાયની વ્રત કરી મહાન, ગોપિકા કરે અઘટિત સ્નાન
વસ્ત્ર હરીને કીધું જ્ઞાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પ્રસન્ન થયા પ્રભુ કુબજા પર, સ્પર્શ થતા થઈ ગઈ સુંદર
શરણાગતનાં હે પ્રિયંકર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રિય સખા સુદામા ભણી, અનુગ્રહની અમીદ્રષ્ટિ કરી
સમૃદ્ધિની વૃષ્ટિ કરી, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રુકિમણીએ લીધું શરણ, પળમાં એનું કીધું હરણ
મનોકામના કીધી પૂરણ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દુર્વાસા ઋષિ દોડ્યાં જાય, ચક્ર સુદર્શન પાછળ જાય
અમરીષ ભક્તની કરી સહાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

હે સૃષ્ટિનાં સર્જન હાર, લીલા તમારી અપરંપાર
ઋષિ મુનિ નથી પામ્યાં પાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પાંચ વરસનાં ધ્રુવ કુમાર નિષ્ઠાથી ભક્તિ કરનાર
તેને અવિચળ પદ દેનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તિમાં શક્તિ છે જ અપાર, અહંકારને કાઢે બહાર
નોંધારાના હે આધાર શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે વિભૂવર ગિરિધર ગોપાલ, દુઃખ હર્તા હે દિન દયાળ
સહુના હે પ્રણત પ્રતિપાળ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃપા તણા સાગર છો નાથ, ભક્તોનાં પકડો છો હાથ
સદા રહો છો એની સાથ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
વંદન છે વસુદેવ કુમાર, શ્રીમદ ભગવદ ગીતાકાર
જ્ઞાનનું અમૃત દેલાવનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગીતા આપની વાણી છે, જ્ઞાનીજનોએ વખાણી છે
શાસ્ત્રોએ પરમાણી છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અજન્મા અનાદિ છો, જળ ચેતનનાં આદિ છો
અવિરત કર્મવાદી છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ


નથી ત્રિલોકે આપ સમાન, ગોપિકા વલ્લભ પ્રભુ મહાન
નટવર વપુને કોટી પ્રણામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
બાંસુરી મધુર બજાવનહાર, બ્રહ્મનાદ ગજાવન હાર
ગોપ ગોપીનાં મન હરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મુરલી મધુર વગાડો છો, મનમાં સ્થિરતા જગાડો છો
ચિત્ત ભક્તિમાં લગાડો છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માનંદ કરાવો છો અમૃત રસ રેલાવો છો
નવચેતન પ્રગટાવો છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ

દિવ્ય બંસીની સુણતા તાન પશુ પંખી સહુ ભૂલે ભાન
વૃક્ષો તણા ના હાલે પાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
યમુના કેરા થંભે નીર, વૃજ વનિતાઓ બને અધીર
અવળા સહુ શણગાર શરીર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

હૈયા કોઈના રહે ના હાથ, ઝૂમે ધરતી ને આકાશ
અદભૂત રંગ જમાવે રાસ,શ્રી કૃષ્ણ શરણં મમઃ
બ્રહ્મનાદનું કરતા પાન, ઋષિમુની સહુ ધરતા ધ્યાન
દેવોના સ્થિર થતા વિમાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ

એક એક ગોપી એક એક કાન, રાસ રમે સહુ થઇ ગુલતાન
પીએ પ્રેમ રસ થઇ મસ્તાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રભુ રમ્યાં ગોપિકા સંગ,પરાગયો સહુ ને ઉર ઉમંગ
જીવ બ્રહ્મનો ધન્ય પ્રસંગ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રાસ રામે ગોપી ને કાન, ગાતા દિવ્ય મધૂરાં ગાન
કરતાં પ્રેમ સુધાનું પાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સુરમુનિવર જોવા લોભાય, રાસલીલા નિરખી હરખાય
પુષ્પવૃષ્ટિ કરી કૃતાર્થ થાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃષ્ણ કૃષ્ણ રસ નાખી રટાઇ, દામોદર નું ચિંતન થાય
ભવ બંધનથી છૂટી જવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હરિ ભજતા હરિરૂપ થવાય, કીટ ભ્રમરનો એ છે ન્યાય
પરમાનંદની પ્રાપ્તિ થાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

જ્યાં સુધી ચાલે શ્વાછોસ્વાસ, ઉરમાં ભરવો અતિ ઉલ્લાસ
અવિરત રટવા પુંડરીકાક્ષ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ સમર્પણ કરીને જુવો પ્રાણ જીવનનાં થઇને જુવો
મહામંત્ર આ જપી ને જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સાત્વિક પ્રિતી કરીને જુવો, રાધા રમણને મળીને જુવો
પ્રેમ સુધા રસ પી ને જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાન ની ગોપી બની તો જુવો, રાસ હૃદયથી રમી તો જુવો
તન મન અર્પણ કરી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ


વ્રજની વનિતા બની તો જુવો, અંતઃકરણથી નમી તો જુવો
વિરહ વેદના ખામી તો જુવો , શ્રી કૃષ્ણ શરણં મમઃ
નામ હરિનું ભજી તો જુવો, હું કાર હું નો ત્યજી તો જુવો
માધવ મનથી યજી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રાધે રાધે રટી તો જુવો , કૃષ્ણ કૃષ્ણ એમ કથી તો જુવો
પ્રેમ સુધા રસ મથી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સાચી ભક્તિ કરી તો જુવો, વિરહ અગનમાં બળી તો જુવો
મદન મોહનને મળી તો જુવો શ્રી કૃષ્ણ શરણં મમઃ

મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મનાં પાપ કપાય
જીવન સુખ શાંતિમાં જાય શ્રી કૃષ્ણ શરણં મમઃ
ખોટા મન થી કૃષ્ણ કહો કૃષ્ણ તમારો થઇ જ ગયો
ત્યાર પછી તો ભયો ભયો શ્રી કૃષ્ણ શરણં મમઃ

મહા વિષમ છે આ કળી કાળ, તપ વ્રત કાંઈ ના વહે લગાર
નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાલ
જગન્નાથ છે તારણ હાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કરુણાકરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય
રંક થી રાય બની પૂજાય,શ્રી કૃષ્ણ શરણં મમઃ
ઈશ્વરની અનુકંપા થાય મૂંગા ને વાચા મળી જાય
પંગુ ગિરી ઓળંગી જાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

અંધકારનો નાશ કરે, ઉર માં દિવ્ય પ્રકાશ કરે
જીવનમાં ઉલ્લાસ ભરે, શ્રી કૃષ્ણ શરણં મમઃ
જન્મ મરણને ટાળે છે, પાપ પુંજ ને બાળે છે
જ્ઞાનાગ્નિ પ્રગટાવે છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ધર્મનું જ્ઞાન કરાવે છે, મનનાં રોગ મટાડે છે
સત્યનો પંથ બતાડે છે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃપા પ્રભુ કેશવની થાય, નામ સ્મરણ માં પ્રીતિ થાય
ભવ સાગર ને તારી જવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઇ જાય
પારસથી પારસ થઇ જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દાસ પ્રભુનાં જે થઇ જાય દાસનાં દાસ પ્રભુ થઇ જાય
લીલામાં પણ લીલા થાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃષ્ણનો વૈભવ જોવા ગયાં, અનંત લીલા જોતા ગયાં
નિરખી નારદ વિસ્મિત થયાં, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રનાં આનંદ કંદ
પાય ધરી લો યશોદા નંદ, શ્રી કૃષ્ણ શરણં મમઃ


જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઇ જાય
બિંદુ સાગર માં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી
ચિત્તથકી કે અહંકાર થી, કે પ્રકૃતિ કે સ્વભાવથી

કરેલી ભૂલો, થયેલા દોષો, બધું જ ભૂલી ખરા હૃદયથી
તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણં મમઃ
તમે આમારી માતા છો ને તમે પિતા છો પાલક છો
તમે જ બંધુ બની ઉભા છો તમે જ મિત્ર પરિચિત છો

તમે જ અક્ષય દ્રવ્ય આમારા, તમે જ વિદ્યા નિર્મળ છો
તમે જ અમારા સર્વ સ્વજન છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
અનંત ઊંડો સાગર હો ને નગાધિશ સમ કાજળ હો
કલ્પવૃક્ષનું કિત્તુ હો ને પૃથ્વી જેવડો કાગળ હો

માત સરસ્વતી ગુણો કથે ને ,ગણેશજી એ લખતા હો
કોઈ ભીતિ નહિ અંત એવા શ્રી કૃષ્ણ શરણં મમઃ
આ જપમાળા જે કોઈ ગાય એને કૃષ્ણની ઝાંખી થાય
અંત સમયે વ્રજમાં લઇ જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સહુ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયુજ્ય થાવ
વૈકુંઠે વિઠ્ઠલનાં થાવ, મહા રાસમાં બુદ્ધિ થાવ
રોમે રોમથી પુલકિત થાવ બ્રહ્મનાદનાં સ્વરc બની જાવ
રાધા સ્વામી પ્રસન્ન થાવ શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ

~~~~~~~~~~~~~~~~


No comments:

Post a Comment