Saturday, August 18, 2018

રાજગરો

ઉત્તર ભારતના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરીને અધિક શક્તિ મેળવે છે. એટલે એના દાણાને રામદાણા કહીને નવાજે છે. એમ તો રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે તો અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ પણ મૂળ તો સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે  પણ ઓળખાય છે. 


રાજગરો એટલે પ્રોટીન્સ, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન્સ હોય છે. તેનું પણ શાક બનાવીને ખાઇ શકાય છે. આવો ગુણિયલ રાજગરો તમે દાણાના રૂપમાં પણ ખાઇ શકો અને લોટ બનાવી વિવિધ વાનગીરૂપે પણ ઉપભોગ કરી શકો છો. 


રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. 


એક બાજુ શ્રાવણનો વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ ભજિયાં ખાવાનું મન થાય અને બીજી બાજુ ઉપવાસી વ્રત પણ હોય તો વચલા માર્ગ તરીકે લોકો બેસન (ચણાના લોટ)ની જગ્યાએ રાજગરાનો લોટ વાપરીને પણ ભજિયા ખાવાની પોતાની ઇચ્છા પૂરી કરે છે ખરાં. આજ કાલ ડાયેટિશિયનો (પોષણ શાસ્ત્રીઓ)પણ ડાયેટ ફૂડ તરીકે જેની ભલામણ કરે છે એ રાજગરાના શું ફાયદા છે એના વિશે હવે જાણીએ.


પચવામાં હલકો છે


રાજગરામાં તો ઘણા ગુણ છે, પણ ઉપવાસીઓમાં લોકપ્રિય બનાવવા માટે આ એક જ ગુણ પર્યાપ્ત છે. રાજગરામાં રહેલા એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. જ્યારે ઘઉંમાં રહેલું ગ્લુટેન પચવામાં ભારે છે. રાજગરો ભૂખને ભાંગે છે. રાજગરાની વાનગી ખાધી હોય તો પેટ ભરાયેલું હોય એવી લાગણી થાય છે. ઉપવાસ કરનારાઓ માટે આ એક ઉત્તમ પદાર્થ છે. હવે તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે તમારી થાળીમાં રાજગરો છે કે નહીં. 


કેલ્શિયમથી ભરપૂર


સાધારણ રીતે કેલ્શિયમ મળે એટલા માટે દૂધ પીવાનું કહેવામાં આવે છે, કારણ કે દૂધ એ કેલ્શિયમ માટેનો ઉત્તમ સ્રોત છે. જોકે, બહુ ઓછા લોકોને એ ખ્યાલ હશે કે રાજગરામાં દૂધ કરતાં બમણા પ્રમાણમાં કેલ્શિયમ છે જે હાડકાંના વિકાસ માટે ઉપયોગી છે અને સાંધાના દુખાવા સામે રક્ષણ આપે છે. દૂધમાં રહેલા લૅક્ટોઝને કારણે એ પચવામાં ભારે છે અને ઘણાને એના સેવનથી કફની સમસ્યા પણ થતી હોય છે એવી પરિસ્થિતિમાં રાજગરો ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે. 


કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખે છે 


રાજગરાના દાણામાં ફાઇટોસ્ટ્રોલ હોય છે તે ઉપરાંત અસંતૃપ્ત ફેટી એસિડ અને સોલ્યુબલ (ઓગળી શકે એવા ફાઇબર) પણ હોય છે, જે ખરાબ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ તો થાય જ છે, ઉપરાંત બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. હૃદયને તંદુરસ્ત રાખે છે. 


વાળ મજબૂત થાય છે 


નિયમિત રાજગરાના સેવનથી અકાળે વાર ખરતા હોય તો એમાં ઘણી રાહત થાય છે. રાજગરામાં લાઇસિન નામનું તત્ત્વ હોય છે જે વાળને ગાઢાં અને મજબૂત બનાવે છે. વળી સિસ્ટીન નામનો પદાર્થ હોય છે જે વાળને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવે છે. 


પોષક તત્ત્વોથી ભરપૂર 

રાજગરામાં કેલ્શિયમ તો ભરપૂર પ્રમાણમાં હોય છે એ આપણે જોયું ,પણ અન્ય ઉપયોગી પોષક તત્ત્વો જેવા કે, લોહ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નેશિયમને કારણે જે વ્યક્તિને માઇગ્રેનની સમસ્યા હોય એને ઘણી રાહત થાય છે, કારણ કે મેગ્નેશિયમ ધમની અને શરીરની અન્ય લોહીની નળીઓને સંકોચાવા દેતું નથી. રાજગરામાં બાયોએક્ટિવ સંયોજનો હોવાથી એ અનેક પ્રકારની એલર્જીથી પણ બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે, કારણ કે રાજગરાના ઉપયોગથી હાઇપરગ્લેસેમિયાનું પ્રમાણ ઘટે છે. બીજા કોઇ પણ અનાજ કરતાં રાજગરામાં પ્રોટીન્સનું પ્રમાણ વિશેષ છે, જે શરીરના એકંદર વિકાસ માટે ઉપયોગી છે. કેરોટિનોઇડ્સ અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોવાથી આંખની તંદુરસ્તી વધે છે. મોટી ઉંમર સુધી મોતિયો આવતો નથી. બીજી એક ઉપયોગી વાત રાજગરામાં એ હોય છે કે તેમાં ચરબીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, જેથી વજન વધવા જેવી સમસ્યા સતાવતી નથી. 


વેરીકોઝ વેઇન્સ


ઘણા લોકોની શરીરની નસો કાયમ માટે ફૂલેલી રહેતી હોય છે. ઉંમર થાય એમ આ સમસ્યા વધતી જાય છે. રાજગરામાં રહેલા ફલેવોનેઇડ્સ આ સમસ્યા દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 


ઉપવાસ ન કર્યો હોય ત્યારે પણ અન્ય અનાજ સાથે ભેળવીને ઉપયોગમાં લેવાથી પ્રોટીન્સ અને એમિનો એસિડનું એવું સંતુલન બની રહે છે જે દૂધ કરતાં પણ બહેતર હોય છે.

No comments:

Post a Comment