Wednesday, April 29, 2015

રજસ - તમસ - સત્વ

 
 
ગોવા ખાતેની ” સ્પીરીચ્યુલ સાયન્સ રીસર્ચ ફાઉન્ડેશન” સંસ્થા દ્વારા ‘સત્વ, રજસ અને તમોગુણ’ વિષે કરાયેલ સંશોધન દ્વારા મેળવેલ વિસ્તૃત માહિતી તેમની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે,  જે નીચેની લીંક ક્લિક કરવાથી અથવા આપના બ્રાઉઝર માં કોપી/પેસ્ટ કરવાથી મેળવી શકાશે.
 
 
આજથી બે સૈકા પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપા-પાત્ર સદગુરૂ સંતવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ “ભક્ત-ચિંતામણી” નામનો એક અદભુત ગ્રંથ રચ્યો. આ ગ્રંથમાં પણ ‘સત્વ-રજસ-તમસ’  વિષે વિસ્તૃત માહિતી પ્રકરણ – ૧૬૪ ની નીચે મુજબની ૨૧ થી ૪૨ નંબરની ચોપાઈમાં કરવામાં  આવેલ છે. 
“ભક્તચિંતામણી” ગ્રંથ : પ્રકરણ ૧૬૪ : ચોપાઈ ૨૧ થી ૪૨
કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એહ રે, એકાદશ ભાગવતે જેહ રે……………………. ૨૧
સત્ત્વગુણ માંહિ તજે તન રે, પામે સ્વર્ગલોક તેહ જન રે;
રજોગુણમાં તજે શરીર રે, નરલોક પામે તે અચિર રે…………………. ૨૨
તમોગુણમાં છૂટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તેહ રે;
હું પ્રકટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે……………. ૨૩
મૂર્તિ પૂજ્યે ફળ માગે ત્યારે રે, તે સાત્ત્વિક કર્મ અનુરાગે રે;
તુચ્છ સંકલ્પે પૂજે મૂરતિ રે, એ રજોગુણ કર્મની ગતિ રે………………. ૨૪
હિંસાપ્રાય પ્રતિમા પૂજન રે, તમોગુણી એ કર્મ છે જન રે;
મને મળી કરે કર્મ જેહ રે, ઇછ્યું અણઇછ્યું નિર્ગુણ તેહ રે…………….. ૨૫
કેવળ જ્ઞાન તે સાત્ત્વિક કહીએ રે, શાસ્ત્રજ્ઞાન તે રાજસી લહીએ રે;
પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે……. ૨૬
વાસ સાત્ત્વિક તે વનવાસી રે, વાસ ગામનો તેહ રાજસી રે;
દૂતવિદ્યા દારૂ ચોરી માંસ રે, તિયાં રહેવું એ તામસી વાસ રે………… ૨૭
મારા મંદિરમાં જે નિવાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે;
જે જેમાં સંબંધ મુજ તણો રે, તે તે સર્વે ગુણાતીત ગણો રે……………. ૨૮
ફળ ન ઇચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે;
કરે જજ્ઞ ઇચ્છે ફળ જેહ રે, કર્મ રાજસિ જાણજ્યો તેહ રે……………….. ૨૯
પૂર્વાપર સ્મૃતિ વિભ્રમ રે, કરે જજ્ઞ એ તામસિ કર્મ રે;
મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરુષ એ પાવન રે…………………. ૩૦
અધ્યાત્મ શાસ્ત્રે શ્રદ્ધા જેને રે, સાત્ત્વિક શ્રદ્ધા જાણજ્યો તેને રે;
કર્મકાંડે શ્રદ્ધા જેને થાય રે, તે તો રાજસી શ્રદ્ધા કહેવાય રે……………. ૩૧
શાસ્ત્રવિરોધ જેમાં અધર્મ રે, તેમાં શ્રદ્ધા એ તામસી કર્મ રે;
હું પ્રત્યક્ષ મૂર્તિમાં પ્રીત રે, જેને શ્રદ્ધા તે ત્રિગુણાતીત રે………………. ૩૨
ઉદ્યમ વિના જે ઉત્તમ અન્ન રે, તેહ આહાર સાત્ત્વિક ભોજન રે;
મનવાંછિત જિહ્‍વાને પ્રિય રે, આહાર રાજસી જાણવો તેય રે…………૩૩
અશુદ્ધ દેહને દુઃખદાઈ રે, એવો આહાર તામસી ભાઈ રે;
મારી પ્રસાદીનું અન્ન જેહ રે, અતિ ઉત્તમ નિર્ગુણ તેહ રે………………. ૩૪
આત્મલાભ એ સાત્ત્વિક સુખ રે, વિષયસુખ રાજસિ રહે ભુખ રે;
મોહા દીનપણે સુખ આવે રે, તે તો તામસિ સુખ જ કાવે રે…………. ૩૫
હું પ્રત્યક્ષનો આશ્રય જેને રે, નિર્ગુણ સુખ કહિયે તેને રે;
એમ કહ્યું એકાદશ માંહિ રે, પ્રભુ પ્રત્યક્ષની અધિકાઈ રે………………. ૩૬
કહ્યું શ્રીકૃષ્ણે ઉદ્ધવ આગે રે, અધ્યે પચીશે ગુણવિભાગે રે;
કહી કથા અનુપમ ઘણું રે, પ્રત્યક્ષમાં નિર્ગુણપણું રે…………………… ૩૭
માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તે જ નિર્ગુણ પરમ પવિત્ર રે;
જે જે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તેજ નિર્વિઘન નિરોગ રે…………….. ૩૮
માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે;
છે આ ભક્તચિંતામણિ નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે………. ૩૯
હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે;
સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે……………. ૪૦
શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે;
આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે…………… ૪૧
કથા સુણી આપે દાન જેહ રે, અતિ ઉત્તમ ફળ લહે તેહ રે;
અન્ન વસ્ત્ર વિપ્રને જે ધન રે, એહાદિ સુણી દેશે જે જન રે……………. ૪૨
 Headphone  
સુંદર કંઠે ગવાયેલ ઉપરની ચોપાઈઓ સાંભળવા નીચેની લીંક ઉપર ક્લિક કરો. 
 

 
 

No comments:

Post a Comment