Monday, March 26, 2018

મારી નજરે - માનવ જીવન - લેખાંક (૪)

પ્રસંગ (૪)

આજથી ૧૮ વર્ષ પહેલા કુવૈત માં સત્સંગ શિબિર દરમ્યાન પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીને મુખે સાંભળેલ આ પ્રસંગ વિષે અહિયાં હું કોઈ દસ્તાવેજી પ્રમાણ આપી શકું તેમ નથી. પ્રસંગ આ મુજબ છે.

અમદાવાદ માં કાપડ ની મિલના માલિક એક અતિ ધનાઢ્ય શેઠ રહેતા હતા. સત્યસંકલ્પ સ્વામીએ ૨૦૦૦ ની સાલમાં આ પ્રસંગ કહ્યો ત્યારે તે શેઠ જીવતા હતા અને તેમનું નામ પણ જણાવેલ જે હવે મને યાદ નથી. કુટુંબ પરંપરા અનુસાર આ શેઠે જીવન પર્યંત અમદાવાદના ભદ્રના કિલ્લા માં આવેલ ભદ્રકાળી માતાજી ની પૂજા અર્ચના અને આરાધના અતિ ભક્તિભાવ પૂર્વક કરેલ. તેની ફલશ્રુતિ રૂપે ભદ્રકાળી માતાજી તેમના ઉપર પ્રસન્ન થઈને સ્વપ્ન માં દર્શન આપ્યા અને શેઠ ને વરદાન માંગવા કહ્યું.

વયોવ્રદ્ધ ઉંમરે પહોચેલા શેઠે માતાજી ને કીધું કે "ધન દોલત સંતાન સુખ સાહ્યબી આ પૃથ્વી ઉપર નો માનવી જે કાઈ પણ અપેક્ષા રાખે તે બધુજ મારી પાસે છે. હવે તો ઉંમર થઇ છે, એટલે મ્રત્યુ પછી આ જીવને મોક્ષ પ્રાપ્તિ થાય એટલી એક અરજ મારી કૃપા કરીને સ્વીકારો." "ત્યારે મા ભદ્રકાળી એ કીધું  કે શેઠ હું તો શક્તિ ની દેવી છું. તમારા ગમે તેવા શક્તિશાળી દુશ્મન સામે તમે જીત મેળવી શકો, તમારા બધાજ દુશ્મનો ધૂળ ચાટતા થઇ જાય તેવું વરદાન આપી શકું.તમારા ધન ભંડાર છલકાઈ જાય તેવી શક્તિ આપી શકું. પણ મોક્ષ ને આપનાર તો એક માત્ર કાલુપુર મંદિરના રંગ મહોલ માં  વિરાજમાન ઘનશ્યામ મહારાજ છે."

ત્યારબાદ આ શેઠે ભદ્રકાળી માતાજી એ કહ્યા મુજબ કાળુપુર મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ ની એવીજ ભક્તિ ભાવ પૂર્વક આરાધના શરુ કરી. અને એક દિવસ રંગ માહોલમાં બિરાજમાન આ ઘનશ્યામ મહારાજે પોતાના ગળા માં રહેલો ફૂલ નો હાર આ શેઠને પહેરાવી તેમની ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિની અરજ સ્વીકારી.

આ પ્રસંગ ની વાત કર્યા પછી સત્યસંકલ્પ સ્વામી એ બે વાત કહેલ (૧) આ હકીકત  વિષે જેને પણ કાઈ શંકા -કુશંકા હોય તેમણે અમદાવાદ સ્થિત આ શેઠ (નામ દઈને ) નો સંપર્ક કરી શકે છે. (૨) મારી સત્સંગ સભામાં આવતા સૌ હરિભક્તો ને મારી એક નમ્ર વિનંતી છે. કે સભા બાદ બહાર નીકળ્યા પછી જો તમારે મન ગમતી રીતે જીવન જીવવું હોય - જેમકે શિક્ષાપત્રી માં નિષેધ કરેલ 'લસણ - ડુંગળી અને બહાર ની હોટલ ખુમચા નું જ્યાં ત્યાં ખાવું હોય, તો કૃપા કરીને હવે પછી મારા સત્સંગમાં આવવાની તકલીફ લેશો માં. તમોને તો કશો ફર્ક નહિ પડે પણ મારું સાધુપણું જરૂર લજવાશે. લોકો કહેશે - સત્યસંકલ્પ સ્વામી ના સત્સંગમાં જતો હરિભક્ત આવો શિક્ષાપત્રી માં મહારાજે આપેલ આજ્ઞા નો લોપ કરવા વાળો?"

સુજ્ઞ વાંચકો, આ પ્રસંગ ઉપર થી વિચારી જોજો - મંથન કરજો કે અનાજ વેચતી રેશનીંગની દુકાન ની લાંબી લાઈન માં ઉભી રહેલ કોઈ વ્યક્તિ પોતાનો નંબર આવે ત્યારે દુકાનદાર પાસે જલેબી - ફાફડા માંગે અને દુકાનદાર તેને કંદોઈ ની દુકાને જવા કહે તેવી ભૂલ જીવન માં તમે તો કરી રહ્યા નથી ને ?


પ્રસંગ (૫)

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છ-ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપ પછી ભુજમાં બીએપીએસ સંસ્થા દ્વારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ના માર્ગ દર્શન નીચે રાહત કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે ભારત સરકાર ના મુખ્ય વિજ્ઞાનિક સલાહકાર તરીકે ભુજ માં ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ અને પૂજ્ય બ્રહ્મવિહારી સાહેબ ની પ્રથમ મુલાકાત થયેલ. ત્યારે આપણા કલામ સાહેબ ઓક્ષફોર્ડ યુનીવર્સીટી ના ગોલ્ડ મેડલીસ્ટ અને જનસંપર્કમાં  નિષ્ણાત બ્રહમવિહારી સ્વામી થી અતિ પ્રભાવિત થયા. એટલુંજ નહી પણ બ્રહમવિહારી સ્વામી ના ગુરુ અને બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામી ની વ્યક્તિગત મુલાકાત માટે ઉત્સુક થયા.

પછી તો રામેશ્વરમ ના માછલી પકડવાનો વ્યવસાય કરતા એક મુસ્લિમ પરિવારમાં જન્મ લઈને, રોકેટ અને અણુ વિજ્ઞાનમાં ઉચ્ચ ડીગ્રી મેળવી ભારતના રાષ્ટ્રપતિ તરીકે નો સૌથી ઉંચો હોદ્દો મેળવનાર  ડોક્ટર કલામ સાહેબ અને હિંદુ જન સમુદાય ના જગત વંદનીય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી વચ્ચે એક અનેરો સેતુ રચાયો.

ગુજરાતી માતૃભાષા વાળા પ્રમુખ સ્વામી અંગ્રેજી ભાષા નહોતા જાણતા અને તેમનું હિન્દી પણ બાવા બન્યા એટલે હિન્દી બોલના પડતા હૈ જેવું હતું. તો બીજી તરફ તામીલ માતૃભાસી કલામ સાહેબ નું  હિન્દી પણ એવુજ હતું. એટલે બંને વચ્ચેના  વાર્તાલાપ માં ઘણુખરું પુ.બ્રહ્મવિહારી સ્વામી દુભાષિયા નો પાઠ ભજવતા. આવા વાર્તાલાપ ની પુ,બ્રહ્મવિહારી સ્વામીએ તેમના પ્રવર્ચનો દ્વારા આપેલી કેટલીક રસપ્રદ માહિતી નું આચમન કરીએ.

એક વખત કલામ સાહેબે પૂછાવ્યું કે સ્વામી ને પૂછો  કે મને સાધુ બનાવશે કે? તો સ્વામી એ ઉત્તર માં કહેવડાવ્યું કે - તમોએ લગ્ન કર્યા નથી અને સાધુ જેમ માનવ સેવા કરે છે તેમ તમો પણ રાષ્ટ્રપતી તરીકે દેશની સેવા કરો છો. એટલે તમે સાધુ જ છો.

તો એક વખત કલામ સાહેબે સ્વામીને તેમના સૌ સંત મંડળ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રોકાણ અને ભોજન લેવા આમન્ત્રણ મોકલાવ્યું. તેના જવાબ માં સ્વામીએ મર્માળુ હાસ્ય કરીને કીધું કે - બ્રહમવિહારી, કલામ સાહેબે તો આમન્ત્રણ પાઠવ્યું. પણ આપણે સાધુઓ નો સંઘ રાષ્ટ્રપતિ ભવન માં લઇ જતા પહેલા યજમાન ને તકલીફ ના પડે તેનો વિચાર તો કરવો જોઈએ ને. આપણા ૧૦૦ - ૧૫૦ સાધુઓ નો સંઘ રાષ્ટ્રપતી ભવન પહોંચે અને વહેલી સવારે રાષ્ટ્રપતી ભવન માં દોરી ઉપર ૧૦૦ - ૧૫૦ જેટલા ભગવા ધોતિયા સુકવાય તો મેડિયા અને છાપાવાળા ને તો હો -હા કરવાનું બહાનું મળી જાય. એટલે કલામ સાહેબ ને  કહો કે તમે જયારે જયારે  અમોને યાદ કરશો ત્યારે અમે તમારી સાથેજ  હોવાની પ્રતીતિ કરાવશું. અને ત્યારબાદ આવી અનેક અનુભૂતિ થયાની નોંધ  કલામ સાહેબે તેમના પુસ્તક TRANSCENDENCE માં લખી છે.

પુ.બ્રહ્મવિહારી સ્વામી એ કલામ સાહેબ ના રામેસ્વરમ ખાતે ના ઘરની  બે વખત લીધેલ મુલાકાત ના સંદર્ભ માં વધુમાં જણાવે છે કે; પહેલી વખત ની મુલાકાત દરમ્યાન કલામ સાહેબે એક અલાયદા રૂમમાં તેમને મળેલા મેડલો, માન-ઈલ્કાબ ના સર્ટીફીકેટો, મહાનુભાવો સાથેની તેમની મુલાકાત ના ફોટાઓ, તેમણે લખેલ પુસ્તકો વગેરે મુલાકાતીઓ ની જાણ માટે પ્રદર્શન માં મુકેલ.

બીજી અને છેલી મુલાકાત દરમ્યાન તેઓ એ જોયું કે કલામ સાહેબે પ્રદર્શન માં મુકેલ બધીજ વસ્તુઓ ને એક લાકડા ની મોટી જૂની પેટી માં પધરાવી દીધેલ. તેમને મળેલ ભારત રત્ન ના ઈલ્કાબ નું સર્ટીફિકેટ પણ રદ્દી ની માફક પેટી માં પુરાઈ ગયેલ. તેમના જીવન માં આ બદલાવ પ્રમુખસ્વામી જોડે ની તેમની કેટલીક મુલાકાતો બાદ આવેલ. સ્વામી જોડે ના આત્મીય જોડાણ પછી તેઓ એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે પૃથ્વી ઉપરના જીવન દરમ્યાન તમણે મેળવેલ બધીજ સિદ્ધિ ની અવધી હવે પૂરી થઇ ગઈ હતી.

રોકેટ વિજ્ઞાની કલામ સાહેબે તેમના પુસ્તક TRANSCENDENCE માં લખ્યું છે કે
"મારા અંતિમ ગુરુ પ્રમુખ સ્વામી એ મને એવી ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે કે હવે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરત રહી નથી"

સુજ્ઞ વાંચકો, વિચારો, મનોમંથન કરો કે તમે કઈ ભ્રમણકક્ષા માં જવા કેવા પ્રયત્નો અને કેવી પ્રવૃત્તિ કરી રહ્યા છો ?????

No comments:

Post a Comment