~~~~~~~~~~~~~~~~~~~~~
થોડા દિવસ પૂર્વે વ્હોટસએપ દ્વારા મને એક વીડીયો કલીપ મળી. “ઋષિ દર્શન” શીર્ષક ધરાવતી આ વીડીયો ની શરૂઆતમાં એક સ્લાઈડ દ્વારા નિર્દેશ હતો “ આશારામ બાપુજીના સત્સંગમાં આશીર્વાદ પ્રાપ્ત કરતા રાજનેતાઓ”. આ વીડીયો માં વર્ષો પૂર્વે લખનૌ શહેરમાં આશારામજી મહારાજના એક સમારંભમાં ભારતીય જનતા પાર્ટી ના અટલબિહારી વાજપાઈ, લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી, શીવરાજસિંહ ચૌહાણ, શ્રીમતી વસુધા રાજે અને બાબા રામદેવ ને આશારામજી ને ફૂલહાર તોરા, પ્રશસ્તિ અને નમન કરતા નજરે પડે છે. આ એજ આશારામજી હતા ,જે હાલમાં યૌન શોષણ + ગેરકાયદે સરકારી જમીન હડપ કરવાના + કરોડો રૂપિયાની છુપી ધન સંપત્તિ ધરાવવાના આરોપસર કેટલાક વરસો થી કારાવાસમાં છે .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સપ્ટેમ્બર ૧૯૯૨ ના અરસામાં LIVING WITH HIMALAYAN MASTERS નામનું સ્વામી રામ
દ્વારા લખાયેલ અને અમેરિકામાં બેસ્ટ સેલિંગ બુકની યાદીમાં મુકાયેલ એક અમુલ્ય પુસ્તકના અલપ ઝલપ
વાંચન નો થોડા સમય માટે મને મોકો મળેલ. ઇન્ડિયાના ગઢવાલમાં ૧૯૨૫માં જન્મેલ બાળક બ્રીજકિશોર નો ઉછેર હિમાલયમાં એક સ્થળે થી બીજે સ્થળે ભટકતા બાવાઓ ની ટોળકી માં થવાને કારણે તેઓ હિમાલય અને તિબેટના અનેક સિદ્ધ યોગીઓના સંપર્કમાં આવેલ. તે બધા અનુભવો ઉપરના પુસ્તકમાં વર્ણવેલ છે.
સ્વામી રામ ધારણ કરીને તેમણે ૧૯૪૯ થી ૧૯૫૨ દરમ્યાન દક્ષીણ ભારતની કરવીર પીઠના શંકરાચાર્ય નું પદ સંભાળેલ. યુરોપ - ઇન્ડિયા માં ભ્રમણ કર્યા બાદ ૧૯૬૬ માં તેમણે કાનપુરમાં હિમાલયન ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ યોગ સાયંસ અને ફિલોસોફી સંસ્થાની સ્થાપના કરેલી જેનું સંચાલન તેઓ અમેરિકાના પેન્સીલ્વેનીયા રાજ્યના હોસ્ડેલ ખાતેના આશ્રમ થી કરતા.
૧૯૯૬ માં તેઓએ જીવનલીલા સંકેલી પછી એક વરસ બાદ ૪ સપ્ટેમ્બર ૧૯૯૭ના દિવસે અમેરિકાની કોર્ટના જ્યુરી એ સ્વામી રામ ની મિલકતમાંથી એક અમેરિકન મહિલા ને ૧.૯ મીલીયન ડોલર્સ ની ચુકવણી કરવા નો આદેશ જાહેર કર્યો. ૨૩ વરસની ઉંમરની આ અમેરિકન મહિલા એ કોર્ટમાં ફરિયાદ કરેલ કે ૧૯૯૩ ના વરસ દરમ્યાન હિમાલયન ઇન્સ્ટીટ્યુટમાં તે જયારે ફરજ બજાવતી હતી ત્યારે 30 વખત સ્વામી રામે તેની સાથે જબરદસ્તી પૂર્વક સંભોગ કરેલ. સ્વામી રામના વકીલ ઈરવીન સ્કેન્ડીરે જ્યુરીની આ ડીક્રી ના જવાબમાં દલીલ કરેલ કે તેવું બન્યું હોય તો પણ તે મહિલાની સંમતી થી થયું હોવું જોઈએ !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સિક્કા ની બીજી બાજુ
તાર્કિક રીતે આપણે એક વાત તો સ્વીકારવી જ પડશે કે કર્નાટકના નીથ્યાનંદ બાબા, સિંધ પાકીસ્તાનથી ગુજરાતમાં આવી વસેલા આશારામજી અને ઇન્ડિયા છોડીને અમેરિકા જઈ વસેલા સ્વામી રામ દરેક ના જીવનમાં કાઈક તો અસાધારણ લક્ષણ હતું જેના કારણે તેઓ અનેક ભણેલા ગણેલા પ્રતિષ્ટિત લોકો નો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા હતા.
આજથી દશેક વર્ષ પૂર્વે મુંબઈમાં મારા ઘરે મકરંદ નામના એક મહારાષ્ટ્રીયન યુવકને હું મારા ઘરે અવાર નવાર મારું કોમ્પ્યુટર રીપેર કરવા બોલાવતો. કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર બંનેમાં અતિ નિપુણ હોવાથી મુંબઈ ની મોટી મોટી કંપની અને સંસ્થાઓના રીપેર કામ તેને સતત મળતા રહેતા. તે ધારત તો પુષ્કળ પૈસા કમાઈ શકતે. પણ અતિ સરળ સ્વભાવનો આ સંતોષી યુવક આશારામ બાપુજી નો ચેલો હતો. ત્યારે આશારામજી નો સિતારો ચમકતો હતો અને જયારે પણ ગુરુ આશારામજી બોલાવે ત્યારે આ યુવક અવાર નવાર મહિનાઓ સુધી મુંબઈનો ધંધો છોડી આશારામજીની સેવામાં દોડી જતો. મારે ત્યાં કોમ્પ્યુટર રીપેર દરમ્યાન તેણે મને તેના ગુરુ આશારામજીના અનેક અલોકિક પ્રસંગો કહેલ.
હું માનું છું કે નીથ્યાનંદ બાબા, આશારામજી અને સ્વામી રામ ત્રણેય વ્યક્તિએ તેમના જીવનમાં એક યા બીજા પ્રકારની સાધના કરેલી. એટલુજ નહિ પણ આ સાધના ના માર્ગે આગળ વધતા તેઓ એ કેટલીક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હશેજ. તેમને વરેલી આ સિદ્ધિને કારણે જ તેઓ સમાજના બહુ બધા લોકોને પ્રભાવિત કરવામાં સફ્ળ રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના રાજ નેતાઓ એ આશારામજીના ગુણગાન ગાયા તેમાં કશુજ ખોટું કર્યું નથી. જો કાઈ ખોટું થયું હોય તો એ છે કે ઉપરની ત્રણેય વ્યક્તિઓ ને તેમની સાધના દરમ્યાન જે કાઈ પણ નાની મોટી સિદ્ધિ ઉપલબ્ધ થઇ તેને તેઓ પચાવી શક્યા નહિ.વિશ્વામિત્ર જેમ મેનકામાં મોહી પડ્યા તેવીજ રીતે આ ત્રણેય વ્યક્તિઓ તેમની નજીક ની સ્ત્રીઓના સહવાસમાં કામ વાસના માં લપેટાઈ ગયા. અને પછી તેને તૃપ્ત કરવા ધન સંપતી એકઠી કરતા કરતા સર્વસ્વ ગુમાવી બેઠા.
આપણે સૌ જાણીએ છીએ કે અગ્નિમાં ઘી હોમાય તેમ અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. કામ-વાસના પણ અગ્નિ જેવી છે, જેમ જેમ કામ વાસનાને પોષણ મળે તેમ તેમ તે વધુ ઉદ્દીપ થાય છે. જેમ અગ્નિની નજીકમાં રહેલું ઘી પીગળે છે, તેવુજ સ્ત્રી ની નજીકમાં રહેલ પુરુષમાં રહેલ વાસનાનું છે.
આજ કારણસર ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષની મર્યાદા નો અતિશય આગ્રહ રાખ્યો છે. આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઇ છે અને પ્લેઈનના પાયલટીંગ થી લઇને લશ્કર અને નેવીમાં પણ સેવા પ્રદાન કરતી થઇ છે, ત્યારે સમાજના ઘણા લોકો સ્ત્રી સન્માન ને આગળ ધરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાળવામાં આવતી સ્ત્રી પુરુષ મર્યાદાની ટીકા કરે છે. તેમ છતાં અક્ષર પુરષોત્તમ સંસ્થાના દેશ પરદેશના બધાજ મંદિરો - ઉત્સવો માં આ મર્યાદા પાળવામાં આવે છે. આજ રહસ્ય છે, સંપ્રદાયના થઇ રહેલ સતત વિકાસનું.
No comments:
Post a Comment