Tuesday, July 9, 2019

તંદુરસ્ત રહેવાની ચાવી એટલે આદું

જમીનની અંદર ઊગતાં આદુંનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. વાસ્તવમાં પ્રાચીન કાળથી ચીન, રોમન, ગ્રીસ, અરેબિક તથા સંસ્કૃત ગ્રંથોમાં આદુંના ઉપયોગ વિશે રસપ્રદ માહિતી જોવા મળે છે. આદુંનો પાક મુખ્યત્વે ભારત, જમૈઈકા, ફિઝી, ઈન્ડોનેશિયા તથા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની ચાવી ગણાતા આદું વિશે જાણી લઈએ:

ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. વાસ્તવમાં સવારની પહેલી ચાની મજા તો આદુંના સ્વાદવાળી હોવી જ જોઈએ. આદુંને છીણીને કે થોડું બારીક કચરીને ચા બનાવતાં પહેલાં પાણી ઉકાળી લેવાથી ચાનો સ્વાદ આહ્લાદક બની જાય છે. વળી તેમાં પણ જો ઝરમર વરસાદ વરસતો હોય તથા ગરમાગરમ આદુંવાળી ચા મળી જાય તો પછી એક તરફ ઘરતી ટાઢી બોળ બને તથા બીજી તરફ આપણું દિલો-દિમાગ ચાના સ્વાદમાં રસબોળ બની જાય કેમ બરાબરને! 

બારેમાસ સરળતાથી મળી રહેતું આદું વિવિધ પ્રકારે પણ વેચાવા લાગ્યું છે, જેમ કે આદુંનું તેલ, આદુંનો તૈયાર રસ, આદુંની સૂકાવેલી કતરણ, આદુંને સૂકવીને બનાવેલી આખી સૂંઠ, સૂંઠનો પાઉડર, આદુંની કૅપસ્યુલ પણ બજારમાં મળવા લાગી છે. જિંજર બ્રેડ, જિંગર ટોફી, લૅમન-જિંજર સ્કૉવશ, આદું પાક વગેરે આસાનીથી મળી રહે છે. ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ પ્રાચીનકાળથી જ થતો આવ્યો છે. રસોઈના સ્વાદને વધારવાની સાથે આદું છુપી રીતે સ્વાસ્થ્યની કાળજી પણ લેતું રહે છે. આહાર નિષ્ણાતો દ્વારા આદુંનો ઉપયોગ વિવિધ વાનગી, અથાણાં, સલાડ તથા વાનગીની સજાવટમાં છૂટથી કરવામાં આવતો હોય છે. આદુંમાં વિવિધ વિટામિન થતા મિનરલ્સની માત્રા સમાયેલી છે. દર્દીને માંદગીમાંથી બેઠો કરવાની શક્તિ આદું ધરાવે છે. ‘જિંજરોલ’ નામક સત્વ જે આદુંમાં જોવા મળે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી ગણાય છે. કહેવાય છે કે ૧૦૦ ગ્રામ આદુંમાં ૮૦ કૅલરી, ૧૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટસ્, ૧.૮ ગ્રામ પ્રોટીન, ૨ ગ્રામ ડાયેટરી ફાઈબર, ૪૧૫ મિલિગ્રામ પોટેશિયમ,૦.૨ મિલિગ્રામ મેંગેનિઝ, ૪૩ મિલિગ્રામ મેંગ્નેશિયમ, ૫ મિલિગ્રામ વિટામિન સી, ૩૪ મિલિગ્રામ 

ફોસ્ફરસ તથા ૦.૬ મિલિગ્રામ આયર્ન સમાયેલું છે. 

આદુંના ફાયદા

ઊલટી-ઊબકામાં અકસીર : સવારના સમયે વાતાવરણમાં બદલાવ કે રાત્રિના સમયે મોડું તથા ભારે ખોરાક ખાવાને કારણે સવારના સમયે અનેક વખત ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ સવારના સમયે ખાસ ઊબકા આવવાની તકલીફ રહેતી હોય છે. અનેક વખત કૅન્સરની બીમારીને દૂર કરવા માટે આપવામાં આવતી કિમોથેરાપીને કારણે પણ દર્દીને સવારના સમયે ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. આવા સમયે આદુંની લીંબુ-મીઠું ચડાવેલી કતરણ ચાવી જવાથી અથવા ધીમેધીમે ચૂસવાથી રાહત મળે છે. આદુંની કોઈ આડઅસર પણ થતી નથી. 

ફંગલ ઈન્ફેકશનમાં લાભકારી : ગરમીમાં વધુ પડતો પરસેવો થવાને કારણે કે વધુ પડતું તીખું તળેલો ખોરાક ખાવાને કારણે અનેક લોકોની ત્વચામાં ફંગલ ઈન્ફેકશન કે ફૂગ થાય છે, જેને કારણે વારંવાર ખંજવાળ આવે છે. વળી તે ભાગ લાલ બની જાય છે. આદુંનો ઉપયોગ કરવાથી ફંગલ ઈન્ફેકશનમાં રાહત મળે છે. ઈરાનમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ મોંઢામાં વારંવાર ચાંદાની તકલીફ રહેતી હોય તેમાં આદુંનો ઉપયોગ લાભકારક જોવા મળ્યો.

પેટની બીમારીમાં ફાયદાકારક: કબજિયાતની તકલીફ હોય કે છાતીમાં બળતરા થતી હોય આંતરડામાં ચાંદા પડ્યા હોય તેમાં આદુંનો રસ પીવાથી રાહત મળે છે. 

કૅન્સરના કોષોને બનતાં અટકાવવામાં મદદરૂપ: અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કૅન્સરના કોષોને વધતા અટકાવવામાં આદું ઉપયોગી ગણાય છે. તેનું મુખ્ય કારણ આદુંમાં સમાયેલું જિંજરોલ નામક તત્ત્વ. ઑવેરિયન, પ્રોસ્ટ્રેટ જેવા કૅન્સર સેલને બનતાં અટકાવવામાં ‘જિંજરોલ’ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. 

શરદી-ખાંસીમાં ગુણકારી : ઠંડીની મોસમમાં કે વરસાદી મોસમમાં પલળવાથી કે ગરમીમાં પણ અચાનક શરદી-ખાંસીની તકલીફ થાય ત્યારે આદુંનો રસ કે આદું-લીંબુ-મધ ભેળવીને ગરમાગરમ ચા પીવાથી ફાયદો થાય છે. સૂંઠમાં ગોળ ભેળવીને બનતો સૂંઠપાક પણ ઠંડીમાં ગુણકારી છે. 

હાડકાંના દુખાવામાં, સ્નાયુઓમાં દુખાવો થવા લાગે, લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું અટકાવવામાં કે લોહી જામી જવાની તકલીફમાં આદુંનો કે સૂંઠનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. સવારના નરણાં કોઠે આદુંનો રસ કે સૂંઠ પાઉડરને પાણીમાં પલાળીને પીવાથી ઉપરોક્ત તકલીફથી બચી શકાય છે. 

તાજા આદુંનો ઉપયોગ હિતાવહ ગણાય છે. તાજું ન મળે તો તેની પેસ્ટ કે પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે. ચોમાસામાં બજારમાં એકદમ કૂણું આદું મળે છે, જેમાં રેસાનું પ્રમાણ હોતું નથી. તેની કતરણ બનાવી લીંબુ-મીઠું ચડાવીને સવાર સાંજ ખાવાથી શરીર સ્ફૂર્તિલું બને છે. કઠોળ બનાવ્યા બાદ તેમાં આદુંની કતરણથી સજાવટ કરવાથી સ્વાદિષ્ટ લાગે છે. સલાડમાં પણ આદુંની કતરણનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. તાજા ફળનો રસ કાઢીને તેમાં પણ આદુંનો રસ ભેળવીને સ્વાદ વધારી શકાય છે. આદુંનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો આવશ્યક છે, જેથી તેનો ફાયદો શરીરને થાય. અનેક વખત જોવા મળે છે કે જે તે વસ્તુના ફાયદા જાણ્યા બાદ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના વધે છે. પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. તેથી શરીરને માફક આવે તે પ્રમાણે કોઈ નિષ્ણાતની સલાહ બાદ તેનો ઉપયોગ કરવો.

No comments:

Post a Comment