Saturday, August 17, 2019

અળવીના પાનના ગુણો

અળવીના પાનને પસંદ કઈ રીતે કરવા:


અળવીના પાન ઘેરા લીલા રંગના મધ્યમ આકારના પાનને પસંદ કરવા. પાનની દાંડી કાળા રંગની હોય તે જોવું. મકાઈ પાતળ ભાજી કે પાતળ ભાજી બનાવવા માટે ચોમાચામાં ખાસ નાના કુણા પાન મળે છે તેનો ઉપયોગ કરવો. ભાજી વધુ સ્વાદિષ્ટ બને છે. પાનની દાંડી તથા નસને હળવે હાથે ધારદાર ચપ્પુથી કાપી લેવી. નાની કાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાન તાજા લેવા. કાળા પડી ગયેલાં કે ચીમળાઈ ગયેલાં પાનનો ઉપયોગ ટાળવો. ફ્રિઝમાં રાખેલાં પાનને બદલે બનાવવા હોય ત્યારે જ ખરીદીને ઉપયોગ કરવો હિતાવહ છે. ફ્રિઝમાં રાખવા હોય તો સ્વચ્છ કોરા કપડાંમાં વિંટાળીને તેને બે-ત્રણ દિવસ રાખી શકાય છે.


-----------------------


અળવીના પાનના ગુણો જાણી લઈએ


એન્ટિઑક્સિડન્ટના ગુણો ધરાવે છે: વિટામિન સીની માત્રા પાનમાં ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે જે કૅન્સર થવાનું એક કારણ ગણાય છે.


રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે: એક મોટા અળવીના પાનમાં ૮૬ ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.


આંખોનું તેજ વધારે છે: પાતરાંના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.


વજન ઘટાડવામાં મદદરૂપ: અળવીના પાનમાં ફેટનું પ્રમાણ જોવા મળતું નથી. વળી પ્રોટિન ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. શરીરની ચરબી ઉતારવાની સાથે મસલ્સ વધારે મજબૂત બને તે માટે પ્રોટિનયુક્ત આહાર લેવો જોઈએ. પાતરાંને બાફીને કે વઘારીને તેનો ઉપયોગ કરવો. તળેલાં પાતરાં ચરબી અચૂક વધારશે. 


બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : અળવીના પાનમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે. 


એનિમિયાની તકલીફમાં રાહત: અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા.પાતરવેલિયા બનાવવાને કડાકૂટ ન ગણી વરસાદી મોસમમાં ઘરે જ બનાવીને શુદ્ધ-સાત્વિક ફરસાણનો આનંદ માણવાનું રખે ચૂકતાં!


મકાઈ પાતળ ભાજી બનાવવાની રીત: ૧ નંગ મકાઈના દાણા, ૧ ઝૂડી પાતરાંના નાના પાન, ૧ કપ ચણાની દાળ, ૨ કળી લસણ, ૧ ચમચી અજમો, ૧ ચમચી ઘી, ૧ ચમચી માખણ, કીચનકિંગ મસાલો ૧ ચમચી, હિંગ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે,૧ નાનો ટુકડો ગોળ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ,૧ ચમચી લીંબુનો રસ, સજાવટ માટે બાફેલાં મકાઈદાણા તથા આદુંની કતરણ.


બનાવવાની રીત: ચણાની દાળને તથા મકાઈના દાણાને બાફી લેવા. 


એક કડાઈમાં ઘી-માખણ ગરમ કરી અજમાથી વઘાર કરો. તેમાં ચણાની દાળ, મકાઈના બાફેલા દાણા વઘારવા. થોડું પાણી નાખી થોડી વખત પકાવો. અળવીના પાનને ઝીણાં સમારીને ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદું મરચાંની પેસ્ટ, ગોળ, કિચન કિંગ મસાલો નાખી બરાબર સીઝવો. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતી વખતે ઉપરથી મકાઈના દાણા તથા આદુંની લીંબુ-મીઠું લગાવેલી કતરણથી સજાવી ગરમાગરમ પીરસો. કૂણા પાનનો ઉપયોગ કરવાથી ભાજી અત્યંત સ્વાદિષ્ટ બનશે. 


No comments:

Post a Comment