Tuesday, May 2, 2017

ઘટના અને અર્થ ઘટન - ૪ ( સાંખ્ય નો વિચાર )


           હમણાં મને કોલેજના એક જુના સમવયસ્ક મિત્ર તરફ થી વ્હોટસ-એપ દ્વારા નીચેનો મેસેજ      મળ્યો. 



          હકીકતમાં આ એક અર્ધ સત્ય છે. કારણકે સમય જતા પતિ-પત્ની માંથી કોઈ એક વ્યક્તિ વહેલું સ્વધામ સિધાવે છે. ૨૦૧૫ ના વર્ષમાં મારી ઇન્ડિયા ટુર દરમ્યાન મારા વતન ભાવનગરમાં મારા બીજા એક સ્કુલ તેમજ કોલેજ કાળના અતિ નિકટ ના મિત્ર ને લગભગ 3 - ૪ દાયકા બાદ મળવા ગયેલ. સાધન-સંપન હોવા છતાં નીસાંત અને ત્રણેક વરસ પહેલા વિધુર થયેલ  મારા આ મિત્ર અતિશય નિરાશ - ભગ્ન અને એકાકી જીવન જીવી રહ્યા છે. જયારે મુંબઈમાં રહેતા બીજા એક વિધુર મિત્રે પૈસા થી પ્રભાવિત કરીને એક યુવાન સ્ત્રી સાથે LIVE-IN-RELATIONSHIP તો શરુ કરી છે, પણ એક બીજાના સ્વાર્થ ની બદબૂ થી પીડાઈ રહ્યા છે.

         જીવનના આ સત્યને બરાબર પિછાણીને જે ગુજરાતી ગઝલકારે આપણને એક સુંદર ગઝલની 
 ભેટ આપી છે -

         એકલા રે આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના...
         આપણે અહી એકલા ને, કિરતાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો,
         વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે, એકલા રહીને થવું બેલી રે બધાના .....
                                                                                            રચના : બરકત વિરાણી (બેફામ

સિક્કા ની બીજી બાજુ:-

સંવત 1876ની સાલમાં ગઢપુરમાં  દાદાખાચરના દરબાર ગઢમાં પાંચુબાનાં નાનાં દીકરી હીરાબા દેહ મૂકી ધામમાં ગયાં. બધા શોકાતુર થઈ ગયા. શ્રીજીમહારાજે સૌને ધીરજ આપતાં કહ્યું, “અમે વન
વિચરણમાં હતા ત્યારે એક ડોશીએ અમારી ખૂબ સેવા કરી હતી. તેથી તેમનું પૂરું કરવા અહીં અમે સત્સંગમાં જન્મ ધરાવ્યો હતો. માટે તેમને અમે અમારી મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે માટે કોઈ શોક કરશો નહીં. હીરાબાને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે. આવા મંગળ પ્રસંગે કોઈ શોક કરવો નહિ, આનંદ કરવો.” પરંતુ સામાજિક રિવાજો મુજબ બાઈઓ રુદન કરતાં હતાં.


બીજે દિવસે બ્રહ્મચારી દરબાર ગઢમાં થાળ લેવા ગયા. બ્રહ્મચારીએ બાજોઠ પર મહારાજને બિરાજમાન કરી ઢાંકેલો થાળ ખોલ્યો તો અંદર માત્ર ભૈડકું જ હતું. થાળમાં ભૈડકું જોઈ મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી, આ શું છે ?” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ, અત્યારે દરબાર ગઢમાં હીરાબાનો શોક છે. માટે સામાજિક રિવાજ મુજબ બાર દિવસ સુધી આવો જ થાળ આવશે.” મીંઢીઆવળ અને મરચાંના ગોળા જમાડનારા મહારાજ હસતા-હસતા ભૈડકું જમાડવા લાગ્યા.


શ્રીજીમહારાજ જમાડી રહ્યા હતા એ વખતે એક બાઈ માથે ઘીનો ગાડવો લઈ આવ્યાં. પંચાંગ પ્રણામ કરી બેઠાં. મહારાજે તરત જ કહ્યું, “અહો ! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરનાં છો ?” બાઈએ બે હાથ જોડી કહ્યું, “હા મહારાજ, ભગતે આ ઘીનો ગાડવો લઈ આપનાં દર્શને મોકલી છે.” મહારાજે પૂછ્યું, “ભગત, મજામાં તો છે ને ?” ત્યારે બાઈએ કહ્યું, “મહારાજ, આપ મળ્યા ત્યારથી આપની કૃપાએ ભગત સુખી જ હતા પણ હવે વધુ સુખિયા થયા.”


શ્રીજીમહારાજે જાણતા હોવા છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું, “બાઈ, તમે શું બોલ્યા ? કાંઈ આ બધા સમજે તેમ બોલો.” ત્યારે બાઈએ ચોખવટ કરતાં કહ્યું, “મહારાજ, આપે 20 વર્ષથી એક મહેમાન રૂપે દીકરાને સાચવવા આપ્યો હતો તેને દયા કરી અમારા કરતાં વહેલા મૂર્તિના સુખમાં મૂકી દીધો. દીકરો હતો ત્યાં સુધી તેના માટે ભગતને થોડીઘણી ચિંતા રહેતી પણ હવે કોઈ ચિંતા નથી. દીકરાની ક્રિયા પતાવી ભગત ખેતરે જતા રહ્યા અને મને ઘીનો ગાડવો લઈ અહીં મોકલી દીધી જેથી કોઈ કાણ-મોકાણ કરવા આવે જ નહીં.”


દેવજી ભગત અને તેમનાં ઘરનાંની આવી સમજણની સ્થિતિ જોઈ શ્રીજીમહારાજ ખૂબ જ રાજી થયા અને ઘીના ગાડવા તરફ હાથ કરી પાંચુબાને કહ્યું, “આ ગાડવો હમણાં રાખી મૂકો. હીરાબાનો શોક ઊતરે પછી થાળમાં ઉપયોગ કરજો.” બાઈઓ શ્રીજીમહારાજનો સાંખ્ય દૃઢ કરાવવાનો મર્મ સમજી ગયાં અને સર્વે શોક ટાળી સાંખ્ય સમજણ દૃઢ કરી મહારાજને રાજી કર્યા.’


સાંખ્ય સમજણ – પંચભૂતથી બનેલા આ જગતમાં જીવ-પ્રાણીમાત્રથી માંડી ભૌતિક પદાર્થમાત્ર બધું જ નાશવંત છે. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ અવિનાશી નથી. પંચભૂતાત્મક આ બ્રહ્માંડમાં જે નાશવંત છે તેમાં જેટલી આસક્તિ અને પ્રીતિ વિશેષ હોય તેટલા દુઃખી થવાય અને તેને વિષે જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા સુખી રહેવાય.

No comments:

Post a Comment