Monday, March 19, 2018

આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી???લેખાંક(૨)

          આજકાલ વ્હોટસ એપ ઉપર જાત જાતની  વિભિન્ન વિચારધારાની વીડીયો ક્લિપ્સ મને મળતી રહે છે.
જેમકે એક વીડીયો કલીપમાં આજની યુવા પેઢી ને વૃદ્ધ માતા -પિતા ની સાર સંભાળ રાખવાની ભલામણ કરતી કોઈ હૃદય સ્પર્શી કિસ્સાની રજૂઆત કરીને કરવામાં આવે છે. તો બીજા દિવસે તે જ વ્યક્તિ તરફ થી કોઈ નિવૃત્ત ફેમીલી કોર્ટના જજ નું મંતવ્ય અને એવી સલાહ સુચન આપતો સંદેશ હોય છે કે કુટુંબ ની સુખ શાંતિ ઈચ્છતા વૃદ્ધ મા-બાપે તેમના યુવાન પરણેલા પુત્ર અને પુત્ર વધુ અને પૌત્રો અને પૌત્રીઓ ના ઉછેર બાબત દખલગીરી કરવી નહી. બની શકે તો સંતાનો પાસેથી કશી અપેક્ષા રાખવાને બદલે પાછલી વૃદ્ધ અવસ્થા માટે જાતેજ પૂર્વ તૈયારી - જરૂરી બચત કરી આયોજન કરી રાખવું.

          મને નવાઈ એ વાત ની લાગે છે કે બે વિભિન્ન વિચાર ધારા ના સંદેશ એકજ વ્યક્તિ તરફ થી પોતાના ગ્રુપમાં બધાને મોકલવા માં આવે છે. અને આ "હિસ્સો હિસ્સો હઈસો" Message Forward કરવાનો સીલ સીલો ચાલુ રહે છે. મોકલનાર ક્યારે પણ એ તકલીફ લેતો નથી કે આવી વાહિયાત - આપણી ભારતીય સંસ્કૃતિ થી વિપરીત સલાહ સૂચન કરનાર નિવૃત્ત ફેમીલી કોર્ટ ના જજે તેનું નામ કેમ જણાવ્યું નથી અને ખરેખર આવો મેસેજ કોઈ જજે તૈયાર કર્યો છે કે કોઈ IT પ્રોફેશનલ સંસ્કારહીન માં બાપ ની સ્વછંદી અને સાસુ-સસરાથી દુર ભાગનારી મહિલા એ આ ગતકડું વહેતું કર્યું છે?

          મારી જેમ તમોને પણ જરૂર એક કરતા વધારે વિડીયો ક્લિપ્સ એવા સંદેશ ની મળી હશે કે ઈંટ પત્થર ના મંદિરો બાંધવાને બદલે હોસ્પિટલો અને જાજરુઓ બાંધવા જોઈએ. મંદિર નિર્માણ કે મંદિરો માં પૈસા આપવાનું બંધ કરો. અને તમે પણ કદાચ આવી  સુધારાવાદી ની જમાત માં સામેલ થઈને હોંશે હોંશે આવા વીડીયો ક્લિપ્સ ગ્રુપમાં બધાને મોકલી એક મહાન કાર્ય કર્યા નો અહેસાસ અનુભવ્યો હશે.

         પણ ક્યારે પણ એ વિચાર કર્યો છે કે આપણા પૂર્વજો એ શા માટે ભારતમાં આટલા બધા મંદિરો 
બાંધ્યા હતા? ભગવાન સ્વામિનારાયણે તેમની હૈયાતીમાં ૬ મંદિરો બનાવ્યા. તેમાં પણ અમદાવાદ કાળુપુર
વિસ્તાર માં આવેલ મંદિર માટે તો તે વખત ના ગોરા હાકેમ સર ડનલોપે ખાસ ઇન્ગલાન્ડ સ્થિત રાણી વિક્ટોરિયા ની પરવાનગી મેળવી મંદિર માટે જગા ભેટ આપેલ. તો શું આવા સંદેશ મોકલનાર અને તેને પોતાના ગ્રુપ માં વગર વિચારે આગળ ફોરવર્ડ કરનાર  ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર ડનલોપ કરતા વધુ ડાહયા-સમજદાર અને બુદ્ધિશાળી લોકો છે કે?

         પૂજ્ય ડોક્ટર સ્વામી એ ખુલાસો કરેલ તે મુજબ મંદિર, શાસ્ત્રો અને સંતો આપણી વેદ સંસ્કૃતિ અને સંસ્કાર ની જાળવણી માટે અતિ મહત્વ ના છે. જાજરૂ બાંધવાની જવાબદારી સરકાર - અને મ્યુનીસીપાલીટી 
ની છે, જેને તમે ટેક્ષ - વેરો ભરો છો. અને હોસ્પિટલો બાંધ્યા પછી જરૂરી પ્રમાણિક ડોકટરો, નર્સો અને 
સેવાભાવી સ્ટાફ કઈ ફેક્ટરી માંથી લાવશો?

         આ હકીકત એક વાત જરૂર પુરવાર કરે છે કે આજનો મહાશાળાઓની ઉચ્ચ ડીગ્રી ધારી આપણો સમાજ દિવસે દિવસે વધુ ને વધુ દિશા શૂન્ય થતો જાય છે. તેમના મતે માનવ જીવન નો એક માત્ર ઉદ્દેશ વધુ માં વધુ પૈસો યેન કેન પ્રકારે ભેગો કરી વૈભવશાળી જીવન શૈલી અને દરેક ક્ષેત્રની  હરીફાઈમાં બીજા કરતા આગળ નીકળી માન પાન પ્રાપ્તિ અને પ્રસિદ્ધિ  મેળવવા શિવાય વિશેષ કાઈ જ નથી. ટી વી ઉપર ની ચેનલ INDIA GOT TALENTS કે પછી AMERICA GOT TALENTS માં નાના બાલ-બાલિકાઓ ને આજ માર્ગે આગળ વધવાની પ્રેરણા પોષવા માં આવે છે. 

        દિવસે દિવસે માનવ-માનવની  જીવન જીવવા ની સ્પષ્ટ વિચારધારાના અભાવ ને કારણે સમાજ માં ઘર્ષણ, અસંતોષ વધતો જાય છે. સયુંકત કુટુંબ વ્યવસ્થા તો ક્યારની લુપ્ત થઇ ગઈ, અમે બે અને અમારા બે 
ની કુટુંબ વ્યવસ્થા માં પણ હવે "મારું - તારું" અને આ મારી નહિ પણ તારી જવાબદારી છે નો વિવાદ શરુ 
થઇ જ ગયો છે.

        કહેવત છે "કુવામાં હોય તો અવેડા માં આવે". હવે જયારે માબાપ માં જ સંસ્કાર ના હોય ત્યારે તેના સંતાનો માં સંસ્કાર ક્યાંથી આવવાના? આજના યુગ ની શાળા મહાશાળાઓ બધીજ વિદ્યા શીખવે છે શિવાય એક સંસ્કાર.

         અને સંસ્કાર મેળવવાનો એક માત્ર સ્તોત્ર હવે રહ્યો છે - આપણા મંદિરો માં સાધુ સંતો દ્વારા થતી આપણા શાસ્ત્ર ગ્રંથો જેવા કે રામાયણ, મહા ભારત, શ્રીમદ ભાગવત આધારિત કથા વાર્તા અને સત્સંગ.

         પશ્ચિમી જગતના ફૂંકાયેલ પવન થી વિકૃત થયેલ આજની આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી તે દરેક બુદ્ધિશાળી ભારતીય નાગરિકે શાંતિથી પોત પોતાની રીતે વિચારવાનો - ચકાશવાનો અને તપાસી જોવાનો વખત પાકી ગયો છે.

          

          





No comments:

Post a Comment