Saturday, August 25, 2018

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ


સાબુદાણા એટલે તાત્કાલિક શક્તિ (ઇન્સ્ટન્ટ એનર્જી) મેળવવા માટેનો યોગ્ય ખાદ્ય પદાર્થ. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કપડાને કડક કરવામાં તો વપરાય છે, પણ બીમારી અને અશક્તિને લીધે નરમઘેંશ જેવા થઇ ગયેલા તમારા તનમનને કડકાઇ,શક્તિ અને સ્ફૂર્તિ આપવામાં નિમિત્ત બને છે. તમે આખા દિવસના કામના અંતે ખૂબ થાકી ગયા હોવ ત્યારે એક કામ જરૂર કરજો. પલાળેલા સાબુદાણામાં થોડું મરચું-મીઠું અને શિંગદાણાનો ભૂકો નાખીને ખાઇ જોજો. થોડા જ સમયમાં તમારો થાક ઊતરી જશે. તમે ઘણી વાર જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે કે ઘણા ડૉક્ટર બીમાર માણસને આહારમાં સાબુદાણાની કાંજી બનાવીને પીવાનું કહેતાં હોય છે. . 


સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, જેનાથી તમારા શરીરના સ્નાયુઓ કસાય છે. સ્નાયુઓને નાની-મોટી ઇજા થઇ હોય તો રૂઝ આવી જાય છે. સ્નાયુઓ શક્તિશાળી બને છે. શરીરનો બાંધો મજબૂત બને છે. સાબુદાણામાં કેલ્શિયમ અને લોખંડ પણ હોઇ હાડકાં પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. સાબુદાણાના નિયમિત ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદયરોગની બીમારી સતાવતી નથી. જે લોકોની કાયા સાવ માયકાંગલી (વધુ પડતી પાતળી) છે કે જેમનું વજન જરૂર કરતાં ઓછું હોય તેમણે તો અવશ્ય પોતાના રોજના આહારમાં સાબુદાણાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઇએ. શરીરને મજબૂત બાંધા સાથે ભરાવદાર બનાવવા માટે સાબુદાણા શ્રેષ્ઠ છે. 


સાબુદાણા: નાના બાળકો માટે દૂધ પછીનો સૌપ્રથમ શ્રેષ્ઠ ઘન ખોરાક


નાના બાળકોને એક તો દાંત નથી હોતા અને તેમની પાચનક્રિયા પણ હજી અપરિપક્વ હોય છે. આવા સમયમાં દૂધ પછી જ્યારે એને ઘન(સોલિડ) ખોરાક આપવાનું વિચારો ત્યારે રવાનો શીરો તો ઉત્તમ છે જ પણ દિલ્હીની એક પ્રખ્યાત હૉસ્પિટલના મહિલા ડૉક્ટર અને પોષણ શાસ્ત્રી તો કહે છે કે આ રવા કરતાં પણ સાબુદાણા ઉત્તમ છે. રવામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પણ સાબુદાણામાં તો કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિમ અને લોહ જેવા તત્ત્વો મોજૂદ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. સાબુદાણા ચોક્કસ તમારા બાળકો માટેનો પહેલો સોલિડ અને શ્રેષ્ઠ ખોરાક બની શકે છે. પચવામાં હલકાં એવા સાબુદાણા તમારા સંતાનને કબજિયાત, અતિસાર અને અપચાથી તો બચાવે જ છે. 


સાથે સાથે તેમનું વજન વધારવામાં અને હાડકા તેમ જ સ્નાયુઓના સમતોલ વિકાસમાં અત્યંત ઉપયોગી નીવડે છે. આખો દિવસ બાળકને શક્તિ અને સ્ફૂર્તિથી ભરપૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે સાબુદાણા ઉનાળાના દિવસોમાં પણ ઉપયોગી છે, કારણ કે ગુણમાં શીતળ હોવાથી ગરમીના દિવસોમાં શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરીને એને ઠંડું રાખે છે.

No comments:

Post a Comment